Premni Kshitij - 28 books and stories free download online pdf in Gujarati

પ્રેમની ક્ષિતિજ - 28


સમર્પણ એક અલગ અનુભૂતિ આત્માની. હૃદયમાં ઉઠતા અગણિત પ્રશ્નોના જવાબો કદાચ સમર્પણ દ્વારા વ્યક્ત થાય છે. મનની ભાષા જ્યારે તન બોલવા લાગે ત્યારે મનના સંવેદનો હૃદયમાં સંસ્મરણો રૂપે કોતરાઈ જાય છે. સંસ્મરણો એટલે સંસ્મરણ કહેવાય છે કારણ કે તે ક્યારેય પસ્તાવા કે અફસોસની લાગણી ઉત્પન્ન કરતા નથી.

પોતાના ભાવિથી અજાણ મૌસમ અને આલય આજે જાણે કોલેજના છેલ્લા સંસ્મરણો પોતાના પ્રિયજન સાથે માણી લેવાના મૂડમાં હતા.....

મૌસમે આલયને પૂછ્યું, "શું વિચારે છે આલય?"

આલયે કહ્યું," કંઈ નહીં યાર બસ અમસ્તુ આપણા બન્નેના ભાવિ વિશે."

મૌસમે કહ્યું," તું ખુશ થઇ જાય એવી વાત છે, આજે ડેડ તને યાદ કરતા હતા."

આલયે કહ્યું," સરખું બોલને યાર શું કહે છે?"

મૌસમે સીધી રીતે કહ્યું," ડેડ આજે મને લગ્ન વિશે પૂછતા હતા. ડેડના એક ફ્રેન્ડ છે અમેરિકા અતુલ અંકલ, તેમના દીકરા શૈલ સાથે મારા લગ્ન કરાવવા માંગે છે."

આલયનો શ્વાસ અધ્ધર થઈ ગયો, તેણે તરત જ બાઈક ઉભી રાખી અને કહ્યું," મજાક ન કર મૌસમ સાચું કહે ને?"

મૌસમે હસતા હસતા કહ્યું," સાચું જ કહું છું સો ટકા."

આલયે ઉદાસ થઈને કહ્યું, "તે શું જવાબ આપ્યો?"

મૌસમે ગંભીર મુખ કરી જવાબ આપ્યો," મેં કહ્યું કે એકવાર હું શૈલને મળી લવું પછી મારો અભિપ્રાય આપુ."

આલયે ફરી કહ્યું," સીધી ના ન પાડી દેવાય? એમાં શું અભિપ્રાય આપવાનો?"

આલયનો ગુસ્સો જોઈને મૌસમે શાંત કરતા કહ્યું," કૂલ ડાઉન આલય... આપણા ભવિષ્યની આટલી મોટી વાત આમ સીધી રીતે ન કહી શકાય એ પણ મારા ડેડને. ડેડ મને પૂછતા પણ હતા કે તારા મનમાં કોઈ હોય તો કહી દે પણ હું તારી સાથે વાત કર્યા વિના આ વાત ડેડને કહેવા માંગતી ન હતી એટલે બસ."

આલયે મૌસમનો હાથ પકડી અને કહ્યું, " ચાલ અત્યારે જ તારા ડેડને મનાવી લઉં.

મૌસમ પણ આલયને આમ ઉતાવળ કરતા જોઈ બે મિનિટ જોઈ રહી, તેણે કહ્યું," હું જેટલા તારા પ્રેમને ઓળખું તેટલું મારા ડેડના સ્વભાવને પણ ઓળખું. મારી એવી ઈચ્છા હતી કે ભણવાનું હવે પૂરું થયું, તું ક્યાંક સેટ થઈ જા પછી સીધો જ તને મળવા લઈ જવું ડેડ પાસે એટલે ના પાડવાનો કોઈ પ્રશ્ન જ ન રહે."

આલયે કહ્યું," હું સ્વીકારું છું મૌસમ કે તારા ડેડ જેટલી સંપત્તિ હું કદાચ આ જન્મમાં મેળવી શકીશ નહીં, પરંતુ હું વચન આપું છું કે છેલ્લા શ્વાસ સુધી હું તને મારા શ્વાસની જેમ સાચવીશ, તારી દરેક ઈચ્છા ઝંખના ,નાનામાંનાનું સપનું પણ મારા જીવનનું લક્ષ્ય હશે, તારો આલય જીવનભર તને વફાદાર રહેશે મૌસમ...."

