See you now books and stories free download online pdf in Gujarati

મળતાં રહીશું હવે....

આ તરફ પાર્થિવને ૨૫ વર્ષ પછી જોતા જ આસ્થાનું મન ભૂતકાળ વાગોળવા લાગે છે.
ને ફરી સ્કૂલના ૧૧માં ધોરણમાં પહોંચી જાય છે.

એ દિવસે ૧૫ ઓગસ્ટ હતી અને રેણુકા, માનવ, આસ્થા અને પાર્થિવ સ્કૂલમાં ખાસ નાટક ભજવવાના હતા.

થોડા સમય પહેલાં

કૃતિકા : તારી બર્થ ડે માટે કીધું હતું નવા કપડાં લે.
ત્યારે ના લીધા.
અને હવે સ્કૂલના રિયુનિયનમાં જવાનું છે તો પપ્પાને સાથે લઈને ખરીદી કરવા નીકળી ગઈ.
આસ્થાની ૨૨ વર્ષની દીકરીએ આસ્થાએ લાવેલા નવા કપડાં જોતા કહ્યું.
આસ્થા : હા, તો.
અમે બધા મિત્રો ૨૫ વર્ષે ફરી મળવાના છીએ.
આસ્થા ખુશ થતા કહે છે.
મમ્મીના ચહેરા પર આટલો હરખ અને ખુશી જોઈ કૃતિકા મનોમન ખુશ થઈ જાય છે.

* * * *

સાંજે

આર્ય : વાહ મમ્મી!
આજે તો કઈ અલગ જ લાગી રહ્યા છો.
આસ્થા : એટલે સારી લાગી રહી છું ને?
આર્ય : અરે એકદમ!
તે પોતાની મમ્મીના ખભા પર હાથ મૂકતા કહે છે.
આસ્થા ફરી ખુશ થતા હલકું હસે છે.
આસ્થાએ આજે સરસ નવું સ્ટાઇલિશ કોણી સુધીની સ્લીવ વાળું બ્લેક ટોપ સાથે ડાર્ક બ્લૂ રંગનું જીન્સ, કાનમાં સુંદર નાના નાના પંખીઓ વાળી સિલ્વર બુટ્ટી, ડાબા હાથમાં મેચિંગ બ્રેસલેટ અને જમણા હાથમાં કાળા રંગની સહેજ ચમકતી ઘડિયાળ પહેર્યા હોય અને વાળ પણ ઘણા દિવસે ખુલ્લા રાખ્યા હોય છે.


માનવ આજે ઓફિસથી જલ્દી ઘરે આવી જાય છે.
કારણ, રિયુનિયનમાં જવાનું હોય છે.
આસ્થાએ માનવના નવા કપડાં પહેલેથી જ કાઢીને રાખ્યા હોય છે એટલે માનવ ફટાફટ ફ્રેશ થઈ જાય છે અને બંને સાથે ગાડીમાં નીતિશના ફાર્મહાઉસ પર જવા નીકળે છે.

* * * *

" કેમ છે આસ્થા? "

ફાર્મહાઉસ પર પહોંચતા જ એક અવાજ આસ્થાનું અને માનવનું ધ્યાન તેમની તરફ ખેંચે છે.

માનવ : અરે વૃંદા...
માનવ તે અવાજની દિશામાં જોતા જ સ્કૂલ ફ્રેન્ડ વૃંદાને ઓળખી કાઢે છે.
વૃંદા : હાય.
તમે તો તરત ઓળખી કાઢી મને!
તે હસીને કહે છે.
આસ્થા : કેમ છે તું?
વૃંદા : બસ, મજામાં.
તું કહે, કેવું છે બધું?
આસ્થા : સરસ.
કહેતા તે ફરી મુસ્કાય છે.
માનવ : તમે બંને વાતો કરો.
હું નીતિશ પાસે જાઉં છું.
આસ્થા : હા.
માનવ તેના મિત્ર નીતિશને મળવા વૃંદા અને આસ્થાથી થોડો દૂર જાય છે.

અચાનક પાછળથી કોઈ આવીને આસ્થાએ પાછળથી જ વળગી પડે છે.
આસ્થા ઝાટકો લાગતાની સાથે વિચારવા લાગે છે કે : " આ કોણ આવ્યું? "

વૃંદા : તે તો ડરાવી દીધા રેણુકા.
વૃંદા તેની સામે જોતા કહે છે.
રેણુકા : લે...
એમાં...
આસ્થા : તું...તું સામે આવ.
આમ સરખી રીતે મળ.
આસ્થા રેણુકાનો હાથ પકડી તેને પોતાની સામે બોલાવે છે.
રેણુકા હસતાં હસતાં આસ્થાની સામે આવી તેને ફરી ભેટી પડે છે.

