College campus - 12 - Aek dilchasp premkatha books and stories free download online pdf in Gujarati

કૉલેજ કેમ્પસ - 12 - (એક દિલચસ્પ પ્રેમકથા)

સાન્વીના પોતાના જીવનમાંથી ચાલ્યા ગયા બાદ વેદાંશ ખૂબજ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થાય છે અને તે ડીપ્રેશનમાં આવી જાય છે. જીવન જીવવા પ્રત્યેની પોતાની આશા ખોઇ બેસે છે.

જાણે તેનું બધુંજ લુંટાઈ ગયું હોય તેવો અહેસાસ તેને થાય છે. સાન્વીને પોતાની જિંદગી માની બેઠેલો વેદાંશ પોતાની જાતને સંભાળવા પણ કાબેલ નથી રહેતો. એનો કીશન- કાનુડો જેને એ પોતાનો ભગવાન જ નહિ પણ બધુંજ માનતો હતો તે તેની સાથે આવું કંઇક પણ કરશે તેવું તેણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું, હવે શું કરવું...?? ક્યાં જવું...?? કોને કહેવું...?? કંઇજ સૂઝતું ન હતું.


અર્જુન અને ઈશીતા તેને ખૂબ સપોર્ટ કરે છે અને સમજાવે છે કે, " ઇશ્વરને જે ગમ્યું તે ખરું...!! હવે હકીકતને સ્વીકાર્યા વગર છૂટકો નથી, કદાચ સાન્વી તારા નસીબમાં જ નહિ હોય...!! તેનાથી વધારે સારી છોકરી તને મળશે. હવે તું એને ભૂલી જાય તેમાંજ તારી અને તારા પરિવારની ભલાઈ છે. તું આટલો બધો બ્રિલિયન્ટ અને બેંગ્લોરમાં વેલસેટ છે તારી કાસ્ટની સરસ છોકરી તને મળી જશે. તારે હવે સાન્વીને ભૂલી જઇ તારા ફ્યૂચર વિશે પોઝીટીવ વિચારવું રહ્યું. "


પણ વેદાંશે ખરા હ્રદયથી સાન્વીને ચાહી છે, સાન્વી આ રીતે તેને છોડીને જઇ શકે...? એ વાત તેનું હ્રદય સ્વિકારવા તૈયાર જ નથી. તે સાન્વીને ભૂલવા તૈયાર જ નથી.


વેદાંશ બેંગ્લોર આવી એક યંત્રવત જીવન જીવવા લાગે છે. તેના ચહેરા ઉપરથી હાસ્ય તો જાણે ગાયબ જ થઈ ગયું છે. મમ્મી-પપ્પા પ્રત્યેની ફરજ અદા કરવા માટે જીવવું છે તેમ વિચારીને જિંદગી જીવી રહ્યો છે. હવે બે-અઢી વર્ષથી સેટ છે એટલે મમ્મી પણ તેને મેરેજ કરી લેવા ફોર્સ કરે છે જેથી બેંગ્લોરમાં


ખાવા-પીવાની તકલીફ ન પડે પણ વેદાંશ છોકરીઓ જોવા માટે તૈયાર જ થતો નથી. " હજી વાર છે મમ્મી, મને થોડા પૈસા ભેગા કરી લેવા દે " એમ કહી વાતને કાપી નાંખે છે.


વેદાંશને તેની સીન્સીયરનેસ અને હોંશિયારીને કારણે ઓફિસમાં પ્રમોશન મળે છે. અને હવે તે એચ.આર.ની પોસ્ટ ઉપર આવી જાય છે. તેને ઓફિસમાં અલગ કેબિન પણ ફાળવવામાં આવે છે. તેની સેલરીમાં પણ વધારો થાય છે. મમ્મી-પપ્પા ખૂબજ ખુશ થઇ જાય છે. પણ વેદાંશ પોતાની લાઇફમાં કંઇક અધૂરાપનનો અહેસાસ અનુભવે છે. હવે તેને કોણ સમજાવે કે સાન્વી પાછી નથી આવવાની...??


વેદાંશની કંપનીમાં તેની જગ્યાએ એક નવી છોકરી એપોઇન્ટ થાય છે. ક્રીશા પટેલ...સ્માર્ટ, બોલ્ડ, બ્યુટીફૂલ અને બોલકણી...જેને વેદાંશના હાથ નીચે કામ કરવાનું હોય છે.


ક્રીશા વેદાંશની ઓફિસમાં આવે છે. ટોલ એન્ડ હેન્ડસમ એચ.આર.ને જોઇને ખુશ થઇ જાય છે. વેદાંશ સાથે શેકહેન્ડ કરે છે અને પોતાની ઓળખાણ આપતાં કહે છે કે, " સર, આઇ એમ ક્રીશા પટેલ, વર્કીંગ અન્ડર યુ. હું પણ તમારી જેમ ગુજરાતી જ છું એટલે આપણને બંનેને સારો મેળ આવશે. આમ પણ સાઉથ ઇન્ડિયન સાથે રહી બોર થઈ ગઈ છું. ગુજરાતી સાથે કામ કરવાની મજા આવશે. " અને વેદાંશને ન હતું હસવું તો પણ હસી પડે છે અને ક્રીશાને પોતાની સામેની ચેરમાં બેસવા કહે છે.


ક્રીશાને આજના દિવસનું બધું કામ સમજાવે છે. અને પછી બહાર જઈ તેને પોતાની જગ્યાએ બેસવા કહે છે. અને એક સેકન્ડ માટે તેને પોતાની સાન્વી યાદ આવી જાય છે. શું કરતી હશે મારી સાન્વી..?? ઠીક તો હશેને..?? મને યાદ તો કરતી હશે ને..?? અને એક ઉંડો શ્વાસ લઈ આંખ બંધ કરી સાન્વીને મનોમન નીરખી રહ્યો છે. બસ, થોડી જુની વાતો અને જુની યાદો નજર સમક્ષ આવી જાય છે.


કહેવાય છે કે, સમય ગમે તેવો દુઃખનો ઘા હોય તો તેને રુઝ લાવી દે છે. પણ આટલો બધો સમય થયો છતાં વેદાંશ સાન્વીને ભૂલી શકતો નથી અને મનોમન પોતાનાથી અળગી કરી શકતો નથી. વેદાંશનું આ દુઃખ ક્યારે દૂર થશે એ તો હવે તેનો કાનજી જાણે...!!


વેદાંશ સાન્વીને ભૂલી શકે છે કે નહિ...?? વાંચો આગળના ભાગમાં...


~ જસ્મીના શાહ 'જસ્મીન'


દહેગામ


18/10/2021