Chandigarh does Aashiqui books and stories free download online pdf in Gujarati

ચંદીગઢ કરે આશિકી

ચંદીગઢ કરે આશિકી

-રાકેશ ઠક્કર

આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'ચંદીગઢ કરે આશિકી'માં સામાન્ય પ્રેમ વાર્તા નથી. પ્રેમ વાર્તામાં એક છોકરી-છોકરો મળે અને બંને વચ્ચે પ્રેમ થયા બાદ નારાજગી થાય છે. અને બ્રેકઅપ કે પેચઅપ સાથે પૂરી થાય છે. જ્યારે 'ચંદીગઢ કરે આશિકી' માં છોકરીનો એક ભૂતકાળ હોય છે. અને તે છોકરાની પરેશાનીનું કારણ બને છે. છોકરીએ ઓપરેશન કરાવીને પોતાની જાતિ બદલી હોય છે. નિર્દેશક અભિષેક કપૂર શરૂઆતથી જ મૂળ મુદ્દા પર આવી જાય છે. તે મનોરંજન કરવાને બદલે સમાજને આ મુદ્દા પર શિક્ષિત કરવાનો આશય રાખે છે. પહેલા ભાગમાં ફિલ્મ ધીમી ગતિએ ચાલે છે. બીજા ભાગમાં ગતિ વધે છે પણ લાંબા દ્રશ્યોમાં અટવાતી રહે છે. સ્ક્રિપ્ટ પર હજુ વધારે મહેનત કરવાની જરૂર હતી. એમાં રોમાન્સ ઓછો અને તણાવ વધારે છે. નિર્દેશકે વાતને હળવાશથી કહેવાનો પ્રયત્ન કર્યો પણ એમાં સફળતા મળી નથી. જબરદસ્તીની કોમેડી વિષયને નબળો કરે છે. હીરોઇનના ટ્રાન્સ રૂપને સ્વીકારવાની વાત આવે છે ત્યાં જ નિર્દેશકે કોમેડી પેદા કરવાનો પ્રયત્ન કર્યો છે. પંજાબીની વધુ અસરવાળા સંવાદ જોઇએ એવા અસરદાર નથી. ફિલ્મના નામમાં ચંદીગઢનો ઉલ્લેખ બંધબેસતો નથી. કેમકે ચંદીગઢની ટ્રાન્સ છોકરીને એક યુવાન દિલ આપી બેસે છે એમાં આખા શહેરને જોડવાની જરૂર નથી.

આયુષ્માન 'જરા હટકે' ભૂમિકાઓ ભજવવા માટે જાણીતો છે. વિષયની પસંદગી કરવામાં તેની તોલે કોઇ અભિનેતા આજની તારીખમાં આવી શકે એમ નથી. તે ફિલ્મમાં હોય એટલે કોઇ સામાજિક મુદ્દો હોવાનો વિશ્વાસ સાચો સાબિત કરે છે. પોતે પંજાબી હોવાથી જિમ ઇન્સ્ટ્રક્ટરની ભૂમિકાને પૂરો ન્યાય આપ્યો છે. ભૂમિકા માટે બૉડી સરસ બનાવી છે. આયુષ્માન –વાણીની કેમેસ્ટ્રી વિષયને અનુરૂપ છે. વાણી કપૂરે ટ્રાન્સજેન્ડરની ભૂમિકાને સ્વીકારીને ખરેખર મોટું સાહસ કર્યું છે. તેણે નિર્દેશકનો તેના પરનો વિશ્વાસ સાચો સાબિત કર્યો છે. આવી ભૂમિકા માટે હા પાડવાની હિંમત બહુ ઓછી અભિનેત્રીઓ કરે છે. તેણે 'બેફિકરે' જેવી ભૂમિકા ભજવી હોય એવું લાગતું હશે પણ આ વખતે ભાવનાત્મક ઉંડાણ છે. કેટલાક દ્રશ્યોમાં તે બીજા કલાકારો પર ભારે પડી છે. અભિષેક કપૂરને ઘણાએ પૂછ્યું હતું કે તમે ભૂમિકાને વાસ્તવિક બતાવવા અભિનેત્રીને બદલે ટ્રાન્સજેન્ડરની પસંદગી કેમ ના કરી? તેમનો જવાબ છે કે દરેક વ્યક્તિ ફિલ્મ કલાકારથી આકર્ષિત થાય છે. નિર્માતા અને લેખક દ્વારા ફિલ્મ બનાવવામાં આવે છે. અને એની વાર્તાને લોકો સુધી પહોંચાડવા કલાકાર પાસે કામ કરાવવાનું વધારે યોગ્ય ગણાશે. અલબત્ત નિર્દેશકને ફિલ્મ બનાવવાની હિંમતની દાદ મળી છે પણ મુદ્દાને અસરકારક રીતે રજૂ કરી શક્યા નથી.