વૃંદા : આપણે ખુરશી પર આરામથી બેસી જઈએ યાર.
રેણુકા : હા.
બહુ બધી વાતો કરવાની છે.
પહેલા બેસી જઈએ.
ત્રણેય ત્રણ ખુરશીઓનું ગોળ બનાવી તેના પર બેસી જાય છે.

નીતિશ : એન્ડ ધ બિઝનેસ મેન ઓફ ધ યર ઈઝ હીયર!
તે પાર્થિવ પાઠકને તેમની તરફ આવતો જોતા કહે છે.
માનવ : ઓહો!
બધાની નજર સરસ ભૂરા રંગનો સૂટ પહેરીને આવેલા પાર્થિવ પર જાય છે અને પાર્થિવ આવીને સીધો પહેલા નીતિશ અને તેના ખાસ મિત્ર જેની સાથે તે સ્કૂલની બેન્ચ શેર કરતો હતો અને પોતાની બધી વાતો કરતો હતો તેવા માનવને ભેટે છે.

માનવ : આફ્ટર લોન્ગ ટાઈમ મેન.
તે પાર્થિવની પીઠ થાબડીને કહે છે.
પાર્થિવ : વેરી લોન્ગ ટાઈમ.
પાર્થિવ પણ હસીને કહે છે.
નીતિશ : બેસો મિસ્ટર પાઠક.
પાર્થિવ : તમારા મિત્રો માટે માત્ર પાર્થિવ જ.
તે હલકું હસીને કહેતા તેના માટે રાખેલી ખાલી ખુરશી પર બેસે છે.

રેણુકા : આ તો હજી પણ એટલો જ સરસ દેખાય છે.
તે પાર્થિવને જોતા કહે છે.
વૃંદા : એક મહિના પહેલાં જ એને
" બિઝનેસ મેન ઓફ ધ યરનો " એવોર્ડ મળ્યો છે.
ફેસબુક પર જોયેલું.
રેણુકા : સારું કહેવાય.

આ તરફ પાર્થિવને ૨૫ વર્ષ પછી જોતા જ આસ્થાનું મન ભૂતકાળ વાગોળવા લાગે છે.
ને ફરી સ્કૂલના ૧૧માં ધોરણમાં પહોંચી જાય છે.

* * * *

ભૂતકાળ

એ દિવસે ૧૫ ઓગસ્ટ હતી અને રેણુકા, માનવ, આસ્થા અને પાર્થિવ
સ્કૂલમાં નાટક ભજવવાના હતા.
જેની તૈયારીઓ એ લોકો છેલ્લા ૨ મહિનાથી કરી રહ્યા હતા.

આ ૨ મહિનાના સમયગાળામાં માનવ, આસ્થા અને પાર્થિવની દોસ્તી અત્યંત ગાઢ બની ગયેલી.
ત્રણેય સ્કૂલમાં બધું જ સાથે કરવા લાગ્યા હતા.
સતત સાથે રહેવા લાગ્યા હતા.

આસ્થાને પહેલેથી પાર્થિવ તરફ આકર્ષણ હતું.
અને તેની સાથે નાટક ભજવ્યા પછી તો આસ્થાના મનમાં બસ પાર્થિવ જ ફર્યા કરતો હતો.
આસ્થા વધારે ખુશ અને ઉત્સાહિત રહેવા લાગી હતી અને ચાલુ ક્લાસમાં પણ તે માનવ સાથે બીજી લાઈનની પહેલી બેન્ચ પર બેઠેલા પાર્થિવને જોઈ મલકાયા કરતી.

જેના પર રેણુકાનું ધ્યાન ચોક્કસ ગયેલું અને તેણે વારંવાર આસ્થાને પૂછેલુ, વાત કરેલી પણ આસ્થા જલ્દી એ વાત પર કઈ કહેતી જ નહી.
પણ પાર્થિવ માટે ખાસ તે પોતાના ઘરેથી બીજું ટિફિન લઈ આવતી ક્યારેક ક્યારેક.
જે પછી તેણે માનવ સાથે પણ વહેંચવું પડતું.
પણ એ ખાવાના વખાણ સાંભળી અને પાર્થિવના ચહેરા પર તે ખાસ વાનગીનો સ્વાદ મળતા આવતી મુસ્કાન જોવા માટે આસ્થા બધું ચલાવી લેતી.
મમ્મી ક્યારેક વઢે તો પણ સાંભળી લેતી પાર્થિવ માટે.

