Prayshchit - 57 books and stories free download online pdf in Gujarati

પ્રાયશ્ચિત - 57

પ્રાયશ્ચિત પ્રકરણ - 57

કેતનનો પરિવાર સુરત જવા માટે રવાના થઈ ગયો એને પણ બીજા ચાર દિવસ થઈ ગયા અને ૧૨ તારીખ આવી પણ ગઈ. આવતીકાલે ૧૩ તારીખે હોસ્પિટલ ચાલુ થઈ જવાની હતી અને આજે બપોરે ૧૨ વાગ્યે તમામ સ્ટાફને ડૉ. શાહે હોસ્પિટલમાં બોલાવ્યો હતો.

આજે તમામ નર્સોને, વોર્ડબોયઝને, હેલ્પરોને અને સ્વીપરોને એમની ડ્યુટી સમજાવી દેવાની હતી. દરેકનો વોર્ડ પણ નક્કી કરવામાં આવ્યો હતો. ડૉ. શાહે પોતાના હોસ્પિટલના અનુભવના આધારે ત્રણ પાળી નક્કી કરી હતી અને એ પ્રમાણે ત્રણ ગ્રુપ બનાવેલાં હતાં.

એ ગ્રુપ સવારે આઠથી સાંજના ચાર સુધી, બી ગ્રુપ બપોરના બારથી રાતના આઠ સુધી અને સી ગ્રુપ નાઇટ ડ્યુટીનું હતું જે રાત્રિના આઠથી સવારના આઠ સુધીનું હતું.

લેબોરેટરી ટેકનીશીયન માટે પણ આ રીતે ત્રણ ટાઈમ ફાળવ્યા હતા. લેબોરેટરીમાં રાત્રે માત્ર ત્રણ નો સ્ટાફ રાખ્યો હતો. મશીન ટેકનિશિયનો માટે સવારે ૧૦ થી સાંજના ૭ નો ટાઈમ ફિક્સ કર્યો હતો જેમાં એક કલાક રિસેસનો હતો.

તમામ સ્ટાફને પોતાની ચોઇસ આપી હતી એટલે એમની પસંદગી પ્રમાણે જ સ્ટાફની ત્રણ ગ્રુપ માં વહેંચણી કરી હતી. દરેક અલગ અલગ સ્ટાફ માટે ત્રણ અલગ-અલગ રજીસ્ટાર બનાવ્યાં હતાં. જેમાં દરેકે રોજ પોતાની હાજરી પુરાવાની હતી. તે જ પ્રમાણે પેપર ઉપર પણ દરેક વોર્ડ દીઠ સ્ટાફનાં નામ અલગ અલગ લિસ્ટમાં બનાવવામાં આવ્યા હતા જે દરેક વોર્ડમાં રાખવાનાં હતા.

સૌથી સિનિયર નર્સ મોનિકા જોષીપુરાને હેડ બનાવવામાં આવી હતી અને એની પાસે તમામ સ્ટોકની જવાબદારી હતી. એણે હોસ્પિટલના તમામ નર્સિંગ સ્ટાફને સુપરવાઇઝ કરવાનો હતો અને સમયનું પાલન કરાવવાનું હતું. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની તમામ દવાઓ અને ઇન્જેક્શનો મંગાવીને દરેક વોર્ડમાં મોકલવાની જવાબદારી પણ હેડ નર્સની હતી.

" આવતીકાલે સવારે નવ વાગે આપણી હૉસ્પિટલમાં ઓપીડી ચાલુ થઇ જશે એટલે જેમની પણ ડ્યુટી છે એ તમામ સ્ટાફે સવારે ૮:૩૦ વાગે કાલે હાજર થઈ જવું. " ડોક્ટર શાહ બધાને સંબોધન કરી રહ્યા હતા.

" સ્વીપરોએ કાલે સવારે સાત વાગ્યે આવી જવાનું રહેશે જેથી હોસ્પિટલ એકદમ ક્લીન થઈ જાય. કાલે સવારે કદાચ કેતનભાઇ સાહેબ પણ આવશે. તો એમને ફરિયાદ કરવાનો કોઇ મોકો મળવો ન જોઈએ. સિક્યુરિટી સ્ટાફે કાલે સવારે આઠ વાગે આવી જવું. પેશન્ટો આવે ત્યારે બધી વ્યવસ્થા કરવાની જવાબદારી રહેશે. " શાહ સાહેબ બોલ્યા.

