Punjanm - 55 books and stories free download online pdf in Gujarati

પુનર્જન્મ - 55

પુનર્જન્મ 55

" વૃંદા કોણ હતું આ? એને અધિકાર કોણે આપ્યો તને ખખડાવવાનો. મને આ માણસ ના ગમ્યો. "
" અમોલ જેના અધિકાર લોકોએ છીનવી લીધા તો પણ એણે બધાને પ્રેમથી ગળે લગાવ્યા હોય તો એને અધિકાર કોઈ આપતું નથી. અધિકાર એને આપોઆપ મળી જાય છે. અને જો તને મારા જિજુ ના ગમતા હોય તો મને ભૂલી જજે. "
" ઓહ. આઈ એમ સોરી વૃંદા. "
" મને હોટલ પર મૂકી જાવ. "
** ** ** ** ** ** ** ** ** ** **
મૌન બીજી ઘણી બધી ગિફ્ટ અને નાસ્તો લઈને આવ્યો.
" એ તમારા શું થાય? "
" મારો ભાઈ છે. અલબત્ત સગો નહિ પણ માનેલો. મારા હદયનો ટુકડો. "
" ઓહ, તો તો તમે એને સારી રીતે ઓળખતા હશો? "
" હા, ખૂબ સારી રીતે. "
" એના ભૂતકાળ વિશે શું જાણો છો? "
" એ જ કે એને કોઈ છોકરીના ચક્કરમાં સાત વર્ષ જેલમાં જવું પડ્યું હતું. "
સુરભિને આશ્ચર્ય થયું. ક્યા પ્રકારની સ્ત્રી છે આ? આને મન આવા ગુનાની કોઈ ગંભીરતા જ નથી.
" છતાં એ તમારા હદયની નજીક છે? "
" હા, કેમકે હું જાણું છું કે એ નિર્દોષ છે. "
" પીડિત યુવતીએ એના વિરુદ્ધ જુબાની આપી હતી. "
" ભલે આપી હોય, પણ મારો ભાઈ નિર્દોષ છે. "
" ઓહ, એના વિશે બીજું શું જાણો છો? "
મોનિકા એ ગિફ્ટ બાજુમાં મૂકી અને સુરભિ સામે જોયું.
" એને એક બહેન છે. સુરભિ... જેણે ક્યારેય એ જાણવાની કોશિશ ના કરી કે એના ભાઈની વાત સાંભળીયે અને તપાસ કરીએ. "
" પીડિત યુવતીની જુબાની પછી તપાસ કરવા જેવું કંઈ બચ્યું હતું? "
" હા , બચ્યું હતું. મારી પાસે એની નિર્દોષતાનું પ્રમાણ છે. એક ભાઈ માટે એ પ્રમાણ જોવાનો સમય છે તારી પાસે? "
સુરભિના કાનમાં મરતી માના શબ્દો ગુંજતા હતા. "એ કપાતરનો પડછાયો મારી લાશ પર પડવો ના જોઈએ. "
મૌન આગળ આવ્યો.
" સુરભિ, એક વાર. એક વાર જોઈ તો લે કે પ્રમાણ શું છે. "
" ઓ.કે. "
" સાંજે મારી હોટલ પર આવો, સાથે જમીશું અને તમને હું પ્રમાણ પણ આપી દઈશ. "
" ઓ.કે.. "