આમ કરતાં કરતાં હવે સ્કૂલનું છેલ્લું અઠવાડિયું આવી ગયું.
અઠવાડિયા પછી બધા વિદ્યાર્થીઓની દુનિયા બદલાય જવાની હતી.
બધા ખૂબ ખુશ પણ હતા અને થોડા ઘણા ગમગીન પણ.
બધાના મનમાં ભવિષ્યનો ડર પણ હતો અને પોતાના ખાસ મિત્રોને ફરી ક્યારે મળાશે કે નહી એનો પણ.
બધા એકબીજાને હાથે બનાવેલી નાની - મોટી ભેટ આપી રહ્યા હતા.
કોઈ મિત્રો રોજ વાત કરવાના ફાયદા કરી રહ્યા હતા.
તો કોઈ પૂછી રહ્યું હતું કે : તું મને ફોન કરશે ને?
મારી ચિઠ્ઠીઓનો જવાબ આપશે ને?
મને ભૂલી તો નહી જઈશ ને?

રેણુકા, વૃંદા અને આસ્થા તેમના ખાલી ક્લાસ રૂમમાં એક જ બેન્ચ પર બાજુ બાજુમાં બેઠા હતા.
વૃંદા : યાદ આવશે યાર તમારી.
આસ્થા : મને પણ.
રેણુકા : હજી એક અઠવાડિયું બાકી છે.
વૃંદા : બસ, એક જ અઠવાડિયું?
આટલી વાત કરી ત્રણેય પાછા શાંત થઈ જાય છે.

રેણુકા : એ આસ્થા, તારે પાર્થિવને કઈ કહેવું નથી?
હજી પણ સમય છે.
વૃંદા : હા, આસ્થા.
વૃંદાની આંખો ચમકી જાય છે.
વૃંદા : તું એને કહીને તો જો.
કદાચ, તેને પણ તું ગમતી હોય.
રેણુકા : બની શકે છે.
આસ્થા : તમને બંનેને ખરેખર એવું લાગે છે?
રેણુકા : શક્યતા હોય શકે છે.
આસ્થા : એનું શું કરું?
વૃંદા : તો શું તું પાર્થિવને ક્યારેય નહી કહેશે?
આસ્થા : ખબર નહી.
વૃંદા : કહી દે ને.
રેણુકા : પછી આપણે કોઈ મળીએ ના મળીએ.
વૃંદા : હા.
તે રેણુકાની વાત સાથે સંમત થાય છે.
આસ્થા : મને ડર લાગે છે.
રેણુકા : અમે હોઈશું ને તારી સાથે.
આસ્થા : માનવ શું વિચારશે?
વૃંદા : એ શું વિચારવાનો?
તું જે પણ કહેશે એ પાર્થિવનું નામ લઈને જ...

ત્યારે જ સીટી વગાડતો વગાડતો પાર્થિવ ક્લાસ રૂમમાં દાખલ થાય અને ત્રણેય જણ તેને જોતા જ ચોંકીને ચૂપ થઈ જાય છે.

* * * *

વાસ્તવિકતામાં પાછા

માનવ : તમે ત્રણેય દૂર કેમ બેઠા છો?
અહીંયા આવી જાઓ.
આસ્થા : આવીએ.

નીતિશ : પેલું નાટક તમે લોકોએ ભજવેલું તે યાદ છે?
રેણુકા : એને કઈ રીતે ભુલાય?
કહેતા તે હસી પડે છે.
માનવ : મારી મૂંછ અને પાર્થિવની ધોતી બંને ચાલુ નાટકમાં નીકળી ગયેલા.
માનવ ખડખડાટ હસતાં કહે છે.
પાર્થિવ : હા, યાર.
પાર્થિવ હસતાં હસતાં માનવને તાળી આપે છે અને એ આખું દ્રશ્ય યાદ કરતા બધા જોરમાં હસી પડે છે.

અડધો કલાક પછી

નીતિશના મોબાઈલની રીંગ વાગતા તે વાત કરવા માટે બધાથી થોડો દૂર જતો રહે છે.

નીતિશ : જમવાનું લેવા જવું પડશે.
તે પાછો બધા પાસે આવતા કહે છે.
નીતિશ : રેસ્ટોરન્ટથી ફોન હતો કે ડિલીવરી થઈ શકશે નહી.
માનવ : તો ચાલ, મારી ગાડીમાં જઈ આપણે લઈ આવીએ.
નીતિશ : સારું, ચાલ.
બંને તરત જમવાનું લેવા નીકળી જાય છે.

