Punjanm - 46 books and stories free download online pdf in Gujarati

પુનર્જન્મ - 46

પુનર્જન્મ 46

અજયસિંહનો સેક્રેટરી મોહન જીપમાં ઉભો હતો. એના હાથમાં ગન હતી. એની નજર આખા સિનેરીયો પર હતી. આજે એની પાસે મોકો હતો અજયસિંહના હરીફને સબક શિખવાડવાનો, અને એ આ મોકો હાથથી જવા દેવા નહોતો માંગતો. રાજકારણમાં આગળ આવવા શું કરવું જોઈએ એ મોહન બરાબર જાણતો હતો. આ ગુના માટે બે પાંચ વર્ષ જેલમાં જવું પડે તો પણ મોહન એના માટે તૈયાર હતો. બળવંતરાયની હાલત ખરાબ હતી. અનિકેત મોહનની તરફ ગયો અને આ તોફાન રોકવા કહ્યું. પણ જવાબમાં એ માત્ર હસ્યો. પોતે આજે આ આખા પ્લોટનો સર્વેસર્વા હતો, મોહનને એનું અભિમાન હતું.
અનિકેત તદ્દન સાહજીકતાથી અજયસિંહના સમાચાર પૂછતો જીપ પર ચઢ્યો. મોહન, અનિકેત માટે તદ્દન બેફિકર હતો. કેમકે એ જાણતો હતો કે અનિકેત પોતાનો માણસ છે અને અનિકેત, બળવંતરાયનો કટ્ટર દુશ્મન પણ છે. અને પોતે અજયસિંહનો જમણો હાથ છે. પણ અહીં એની ગણતરી ખોટી પડી. અનિકેત એની નજીક ગયો. મોહનનું સમગ્ર ધ્યાન ધિંગાણાં તરફ હતું. અનિકેત મોહનની નજીક ગયો અને એક ધારદાર ચાપટ એની ગરદન પર મારી અને સેકન્ડોમાં એના હાથની ગન છીનવી એના લમણે મૂકી દીધી. મોહનને મોત નજીક દેખાયું. અનિકેતે એને આદેશ આપ્યો કે મારામારી રોકાવે અને મારામારી રોકાઈ ગઈ.
બળવંતરાયના માણસોને મોકો મળ્યો. એમના એક માણસે જીપ સ્ટાર્ટ કરી અને બીજા બળવંતરાયના માણસો દોડી એમાં બેસી ગયા. એ લોકો એમની જીપ લઈને ભાગી ગયા. દરેકને પોતાનો જીવ વ્હાલો હતો. કોઈને બળવંતરાય યાદ ના આવ્યા.
અજયસિંહના માણસો સાઈડમાં ઉભા રહી ગયા. અનિકેતે તમામ શસ્ત્રો ભેગા કરી એની જીપમાં મુકવાનો આદેશ આપ્યો. કોઈ પ્રતિક્રિયા ના થઇ. અનિકેતે એનો હાથ મોહનની શ્વાસનળી પર દબાવ્યો. મોહનનો શ્વાસ રૂંધાયો. મોહને એના માણસને આદેશ આપ્યો. મોહનનો એક માણસ નીચે પડેલા અને દરેક વ્યક્તિના હાથમાં રહેલા શસ્ત્રો ભેગા કરી અનિકેતની જીપમાં મૂકી આવ્યો. અનિકેતે બધાને દૂર એક લાઈનમાં ઉભા રાખ્યા. મોહનને લઈ અનિકેત જીપની નીચે ઉતર્યો.
અનિકેતે મોહનને આદેશ આપ્યો, બળવંતરાયના માથે લોહી બંધ કરવા કપડું બંધાવે. મોહને એના આદેશનું પાલન કરાવ્યું. બળવંતરાય ભાનમાં હતા. એમના માથે એક કપડું કસકસાવીને બાંધ્યું હતું. એ અનિકેતને જોઈ રહ્યા હતા. અનિકેતે બળવંતરાયને પોતાની જીપમાં સુવડાવવાનો આદેશ આપ્યો. એક માણસે બળવંતરાયને ઉંચકી અનિકેતની જીપમાં સુવડાવ્યા. અનિકેત મોહનને સાથે લઈ જીપ તરફ ગયો અને મોહનને સાથે લઈ જીપમાં બેઠો. અનિકેતની ગન મોહનના લમણે હતી. મોહને જીપ સ્ટાર્ટ કરી. બધાને મૂકી જીપ સડસડાટ ચાલી ગઈ. અનિકેતે જીપ જ્યાં અજયસિંહ ઉભો હતો એની વિરુદ્ધ સાઈડ લેવડાવી. અનિકેતને ખબર હતી કે આવી વાત માટે અજયસિંહ જાતે એનો પીછો નહિ કરે. અને એને ખબર પડે એ પહેલાં જેટલું દૂર જવાય એટલું દૂર જતું રહેવું. જીપનો કાંટો 100 બતાવતો હતો.