યુનિફોર્મ પણ સિવાઈને આવી ગયા હતા એટલે સ્ટોરમાંથી બહાર કાઢીને દરેકના યુનિફોર્મ અને વ્હાઇટ એપ્રોન નામ વાંચી વાંચીને સહુને આપી દેવામાં આવ્યા. સિક્યુરીટી સ્ટાફ માટે ડાર્ક બ્લુ કલરનો યુનિફોર્મ નક્કી કરવામાં આવ્યો હતો.

૧૩મી નવેમ્બરનો દિવસ કેતન સાવલિયા માટે જિંદગીના એક નવા સોપાનનો દિવસ હતો. પાછલા જન્મના પાપકર્મની પ્રાયશ્ચિત્ત યાત્રા આજથી શરૂ થવાની હતી !! " જન સેવા એ પ્રભુ સેવા " એ મંત્ર એણે અપનાવી લીધો હતો અને સ્વામી વિવેકાનંદ એના પ્રેરણામૂર્તિ હતા !

વહેલી સવારે ૪:૩૦ વાગ્યે એ ઉઠી ગયો હતો અને ચેતન સ્વામીનું વારંવાર સ્મરણ કરીને આશીર્વાદ લેવા માટે એ ઊંડા ધ્યાનમાં બેસી ગયો હતો. આજના દિવસે તો સ્વામીજીએ દર્શન આપવાં જ પડે એવી એની જીદ હતી. અને એ પૂરી પણ થઇ.

ધ્યાનમાં સ્વામી ચેતનાનંદનાં એને દર્શન થયાં. સ્વામીજી ના હસતા ચહેરાની સાથે આશીર્વાદ આપતી મુદ્રા પણ એને દેખાઈ. સ્વામીજીએ એને વહેલી તકે પોતાની ઉપર લાગેલા અભિશાપમાંથી બહાર આવવા માટે દરરોજ ગજેન્દ્ર મોક્ષ સ્તોત્ર નો એક પાઠ અને સાથે સાથે દરરોજ વિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવાની પણ આજ્ઞા આપી.

ધ્યાનમાંથી બહાર આવીને કેતન એકદમ ઉત્સાહમાં આવી ગયો. આજે ધ્યાનમાં વધુ સમય ગયો હોવાથી જોગિંગ કરવાનું ટાળ્યું. એ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો અને સવારે સાત વાગે સુરત ફોન કરીને મમ્મી પપ્પાને પગે લાગ્યો. ભાઈ ભાભીના પણ આશીર્વાદ લીધા. કેતનના આ જ સંસ્કાર એને ઘરમાં લાડકો બનાવતા હતા.

થોડીવારમાં જ દક્ષાબેન આવી ગયાં. આજે એ રસ્તામાંથી ગરમાગરમ ગાંઠીયા અને જલેબી લેતાં આવ્યાં હતાં એટલે ચાની સાથે એક ડીશમાં ગાંઠીયા ચટણી મરચાં અને જલેબી આપ્યાં.

" શું વાત છે માસી !! આજે તો તમે મારા માટે પહેલીવાર બહારથી નાસ્તો લાવ્યાં."

" ગાંઠીયા તમને ભાવે છે અને આજે તમારે હોસ્પિટલમાં કદાચ વહેલા જવાનું થાય અને પછી બપોરે જમવાનું મોડું વહેલું થાય તો નાસ્તો કરીને જવું સારું એમ વિચારી અઢીસો ગાંઠીયા અને થોડી જલેબી લેતી આવી. " દક્ષાબેન બોલ્યાં.

ચા-નાસ્તો પતાવીને એણે પેપર હાથમાં લીધું. છેલ્લા પાને અડધું પાનું ભરીને " કે. જમનાદાસ મલ્ટી સ્પેશ્યાલિટી ચેરીટેબલ હોસ્પિટલ " ની મોટી જાહેરાત હતી !

આ એરકન્ડિશન્ડ હોસ્પિટલમાં કયા કયા વિભાગો હતા અને કયા કયા ડોક્ટર્સ હતા તે તમામ વિગતો પેપરમાં વિગતવાર છાપવામાં આવી હતી. આ હોસ્પિટલમાં રાહત દરે સારવાર કરવામાં આવશે એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

જાહેરાતમાં સૌથી ઉપર ડાબી બાજુ કેતનનો ફોટો હતો અને જમણી બાજુ નવી હોસ્પિટલનો ફોટો હતો. કેતનની સૂચના પ્રમાણે જાહેરાતની નીચે "જન સેવા એ પ્રભુ સેવા" નો લોગો છાપવામાં આવ્યો હતો.

