Love Revenge -2 Spin Off - 28 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ-2 Spin Off - Chapter 28


વાચકો માટે....



આરવની સોલો સ્ટોરી માટે વાચકોએ આપેલો પ્રતિસાદ ખુબજ ઉત્સાહવર્ધક છે. વાચકોનો ખુબ-ખુબ આભાર. હું પ્રયત્ન કરીશ કે આરવની સોલો સ્ટોરી શક્ય એટલી ઝડપથી લખી શકું.



****

“Sid”

JIGNESH

Instagram: sid_jignesh19

***



લવ રિવેન્જ-2 Spin Off

પ્રકરણ-28



“હાય લાવણ્યા....!” રિઝલ્ટનાં દિવસે લાવણ્યા હજીતો કોલેજ પહોંચીજ હતી ત્યાંજ કમ્પાઉન્ડમાં તેણીને ત્રિશાએ ટોકી.

“શું રિઝલ્ટ આ’યુ તારું....!?” લાવણ્યાની જોડે આવતાંજ ત્રિશાએ પૂછ્યું.

“હું જસ્ટ આવીજ છું.....!” લાવણ્યાએ શક્ય એટલું શાંતિથી કહ્યું.

“અચ્છા....! ચાલતો.....! જોડેજ જઈએ...!” એટલું કહીને ત્રિશા આગળ ચાલવા લાગી “વેકેશનમાં ક્યાંય જવાનું પ્લાનિંગ કર્યું કે નઈ...!”

“તું જઈ આઈ....!?” લાવણ્યાએ સહેજ ચિડાઈને પૂછ્યું.

“ડચ....!” ત્રિશાએ ડચકારો બોલાવ્યો “રિઝલ્ટ આઈ જાય.....! પછી જવાનું વિચાર્યું છે...!”

“હમ્મ....!” વિચારોમાં ખોવાયેલી લાવણ્યાએ હુંકારો ભર્યો.

“તું તો ઉત્તર ભારત જવાની હતીને...!?” ત્રિશાએ યાદ અપાવ્યું.

“હમ્મ...! પણ મારું મૂડ નથી એટ્લે મેં મમ્મીને ના પાડી છે....!” લાવણ્યા એજરીતે નીરસ સ્વરમાં બોલી.

“એ કેન્ટીનમાં જવું છે...!?” ત્રિશા એકદમ જ બોલી “બધાં બવ દિવસથી ભેગાં નઈ થયાં...!”

“વેકેશનમાં કેન્ટીન ચાલુ છે...!?” લાવણ્યાએ નવાઈપૂર્વક પૂછ્યું.

“હાસ્તો...! રિઝલ્ટ અને ટી.વાયના ફોર્મ ભરાય ત્યાં સુધી ચાલુ છે...! પછી બંધ....!”

“સારું....! તું જા....! હું આવું છું....!” લાવણ્યા બોલી અને કોરિડોરમાં અટકી “મારે થોડું કામ છે....!”

“સારું....પણ જલ્દી આય....! કામ્યા અંકિતા પણ એમનું રિઝલ્ટ જોઈને કેન્ટીનમાંજ બેઠાં છે...!” એટલું કહીને ત્રિશા કેન્ટીન તરફ જવાં કોરિડોરમાં ચાલવા લાગી.

***

“ચાલો....પાસ થઈ જવાયું...!” કૉલેજના નોટિસ બોર્ડ ઉપર લાગેલી રિઝલ્ટ શીટમાં પોતાનું રિઝલ્ટ જોઈને અક્ષય બબડ્યો.

પોતનાં મોબાઈલમાંથી ફોટો પાડીને અક્ષય કેન્ટીન તરફ ચાલવાં લાગ્યો.

“અક્ષય.....! અક્ષય.....!” રિઝલ્ટ જોઈને કેન્ટીન તરફ જતાં કોરિડોરમાં અક્ષયને જોઈને લાવણ્યાએ બૂમ પાડી અને તેની તરફ ઉતાવળા પગલે દોડી ગઈ.

“અક્ષય.....! શ...શું આયુ તારું રિઝલ્ટ....!?” અક્ષયને મસ્કો મારતી હોય એમ લાવણ્યા પૂછવાં લાગી.

“સેકંન્ડ ક્લાસ....!” અક્ષય નીરસ સ્વરમાં બોલ્યો અને પાછો કેન્ટીન તરફ ચાલવાં લાગ્યો.

“અક્ષય....! અક્ષય....! હું શું કે’તી ‘તી....!” લાવણ્યા નાનાં બાળકની જેમ કાલાંવેડાં કરતી હોય અક્ષયની જોડે ચાલવા લાગી “તું ફ્રી હોય તો...તો...આપડે શંભુ ઉપર કોફી પીવાં જવું છે....!?”

“લાવણ્યા....!? સીધે-સીધું બોલને....! તારે આરવનો નંબર જોયે છે....!” કોરિડોરમાં અટકીને અક્ષય ટોંન્ટ મારતો હોય એમ બોલ્યો.

“ત...તને ખબર છે....! તો....તો આપને....!” લાવણ્યા દયામણું મોઢું કરીને બોલી.

“મેં કીધું’તું ને....! કે એણે નંબર બદલી નાંખ્યો છે....! અને મારી જોડે નવો નંબર નથી...!”

“એણે ત...તને ન....ના પાડી છેને....!” લાવણ્યા રડું-રડું થઈ ગઈ “મને નંબર આપવાની....!”

“એક સમયની કોલેજની બ્યુટી ક્વિન લાવણ્યા....! આજે એક છોકરાંનાં નંબર માટે કેવી રઘવાઈ થઈ છે....!” લાવણ્યાનું એવું મોઢું જોઈને અક્ષયને દયા આવી ગઈ અને તેણે આડું જોઈ લીધું.

“તો...તો….ન....નંબર ના આપું તો...મ...મારી વાત તો કરાય....! તારાં ફોનથી...!” લાવણ્યા બોલી.

“એ જતો’ર્યો લાવણ્યા....!” અક્ષય શાંત સ્વરમાં બોલ્યો “તે એને બવ હર્ટ કર્યો.....! હવે છોડ એને....! તારાં લીધે એનાં પગ અ....!”

અક્ષય અટકી ગયો અને ફરીવાર આડું જોવાં લાગ્યો. લાવણ્યાની આંખ ભીંજાઈ ગઈ. તેની આંખો સામે હવે આરવનાં કપાયેલાં પગનું એ દ્રશ્ય તરવરી ઉઠ્યું.

“ખબર નઈ....! તારાં જેવી છોકરીમાં એ શું જોઈ ગયો’તો...! કે એ એનાં પગ ખોઈ બેઠો...” અક્ષયે અત્યંત વેધક સ્વરમાં ટોન્ટ માર્યો અને લાવણ્યાને ઉપરથી લઈને નીચે સુધી તુચ્છ રીતે જોઈ.