આસ્થા અને પાર્થિવની નજરો ફરી મળે છે.
વૃંદાના ઘરેથી પણ તેના સાસુજીનો ફોન આવતા તે વાત કરવા માટે દૂર જતી રહે છે.

રેણુકા : હું અંદર વોશરૂમ જઈને આવું.
કહેતા તે નીતિશના ઘરમાં અંદર જાય છે.

હવે બહાર ગાર્ડનમાં આસ્થા અને પાર્થિવ એકલા તેમની જગ્યા પર બેઠા હોય છે.
પાર્થિવ : હાય.
તે ચહેરા પર હલકી મુસ્કાન સાથે કહે છે.
આસ્થા : હાય.
તે પણ હોઠો પર મુસ્કાન સાથે કહે છે.
પાર્થિવ : તારા અને માનવના લગ્નનું આમંત્રણ મળ્યું હતું મને.
આસ્થા : આવવું હતું ને...
પાર્થિવ : તમારા લગ્નના દિવસે મારે રાજકોટ જવાનું હતું.
એક મોટી કંપની સાથે ખાસ્સો મોટો એવો સોદો કરવા.
નહિતો ચોક્કસ આવી જતે.
આસ્થા : હંમ.
તારી પત્ની જ્યોતિ મજામાં?
પાર્થિવ : હા.
આસ્થા : સરસ.
પાર્થિવ : ફેસબૂક માનવ સાથે જોડાયેલો છું તો તમારા છોકરાઓના ફોટા જોયા કરતો હોઉં છું.
આસ્થા : તારા અને જ્યોતિના બાળકો?
પાર્થિવ : અમે નિષ્ફળ જવાના ઘણા સફળ પ્રયત્નો કર્યા.
પછી એકબીજાને વ્યસ્તતામાં હજી વધારે વ્યસ્ત કરી લીધા.
આસ્થા : હંમ.
પાર્થિવ : તું કઈ કરી રહી છે હમણાં કે પછી...
તે વાક્ય અધૂરું છોડે છે.
આસ્થા : ફોટોગ્રાફીનું વર્ષો જુનું પેશન ફરી જીવી રહી છું.
તે ખુશ થતા કહે છે.
પાર્થિવ : તું પ્રોફેશનલી પણ કરે છે?
આસ્થા : હા.
પાર્થિવ : સરસ સરસ.
તે ખુશ થતા કહે છે.

પાર્થિવ : " પોતાના માટે સમય ફાળવવો જોઈએ. "
એટલું માત્ર વિચારવા જેટલો સમય મળી જાય છે.
પણ પછી...
આસ્થા : મને તો એ નથી સમજાતું કે આપણે પોતાનાથી જ શા માટે દૂર ભાગતા હોઈએ છીએ?
બાકી બધા તો આવ્યા એમ જતા રહેશે.
સૌથી વધુ આપણે જ આપણી સાથે રહેવાનું છે.
તે પાર્થિવની વાત વચ્ચેથી અટકાવતા કહે છે.
પાર્થિવ : અકારણ આપણે જીવનમાં કેટલું બધું કરતા હોઈએ છીએ અને પછી એ કરવામાં જે જીવનમાં ખરેખર જરૂરી છે એ રહી જાય છે ક્યારેક.
જેમ ત્યારે સ્કૂલના ક્લાસ રૂમમાં તે મને તારા દિલની વાત જણાવી પછી જવાબમાં તારી સાથે પ્રેમ હોવા છતાં ના કહીને...
તે વચ્ચે અટકીને ઉંડો શ્વાસ લે છે.
પાર્થિવ : મારે માફી માંગવાની હતી.
જે હું ચૂકી ગયો અને કોઈ ક્લાસ રૂમમાં આવી જશે અથવા જેમ મે તારી, વૃંદાની અને રેણુકાની વાત કલાસ રૂમની બહારથી સાંભળી લીધેલી એમ કોઈ સાંભળી લેશે એના ડરથી હું ના કહી તરત બહાર દોડી ગયેલો.
આસ્થા : ત્યારે દુઃખ થયું હતું પણ અત્યારે મને એનો કોઈ અફસોસ નથી.
એ જે થયું એ કદાચ બરાબર જ હતું.
અત્યારે આપણે બધા મિત્રો જીવનમાં આપણી રીતે સફળ છીએ અને ખુશ છીએ.
પાર્થિવ : એ તો છે.
આસ્થા : મારા મામીના નણંદની સહેલીનો દીકરો માનવ જ્યારે ૨૩ વર્ષ પહેલાં મને જોવા આવ્યો ત્યારે અમે એકબીજાને તરત ખુશીથી પસંદ કરી લીધા અને ૨ મહિનાની અંદર લગ્ન લેવાય ગયા.
અને મને તો લગ્ન પછી ખબર પડી કે માનવને તો હું ક્યારથી ગમતી હતી.