કેતનની આ જાહેરાતે આખા જામનગરનું ધ્યાન ખેંચ્યું હતું !! જે લોકોએ આ નવી હોસ્પિટલ જોઈ નહોતી એ લોકોને પણ એકવાર હોસ્પિટલ જોવાની ઈચ્છા થઈ આવી. તે દિવસે ન્યુઝ ચેનલ માં પણ આ હોસ્પિટલની વિડિયો ક્લિપ બતાવી હતી. કેતન સાવલિયા પણ જામનગરમાં ચર્ચાનો વિષય બની ગયો.

લગભગ ૯:૩૦ ની આસપાસ કેતન પોતાની ગાડી લઈને હોસ્પિટલ પહોંચી ગયો. હોસ્પિટલના માલિક અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે એની સ્પેશિયલ ઓફિસ દોશી સાહેબે પહેલા માળે બનાવી હતી. સવાર સવારમાં પણ હોસ્પિટલમાં આટલી બધી ભીડ જોઈ કેતન દંગ રહી ગયો.

ઓપીડીમાં કેસ કઢાવવાની લાઇન લાગી હતી. દરેક ડોક્ટરોની ચેમ્બરની બહાર પણ પેશન્ટો લાઈનમાં ગોઠવાઈ ગયા હતા. નીતા મિસ્ત્રી રિસેપ્શન કાઉન્ટર ઉપર બેસી ગઈ હતી. એના ટેબલ ઉપર પણ - "હું તમને કોઈ મદદ કરી શકું ?" - લખેલી પ્લેટ મૂકવામાં આવી હતી. અને અમુક લોકો તેને પૂછતા પણ હતા.

કેતને જેવી ગાડી પાર્ક કરી કે તરત જ એક સિક્યુરિટીએ દોડતા આવીને તેનો દરવાજો ખોલ્યો. જયેશ ઝવેરીએ આ બધી સૂચનાઓ સ્ટાફને આપી રાખી હતી. રાજેશ દવે પણ કેતન સરને પ્રવેશતા જોઈને ગેટ ઉપર સામે આવ્યો અને પહેલા માળે એમની ચેમ્બરમાં લઈ ગયો. કેતનના પ્રવેશે સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને બધા આ નવયુવાનને જોઈ રહ્યા હતા !!

" આપણે પહેલાં દરેક ફ્લોર ઉપર રાઉન્ડ લઈ લઈએ રાજેશ. " કેતન બોલ્યો.

" જી...સર " રાજેશ બોલ્યો અને એ આગળ થયો. લિફ્ટમાં બેસી સૌથી પહેલા ટોપ ફ્લોર ઉપર પહોંચી ગયા જ્યાં કેન્ટીન હતી.

એક છોકરો ગેસ ઉપર ચા બનાવતો હતો અને બીજો એક મુખ્ય રસોઈઓ સવારનો નાસ્તો બનાવી રહ્યો હતો. આજે પહેલો દિવસ હતો એટલે હજુ પેશન્ટ એડમિટ થયા ન હતા. એટલે માત્ર સ્ટાફ પૂરતી જ રસોઈ બનવાની હતી.

ત્યાંથી એ લોકો સીડી ઉતરીને ત્રીજા માળે આવી ગયા. ફ્લોર ઉપરની તમામ નર્સો અને વોર્ડ બોય સાવધાન થઈ ગયા અને સાઈડમાં ઊભા રહ્યા. હજુ કોઈ પેશન્ટ દાખલ થયું ન હતું. વોર્ડ એકદમ સ્વચ્છ હતો !

તે જ પ્રમાણે બીજો માળ ચેક કરીને કેતન લોકો પહેલા માળે આવી ગયા. કેતન પોતાની ચેમ્બરમાં ગયો અને રાજેશ નીચે ગયો.

થોડીવારમાં એક વોર્ડબોય કેતન માટે કેન્ટીનમાંથી ચા લઈ આવ્યો.