“ત...તારાં જેવી ....એટ્લે...એટ્લે..!? તુંય મને એવીજ મ્મ....માને છે....!?”

“મારાં માનવા ન માનવાથી શું ફરક પડે છે...! આરવ તને એવીજ ગણતો’તોને....!” ફરીવાર વેધક સ્વરમાં બોલી અક્ષય ચાલવાં લાગ્યો.

“યુ નો વ્હોટ લાવણ્યા....!” જતાં-જતાં તે અટક્યો અને લાવણ્યા સામે જોઇને બોલ્યો “તું જેવી હતી એવીજ સારી હતી....! કમસે કમ આરવ જેવાં માસૂમ છોકરાંઓને હર્ટ કરવાં કરતાં વિશાલ....યશ જેવાં છોકરાઓ જોડે રખડી ખાવું સારું છે...! નઈ...!?”

અક્ષયનાં વેધક ટોંન્ટથી લાવણ્યા શરમથી નીચું ગઈ.

“તું જેવી હતી એવીજ સારી હતી....!” અક્ષયનાં એ વેધક શબ્દો જાણે શૂળની જેમ ભોંકાતાં હોય લાવણ્યાનાં મનમાં પડઘાવાં લાગ્યાં “કમસે કમ આરવ જેવાં માસૂમ છોકરાંઓને હર્ટ કરવાં કરતાં વિશાલ....યશ જેવાં છોકરાઓ જોડે રખડી ખાવું સારું છે...!”

“આર....આરવ....મ્મ...મને એવીજ ગણતો’તો.....!?” લાવણ્યાની આંખ ટપકવાં લાગી “એણે એવું કીધું’તું તને....!?”

એક ઊંડો શ્વાસ ભરીને અક્ષય આડું જોવાં લાગ્યો.

“નઈ...નઈ....! એ...એ...મને એવી નો’તો ગણતો....! એવી નો’તો ગણતો....!” લાવણ્યા પોતાને સાંત્વના આપતી હોય એમ મનમાં બબડી.

“એનાં માનવા ન માનવાથી શું ફરક પડે છે તને....!?” અક્ષય ફરીવાર એજરીતે બોલ્યો “તું જેવી છે....! એવીજ રેવાની છેને...!? બદલાઈ થોડી જવાની....આરવ અને તેનો પ્રેમ તને બદલી ના શક્યો તો બીજું કોઈ શું બદલી શકવાનું...!?”

લાવણ્યા મૌન થઈ ગઈ અને નીચું જોઈને કોરિડોરનાં ફર્શ સામે તાકવાં લાગી.

“એની જિંદગી બરબાદ થઈ ગઈ લાવણ્યા....!” ગળગળા સ્વરમાં અક્ષય દયામણું મોઢું કરીને બોલ્યો “એ...એ....કેવો હતો....ને તારાંમાં ને તારાંમાં એની શું હાલત થઈ ગઈ...!”

“આવ...આવું નાં બોલને....!” લાવણ્યા રડી પડી “પ્લીઝ....!”

“તું જેવી છે...! એવીજ રે’…..! એને હર્ટ નાં કર...! એને જવાંદે હવે.....! એનાં સારાં માટે....!”

“મ્મ....મારે ખાલી એક...એકવાર વાત કરવી છે....!” લાવણ્યા આજીજીભર્યા સ્વરમાં બોલી.

“હું સાચું કઉ છું...! એણે મને નવો નંબર નઈ આપ્યો....! મેં માંગ્યો’તો ...તો પણ ના આપ્યો....! એને ખબર હતી...કે તું ગમે તેમ કરીને મારી જોડેથી એનો નંબર કઢાઈ લઇશ...!”

દયામણું મોઢું કરીને લાવણ્યા ભીની આંખે અક્ષય સામે જોઈ રહી.

“કદાચ...! એ પોતે પણ નથી ઈચ્છતો....! કે તું એને કૉન્ટૅક્ટ કરે....! એ પોતે પણ તારાંથી દૂરજ રે’વાં માંગે છે લાવણ્યા...! દૂરજ રે’વાં માંગે છે....!”

“એ પોતે પણ તારાંથી દૂરજ રે’વાં માંગે છે....! દૂરજ રે’વાં માંગે છે....!” લાવણ્યા ફરીવાર વિચારે ચઢી ગઈ અને અક્ષયનાં શબ્દો તેણીના મનમાં પડઘાવાં લાગ્યાં.

“મારી પાસે એનો નંબર નથી લાવણ્યા....!” અક્ષય ફરીવાર ધિમાં સ્વરમાં બોલ્યો “બાય....!”

એટલું કહીને અક્ષય ત્યાંથી ચાલવાં લાગ્યો.

લાવણ્યાનાં મનમાં વિચારોનું વાવાઝોડું આવી ગયું.

“કદાચ...! એ પોતે પણ નથી ઈચ્છતો....! કે તું એને કૉન્ટૅક્ટ કરે....!” કોરિડોરમાં ઊભી-ઊભી લાવણ્યા હવે અક્ષયે કહેલી વાતોનાં વિચારોથી ઘેરાઈ ગઈ “એને જવાંદે હવે.....! એનાં સારા માટે....!”

“એને હર્ટ નાં કર...! હર્ટ નાં કર.....!”

“તું જેવી છે...! એવીજ રે’…..! એવીજ રે’…..!

“આરવ જેવાં માસૂમ છોકરાંઓને હર્ટ કરવાં કરતાં વિશાલ....યશ જેવાં છોકરાઓ જોડે રખડી ખાવું સારું છે...!”

“તું જેવી છે...! એવીજ રે’…..! એવીજ રે’…..!”

પોતાની ભીની આંખો લૂંછતાં-લૂંછતાં લાવણ્યા કોરીડોરમાં ચાલવાં લાગી.

“હવે કોઈ “આરવ” ને હર્ટ નઈ કરું.....!” મનમાં બબડતાં-બબડતાં લાવણ્યાએ તેનો ચેહરો સખત કર્યો અને ચાલતાં-ચાલતાં પોતાની હેન્ડબેગમાંથી પોતાનો મોબાઈલ કાઢવાં લાગી.

“હાય લાવણ્યા....!” કોલેજના ગેટ તરફ જતાં-જતાં લાવણ્યાને સામે પ્રેમ મળી ગયો “શું રીઝલ્ટ આયુ તારું....!?”

સ્મિત કરીને પ્રેમે લાવણ્યાને પૂછ્યું અને તેણી સામે હસમુખા ચેહરે જોઈ રહ્યો.

“સોરી પ્રેમ....!” પોતાની આંખો બંધ કરી એક ઊંડો શ્વાસ ભરી લાવણ્યા મનમાં બબડી “હવે કોઈ “આરવ” ને હર્ટ નઈ કરવો મારે.....! હું જેવી છું.....! એવીજ બરાબર છું....! મારે એવુંજ રે’વું છે....!”