** ** ** ** ** ** ** ** ** **
વૃંદા અને અમોલ હોટલ પર આવ્યા. મોનિકા રૂમમાં નહતી. અમોલ સોફા પર બેઠો. વૃંદાએ કોફી અને સેન્ડવિચ મંગાવી અને એ વોશરૂમમાં ફ્રેશ થઈ કપડાં બદલી આવી. બેરર ટ્રેમાં બધું મૂકી ગયો. અમોલે કહ્યું.
" વૃંદા તારા જિજુ વિશે મને કંઈક બતાવ. "
"જાણીને શું કરશો?"
" મારે એમના જેમ તારા હદયમાં સ્થાન પામવું છે. મારે જાણવું છે કે તારા જિજુમાં એવું તે શું છે. "
વૃંદા અતિતમાં જોતી વિચારી રહી. કોણ કહે છે ટેલિવિઝન હવે આવ્યા છે. હજારો વર્ષોથી ઈશ્વર માનવને આ શક્તિ અને હજારો ગીગાબાઈટની મેમરી સાથે મોકલે છે. માણસ જ્યારે ઈચ્છે ત્યારે જોએલો કોઈ પ્રસંગ સામે ઉપસ્થિત થઈ જાય છે. કંઈક જોયેલી, કંઇક સાંભળેલી, કંઇક અનુભવેલી વાતોને સાંકળી વૃંદાએ વાતની શરૂઆત કરી.
વૃંદા બોલતી જતી હતી. અમોલ આશ્ચર્યચકિત થઈ વાત સાંભળી રહ્યો હતો. આવી વાત એના કલ્પના બહારની હતી. વૃંદાએ હજુ અડધી જ વાત કરી હતી અને દરવાજો નોક થયો.
અંધકારના ઓળા ઉતરી રહ્યા હતા. વૃંદાએ દરવાજો ખોલ્યો. મોનિકા હતી. વૃંદાની આંખો લાલ હતી. મોનિકાને ચિંતા થઈ. વૃંદા વોશરૂમમાં ચાલી ગઈ. અમોલને ત્યાં જોઈ મોનિકાને આશ્ચર્ય થયું.
" શું થયું વૃંદા ને? "
" કંઈ નહીં, મારાથી અનિકેતજીની વાત નીકળી ગઈ, એટલે એ થોડી ઇમોશનલ થઈ ગઈ. "
" ઓહ. "
" આપ થાક્યા હશો, હું રજા લઉં. "
" ઓ.કે. "
અમોલ ગયો અને મોનિકાએ દરવાજો બંધ કર્યો. વૃંદા વોશરૂમમાંથી બહાર આવી. હજુ એની આંખો લાલ હતી.
" શું થયું? "
" અનિકેતનો ફોન હતો. તમને એકલા છોડવા બદલ મારા પર ખૂબ ગુસ્સે હતો. "
" ડોન્ટ વરી, હું એની સાથે વાત કરી લઉં છું. પણ ઉદાસી ખંખેરી નાખ. તારા પ્રાયશ્ચિતનો દિવસ આવી ગયો છે. "
વૃંદા મોનિકા સામે જોઈ રહી.
" સુરભિ આજે જમવા આવે છે. "
વૃંદાનું હદય કાંપી ઉઠ્યું. મોનિકાએ અનિકેતને ફોન લગાવ્યો.
" હેલો. "
" વોટ હેલો, ક્યાં હતી? કેટલા ફોન કર્યા હતા મેં. એક પણ રિસીવ ના કર્યો. અને એકલી કેમ ગઈ હતી? મને કેટલી ચિંતા થતી હતી ખબર છે તને. "
" હું એક મિટિંગમાં હતી. તું જ્યારે મારામારી કરે છે ત્યારે મને કેટલી ચિંતા થતી હશે, આજે સમજાય છે તને? "
અનિકેત પાસે આનો કોઈ ઉત્તર નહતો.
" અનિકેત ડોન્ટ વરી. આઈ એમ ઓ.કે. રાત્રે હું તને કોલ કરીશ.. બાય. "
" બાય.

** ** ** ** ** ** ** ** ** **

રાતના નવ વાગે મોંટ્રિયલ લાઇટોની રોશનીની ઓઢણી ઓઢી અંધકારને પડકાર ફેકતું હતું. મોનિકાના રૂમનો દરવાજો નોક થયો. મોનિકાએ દરવાજો ખોલ્યો. સામે મૌન અને સુરભિ ઉભા હતા.

(ક્રમશ:)

07 નવેમ્બર 2020