" સર મારે તમને એટેન્ડ કરવાના છે અને હું બહાર જ બેઠો છું. મારું નામ જયદીપ છે. શાહ સાહેબે મને તમારી ડ્યુટી આપી છે. કંઈ પણ કામ હોય તો મને બેલ મારજો સર. " જયદીપ બોલ્યો.

"ઓકે ઓકે ..." કેતન બોલ્યો.

પંદરેક મીનીટ પછી ડૉ. મહેન્દ્ર શાહ પણ કેતનને મળવા માટે આવી ગયા.

" ખૂબ સારો રિસ્પોન્સ છે સાહેબ. ઘણા બધા પેશન્ટ સવારથી જ આવ્યા છે. આજે થોડાંક એડમિશન પણ થશે એવું લાગે છે. "

" ચાલો સારી વાત છે. તમે પણ આ હોસ્પિટલને ડેવલપ કરવામાં ઘણી બધી મદદ કરી છે. " કેતન બોલ્યો.

" કેતનભાઈ આજે અહીંની ગવર્મેન્ટ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ તમને વિશ કરવા આવવાના છે. ૧૨ વાગ્યા સુધીમાં ગમે ત્યારે આવી જશે. મારી ઉપર સવારે ૯ વાગે ફોન હતો. " શાહ સાહેબ બોલ્યા.

" હમ્... ઠીક છે. એ આવે ત્યારે તમે એમને ઉપર લઈને આવજો. " કેતને કહ્યું. નીચે પેશન્ટો હતા એટલે શાહ સાહેબ વધુ રોકાયા નહીં.

લગભગ સાડા અગિયાર વાગ્યાની આસપાસ શાહ સાહેબ સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટને સાથે લઈને કેતનની ચેમ્બરમાં આવ્યા. સુપ્રિન્ટેન્ડેન્ટ ફૂલોનો બુકે લઈને આવ્યા હતા.

કેતને ઉભા થઇને એમનું સ્વાગત કર્યું.

" વેલકમ સર... અમારી હોસ્પિટલમાં આપનું સ્વાગત કરું છું. પ્લીઝ હેવ એ સીટ. " કેતન બોલ્યો.

" તમે તો આખા જામનગરમાં છવાઈ ગયા છો કેતનભાઇ. અમારી સરકારી હોસ્પિટલમાં પણ તમારી ચર્ચા ચાલે છે. તમે તે દિવસે મને પહેલી વાર મળવા આવ્યા અને હોસ્પિટલ માટેનાં મશીનના સપ્લાય કરનારી કંપનીઓના ડેટાઝ માગ્યા ત્યારે મને કલ્પના પણ ન હતી કે તમે આટલી અદભુત હોસ્પિટલ બનાવશો. ગ્રેટ વર્ક. આઈ એપ્રેસિયેટ " સાહેબ બોલ્યા.

" સર.. હું તો કોમર્સ અને મેનેજમેન્ટનો સ્ટુડન્ટ છું. આ બધો જ યશ મારા આ વડીલ શાહ સાહેબને જાય છે. પાયામાં એમનું ચણતર છે. એમના માર્ગદર્શન નીચે જ અમે ચાલ્યા છીએ. મેં તો માત્ર ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને ગરીબોની બને એટલી વધુ સેવા કરવાનું મારું લક્ષ્ય છે" કેતન બોલ્યો.

" તમારા વિચારો મને ગમ્યા કેતનભાઇ. તમારું વક્તવ્ય મેં ટીવી ન્યુઝ માં પણ સાંભળેલું. શાહ સાહેબ પણ અહીંના જાણીતા સર્જન છે એ પણ નસીબદાર છે કે એમને તમારો સાથ મળ્યો. "

એ પછી કેતને બેલ મારીને જયદીપને બોલાવ્યો અને બધા માટે ચાનો ઓર્ડર કર્યો.

જયદીપ ઉપરની કેન્ટીનમાંથી ત્રણ ચા અને એક ડીશમાં બિસ્કીટ લઈને આવ્યો.

" સાહેબ... સાચું કહું ને તો પહેલી જ મુલાકાતમાં મને કેતનભાઇનો સ્વભાવ ગમી ગયો. એમણે જૂની હોસ્પિટલ ખરીદીને અમારી ડોક્ટરની ટીમની સામે જે પ્રવચન કર્યું અને એમના વિચારો રજૂ કર્યા ત્યારે જ મને એમ થયું કે મારે આ હોસ્પિટલ છોડવી ના જોઈએ. અને મારો જે બહોળો અનુભવ છે એનો લાભ એમને આપવો જોઈએ." શાહ સાહેબ બોલ્યા.