“તું તારું જોને....! દોઢ ડહાપણ કર્યા વગરનો.....!” આંખો ખોલતાંજ લાવણ્યાએ રૂડ સ્વરમાં પ્રેમની ઈન્સલ્ટ કરતી હોય એમ સહેજ મોટેથી બોલી “ચલ હટ અહિયાંથી....! ઈડીઅટ....!”

મોઢું બગાડી લાવણ્યા પ્રેમની જોડેથી પસાર થઇ ગઈ.

“બાપરે....! એકદમ શું થઈ ગયું આને...!?” લાવણ્યાનાં અત્યંત રૂડ બિહેવિયરથી ડઘાઈ ગયેલો પ્રેમ કોલેજનાં ગેટ તરફ જઈ રહેલી લાવણ્યાને જોઈ રહીને મનમાં બબડ્યો.

“હેલ્લો....! હાં મમ્મી....!” પોતાનાં મોબાઈલથી સુભદ્રાબેનને નંબર જોડીને કોલેજના ગેટની બહાર નીકળતાંજ લાવણ્યા બોલી “તું નોર્થ ઈન્ડિયા ફરવાં જવાનું કે’તી’તી ને.....! ટીકીટ બૂક કરાવ....! આપડે જઈએ છે....!”

***

“પણ તમારે આરવને એકલો ન’તો જવાં દેવો જોઈતો...!” રાગિણીબેને કરણસિંઘને કહ્યું.

આરવના એકલાં રશિયા જવાં નીકળ્યાં પછી કરણસિંઘ અને સિદ્ધાર્થ લગભગ એકાદ અઠવાડીયા પછી અમદાવાદ પરત આવી ગયાં હતાં. ઘરે પરત આવીને કરણસિંઘે રાગિણીબેન અને અન્યને આરવનાં એકલાં રશિયા જવાં વિષે બધુ જણાવ્યું.

“એની વાત સાચી છે....!” સુરેશસિંઘની જોડે સોફામાં બેઠેલાં કરણસિંઘ બોલ્યાં “કદાચ....હું અને સિદ્ધાર્થ જોડે હોત....તો અમને દુ:ખી જોઈને એની હિમ્મત તૂટી જાત....!”

“તો તમે આટલાં દિવસથી હું ફોન ઉપર વાત કરતી’તી....! ત્યારે ફોન ઉપર પણ કશું કીધું નઈ....!?” રાગિણીબેન ફરિયાદ કરતાં બોલ્યાં.

“અમે હોસ્પિટલમાં બીઝી હતાં...!” દિલ્હીથી અમદાવાદની મુસાફરીથી કંટાળેલાં કરણસિંઘે ટૂંકમાં પતાવવાં કહ્યું.

“ખબર નઈ...મારો છોકરો ત્યાં એકલો શું કરતો હશે....!” રાગિણીબેન બોલ્યાં.

“રાગુ....તું ચિંતા નાં કર...!” સોફામાં બેઠેલાં સુરેશસિંઘ બોલ્યાં “ડૉક્ટર પારેખ ગામનાં માણસ છે...! એ છેક સુધી એની જોડેજ રે’વાનાં છે....!”

“સિદ્ધાર્થ....!” કોર્નર સોફાંમાં બેઠેલાં સુરેશસિંઘની જોડે ફ્લેટનાં બંધ મેઈન દરવાજા સામે ઉભેલાં સિદ્ધાર્થને કરણસિંઘે કહ્યું “હવે બરોડાં જવાની તૈયારી કર....!”

“અરે કેમ ભાઉ....!? રોકાવો હજી થોડાં દિવસ....!” સુરેશસિંઘ આગ્રહપૂર્વક બોલ્યાં.

“ઘણું રોકાયાં હવે...!” કરણસિંઘ સહેજ નિરાશ સ્વરમાં બોલ્યાં “બરોડાંનું ઘર અને ધંધો...! બધું જોવું પડેને....! ત્યાં બધું સૂનું પડ્યું છે...!”

“આરવ વગરતો એમેય બધું સૂનુંજ છે....!” રાગિણીબેન ઢીલા સ્વરમાં બોલ્યાં.

“તો થોડાં દિવસ અહિયાં રોકાયાં હોત તો અમનેય સારું લાગત....!” કિચનનાં દરવાજે ઉભેલાં સરગુનબેન બોલ્યાં “ઝીલ પણ આજેજ એનાં સાસરે ગઈ.....! આટલાં દિવસ આરવ અહિયાં રે’તો’તો...! એટ્લે ઘર ભરેલું-ભરેલું લાગતું’તું...! હવે તો તો એ પણ નથી....! તમે રોકાવો...! તો એ બા’ને સિદ્ધાર્થ પણ અહિયાં રોકાશે...! તો અમારેય ઘરમાં એકલું નાં લાગે....!”

સુરેશસિંઘ કરણસિંઘ સામે જોઈ રહ્યાં અને કરણસિંઘ સિદ્ધાર્થ સામે.

“એમ પણ....! નેહા અને સિદ્ધાર્થની સગાઈ પછી બંનેએ સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો ટાઈમજ ક્યાં મલ્યો છે...!” સરગુનબેન આગળ બોલ્યાં “નેહાનું ઘર પણ નજીક જ છે...!”

“ફરી રે’વાં આઇશું.....!” કરણસિંઘ ટૂંકમાં બોલ્યાં.

તેમનાં અવાજમાં બરોડાં જવાનાં પોતાનાં નિર્ણયમાં કોઈ ફેરફારની શક્યતા નહીં હોવાનો રણકો હતો.

“પણ ભાઉ....! અત્યારે રાતનાં 8 વાગ્યા છે....!” સુરેશસિંઘ દલીલ કરતાં બોલ્યાં “રાતે નીકળવાં કરતાં...કાલે સવારે નીકળો તો સારું....!”

“રાત્રે ટ્રાફિક ઓછો નડશે.....!” કરણસિંઘ સપાટ સ્વરમાં બોલ્યાં અને સોફામાંથી ઊભાં થઈને બેડરૂમમાં જવાં લાગ્યાં.

“હું વિજયને ફોન કરીને કવ...!” સુરેશસિંઘ પણ સોફામાંથી ઊભાં થયાં “કે તમે અત્યારે બરોડાં જવાં નીકળો છો....!? જતાં પે’લ્લાં મળાઈ જાયને.....!”

“હાસ્તો....!” સરગુનબેન સૂર પુરાવતાં બોલ્યાં “કમસે કમ જતાં પે’લ્લાં તો સિદ્ધાર્થ અને નેહાને મળવાનું થઈ જાય નઈ ભાભી....!?”

સરગુનબેને જોડે ઉભેલાં રાગિણીબેનને પૂછ્યું.