મૌસમે પ્રેમથી આલયના ગળામાં હાથ પરોવતા કહ્યું, " મારા આલયને વફાદારી સાબિત કરવા માટે શબ્દોની જરૂર નથી. આગળના ભવિષ્યમાં કોઇ પણ નાની ઈચ્છા કે સપનું ફક્ત મારું નહીં હોય આલય.... તે આપણા બંનેનું હશે.
અને મારી વફાદારીની વાત કરું આલય તો મારી બધી જ ઝંખનાઓ તારામાં જ પૂર્ણતા પામે છે.... અને જુઓ ઈશ્વર આ ઝંખના ઓ મારી પૂરી નહીં કરી શકે તો ફક્ત આલયને ઝંખતી મોસમનો આત્મા ત્યારે જ મરી જશે, સંજોગોવસાત ક્યારેય જો આપણા લગ્ન ન થઈ શક્યા તો પણ આ મન,તન અને હૃદય ફક્ત આલયના જ છે."

આલય લાગણીભીના સ્વરે બોલ્યો," આવી શક્યતાઓ વિશે ન વિચાર મૌસમ..."

મૌસમે આલયને કહ્યું," અત્યારે તો કોઈ શક્યતા એવી નથી દેખાતી આલય ,પણ હું મારા ભૂતકાળના અનુભવોને આધારે કહું છું કે મારી જીંદગીમાં મે ન ધારેલું ઘણું બધું બની ગયું છે. અને હું લાગણીની સાથે વાસ્તવિકતામાં પણ એટલો જ વિશ્વાસ ધરાવું છું, એવી વાસ્તવિકતા કે જેમાં ઈશ્વર ઘણીવાર એવા સંજોગો નિર્માણ કરી દે છે કે આપણે તેને સ્વીકાર્યા સિવાય છુટકો જ રહેતો નથી."
પરંતુ આ શક્યતાઓને આપણા સુધી પહોંચવા જ નથી દેવી, કાલે સવારે જ તું બ્રેકફાસ્ટ ટાઈમ પર ડેડને મળવા આવજે. આપણે બંને સાથે મળીને ડેડને મનાવી લેશું, કારણકે તારા કરતાં મારે તારી વધારે જરૂર છે."

આલય પણ બોલ્યો, " સાચી વાત છે તારી છુટા પડવાની નાનકડી શક્યતા વિચારીને પણ મન કેવું ચિંતા કરવા લાગે છે. આ શક્યતા આપણે નથી આવવા દેવી. મારા મમ્મી પપ્પા તો તને પસંદ કરી ચૂક્યા છે હવે ફક્ત તારા ડેડીને મનાવવાનું જ કામ જ કરવાનું છે, ચિંતા ન કરતી મારું મન કહે છે કે ઈશ્વર આપણને જરૂર સાથ આપશે."

મૌસમ પણ ખુશ થઈ ગઈ. ઈશ્વર તો સાથ આપશે જ પણ તું આજે તો મારો સાથ આપીશ ને?"

આલય કઈ જવાબ આપે તે પહેલાં જ તેની મમ્મીનો ફોન આવી ગયો.

આલય સાંભળી રહ્યો હતો તેણે જવાબ આપ્યો," મમ્મી આજે મૌસમ પણ મારી સાથે જ છે. હું અને મોસમ બંને સાથે જ આવીએ છીએ ઘરે.મોસમ પણ ત્યાં જ જમશે."

મોસમ મેં પૂછ્યું, " કેમ મને સાથે લઈ જાય છે?"

આલય રોમેન્ટિક થતાં બોલ્યો, " આજે તને સીધી ઘરે જ લઈ જવી છે, અને મારી સામે બેસાડીને પેટ ભરીને વાતો કરવી છે."

મોસમ પણ નિશ્ચિત થઈ ગઈ, કેમ કે અન્ય કોઇ જગ્યાએ તેને હંમેશા કોઈ જોઈ જાય તે ડર રહે તો તેના બદલે આલયના ઘરે નિરાંતે તેની સાથે સમય વિતાવી શકશે."