" અમે જે જે સજેશન કર્યાં એ કેતન સરે તરત જ વધાવી લીધાં. એમણે કદી હિસાબ નથી માગ્યો. આટલી સારી કોર્પોરેટ જેવી હોસ્પિટલ આખા જામનગરનું ચર્ચાનું કેન્દ્ર બની છે એના માટે એમના દિલની ઉદારતા છે. અને એ હંમેશા બીજાને જ યશ આપે છે એ એમની એક ખૂબી છે. " શાહ સાહેબ બોલ્યા.

" તમારી વાત સાથે હું સંમત છું શાહ સાહેબ. ૫૦ ૬૦ બેડની આટલી નાની હોસ્પિટલમાં પણ એમણે કરોડો રૂપિયા ખર્ચીને મશીનો ખરીદ્યાં અને ઇમેજિંગ સેન્ટર પણ ઊભું કરી દીધું. ચાર્જ પણ ૫૦ ટકાનો કરી દીધો. એમની સેવા ભાવના સ્પષ્ટ દેખાય છે. " સુપ્રિન્ટેન્ડેન્ટ બોલ્યા.

" અને તમે અમારી હોસ્પિટલમાં જે મફત ટિફિન સેવા ચાલુ કરી છે એ પણ કાબિલે તારીફ છે કેતનભાઇ. બહારનું કંઈપણ ખાવું એના કરતાં દર્દીઓનાં સગાં હવે શુદ્ધ સાત્વિક ભોજન તમારા તરફથી જમે છે. અમારી હોસ્પિટલનો સ્ટાફ પણ ઘણીવાર તમારા ટિફિનનાં થેપલાં લઈ આવે છે. " સુપ્રિન્ટેન્ડેન્ટ બોલ્યા.

" હા સાહેબ ઘણું બધું કરવાની ઈચ્છા છે પરંતુ એકલા હાથે બધે પહોંચી વળતો નથી. તમે આવ્યા જ છો તો એક બીજી વાત કરવાની પણ ઇચ્છા રોકી શકતો નથી. તમારી હોસ્પિટલમાં પણ ભારે ઓપરેશનો માટે કોઈ ગરીબ દર્દી પૈસાની મૂંઝવણ અનુભવતો હોય અને એની પાસે ઇનસ્યોરન્સ ના હોય તો એવા દર્દીને તમે ચિઠ્ઠી લખીને અહીં રિફર કરી શકો છો. " કેતન બોલ્યો.

" અરે કેતનભાઇ.... આ તો તમે અદભુત વાત કરી દીધી. મને પણ આવી સેવાનો થોડો લાભ મળશે. એવું કોઈ હશે તો ચોક્કસ ધ્યાનમાં રાખીશ. બાકી સરકારી હોસ્પિટલોમાં બહુ મોટા ખર્ચા નથી આવતા. " સાહેબ બોલ્યા.

" ચાલો હવે રજા લઉં. તમારા આ નવા અદ્ભુત સાહસ ને બિરદાવવા માટે જ આવ્યો હતો. " કહીને એ ઊભા થયા. કેતન છેક ગેટ સુધી એમને વળાવવા ગયો.

" શાહ સાહેબ હવે હું પણ રજા લઉ મારુ અહીં બીજું કંઈ કામ નથી. સાંજે હું નહીં આવું. મારું કંઈ પણ કામ હોય તો મને ફોન કરી દેજો. " સુપ્રિન્ટેન્ડેન્ટ ગયા પછી કેતન બોલ્યો.

" ઓકે સર. અહીંની કોઇ ચિંતા કરવાની જરૂર નથી. તમારી મરજી હોય ત્યારે જ આવજો. " શાહ સાહેબ બોલ્યા.

જેવો કેતન હોસ્પિટલના બિલ્ડીંગમાંથી બહાર નીકળ્યો કે તરતજ બહાર ઉભેલો સિક્યોરિટી દોડીને સિસોટી વગાડતો કેતન સાહેબની ગાડી માટે ટ્રાફિક નિયમન કરવાના કામમાં લાગી ગયો.

આજે કેતન માન પાન અને પ્રતિષ્ઠાની એક નવી જ દુનિયાનો અનુભવ કરી રહ્યો હતો !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)