રાગિણીબેને બેડરૂમમાં જવાં દરવાજે ઉભેલાં કરણસિંઘ સામે જોયું અને કરણસિંઘે ફરીવાર સિદ્ધાર્થ સામે જોયું. સિદ્ધાર્થના ચેહરા ઉપર કોઈજ જાતનાં હાવભાવ નહોતાં.

“કઈદે....!” સુરેશસિંઘ સામે જોઈને કરણસિંઘ ભાવવિહીન સ્વરમાં બોલ્યાં અને રૂમમાં ચાલ્યાં ગયાં.

સુરેશસિંઘે પોતાનો મોબાઈલ કાઢીને વિજયસિંઘને ફોન કરવાં માંડ્યો.

બરોડાં જવાં પેકિંગ કરવાં માટે સિદ્ધાર્થ પણ પોતાનાં રૂમમાં જવાં લાગ્યો.

***

“ઠક.....!” કારની ડેકીમાં બધાં સામાનની બેગો ગોઠવીને સિદ્ધાર્થે કારની ડેકી વાખી.

બરોડાં જવાની તૈયારી કરી લીધાં પછી બધાં ફ્લેટમાં રહેતાં સુરેશસિંઘની બિલ્ડીંગ આગળ ઊભાં હતાં. સિદ્ધાર્થ કારમાં સામાન ભરી રહ્યો હતો. સુરેશસિંઘ અને સરગુનબેન કરણસિંઘ એન્ડ ફેમિલીને વળાવવાં નીચે ઊભાં હતાં. સુરેશસિંઘે ફૉન કરતાં વિજયસિંઘ પણ ફેમિલી સાથે જતાં પહેલાં કરણસિંઘ વગેરેને મળવા આવી પહોંચ્યાં હતાં.

“અરે યાર.....! આ બેગ રઈ ગઈ...!” કારની ડેકી વાખ્યાં પછી નીચે મૂકેલી એક બેગ ઉપર સિદ્ધાર્થની નજર પડી.

બેગ મૂકવાં સિદ્ધાર્થ કારની ડેકી ફરીવાર ખોલવા માંડ્યો.

“રોકાયાં હોત તો ભાઉ....!” સુરેશસિંઘની જોડે ઉભેલાં વિજયસિંઘ સસ્મિત બોલ્યાં.

કારની નજીક રાગિણીબેન પણ સરગુનબેન અને નેહાના મમ્મી જોડે ઊભાં-ઊભાં વાતો કરી રહ્યાં હતાં. જોડે નેહા પણ ઊભી હતી. ડેકીમાં સામાન મૂકી રહેલાં સિદ્ધાર્થને તે ક્યારની વારે-ઘડીએ જોતી રહેતી હતી.

સિદ્ધાર્થની નજર પણ એક-બેવાર નેહા ઉપર પડી હતી અને બંનેની નજર પણ મળી હતી. આમ છતાં, નેહાએ કોઈ પહેલ ના કરતાં સિદ્ધાર્થે પણ તેણી સાથે વાત કરવાનો પ્રયત્ન નહોતો કર્યો.

“સિદ્ધાર્થ....!” ત્યાંજ કરણસિંઘે સહેજ મોટેથી કારની પાછળ ડેકી વાખી રહેલાં સિદ્ધાર્થને બોલાવ્યો “સામાન ભરાઈ ગ્યો હોય તો નિકળીએ...!?”

“હાં....પતી ગ્યું...!” સિદ્ધાર્થ બોલ્યો અને ડેકી વાખી કારની ચાવી ડેકીના લોકમાંથી કાઢીને કારની ડ્રાઈવિંગ સીટ તરફ જવાં લાગ્યો.

કારના બોનેટની સામે બિલ્ડીંગનાં ગેટનાં ઢાળ પાસેજ બધાં ઉભેલાં હોવાથી ડ્રાઇવિંગ સીટનો દરવાજો ખોલતી વખતે સિદ્ધાર્થ અને નેહાની નજર ફરીવાર એક થઈ. કશું પણ બોલ્યાં વગરજ સિદ્ધાર્થ ડ્રાઇવિંગ સીટમાં બેસી ગયો અને ઈગ્નિશનમાં ચાવી ભરાવાં લાગ્યો.

“ચાલો ત્યારે....! આવો બધાં પછી બધાં બરોડા...!” સુરેશસિંઘ અને વિજયસિંઘ સામે જોઈ ઔપચારિકતા નિભાવતાં કરણસિંઘ બોલ્યાં અને પરાણે સ્મિત કરીને બોનેટ આગળથી કારની સિદ્ધાર્થની બાજુમાં બેસવાં જવાં લાગ્યાં.

સિદ્ધાર્થનાં મમ્મી રાગિણીબેન પણ ઔપચારિક વાતચિત પછી કારની પાછળની સીટમાં બેઠાં.

“ચાલો....આવજો ભાઉ...!” સહેજ નીચા નમીને સુરેશસિંઘે સિદ્ધાર્થ તરફની વિન્ડોમાંથી તેની બાજુમાં બેઠેલાં કરણસિંઘને કહ્યું.

કરણસિંઘે તેમની તરફ જોઈ સ્મિત કરીને ઔપચારિકતામાં માથું હલાવ્યું.

“સિદ્ધાર્થ આવજે બેટાં...!” સુરેશસિંઘે સિદ્ધાર્થને પણ કહ્યું.

સિદ્ધાર્થે પણ એવુંજ ઔપચારિક સ્મિત કર્યું અને વિજયસિંઘે પણ ફરીવાર એવીજ ઔપચારિકતા માટે આવજો કહેતાં સિદ્ધાર્થે એવોજ પ્રતીભાવ આપ્યો. તેમની જોડે ઊભેલી નેહા બાજુ સિદ્ધાર્થે આ વખતે જોવાનું ટાળ્યું. નેહા જોકે સિદ્ધાર્થ તરફજ જોઈ રહી હતી.

કારનો સેલ મારી સિદ્ધાર્થે કાર ઉપાડી અને મુખ્ય રોડ તરફ હંકારી. કાર ડ્રાઇવ કરી સિદ્ધાર્થે મુખ્ય રોડ -સેટેલાઈટ રોડ ઉપર લીધી.

“પાછળથીજ લઈલે....! એસજી હાઇવેથી...!” કરણસિંઘ બોલ્યાં.

“દૂર નઈ પડે....!?” પાછલી સીટમાં બેઠેલાં રાગિણીબેન બોલ્યાં.

“ભલે...! સિટીનાં ટ્રાફિફથી તો બચાશે...!” કરણસિંઘ બોલ્યાં.

“હમ્મ...!” સિદ્ધાર્થ બોલ્યો અને એસજી હાઈવે જવાં કાર સેટેલાઈટ રોડ ઉપર જમણીબાજુ વાળી લીધી.

થોડી વારમાં તેઓ જોધપૂર આવી ગયાં. નેહાની સોસાયટીનાં આગળ રોડ ઉપરથી પસાર થતી વખતે સિદ્ધાર્થની નજર પહેલાં કોર્નર ઉપર નેહાનાં ઘર ઉપર અજાણતાં પડી.

