Prem ma hatya books and stories free download online pdf in Gujarati

પ્રેમમાં હત્યા

પ્રેમમાં હત્યા

-રાકેશ ઠક્કર

"જો મારા પ્રેમમાં વચ્ચે આવીશ તો કાસળ કાઢી નાખીશ..." ભરતે આમ કહ્યું ત્યારે તેના શરીરમાંથી લખલખું પસાર થઇ ગયું. તેને ખ્યાલ હતો કે માણસ પ્રેમમાં પાગલ બની જાય છે. તેને સારા નરસાનું ભાન રહેતું નથી.

અશોકે તેને શાંત પાડતાં કહ્યું:"ઠીક છે...તું ભાઇબંધ છે એટલે કાંઇ કહેતો નથી. પણ કોઇ છોકરીને ખાતર તું સગા ભાઇ જેવા દોસ્તારનું માથું વાઢવા તૈયાર થઇ ગયો એની નવાઇ લાગે છે..."

ગામમાં પશાભાના ખેતર પાસે મોટા ઝાડ નીચે દોસ્તારોની બેઠક જામી હતી ત્યારે હસીમજાકમાં વાત ખૂન પર પહોંચી જશે એવી કોઇને કલ્પના ન હતી. ભરત, અશોક, નવીન અને રમેશ રોજની જેમ ટોળટપ્પાં કરવા આવીને બેઠા હતા. ત્યારે નવીને ભરતે કહ્યું કે આજકાલ ગામની રેખલી પર જુવાની બરાબર ચઢી છે. ત્યારે ભરતે તેને કહ્યું કે જબાન સંભાળીને બોલજે એ મારી છે હું એના પર હું મરું છું. પણ અશોકે મજાકમાં તેની સાથે દોસ્તીનો હાથ લંબાવવાની વાત કરી ત્યારે ભરત મરવા-મારવાની વાત પર આવી ગયો એટલે બધા ચૂપ થઇ ગયા. રમેશે આખી વાત જ બદલી નાખી અને ગામમાં આવતા મહિને થનારી ચૂંટણીનો મુદ્દો ઊંચક્યો. ત્યારે ભરત શાંત થયો. હજુ ચર્ચા ચાલતી હતી ત્યાં ભરતનો નાનો ભાઇ આવ્યો અને બાપા બોલાવતા હોવાનું કહ્યું એટલે તેની સાથે જ જતો રહ્યો. પણ જતાં જતાં વળી કહેતો ગયો કે કોઇ એનું નામ ના લેતાં નહીંતર જે બોલશે એની આગળ સ્વર્ગીય લાગી જશે.

ભરતના ગયા પછી ત્યાં બેઠેલા ત્રણેય મિત્ર સ્તબ્ધ હતા. ભરત પર રેખાના પ્રેમનું ભૂત સવાર હતું એ સમજી ગયા. થોડીવાર સુધી તો કોઇ કંઇ ના બોલ્યું. ભરત દેખાતો બંધ થયો એટલે અશોક બોલ્યો:"સાલો, રેખલી પર ગાંડો થયો છે..."

નવીન કહે:"ના કહી ગયો પછી શું કામ એનું નામ લે છે..."

અશોક કહે:"એનાથી ડરતો નથી. રેખલીના મોં પર એના નામનો સિક્કો માર્યો છે? હું પણ રેખલીને પસંદ કરું છું. જો એ વચ્ચે આવશે તો હું એનું કાસળ કાઢી નાખીશ..."

"અલ્યા, હવે ફાંકા મારે છે તો એની સામે ચોપડાવી દેવું હતું ને?" નવીને કહ્યું.

"જો, હું એની સાથે જીભાજોડી કરવા માગતો ન હતો..."

"તમે બંને એને પ્રેમ કરો છો પણ એ કોને ચાહે છે એની ખબર છે?"

"ના, તને ખબર છે?"

"હા...એ પેલો હરિપ્રસાદનો છોકરો છે..."