ફિલ્મમાં હીરોઇનની લડાઇ મુખ્ય મુદ્દો હતો એ વાત તેના પ્રેમ પ્રકરણમાં દબાઇ જાય છે. આખી વાર્તામાં તો ઠીક ક્લાઇમેક્સમાં પણ કોઇ વળાંક જ નથી. એક ટ્રાન્સ ગર્લને સ્વીકારવાના મુદ્દાને નાટકીય રીતે રજૂ કરવાને બદલે સરળતાથી બતાવી દીધો છે. 'કાઇપો ચે' થી સુશાંત સિંહને સ્ટાર બનાવનાર અને 'રૉક ઑન'થી ફરહાન અખ્તરને અભિનેતા સાથે ગાયક તરીકે રજૂ કરનાર નિર્દેશક અભિષેક કપૂરે આયુષ્માન-વાણીની અલગ લવસ્ટોરી આપવા સાથે નાની-મોટી ભૂલો કરીને પણ ફિલ્મને મનોરંજક બનાવવા પર જ વધારે ધ્યાન આપ્યું છે. મનુનું હ્રદય પરિવર્તન થાય છે એ દ્રશ્યને હજુ વધુ સારી રીતે લખવાની જરૂર હતી. એક દ્રશ્યમાં માનવી મનુને કહે છે કે,'ના તુમ ઇસ બાત કો હજમ કર પા રહે હો ઔર ના મેં ખતમ કર પા રહી હૂં' એ વાત વાર્તાની એ સ્થિતિમાં ખોટી લાગે છે. કેમકે માનવી તરફથી એ વાત પૂરી થઇ ગઇ છે. હોસ્પિટલમાં માનવી પોતાની મા સાથે જે ચર્ચા કરે છે એ ખોટા સમય અને જગ્યા પર થતી હોય છે. જ્યારે હોસ્પિટલમાં મનુ માનવીને કહે છે કે એણે તેને મિસ કરી છે પણ એ વાતમાં દમ હોતો નથી. લેખકો ઘણી જગ્યાએ શું કહેવાનું છે એમાં ગૂંચવાયા છે. ફિલ્મને બોલ્ડ અને લાઉડ બનાવી હોવાથી પારિવારિક ગણવામાં આવી નથી. મુખ્યધારાની ફિલ્મ બને એ માટે નિર્દેશકે કેટલાક સમાધાન કર્યા છે. ફિલ્મનું ગીત-સંગીત સારું છે. તેનું કારણ એ પણ હોય શકે કે લાંબા સમય પછી એવી કોઇ ફિલ્મ આવી છે જેમાં એક જ સંગીતકાર સચિન-જીગરના બધા જ ગીતો છે. ટાઇટલ ગીત ઉપરાંત સુખવિન્દર સિંહનું 'તુમ્બે કે ઝુમ્બા' અને પ્રિયા સરૈયાનું 'કલ્લે કલ્લે' જમાવટ કરે છે.

('ચિત્રલેખા' મેગેઝીનની વેબસાઇટ પર બૉલિવૂડના કલાકારોના જીવનની ઓછી જાણીતી અને રસપ્રદ વાતો વાંચવા માટે લેખક રાકેશ ઠક્કરની કોલમ 'બૉલિવૂડ કી બાતેં' આપ વાંચી શકો છો.)