નજર ફેરવી મુખ્ય રોડ ઉપર જોતી સામે જોતી વખતે સિદ્ધાર્થની નજર સોસાયટીનાં ગેટ તરફ ચાલતાં જઈ રહેલી લાવણ્યા ઉપર પડી.

સરસ મજાની તૈયાર થયેલી લાવણ્યાની જોડે એની મમ્મીની ઉમ્મરની કોઈ સ્ત્રી હતી. રસ્તાની સાઇડે ઉભેલાં તે બંનેની જોડે નીચે એકબાજુ સામાનની બેગો પડી હતી. લાવણ્યાએ ખભે હેન્ડબેગ ભરાવેલી હતી. તેમને જોઈને લાગતું હતું કે તેઓ તૈયાર થઈને ક્યાંક બહાર જઈ રહ્યાં હોય.

તૈયાર થયેલી લાવણ્યાને જોતાંજ સિદ્ધાર્થની નજર સામે કપાયેલાં પગ સાથે આરવનું દ્રશ્ય તરવરી ઉઠ્યું. તેનો ચેહરો સખત થઈ ગયો.

રોડની બીજી સાઈડેથી પસાર થઈ રહેલી કાર લાવણ્યાને વટાવી ગઈ. કારની બહારનાં સાઈડ મિરરમાંથી સિદ્ધાર્થે લાવણ્યાને જોવાનો ટ્રાય કર્યો.

તેઓ હજીપણ ત્યાંજ ઉભાં હતાં. મિરરમાં સિદ્ધાર્થે તેમને “દૂર જતાં” જોયાં.

કાર ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થે એક હાથ વડે પોતાનો મોબાઈલ કાઢ્યો અને whatsapp ખોલી વિકટનો નંબર ઓપન કર્યો.

“GP મલ….કાલે સવારે...!” વિકટને ટૂંકમાં મેસેજ મોકલી સિદ્ધાર્થે ફોન પાછો કારના ડેશ બોર્ડ ઉપર મૂક્યો.

“બધું એ રખડેલને લીધેજ થયું છે.....થયું છે....!” નેહાના શબ્દો યાદ આવી જતાં સિદ્ધાર્થની આંખોમાં ફરીવાર લાવણ્યા માટે ગુસ્સો ધસી આવ્યો.

ટોપ ગીયરમાં ચાલી રહેલી કારનું એક્સીલેટર પૂરેપૂરું દબાવી દઈ સિદ્ધાર્થે કારની સ્પીડ વધારી દીધી.

****

“જબરું થયું હોં દોસ્ત તારી જોડે તો...!” વિકટે સિદ્ધાર્થને કહ્યું.

બરોડાં પાછાં આવ્યાં પછી સિદ્ધાર્થ વિકટને મળવાં આવ્યો હતો.

બંને બરોડાંમાં આવેલી ગર્વમેન્ટ પોલિટેકનિક જેને તેઓ ટૂંકમાં GP કહેતાં, ત્યાં મળ્યાં હતાં.

GPની એક્ઝેક્ટ સામે, મુખ્ય રસ્તાની બીજી બાજુ બોબી ટી-સ્ટૉલ તેમની કાયમી બેઠક હતી. અહિયાં તેઓ વીકમાં એકાદવાર તો ચોક્કસ મળતાં. તેમનાં જેવાં કૉલેજ સ્ટુડન્ટ્સના ગ્રૂપ અહિયાં બોબી ટી-સ્ટૉલ પર ચ્હા-નાસ્તાની માજાં માણવાં આવતાં.

પોલિટેકનિક કૉલેજના કેમ્પસની સામેની બાજુ આવેલી પાંજરા પોળની ઊંચી બાઉન્ડરી વૉલની આગળ રસ્તાની પેવમેન્ટ ટ્રેક ઉપર બોબી ટી-સ્ટૉલ હતી. પાંજરા પોળની ઊંચી બાઉન્ડરી વૉલના ટેકે લોખંડના પોલ્સ વડે છાપરું બનાવાયું હતું. છાપરાં નીચે લાંબા ઑફિસ ટેબલો ગોઠવીને ટી-સ્ટૉલ ઊભો કરાયો હતો. વીસેક વર્ષ જૂની બોબી ટી-સ્ટૉલ પોલિટેકનિક કૉલેજ તેમજ નજીકઆ આવેલી અન્ય કૉલેજોનાં સ્ટુડન્ટ્સનો ફેવરિટ અડ્ડો હતો. એમાંય ટી-સ્ટોલની આગળ મુખ્ય રસ્તા ઉપર આવેલાં કેટલાંક વૃક્ષોને લીધે બોબી ટી-સ્ટોલની આગળ ટુ-વ્હીલર ડબલ સ્ટેન્ડ કરી સીટ ઉપર બેઠાં-બેઠાં ચ્હા-નાસ્તાની મજા માણવા વહેલી સવારે પબ્લિક ઉમટી પડતી. જોકે બોબી ટી-સ્ટોલ ઉપર ભીડ વધારે હોવાથી સિદ્ધાર્થ અને વિકટ ટી-સ્ટોલથી સહેજ દૂર પેવમેન્ટ ઉપરજ બનેલી એવાંજ એક પાનના ઠેલાં પાસે મૂકેલાં બાંકડામાં બેઠાં હતાં.

“શું કરું એ સમજાતું નથી યાર....!” ઢીંચણે હાથ ટેકવીને બેઠેલો સિદ્ધાર્થ નિરાશામાં માથું ધુણાવીને બોલ્યો “શું થઈ રહ્યું છે આ બધું...!?”

“એમાં શું યાર...!” વિકટ હવે મજાકમાં બોલ્યો “તને નેહા ગમતી’તી....! ‘ને હવે એ તારી થઈ ગઈ...! તો પછી રડે છે શું એમાં...!”

સિદ્ધાર્થે સહેજ ચિડાઈને વિકટ સામે જોયું.

“તું ચ્હા પી....!” સિદ્ધાર્થને વધુ ચીડાવતો હોય એમ વિકટ સ્મિત કરીને બોલ્યો અને પછી બોબી સ્ટોલ તરફ જોવાં લાગ્યો.

“એ લોકેશ....!” બોબી ટી-સ્ટોલ ઉપર કામ કરતાં છોકરાંને બૂમ પાડીને કહ્યું.

લોકેશે વિકટ સામે જોતાં વિકટે હાથની બે આંગળીઓ ઉચી કરી બે ચ્હા લાવવાનો ઈશારો કર્યો.

થોડીવારમાં લોકેશ બે ચ્હાનાં કપ આપી ગયો. બંનેએ એક-એક કપ હાથમાં લઈને ચ્હા પીવાં લાગ્યાં.