"કોણ હરિપ્રસાદ પહેલવાનનો છોકરો ગણેશ?"

"હા એ જ. મેં તો બંનેને સીમમાં ગૂટરગૂ કરતા જોયા છે."

અશોકના ચહેરા પર લોહી ધસી આવ્યું. એ ત્યાંથી મોટા પગલાં ભરતો નીકળી ગયો.

નવીન અને રમેશ એના નામની બૂમ પાડતા રહ્યા. અશોકે પાછળ વળીને જોયું પણ નહીં. નવીન કહે,"રેખલી છે જ એવી કે ભલભલા પ્રેમમાં પડી જાય. આહાહા! શું એની ચાલ છે. લટક મટક કરતી ચાલે છે ત્યારે દિલની ધડકન વધી જાય છે. ઘણીવાર મારા સપનામાં આવે છે..."

રમેશ કહે,"સાચું કહું તો હું પણ એને છૂપો પ્રેમ કરું છું. પાણી ભરવા જાય ત્યારે એને જોવા ખાસ જઉં છું. શું જવાની છે એની...."

રેખાના રૂપના વખાણ કરતાં કરતાં રમેશ અને નવીન મારામારી પર આવી ગયા. અને રેખા પોતાની હોવાની બડાશ મારવા લાગ્યા. પછી એકબીજાને ગાળ આપતાં છૂટા પડ્યા.

રેખાને કારણે મિત્રો વચ્ચે એવી તિરાડ પડી કે બે દિવસ સુધી કોઇ ઝાડ નીચે બેસવા જ આવ્યું નહીં. ચારેય જણ રેખાને પોતાની કરવા દાણા નાખવા લાગ્યા.

ત્રીજા દિવસની રાત્રે દોઢ વાગ્યાનો સમય હતો. અંધારું ઘોર હતું. કૂતરા સામસામે ભસીને વાતાવરણને વધારે બિહામણું બનાવી રહ્યા હતા. રસ્તો સૂમસામ હતો. રસ્તાની બાજુમાં એક લાશ પડી હતી. તેની સામેની તરફ એક માણસ જઇ રહ્યો હતો. એ ભાગી રહ્યો હતો ત્યાં અચાનક એક માણસ સાયકલ પર આવી પહોંચ્યો. તેણે એ માણસ પર હુમલો કર્યો. પણ તે તેને ધક્કો મારીને ભાગવામાં સફળ રહ્યો. તે કંઇ વિચારે એ પહેલાં તો પોલીસની વાન આવી ગઇ. અને એ સાયકલવાળા માણસને પકડી લીધો.

સવારે પોલીસ સ્ટેશનમાં હલચલ વધી ગઇ હતી. ગામના અનેક લોકો ભેગા થઇ ગયા હતા. ગામના હરિપ્રસાદના પુત્ર ગણેશની રાત્રે હત્યા થઇ ગઇ હતી. પોલીસે તેની લાશ નજીક સાયકલ પર આવેલા નવીનની ધરપકડ કરી હતી. લાશનો પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવ્યા પછી જ કારણની ખબર પડવાની હતી. પણ નવીન શંકાસ્પદ હાલતમાં ઝડપાયો હતો. અત્યારે તો તેને આરોપી માનવામાં આવી રહ્યો હતો. નવીન પોતે બેકસૂર હોવાનું રટણ કરી રહ્યો હતો.

સાંજે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો એટલે પોલીસ ઇંસ્પેક્ટર મહેશભાઇએ તેમની હાથ નીચેના હેડ કોંસ્ટેબલ રવિ સાથે ચર્ચા શરૂ કરી.

"જો રાત્રે એક વાગે આપણી પાસે ફોન આવ્યો. આપણે ગયા ત્યારે નવીન ત્યાં ફરતો હતો. ગણેશની લાશ પડી હતી. તેને ગુપ્ત ભાગમાં કોઇએ જોરદાર ફટકા મારીને પતાવી દીધાનો રિપોર્ટ આવ્યો છે."

