Premni Kshitij - 26 books and stories free download online pdf in Gujarati

પ્રેમની ક્ષિતિજ - 26


તાદાત્મ્ય સપનાઓનું અને સાથે હૃદયમાં ઉઠતા સ્પંદનોનું. મિત્રતામાં એકબીજાના ભાવ એકબીજામાં કયારે એકરસ થઈ જાય ખ્યાલ જ ન રહે. મૈત્રી નામના ઝરણમાં ખળખળ વહેતા જતા મિત્રો, વહી જતા સમયમાં એક સુંદર મેઘધનુષી ભાવચિત્ર સ્મૃતિનાં સ્મરણમાં છોડતા જાય છે.

નિર્ભય સાથેની મૈત્રીમાં લેખા ખૂલતી જતી હતી. મોસમ સાથેના છૂટેલા સંગાથ અને આલયના આકર્ષણે તેને વિચારોમાં રહેતી લેખા બનાવી દીધી હતી. નિર્ભય ધીમે ધીમે તેમાં પ્રવેશ કરવા માંડ્યો પણ લેખાને તેના સંબંધ નો ભાર લાગતો નહોતો કારણ કે પોતે તે બાબતમાં પહેલેથી જ સ્પષ્ટ હતી.

કારની બારીમાંથી પાછળ જતા વૃક્ષો લેખાને આગળના ભવિષ્ય તરફ લઈ જતા હતા. તેને વિચારમાં ખોવાયેલી જોઈ નિર્ભયે બોલાવી,"શું વિચારે લેખા?"

લેખાએ કહ્યું, "ખાસ કંઈ નહીં."

નિર્ભયે વળી મજાક કરતાં કહ્યું, "તારું તો કંઇ ખાસ નહીં પણ મારા માટે મહત્વનું હોય છે. વળી એમાં હું તો ક્યાંય નહીં હોવું."

લેખાએ તેની સામે જોઈ કહ્યું,"તું ખાલી મને એક અઠવાડિયાથી જ ઓળખે છે તો કેમ અનુમાન બાંધી લે છે?"

નિર્ભય હસતા હસતા બોલ્યો," એટલે આ વખતે મારૂં અનુમાન ખોટું પડ્યું?, હું હતો વિચારોમાં?"

લેખાને પણ નિર્ભયની વાતથી હસવું આવી ગયું. તેણે કહ્યું," તારા કારણે બીજાના વિચારોમાં ખોવાઈ ગઈ તી."

ત્યાં જ ભજીયાની લારી આવી ગઈ અને બંને કારમાંથી નીચે ઉતર્યા.

વરસાદી વાતાવરણમાં આજે લેખાનો ગુસ્સો જાણે ઓગળવા માંડયો હતો. તેને વરસાદમાં મૌસમ સાથે ભીંજાયેલી ક્ષણો યાદ આવતી હતી. તેણે નિર્ભયને કહ્યું,
"હું અને મૌસમ હંમેશા વરસાદમાં ભજીયા ખાવા જતા."

નિર્ભયે કહ્યું,"આજે મૌસમને બદલે હું છું."

લેખાએ પણ કહ્યુ,"હા તારો સ્વભાવ મૌસમ જેવો છે."

નિર્ભય વાતવાતમાં પૂછી જ લીધું, "મોસમ સિવાય તને કોઈ બીજું પણ યાદ આવે?"

લેખા એ સામે પ્રશ્ન પૂછ્યો, "શું જાણવું તારે?"

નિર્ભયે કહ્યું, "તારે કહેવું હોય તો જ હું સાંભળીશ. સામેથી કંઈ જાણવું નથી. આ વરસતા વરસાદમાં તારી આંખોમાંથી પણ કંઈક વરસી રહ્યું છે જે તુ લાખ છૂપાવી લે પરંતુ મને દેખાઈ ગયું, અને એક સારા મિત્ર તરીકે જ મારે એ જાણવું છે જો હું કંઈક મદદ કરી શકું તો."

લેખા જાણે નિર્ભય ની સાચી મિત્ર બની ગઈ,"એક શરતે હું તને મારા હૃદયની વાત કરું , ક્યારેય કોઈને કહેવાનું નહીં મૌસમને પણ નહીં."

નિર્ભયે લેખાને કહ્યું," એક સાચા મિત્ર તરીકે વચન આપું છું કે આ વાત સાંભળ્યા પછી હું પોતે ભૂલી જઈશ બસ?"

લેખાએ કહ્યું," તને યાદ રહે એટલે તને કહું છું ભુલવા માટે નહીં. અમારી આ શહેરમાં બદલી થઇ તે પહેલાં જ મને એક છોકરો જોવા આવેલો. તે છોકરો આમ સારો હતો પરંતુ અમારા બંને પરિવારના વિચાર થોડા મળ્યા નહીં એટલે અમારી વાત આગળ ચાલી નહીં."

નિર્ભય બોલ્યો," આ તો જગજાહેર વાત છે છુપાવવા જેવું કંઈ છે?"

લેખા બોલી,"છુપાવવા જેવું કંઈ નથી પરંતુ ને એ છોકરા સાથે દસ મિનિટ વાત કરી ત્યારથી મારા મનમાં તેની છબી અંકીત થઈ ગઈ. નિર્ભય મેં હંમેશા એક આદર્શ પતિની કલ્પના કરી છે અને તે બધા જ ગુણલક્ષણ તે છોકરામાં હતા..હવે એ વાત પૂરી થઈ ગઈ છે. જેનો ભવિષ્ય સાથે કોઈ સંબંધ નથી. આમ છતાં મારું મન તે વાતોને, તે વિચારોને ભૂલી શકતું નથી. મને ખબર છે કે મારી કલ્પના અવાસ્તવિક છે જે હવે ક્યારેય શક્યતા સુધી પહોચવાની જ નથી. પરંતુ મારું હૃદય તે સ્વીકારીને બીજાને અપનાવી શકતું નથી."