“તને પ્રોબ્લેમ શું છે....! આ એન્ગજમેન્ટથી...!?” ચ્હાના એક-બે ઘૂંટ પીધાં પછી વિકટે સિદ્ધાર્થને સહેજ ગંભીર સ્વરમાં પૂછ્યું “તને તો એ પે’લ્લેથી ગમતીજ ‘તીને.....!?”

“હમ્મ....!” નીચું મોઢું રાખીને બેઠેલો સિદ્ધાર્થ બોલ્યો “પણ એને આરવ ગમે છે એનું શું...!?”

ચ્હા પીતાં-પીતાં વિકટ વિચારી રહ્યો.

“મને તો એ પણ નઈ ખબર કે એને હું ગમું છું કે નઈ...!?” સિદ્ધાર્થ માથું ધુણાવીને બોલ્યો.

“તેજ તો કીધું..કે એ તને ગમાડે છે એટલેજ એણે હા પાડી...!?” વિકટે મૂંઝાઈને પૂછ્યું.

“હાં...એવું એ કે’તી’તી....!” સિદ્ધાર્થ બોલ્યો “એનાં મનમાં ખરેખર શું ચાલે છે....! કોને ખબર....!?”

“ છોકરીઓનાં મનમાં ખરેખર શું ગેમ ચાલતી હોય.... કોને ખબર...!?” વિકટ ખભાં ઉછાળીને બોલ્યો “છોકરીઓ જે મેળવવા માંગતી હોય...એનાં માટે બવ લાંબી ગેમ રમે...!”

એટલું બોલીને વિકટ સિદ્ધાર્થ સામે જોઈ રહ્યો

“જો નેહાના મનમાં કંઈ પ્લાન હશે....તો તને આજે નઈ ખબર પડે...!” થોડીવાર પછી વિકટ બોલ્યો.

સિદ્ધાર્થ વિચારી રહ્યો.

“જે થવાનું હતું એ થઈ ગ્યું દોસ્ત...!” વિકટ શાંતિથી બોલ્યો “મારાં મતે હવે તમારે બંનેએ એ વાસ્તવિકતા સ્વીકારે છૂટકો નથી.....! હવે તમારે બેયે બધું ભૂલીને આગળ વધવું જોઈએ...!”

“હું તો આગળ વધી જાઉં....!” સિદ્ધાર્થ બોલ્યો “પણ એ આગળ વધવાં માંગે છે કે નઈ...! એ કેમની ખબર પડે...!?”

“એ તો તું એને ચાન્સ આપીશ તો ખબર પડશેને....!?” વિકટ બોલ્યો અને સિદ્ધાર્થ ફરીવાર વિચારે ચઢી ગયો.

વિકટની વાત સાથે સહમત થતો હોય એમ સિદ્ધાર્થે એક ઊંડો શ્વાસભર્યો અને ચ્હાનો ખાલી કપ જોડે બાંકડાની બેઠક ઉપર મુક્યો.

“મગજ કામ નઈ કરતું યાર....!” સિદ્ધાર્થ બોલ્યો.

“અમ્મ...!” ચ્હાનો ઘૂંટ ગળે ઉતારી વિકટ બોલ્યો “તો હાલો...! ડાકોરના ઠાકોરને ત્યાં...!”

“ચાલ...!” બાંકડાની બેઠક ઉપરથી ઉભાં થઈને સિદ્ધાર્થ બોલ્યો “જઈએ...!”

“લે....! તું તો જબરો....એકજ વારમાં હા પાડી દીધી...!?” ચીડવતો હોય એમ વિકટ બોલ્યો.

“ હી..હી...!”

“ચાલ....!” સિદ્ધાર્થની જેમ ચ્હાનો ખાલી કપ બેઠક ઉપર મૂકી વિકટ ઉભો થઈ ગયો અને પેવમેન્ટ ઉપરથી ઉતરી રોડ ઉપર પાર્ક કરેલાં સિદ્ધાર્થના એનફિલ્ડ પાસે આવી ગયો.

“અરે પણ ચ્હાના પૈસા....!?” સિદ્ધાર્થે બોબી સ્ટોલ તરફ ઈશારો કરીને યાદ અપાવ્યું.

“અરે બોબી આપડી જ છે....!” વિકટ મજાકિયા સ્વરમાં બોલ્યો અને પછી ફરીવાર બોબી આગળ ચ્હા હાથમાં ટ્રે લઈ ચ્હા સર્વ કરી રહેલાં લોકેશ સામે જોયું.

“એ લોકેશ.....!” ફરીવાર બૂમ પાડીને વિકટે તેને બોલાવ્યો અને હાથ વડે ઈશારો કરીને ચ્હાના પૈસા આવતીકાલે આપવાનો ઈશારો કર્યો.

લોકેશે હકારમાં માથું ધુણાવી દેતાં સિદ્ધાર્થ પોતાનાં બાઈક ઉપર બેઠો અને સેલ માર્યો. પાછલી સીટ ઉપર વિકટ બેસી જતાં બંને છેવટે ડાકોરની ટ્રીપ ઉપર નીકળી ગયાં.

***

“સિદ્ધાર્થ....! પછી અમદાવાદનાં શેડ માટે કોઈ વાત થઈ બ્રોકર જોડે....!?”

“ઓફિસે જાય છે....!?” ડ્રોઈંગરૂમના સોફામાં બેસી છાપું વાંચી રહેલાં કરણસિંઘે ત્યાંથી પસાર થઈ બહાર જઈ રહેલાં સિદ્ધાર્થને પૂછ્યું.

“હાં....!” સિદ્ધાર્થ અટક્યો અને બોલ્યો.

“સરસ....! અત્યારે તારે કૉલેજમાં વેકેશન છે....તો થોડો વધારે ટાઈમ ઓફીસમાં રોકાજે...!” કરણસિંઘ બોલ્યાં અને પાછું છાપામાં જોવાં લાગ્યાં.

“હમ્મ....!” સિદ્ધાર્થે હુંકારો ભર્યો અને મેઈન ડોર તરફ જવા લાગ્યો.

તે હજીતો બે ડગલાં આગળજ વધ્યો હતો ત્યાંજ દરવાજા સામે જોઇને ચોંકીને અટકી ગયો.

“હાય...!” દરવાજે ઉભેલી નેહા સ્મિત કરીને બોલી.

સિદ્ધાર્થ હજીપણ તેણી સામે આશ્ચર્યપૂર્વક જોઈ રહ્યો.

“અરે નેહા બેટા...!?” સોફામાં બેઠેલાં કરણસિંઘ પણ મેઈનડોરમાં ઉંબરે ઉભેલી નેહાને જોતાંજ આશ્ચર્યથી ઉભાં થઈને બોલ્યાં.

“વિજય...ક્યાં....!?” નેહા તરફ જતાં-જતાં કરણસિંઘ બોલ્યાં ત્યાંજ નેહાની પાછળથી તેમણે વિજયસિંહ અને સુરેશસિંઘને મેઈનડોર તરફ આવતાં જોયાં.