મૌસમ કેટીને પોતાના મિત્ર વર્તુળ સાથે છે એમ ફોન દ્રારા જણાવે છે. વિરાજ બંનેને જોઈ ને ખુશ થઇ જાય છે. મોસમની માસુમિયત જોઈ એક દીકરીની જેમ આવી હોય તેમ પ્રેમથી તેની સાથે વાતો કરે છે. ઉર્વીશ પણ આ જોઈ ખુશ થઈ જાય છે. જમીને બધા વાતોમાં વળગે છે ત્યાં જ ઉર્વીશભાઈના સંબંધીનું અચાનક એક્સિડન્ટ થઈ જતા વિરાજ અને ઉર્વીશ બંને ત્યાં જવા નીકળે છે. અને બંને પ્રેમીઓને જાણે ગમતું વાતાવરણ મળી જાય છે.

આલય મૌસમને કહે છે, " એકવાર તું અહીં આવી જા પછી આપણે આમ જ હશી ખુશીથી જીવન વિતાવશું."

મૌસમ પણ સ્વીકારે છે," સાચી વાત છે આલય તારા મમ્મી પપ્પાનો સ્વભાવ ખુબ જ સરસ છે હું જાણે મારા ઘરે આવી હોય એવું લાગે છે. આપણા બંનેના સંબંધને કોઈ મહોર ની જરૂર નથી હું તો અત્યારથી જ તને મારો પોતાનો માનું છું."

આલય રોકે છે મૌસમને," આવી વધારે વાતો ન કર બાકી મારી ઇચ્છાઓ વધતી જશે. કાલે ઓફિશ્યલી તારા પપ્પા ની પાસે તારો હાથ માગી લઉં પછી તું મારી. પછી કોઈ દુનિયાની તાકાત મને રોકી નહી શકે."

મોસમ મસ્તીમાં જ કહે છે," અત્યારે પણ તને કોણ રોકી રહ્યું છે?"

"મારા પ્રેમની વફાદારી "આલય બોલ્યો.

મોસમે કહ્યું પણ મારા મતે તો સંપૂર્ણ સમર્પણ જ વફાદારી નું બીજું નામ છે."

આલય મોસમની વાતોમાં ખેંચવા લાગ્યો, તેને પોતાની જાતનો જ ડર લાગ્યો. તેણે મૌસમને કહ્યું, ચાલ મોસમ ક્યાં બહાર ફરી આવીએ."

મૌસમે ના પાડી, " નહીં આલય, હવે ક્યાંય બહાર નથી જવું, તું મને ખાલી ઘર સુધી ડ્રોપ કરી દે. આજનો દિવસ મારા માટે હંમેશાં યાદગાર રહેશે."

આલય મૌસમને મૂકવા ચાલવા લાગે છે. મોસમ આલયને કહે છે." મારા દિવસને યાદગાર બનાવવા કૈક આપી શકીશ?"

આલયે પાછા વળીને કહ્યું ,"શું જોઈએ મારી મોસમને?"

મૌસમે શરમાઈને કહ્યું, "કંઈ નહીં."

આલય સમજી ગયો હોય તેમ મોસમની નજીક જઈ, બન્ને હથેળીઓ વચ્ચે મૌસમના ચહેરાને ઝીલી લીધો. મૌસમે શરમાઈને પોતાનું મુખ આલયના બાહુપાશમાં સમાવી દીધું.

હર હંમેશ સંસ્મરણો સ્વપ્નમાં,
મને ગમતું સાચુકલું સ્મિત....

હર હંમેશ તારી પરવા ચોતરફ,
મને ગમતું તારું મૂંગું વ્હાલ......

હર હંમેશ ઉછળે સ્નેહના મોજા,
મને ગમતી એક સાચુકલી સાંજ....

હર હંમેશ મને આવકારતી તારી દુનિયા,
મને ગમતો એક સાચુકલો મહેકતો ઈશારો....

હર હંમેશ રહેતી મારી આસપાસ તારા વિચારોની હુંફ,
અને મને ઝંખના તારી સાચુકલી હુંફની.....

સપનાં અને વાસ્તવીકતા વચ્ચેની ભેદરેખા જ્યારે ભુંસાવા લાગે ત્યારે વ્યક્તિનું મન વિચારો કરતું બંધ થઈ જાય અને આસપાસ છવાઈ જાય બસ પ્રેમ... પ્રેમ...અને પ્રેમ...

આવતા ભાગમાં જોઈશું કે બન્નેના સપના વાસ્તવિકતામાં પરિણમે છે કે નહીં?

(ક્રમશ)