"સર, આપણે નવીનને કોઇ પુરાવા વગર આરોપી કહી ના શકીએ..."

"હા, છોડી પણ ના શકીએ. તેની પાસેથી જ કોઇ કડી મળી શકે. પહેલી વાત એ કે તે આટલી રાત્રે ત્યાં શા માટે આવ્યો હતો. પહેલાં તેની પૂછપરછ કરીએ..."

નવીનને પીઆઇની ઓફિસમાં બોલાવવામાં આવ્યો.

તે ધ્રૂજતો હતો. મહેશભાઇએ તેને પાણી પીવા કહ્યું. નવીને બે ઘૂંટ પીને ગ્લાસ મૂકી દીધો.

"હવે જે સત્ય હોય એ કહી દે. તું નિર્દોષ હશે તો અમે તને જવા દઇશું.." મહેશભાઇએ કહ્યું એટલે નવીનમાં હિંમત આવી.

"સાહેબ, રાત્રે એક વાગે મેં જ તમને ફોન કર્યો હતો. મને જાણવા મળ્યું હતું કે ગણેશની હત્યા કરીને તેની લાશ સીમમાં ફેંકી દેવામાં આવનાર છે..."

"તને કોણે કહ્યું હતું? અને તને ખબર હતી તો તેં ફોન મોડો કેમ કર્યો?"

"મને એમ કે એ વાત ખોટી હશે..."

"તો પછી તું રાત્રે સીમમાં કેમ ગયો?"

"સાહેબ, ત્રણ દિવસ પહેલાં અશોક ગુસ્સામાં હતો. રેખા માટે તે કોઇને પણ મારવાની વાત કરતો હતો. અને રેખા સાથે ગણેશ વાત કરતો હતો એટલે એ તેના નિશાન પર હતો. મને એક દિવસ પહેલાં જાણવા મળ્યું કે અશોક મોકાની તલાશમાં છે."

"પણ તને કોણે કહ્યું એ બક ને?" મહેશભાઇનો પારો ચઢી ગયો.

"જી, જી રેખાએ..."

"ઓહ! તો એ તારી હારે લવમાં છે?"

"જી, મને એણે કહ્યું કે અશોક મારી પાસે આવ્યો હતો અને કહેતો હતો કે જો તું મારી નહીં થાય તો કોઇની નહીં થઇ શકે. અને તેણે ગણેશને મારી નાખવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. રેખા ગભરાઇ ગઇ હતી. તેણે મારી મદદ માગી હતી. ગણેશ રોજ રાત્રે વાળું કરીને ગામની સીમ સુધી ચાલવા જતો હતો. તે રાત્રે હું સીમમાં પહોંચ્યો ત્યારે તેણે લોખંડના એક બોથડ સાધનથી ગણેશ પર હુમલો કર્યો અને તેને પાડી દીધો. પછી ગુપ્ત ભાગ પર લાતો અને સાધનથી પ્રહાર કરી યમધામ પહોંચાડી દીધો. મેં તરત પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો. અને અશોકને પકડવાનો પ્રયત્ન કર્યો. પણ એ ભાગી ગયો અને તમે આવી ગયા...."

મહેશભાઇએ તેને છેલ્લા એક અઠવાડિયા દરમ્યાનની બધી વાતો પૂછી અને પછી રવિને કહ્યું કે રેખા, નવીન, અશોક, રમેશ અને ભરતને બોલાવી લાવ.

બે કલાક પછી મહેશભાઇએ બધાની સાથે વાત કરી. અશોકનું કહેવું હતું કે તે કાલે રાત્રે ઘરે જ હતો. બહાર નીકળ્યો ન હતો. નવીનનો દાવો ખોટો સાબિત થતો હતો.

નવીને અંધારામાં અશોકનું મોં જોયું ન હતું. પણ શંકાના આધારે જ નામ આપ્યું હતું. રેખાના પ્રેમમાં પાગલ ચારેય મિત્રો એકબીજા પર શંકા કરતા હતા.