“અરે રાગિણી....! જલ્દી આય....! મે’માન આયાં....!” કરણસિંઘ કિચન તરફ જોઇને સહેજ ઊંચા સ્વરમાં બોલ્યાં.

“આવો...આવો....!” નેહા તરફ સ્મિત કરીને કરણસિંઘ ઉંબરો વટાવીને વિજયસિંહ અને સુરેશસિંઘને આવકારવાં દરવાજાની બહાર ગયાં.

નેહા સ્મિત કરીને દરવાજાની સહેજ જોડે સાઈડમાં ખસીને ઉભી રહી.

રાગિણીબેન પણ આવી ગયાં. ઔપચારિકતા નિભાવી બધાંને કરણસિંઘ ડ્રોઈંગરૂમમાં સોફાં સુધી દોરી લાવવાં લાગ્યાં.

મુખ્ય દરવાજા પાસે એક બાજુ ઉભેલી નેહા હજીપણ અંદરજ ઉભેલાં સિદ્ધાર્થ સામે જોઈ રહી.

“અરે...! વેવાણ નાં આયાં...!?” રાગિણીબેને અંદર પ્રવેશી રહેલાં વિજયસિંઘને પૂછ્યું.

“ના ભાભી....!” સુરેશસિંઘ બોલ્યાં.

બધાં દરવાજેથી અંદર આવીને ઉભાં રહ્યાં.

“મારે જમીનનું કામ હતું...! એટલે અમે આવતાં’તા...!” વિજયસિંઘ બોલ્યાં “નેહાને કૉલેજમાં વેકેશન હતું....! એટલે એ કે’ મારે પણ આવવું છે...!”

“સરસ....!” રાગિણીબેન બોલ્યાં.

“ચાલો...! અંદર બેસીને વાત કરીએ...!” કરણસિંઘ બોલ્યાં.

બધાં આવીને સોફામાં બેઠાં.

નેહા રાગિણીબેન જોડે સોફાં પાસે ઉભી રહી.

“પપ્પા...! હું નીકળું....!” સિદ્ધાર્થ બોલ્યો “CAનાં ત્યાં જવાનું છે....! મારાં રીટર્નમાં સહી કરવાં....!”

“હાં....” કરણસિંઘ બોલ્યાં.

“અ...બેટા...સાંજે કેટલાં વાગે આવવાનો...!?” કોર્નર સોફામાં બેઠેલાં વિજયસિંઘે પૂછ્યું.

“એનું તો કંઈ નક્કી નઈ....!” કરણસિંઘ પ્રસંશાભર્યા સ્વરમાં બોલ્યાં “અમારે બધું કામ એણે જોવાનું....! એટલે એ લેટ થઈ જ જાય...!”

“અચ્છા....!” વિજયસિંઘ બોલ્યાં.

“પણ બેટા..!” નેહાની જોડે ઉભેલાં રાગિણીબેન બોલ્યાં “નેહા આપડા ઘેર આઈ છે...! તો તું થોડો વે’લ્લો આઈ જજે....!”

હકારમાં માથું ધૂણાવી સિદ્ધાર્થ ત્યાંથી નીકળી ગયો.

***

ઓફિસે આવીને સિદ્ધાર્થે કામમાં પરાણે પોતાનું મન પરોવી દીધું. જોકે આખો દિવસ તેને નેહાના વિચારો આવતાંજ રહેતાં.

“કેટલાં વાગે આવે છે....!?” સાંજનાં લગભગ પાંચેક વાગ્યે નેહાએ સિદ્ધાર્થને whatsappમાં મેસેજ કર્યો.

દસેક મિનીટ પછી સિદ્ધાર્થે પોતાનાં ફોનમાં તેણીનો મેસેજ જોયો.

ફોન હાથમાં રમાડતાં-રમાડતાં સિદ્ધાર્થ નેહાને શું રીપ્લાય આપવો એ અંગે વિચારી રહી.

“હવે બધું ભૂલીને તમારે બેયે આગળ વધવું જોઈએ..!” વિકટની વાત યાદ આવી જતાં સિદ્ધાર્થ વિચારી રહ્યો.

છેવટે મોબાઈલનું લોક ખોલીએ તેણે નેહાને મેસેજ કરવાં માંડ્યો.

“બસ નીકળુંજ છું....!” મેસેજ સેન્ડ કરી સિદ્ધાર્થ ચેયરમાંથી ઉભો થયો.

“ઓકે...!” એકાદ-બે સેકન્ડમાંજ નેહાનો રીપ્લાય આવ્યો “તો ક્યાંક બહાર જઈશું...!?”

મેસેજ વાંચી સિદ્ધાર્થ વિચારી રહ્યો.

“કદાચ એ પણ આગળ વધવાં માંગે છે....!”

મોબાઈલ ખિસ્સામાં મૂકી સિદ્ધાર્થ છેવટે ઘરે જવા નીકળી ગયો.

***



“કેમ આમ ચુપ-ચૂપ છે....!?” નેહાએ જોડે ઉભેલાં સિદ્ધાર્થને પૂછ્યું.

ઘરેથી જમ્યા પછી બંને બહાર ફરવાં આવ્યાં હતાં. નેહાએ સિદ્ધાર્થને અકોટા બ્રીજ પર બેસવા માટે કહ્યું. બ્રીજ ઉપર સાઈડમાં બનેલી પેવમેન્ટ ઉપર બંને ઉભાં હતાં અને નીચે વહી રહેલી વિશ્વામિત્રી નદીને જોઈ રહ્યાં હતાં.

લગભગ અડધો કલ્લાકથી વધુ વીતવા છતાં સિદ્ધાર્થ કશુંજ બોલ્યો નહોતો.

“કંઈ નઈ...! ખાલી એમજ...!” સિદ્ધાર્થ પરાણે સ્મિત કરીને બોલ્યો ““તારે ઘેર નથી જવાનું...!?”

“પપ્પા ‘ને હું રાત રોકવાનાં છીએ...! અમારાં ઘેર..!” નેહા બોલી.

“ઓહ....! તો અંકલ ઘેર આવે એ પે’લ્લાં જવું પડશેને....!?” સિદ્ધાર્થ બોલ્યો.

“વાંધો નઈ....! એમને ખબરજ છે....! હું તારી સાથે બા’ર આઈ છું...!” નેહા બોલી.

“ઓકે...!”

કેટલીક વધુવાર ત્યાં ઉભાં રહીને છેવટે તેઓ ઘરે પરત ફર્યા.

***

જમીનને લગતા કામકાજને લીધે વિજયસિંઘે થોડાં દિવસ બરોડા રોકાવાનું નક્કી કરતાં ત્યાર પછીનાં દિવસોમાં પણ મોટેભાગે નેહાનું રૂટીન એવુંજ રહ્યું. સાંજે સિદ્ધાર્થના ઘરે આવ્યાં પછી બંનેનું સાથે ફરવાં જવું, ક્યાંક હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમવાનું, ક્યારેક ઘરની અગાશી ઉપર મોડે સુધી બેસીને વાતો કરવાનું.