નિર્ભય એ કહ્યું," જ્યાં સુધી હું તને ઓળખું ત્યાં સુધી તારી પસંદગી ક્યારેય નબળી ન હોઈ શકે. તે પછીથી એક વાર પણ તેની સાથે વાત કરવાનો પ્રયત્ન ન કર્યો?"

લેખા બોલી," જે દિશામાં જવાનું જ નથી તેનો રસ્તો શા માટે પૂછવો?"

નિર્ભયે કહ્યું," પણ તારું મન તો તે ઇચ્છે છે ને?"

લેખા લાગણી ભીનાસ્વરે બોલી, "નિર્ભય મન અને હૃદયની ઉપર પણ આપણા માતા-પિતા અને તેની લાગણી હોય છે.
એક પિતા તરીકે મારા પપ્પાએ કેટલાક મારા કારકિર્દીના સ્વપ્નો જોયેલા છે, અને મારી ઈચ્છા છે કે હું તેને પુરા કરું છું પરંતુ હું જો મન અને હૃદયની વાત માની અને લગ્ન કરી લેત્ તો મારા પપ્પાના આ સપના હંમેશા અધૂરા રહેત."

નિર્ભય તેને પૂછ્યું, " અને પછી જો સપના વિનાની વાસ્તવિકતા મળશે તો તેને સ્વીકારી શકીશ?"

લેખા બોલી, આ ફક્ત મારું એક સપનું છે એમ જ હું માનું છું .અને સપના સાચા પડવાની ગેરંટી થોડી હોય? તેને તો બસ જોવાના અને આનંદ લેવાનો. સપના સાચા પડવાની આશા જ નથી રાખતી."

નિર્ભયે લેખાને કહ્યું, "પરંતુ આજથી મારું તો એક નવું સપનું છે, તારું સપનું વાસ્તવિકતામા ફેરવવું."

લેખને આશ્ચર્ય થયું તેને કહ્યું,"શા માટે તું મારા સપના પુરા કરવા માંગે છે?"

નિર્ભય બોલ્યો, "કારણકે હું મારી જાતને સાચો મિત્ર સાબિત કરવા માંગુ છું."

લેખાએ કહ્યું ,"તું મારો સાચો મિત્ર છે જ સાબિતી આપવાની જરૂર નથી ને આજે આ સઘળી હકીકત તેને કહી તેના બે કારણો છે, એક કારણ આપણા સંબંધની નિખાલસતા છે. મને તારાથી કંઈ છુપાવવાની ઈચ્છા થતી નથી .અને બીજું તું જ્યારથી મને મળ્યો ત્યારથી મને અંદરથી એક જાતનો ડર છે કે જાણી-અજાણે હું તારા હૃદયમાં મારા પ્રત્યે પ્રેમ જગાવતી હોય તો તે અટકી જાય."

નિર્ભય પણ બોલ્યો, મેં તને પહેલી વાર કોલેજમાં જોઇ ત્યારથી જ મને તારી આંખોમાં દૂર દૂર સુધી ફક્ત ઉદાસી જ દેખાઇ અને ત્યારથી જ હું તારી સાથે વાતચીત કરવા માંગતો હતો એક મિત્ર તરીકે. આજે તારા હૃદયની વાત જણાવીને મને તે સ્થાન આપી દીધું."

લેખાએ કહ્યું, આજે મને પણ આનંદ થયો કે નવા શહેરમાં એક નવો સાચો મિત્ર મળી ગયો કે જેને હું મારા હૃદયની વાત સાચે સાચી કહી શકી. આ વાત મારા મમ્મી પપ્પાને પણ ખબર નથી."

નિર્ભય બોલ્યો," આવો જ વિશ્વાસ રાખ આ વાત હું ક્યાંય નહીં કહું."

ત્યારબાદ બંને હળવા થઇને વરસાદી વાતાવરણ નો આનંદ માણતા માણતા કોલેજે પાછા આવવા નીકળ્યા... આખા રસ્તે બંને જણા ચૂપ હતા પરંતુ મનમાં બંનેના સંવાદો ચાલતા હતા જે એકબીજાની મૈત્રી નો સ્વીકાર કરતા હતા.

કલ્પના નું સ્વપ્ન કે સ્વપ્ન ની કલ્પના?
શું વહ્યા કરે નિરંતર........ અવિરત......?
આ તો શ્વાસોનું આવાગમન અને
સાથે મનગમતું ભાવગમન......

આવનમાં અડકે પ્રેમની કુમાશ,
ને જાવન માં પાછી ભીનાશ?
આવનમાં સંમોહિત સઘળું ને,
જાવનમાં સમર્પિત અસ્તિત્વ?

આવાગમન ની વચ્ચે ઝૂલતું, પાંગરતું આનંદનું સ્મિત,..
મનમાં ઉઠતી ઍક જ અભીપ્સા....
અધવચ્ચે જ અટકી જવું છલોછલ ને,
ચોતરફ ફરી વળે તારા અહેસાસ ના શ્વાસો......

ક્યાં સુધી વિસ્તરશે નિર્ભય અને લેખાની પ્રેમની ક્ષિતિજો?

(ક્રમશ)