લગભગ પાંચ કિલોમીટર દૂર ગયા પછી અનિકેતે જીપ ઉભી રખાવી. મોહનને જીપથી દુર મોકલ્યો. અનિકેત દ્રાઇવીંગ સીટ પર બેઠો. ગન પરથી પોતાના હાથની છાપ દૂર કરી એ ગન રોડ પર દૂર નાંખી અને જીપ રવાના કરી. મોહન એને જતો જોઈ રહ્યો. મોહનની તમામ ગણતરી ખોટી પડી. એ મનોમન ગુસ્સે થયો. અનિકેત... અજયસિંહ તને છોડશે નહિ, યાદ રાખજે. પણ આ શબ્દો સાંભળવા અનિકેત હાજર ન હતો.
બળવંતરાયને સમજમાં નહોતું આવતું કે અનિકેત શું કરવા માંગે છે. પણ એક વાત નક્કી હતી કે આજે અનિકેત ના હોત તો એ ત્યાંજ મરી જાત. મનમાં એક વિચાર આવ્યો ક્યાંક અનિકેત પોતાની વ્યક્તિગત દુશ્મની તો નહીં ઉતારે ને ?
ત્રણ કિલોમીટર આગળ જઇ અનિકેતે જીપ ઉભી રાખી. જીપમાં પડેલા તમામ શસ્ત્રો સાઈડના એક ખાડામાં નાખ્યા. અને બળવંતરાય ને પૂછ્યું, " જીપ ક્યાં લઈ લઉં. "
બળવંતરાયે એમના ખાસ દોસ્તની હોસ્પિટલનું એડ્રેસ આપ્યું અને અનિકેતનો મોબાઈલ માંગ્યો. બળવંતરાયના કપડાં તો ફાટી ગયા હતા. એમનો મોબાઈલ અને પર્સ પણ ગાયબ હતા. અનિકેતે બળવંતરાયને મોબાઈલ આપ્યો. બળવંતરાયે એમના ખાસ મિત્ર એવા ડોકટરને ફોન કર્યો અને બીજો ફોન એમના ખાસ મિત્ર એવા હોમ મિનિસ્ટરના પ્રાઇવેટ નમ્બર પર કર્યો.