મુંઝાયેલો સિદ્ધાર્થ જોકે મોટેભાગે તેણીથી થોડું અતડો રહેતો. નેહા સાથે તે ઓછી વાત કરતો. સામે નેહા પણ ઓછુંજ બોલતી. બંને સાથે ફરતા, બેસતાં પણ બંને વચ્ચે એક સ્વાભાવિક અંતર જળવાઈ રહેતું. થોડાં દિવસ પછી નેહાના મમ્મીને પણ બરોડા બોલાવી લઈ કૉલેજનું ઉનાળુ વેકેશન નેહાએ બરોડામાંજ વિતાવ્યું.

જે સંજોગોમાં તેમની સગાઇ થઈ, એ પછી સાથે રહેવાનો પ્રયત્ન કરતાં જોઇને બંને ઘરના લોકોને થોડી રાહત થઈ હતી.

બોરોડામાં રોકાણ સુધી નેહા આખો દિવસ મોટેભાગે સિદ્ધાર્થના ઘરે સ્પેન્ડ કરતી અને ઘરના કામો વગેરેમાં રાગિણીબેનની મદદ કરતી આથી પહેલેથી જ નેહાને પસંદ કરતાં રાગિણીબેન અને કરણસિંઘને પુત્રવધુ તરીકે નેહા વધુ પસંદ આવી ગઈ. બધાં હવે યોગ્ય મુહૂર્ત જોઈ બંનેના લગ્ન કરવાની રાહ જોઈ રહ્યાં હતાં.

“મુવી જોવાં જઈશું...!?” નેહાએ પૂછ્યું.

ઘરની અગાશી પર બંને બેઠાં હતાં.

“અમ્મ....! આટલાં લેટ...!?” સિદ્ધાર્થે સહેજ ખચકાટ સાથે પૂછ્યું.

“અરે ક્યાં લેટ છે...!?” નેહા મીઠો છણકો કરતાં બોલી “હજી તો આઠ પણ નઈ વાગ્યાં....! “

પોતાનાં મોબાઈલની સ્ક્રીન ઓન કરી ટાઈમ બતાવતાં નેહા બોલી.

“અમ્મ...પણ...!” સિદ્ધાર્થ ફરીવાર ખચકાયો અને નેહા સામે જોઈ રહ્યો.

“તને કમ્ફર્ટેબલ ના હોય....તો રે’વાંદે...!” નેહા છેવટે મોઢું વકાસીને બોલી અને પાછું આડું જોવાં લાગી.

“એવું કંઈ નથી....!” સિદ્ધાર્થ સહેજ ઢીલાં સ્વરમાં બોલ્યો “વિજય અંકલને પૂછવું પડશેને...!”

“પપ્પા હજી નઈ આયાં...! અને મેં મમ્મીને ઓલરેડી પૂછી લીધું છે....!” નેહા સહેજ નારાજ સુરમાં બોલી “મમ્મીએ હાં પાડી દીધી છે....!”

“તો....અ....કયું મુવી જોવું છે...!?” સિદ્ધાર્થે એવાંજ ખચકાટ સાથે પૂછ્યું.

“જે ચાલતું હોય એ....!” નેહા બોલી “જઈએ તો ખરાં...!”

“ઓકે....!” સિદ્ધાર્થ છેવટે માન્યો.

***

“સાવ વાહિયાત મુવી હતું....! હુંહ...!” ગુસ્સામાં બોલતાં-બોલતાં નેહા ઘરના ડ્રોઈંગરૂમાં પ્રવેશી.

“બીજું કોઈ મુવીજ ન’તું જાણે....!” પગ પછાડતી નેહા સીધી સોફાં પાસેથી પસાર થઈ કિચન તરફ જવા લાગી.

સોફામાં બેઠેલાં કરણસિંઘ પ્રશ્નાર્થભાવે નેહાને કિચન તરફ જતી જોઈ રહ્યાં. સિદ્ધાર્થ પણ સોફાં પાસે આવીને ઉભો રહ્યો.

“અરે....!? એવું તો શું થયું...!?” કિચનમાંથી બહાર આવી રહેલાં રાગિણીબેને તેમની તરફ આવી રહેલી નેહાને પૂછ્યું.

“કેટલું ફાલતું મુવી હતું...!” નેહા તેમની જોડે ઉભી રહી અને અદબવાળી મોઢું બગાડીને બોલી.

“પણ તે જે કીધું....! એજ તો આપડે જોવાં ગયાં....!” સિદ્ધાર્થ દલીલ કરતો હોય એમ બોલ્યો.

“અચ્છા....! તો મારો વાંક એમ...!?” નેહા ચિડાઈને બોલી.

“તો મારો વાંક એમ...!?” સિદ્ધાર્થ પણ સહેજ ચિડાઈને બોલ્યો “પિક્ચર મેં થોડું બનાયું છે કંઈ....!?”

“જો છે...!?” નેહા બોલી “

રાગિણીબેન મલકાતાં-મલકાતાં બેયને ઝઘડતાં-ઝઘડતાં જોઈ રહ્યાં. સોફાંમાં બેઠેલાં કરણસિંઘ પણ મલકાઈ રહ્યાં.

બંને વચ્ચેનો મીઠો ઝઘડો થોડીવાર સુધી ચાલ્યો. પછી રાગિણીબેને બન્નને સમજાવતાં નેહા કિચનમાં અને સિદ્ધાર્થ પોતાનાં રૂમમાં ચાલ્યો ગયો.

વેકેશનના બાકીના દિવસોમાં પણ સિદ્ધાર્થ-નેહા વચ્ચે આવાં નાનાં-મોટાં ઝઘડાઓ ચાલતાં રહ્યાં. દિવસ દરમિયાન નેહા સિદ્ધાર્થને મેસેજ કર્યા કરતી. કોઈવાર સિદ્ધાર્થ મેસેજનો રીપ્લાય નાં આપે તો નેહા ફોન પણ કરતી. ધીરે-ધીરે સિદ્ધાર્થ પણ તેણીની ક્લોઝ થવાં લાગ્યો. જોકે નેહા કરતાં અલગ, સિદ્ધાર્થનું બિહેવિયર ઘણું અતડું રહેતું. આમ છતાં, સિદ્ધાર્થ ખુશ હતો કે નેહા હવે આગળ વધીને તેની સાથે ક્લોઝ થઈ રહી હતી.

ઘરનાં બધાંને જોકે એ વાત સમજાઈ ગઈ કે તેમની વચ્ચે ચાલતી આ મીઠી નોંક-ઝોંકથી તેઓ ઝડપથી એકબીજાંની વધુ નજીક આવી રહ્યાં હતાં.

****

“Sid”

JIGNESH

Instagram: sid_jignesh19