Bob Faith books and stories free download online pdf in Gujarati

બૉબ વિશ્વાસ

બૉબ વિશ્વાસ

- રાકેશ ઠક્કર

અભિષેક બચ્ચનના દમદાર અભિનયવાળી 'બૉબ વિશ્વાસ' ની વાર્તા સુજોય ઘોષની જ વિદ્યા બાલનવાળી ૨૦૧૨ ની ફિલ્મ 'કહાની' ના એક પાત્ર બૉબ વિશ્વાસ (શાશ્વત ચેટર્જી) પર આધારિત છે. પરંતુ એમાં કલાકારોએ જેટલી મહેનત કરી છે એટલી લેખકે વાર્તા પર કરી હોત તો વધારે વિશ્વસનીય બની શકી હોત. આ વખતે નિર્દેશક સુજોય ઘોષની પુત્રી દીયાએ નિર્દેશનની બાગડોર સંભાળી છે. દીયાએ પહેલી ફિલ્મ હોવા છતાં પિતાની જેમ સારું નિર્દેશન કર્યું છે. દીયાએ ઘણા ટ્રેજેડી દ્રશ્યોમાં કોમેડી કરી બતાવીને પોતાની પ્રતિભા બતાવી છે. દીયાએ એટલા આત્મવિશ્વાસથી પિતાની 'બૉબ વિશ્વાસ' નું નિર્દેશન કર્યું છે કે બહારની ફિલ્મો મળી શકે છે. 'કહાની' થી આ ફિલ્મને અલગ પાડવા ડ્રગ્સની ટેબલેટની વાર્તા આપી છે. જેમણે પણ 'કહાની' જોઇ છે એ બૉબ વિશ્વાસના નાનકડા પાત્રને ભૂલી શક્યા નહીં હોય. બૉબ પોતાના અંદાજથી દર્શકોનું ધ્યાન ખેંચીને લોકપ્રિયતા મેળવી ગયો હતો. ત્યારે ઘણાએ એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેના પર ફિલ્મ બનવી જોઇએ. પણ 'કહાની' માં તેનું પાત્ર મૃત્યુ પામ્યું હતું એટલે તેની અગાઉની જિંદગીને બતાવવામાં આવી છે. તેની બેક સ્ટોરીને સુજોય બરાબર તૈયાર કરી શક્યા નથી. ફિલ્મની શરૂઆત સારી થાય છે. પણ અંત સુધીમાં વાર્તાનો નશો ઉતરી જાય છે. કોઇપણ કહી શકે કે અંતમાં શું બનશે. ઘણી જગ્યાએ હિન્દી સાથે એ સંવાદ બંગાળીમાં બિનજરૂરી લાગે છે. વાર્તામાં એવું લાગે કે પાગલ જેવા હત્યારા બૉબના જીવનના ઘણા રહસ્યો આગળ જતાં ખૂલશે પણ એવું થતું નથી. આખી ફિલ્મ પૂરી થઇ ગયા પછી એ વાતનો ખુલાસો થતો નથી કે બૉબ કયા કારણે આઠ વર્ષ સુધી કોમામાં રહ્યો હતો. એણે જે મિત્રની પત્ની સાથે લગ્ન કર્યા હતા એ મિત્રની હત્યાનું કારણ અપાયું નથી. વારંવાર ડોકટર અંકલની વાત આવે છે પણ અંતમાં તેની વાત દમ વગરની લાગે છે. ફિલ્મમાં ડ્રગ બ્લ્યૂના ધંધાની વાત અને બૉબની વાર્તા સમાંતર ચાલતી હોવા છતાં છેલ્લે બંનેને કારણે કોઇ રોમાંચ પેદા થતો નથી.