*** *** *** *** *** *** *** ***

બળવંતરાયને લઈ અનિકેત નિસર્ગ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના કંમ્પાઉન્ડમાં એન્ટર થયો. મેઈન ગેટ અડધો ખુલ્લો હતો. સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો. અનિકેતે જીપ ઉભી રાખી. પોલીસે બળવંતરાયને જોયા અને દરવાજો ખોલી નાખ્યો. ઇમર્જનસી આગળ અનિકેત જીપ લઈ ગયો. હોસ્પિટલના માણસો તૈયાર જ હતા. બળવંતરાયને સ્ટ્રેચર પર સુવડાવી અંદર લઈ ગયા. પોલીસ બંદોબસ્તથી આખો એરિયા ભરાઈ ગયો હતો.
પોલીસે અનિકેત પર પ્રશ્નોનો મારો ચલાવ્યો. પણ એટલામાં ડોકટરે અનિકેત અને પોલીસ ઓફિસરને અંદર બોલાવ્યા. બળવંતરાયે પોલીસ ઓફિસરને સૂચના આપી કે સ્ટેટમેન્ટ એ પોતે આપશે. અનિકેતને કોઈ પણ પ્રશ્ન કોઈએ પૂછવો નહિ.
હોમ મિનિસ્ટરનો આદેશ હતો કે બળવંતરાયને પૂરેપૂરું પ્રોટેક્શન મળે અને એમનું સ્ટેટમેન્ટ હોમ મિનિસ્ટરને પહોંચાડવામાં આવે. કોઈ પણ એક્શન હોમ મિનિસ્ટરની પરમિશન પછી જ લેવામાં આવે.
અનિકેત બહાર લોબીમાં આવ્યો અને બાંકડા પર બેઠો. બળવંતરાયનો એમ.આર.આઈ અને બીજા ટેસ્ટ કરવામાં આવ્યા. માથામાં અંદર કોઈ ગંભીર ઇજા ન હતી, પણ લોહી ખૂબ વહી ગયું હતું. તાત્કાલિક લોહી આપવું પડે એમ હતું. અનિકેતે લોહી આપવાની તૈયારી બતાવી.
બળવંતરાયને સ્પે.વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા. અનિકેતે લોહી આપ્યું જે બળવંતરાયને ચડાવવામાં આવ્યું. બળવંતરાયે અનિકેતના બધા ટેસ્ટ કરાવ્યા. અનિકેતને બેઠા માર સિવાય બીજી કોઈ ઇજા ન હતી. ડોકટરે અનિકેતને દવાઓ અને જરૂરી સૂચનાઓ આપી. બળવંતરાયના સગા સંબધી, મિત્રો વગેરે આવી ગયા હતા.
હવે અનિકેતને લાગ્યું કે બળવંતરાય સલામત છે. એણે જવા માટે રજા માંગી. પોલીસ ઓફિસરે હોમ મિનિસ્ટરીની પરમિશન લીધી અને અનિકેતની સાથે એક પોલીસ જીપ એક પી.એસ.આઈ. સાથે મોકલી.
અનિકેતે જીપ રવાના કરી. અનિકેત હોસ્પિટલની બહાર નીકળ્યો ત્યારે સાંજ પડવા આવી હતી. સૂર્યનારાયણ વિદાય લઈ રહ્યા હતા.

*** *** *** *** *** *** ***

અનિકેતની જીપ અજયસિંહના ઘર આગળ ઉભી રહી. અજયસિંહના ઘર આગળ પોલીસ બંદોબસ્ત હતો. એ પોલીસ અનિકેતને પોલીસ સાથે આવેલો જોઈ વિચારમાં પડી ગઈ. દરવાજા પર અનિકેતને ઉભો રાખવામાં આવ્યો. અંદરથી પરમિશન મળ્યા પછી અનિકેતને અંદર જવા દેવામાં આવ્યો. અનિકેત અજયસિંહના ઘરમાં આવ્યો. પોલીસ બહાર ઉભી રહી.
અજયસિંહના ઘરમાં એક અજબ તણાવનો માહોલ હતો. અનિકેત અંદર જઇ ઉભો રહ્યો. અજયસિંહ અનિકેતની સામે આવી ઉભો રહ્યો.
" અજયસિંહની સામે પડવાની તારી હિંમત કેવી રીતે થઈ ? " અજયસિંહ ગુસ્સાથી કાંપતો હતો.
" તમારી સામે પડવાનો તો મને વિચાર પણ ના આવે. તમારો વિજય નક્કી છે. પણ જો પેલો મરી જાત તો ચૂંટણી જ કેન્સલ થાત. તમારી હાથમાં આવેલી જીત ઝુંટાઈ જાત. એટલે હું એને હોસ્પિટલ મૂકી આવ્યો. "
" અને એ આપણા પર કેસ કરશે તો ? "
" તમે તો ત્યાં હતા જ નહિ, કેસ કરશે તો મારા કે મોહન પર કરશે. અમે એસેપ્ટ કરી લઈશું. "
અજયસિંહને અનિકેતની વાત સાચી લાગી. વાયરલ વિડીયોમાં એ પોતે ક્યાંય ન હતો.



(ક્રમશ:)

22 ઓક્ટોબર 2020