૨૦ મિનિટ ફોન પર વાત કર્યા પછી વૃંદા પાછી આવે છે અને નીતિશ અને માનવ પણ જમવાનું લઈને આવી ગયા હોય છે.

બધા સાથે એ જ મસ્તી ભરી વાતો કરતા અને એકબીજા સાથે એ જુના દિવસોને ફરી એક વાર જીવતા જમવાનો આનંદ માણે છે.

વોટર કૂલર પાસે માનવને એકલા ઉભેલા જોઈ પાર્થિવ તેની પાસે આવે છે અને તેના ખભા પર હાથ મૂકે છે.
માનવ : પાણી આપું?
પાર્થિવ : ના.
અહીંયા આજે આવ્યો તો ખબર પડી કે હું પોતાને જ કેટલો યાદ કરું છું.
માનવ : કઈ નહી.
હવે આપણે મળતા રહીશું.
તે મુસ્કાન સાથે કહે છે.
પાર્થિવ : બિલકુલ.
જીવનને તાજું અને રંગીન રાખવા મળવું જ રહ્યું.
માનવ : ચાલ, મળાય નહી તો એકાદ ફોન કરી લેવાનો.
જીવનની બેટરી તો દોસ્તો સાથે વાત કરીને પણ ફરી ચાર્જ થઈ જાય.
પાર્થિવ : હા.

માનવ : તારે કહી દેવાનું હતું યાર.
પાર્થિવ : શું?
માનવ : કે તને આસ્થા ગમતી હતી.
તે પાર્થિવ સામે જોતા કહે છે અને પાર્થિવ તેની સામે બસ જોતો રહી જાય છે.
માનવ : થોડા વખત પહેલાં આસ્થાની એક ડાયરી હાથમાં આવી જેમાં તારા વિશે પાનાંઓ ભરીને લખ્યું છે.
અને થોડું મારા અને આપણાં ત્રણ વિશે પણ.
પાર્થિવ : આસ્થા ખુશ છે તારી સાથે.
માનવ : હા.
એમ તો હું પણ છું જ.
તે હલકું હસતાં કહે છે.
પાર્થિવ : તે પણ તો નહોતું કહ્યુ કે તે તને ગમે છે.
માનવ : ત્યારે હિંમત હોવી જોઈએ ને ભાઈ.
પાર્થિવ : મને તો લોકોનો ડર હતો કે લોકો શું કહેશે.
તે પણ હલકું હસતાં કહે છે.
પાર્થિવ : હવે મને પણ કોઈ રંજ નથી.
તે માફી માંગ્યાની રાહત અનુભવતા કહે છે અને બંને વાત કરતા કરતા પાછા બધાની પાસે આવી જાય છે.

વૃંદા : ૧૧:૦૦ વાગ્યા.
ચાલો, મળીશું પાછાં.
તે પોતે સાથે લાવેલી બેગ લેતાં કહે છે.
રેણુકા : સમયનું તો ધ્યાન જ ના રહ્યું.
નીતિશ : ખરેખર.
તે રેણુકાની વાત સાથે સંમત થતાં કહે છે.
આસ્થા : ખૂબ મજા આવી.
વૃંદા : ખૂબ જ.
આભાર નીતિશ.
નીતિશ : આમાં કેવો આભાર વળી.

છેલ્લે આસ્થા પાર્થિવ પાસે આવે છે.
આસ્થા : મળતાં રહીશું હવે.
પાર્થિવ : પાક્કું.
આસ્થા : ઘરે આવે તો જ્યોતિને લઈને આવજે.
પાર્થિવ : હા હા.
માનવ : આવે તો નહી આસ્થા.
આને તારીખ જ આપવી પડશે કે આ તારીખે આવી જા ઘરે.
આસ્થા : હંમ.
તો પછી...
માનવ : આજે મંગળવાર છે.
રવિવારે આવો ઘરે.
પાર્થિવ : લંડન જવાનું છે શુક્રવારે.
આવીશું જલ્દી.
માનવ : સારું.
પાર્થિવ : મળતાં રહીશું હવે.
કહેતા તે મુસ્કાય છે.

* * * *

~ By Writer Shuchi

☺️

.