સુજોય અને એમની પુત્રી શાહરૂખ ખાનની 'રેડ ચિલીઝ' દ્વારા નિર્મિત ફિલ્મ 'બૉબ વિશ્વાસ' ને એક ફોર્મૂલા ફિલ્મ બનતાં રોકી શક્યા નથી. વાર્તા એવી છે કે બૉબ વિશ્વાસ (અભિષેક બચ્ચન) વર્ષો સુધી કોમામાં રહ્યા બાદ ભાનમાં આવે છે ત્યારે તેની યાદશક્તિ જતી રહી હોય છે. તે પોતાની વીતેલી જિંદગી વિશે કંઇ જ જાણતો નથી. ડોકટર તેને તેની પત્ની, પુત્રી અને પુત્ર વિશે જણાવે છે ત્યારે તે પોતાના ઘરે જાય છે. તેણે એ સાથે એક કોન્ટ્રાકટ કિલરની જિંદગી જીવવી પડે છે. તે હોસ્પિટલની બહાર આવ્યા પછી ક્રાઇમ બ્રાંચવાળા તેનો ઉપયોગ કરે છે. તેને પોતાના અપરાધનો અહેસાસ થાય છે ત્યારે નવી જિંદગી જીવવા માગે છે પણ તેનો ભૂતકાળ પીછો છોડતો નથી. તે ગઇકાલની અને આજની જિંદગી વચ્ચે મૂંઝવણમાં મુકાય છે.

અભિષેક બચ્ચનની એ કમનસીબી છે કે સશક્ત અભિનય કર્યો એ ફિલ્મની વાર્તા નબળી હતી. પોતાની ભૂમિકાને લુક, હાવભાવ અને અવાજથી સાકાર કરવામાં તેણે કોઇ કમી રાખી નથી. એક હત્યારા, પતિ અને પિતાના રૂપમાં સહજ અભિનય કર્યો છે. તે જ્યારે પોતાના પુત્રને મળવા સ્કૂલમાં પહોંચે છે ત્યારે એનો અભિનય મોટો પુરાવો છે. અગાઉ જે પાત્રને અન્ય કોઇ કલાકાર ભજવી ચૂક્યો હોય ત્યારે ફરી સાકાર કરવાનું સરળ નથી. પરંતુ અભિષેક પોતાના અભિનયથી એનો ચહેરો કાયમ માટે ભૂલાવી શકવામાં સફળ રહ્યો છે. હવે પછી બૉબને યાદ કરતી વખતે અભિનેતા શાશ્વત નહીં અભિષેક જ યાદ આવશે. અભિષેકને જો પડકારરૂપ ભૂમિકા મળે તો મહેનત કરવામાં પાછું વળીને જોતો નથી. બૉબની મુશ્કેલ ભૂમિકાને રમતાં રમતાં ભજવી ગયો છે. આ અગાઉ OTT પર આવેલી વેબસીરિઝ 'બ્રીધ' હોય કે ફિલ્મ 'બિગબુલ' અભિષેકે નિરાશ કર્યા ન હતા. તેણે પુનરાગમન કરીને પોતાનું સ્થાન ફરી બનાવ્યું છે.

અભિષેકની પત્નીની નાની પણ દિલચસ્પ ભૂમિકામાં ચિત્રાંગદા સિંહનું કામ સારું છે. લાંબા સમય પછી દેખાઇ હોવા છતાં અભિનયની છાપ છોડી જાય છે. 'કાલી બાબૂ' તરીકે પરમ બંદોપાધ્યાય જમાવટ કરે છે. પૂરબ કોહલી, ટીના દેસાઇ, મનીષ વર્મા વગેરે સાથે બીજા સહાયક કલાકારો બંગાળી હોવાથી કલકત્તાનું વાતાવરણ સહજ રીતે બને છે. દીપક તિજોરીની પુત્રી સમારાએ અભિષેકની પુત્રી મીની તરીકે પ્રભાવિત કર્યા છે.

સુજોય ઘોષની અત્યાર સુધીની શ્રેષ્ઠ થ્રીલર ફિલ્મોમાં સમાવેશ પામતી ફિલ્મ 'કહાની' જેટલી 'બૉબ વિશ્વાસ' મજબૂત નથી પણ અભિષેકના અભિનયને કારણે એક વખત જરૂર જોઇ શકાય એવી છે.

('ચિત્રલેખા' મેગેઝીનની વેબસાઇટ પર બૉલિવૂડની રસપ્રદ વાતો લેખક રાકેશ ઠક્કરની કલમે 'બૉલિવૂડ કી બાતેં' કોલમમાં રજૂ થાય છે.)