બધા જ કહેતા હતા કે તેમણે ગણેશની હત્યા કરી નથી. તો પછી ખૂની કોણ હતું?

પીઆઇ મહેશભાઇએ રવિ સાથે થોડીવાર એકાંતમાં ચર્ચા કરી અને પછી બધાની સામે આવી બોલ્યા:"ગણેશની હત્યા રેખાએ કરી છે..."

મહેશભાઇની વાત સાંભળી રેખાના ચહેરા પરનું લોહી ઉતરી ગયું. ચારેય મિત્રો ચોંકીને એકબીજાના મોં જોવા લાગ્યા.

"બોલ રેખા? સાચું છે ને આ? તેં જ ગણેશનું કાસળ કાઢી નાખ્યું છે ને?

રેખા ગુસ્સામાં આવી બોલી:"હા, મેં જ એને પતાવી દીધો હતો..."

ભરત, નવીન, રમેશ અને અશોકને હજુ આ વાતનો વિશ્વાસ આવતો ન હતો.

"રેખા, હવે તું તારા જ મોંએથી તારા આ આશિકોને આખી કહાની કહે છે કે હું કહું?"

"હા, હું ગણેશથી કંટાળી હતી અને બીજા છોકરા સાથે પ્રેમ કરવા માગતી હતી. ગણેશ પોતે પહેલવાનના છોકરા તરીકે મારા પર રોફ જમાવતો હતો. મારા પર જબરદસ્તી કરવાનો પ્રયત્ન કરતો હતો. પણ હું તેને દાદ આપતી ન હતી. મેં આ ચાર મિત્રોની વાતો તેમની પાસેથી જ જાણી હતી. અને ચારેયને હું એકબીજાની સાચી ખોટી વાતો કરતી હતી. અશોક ગણેશ પર ગુસ્સે હતો એની મને ખબર હતી. અને તેમના કોઇના પર આરોપ લાવીને છટકવા માગતી હતી. હું ગણેશનો કાંટો કાઢવા માગતી હતી. એટલે મેં જ ગણેશને રાત્રે સીમમાં બોલાવ્યો હતો. અને હું પુરુષના કપડાં પહેરીને ગઇ હતી. સારું થયું કે નવીન પછીથી આવ્યો. મને એમ કે ગણેશની હત્યાની શંકા ગામના કોઇ યુવાન પર જ આવશે. હું તેની ચુંગાલમાંથી બચી જઇશ અને તેના હત્યાના આરોપમાંથી પણ બચી જઇશ. મને ખબર ન હતી કે મારી એક ભૂલ મને મોંઘી પડશે...." રેખાએ સત્ય કહી દીધું.

"હા, રેખાની એ ભૂલ હતી કે જે લોખંડના બોથડ હથિયાર જેવા સાધનથી તેણે હુમલો કર્યો એ તેના ઘરનું હતું......" મહેશભાઇએ રહસ્ય ખોલતા કહ્યું:"નવીને રેખાને અશોક સમજીને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના હાથમાંથી એ સાધન પડી ગયું અને તે તેને ત્યાં જ છોડીને ભાગી ગઇ. સવારે ઘટના સ્થળની તપાસમાં અમને એ સાધન મળ્યું. અમે પહેલાં તમારા પાંચ જણના ઘરે જઇને જ તપાસ કરી અને ખબર પડી કે રેખાના બાપા બળદગાડામાં લાકડાના તૂટેલા ભાગને જોડવા આ લોખંડની પટી જેવું સાધન લાવ્યા હતા. એટલે પાકું થયું કે રેખા જ હોય શકે. તમારી વાતો પરથી ખ્યાલ આવી ગયો કે રેખાને ચાહનારાની સંખ્યા ઘણી છે. પણ તેના નસીબમાં કોઇ નથી...."

હેડ કોંસ્ટેબલ રવિએ રેખાના હાથમાં હાથકડી પહેરાવી અને જેલના સળિયા પાછળ ધકેલી દીધી.