Destroyed distance books and stories free download online pdf in Gujarati

મટી ગયુ અંતર

"અરીઝા, અયાન કેમ નાસ્તો કર્યા વિના ઑફિસ ચાલ્યો ગયો? ખુદાહાંફીઝ પણ ન કર્યું."
જ્યારે અમીનાએ એની દીકરીને પૂછ્યું, ત્યારે અરીઝા પોતે પણ કામે જવા તૈયાર થઈ રહી હતી.
"તમે ટેનશન ન લો, અયાન ઑફિસમાં ખાઈ લેશે."
અમીના કાંઈ આગળ પૂછે, તે પહેલાં અરીઝા સેંડલ પહેરતા પહેરતા બોલી,
"જમવાનું ટેબલ ઉપર રાખ્યું છે, તમે તમારું ધ્યાન રાખજો. સાંજે કામેથી આવ્યા પછી, હું તમને શોપિંગ કરવા લઈ જઈશ."

અમીના થોડા દિવસ માટે દીકરી જમાઈના ઘરે રહેવા આવી હતી. અઠવાડિયા સુધી નિરીક્ષણ કર્યા પછી, એણે તારણ કાઢ્યું, કે અરીઝા અને અયાન વચ્ચે કોઈ બાબતે તણાવ ચાલી રહ્યું છે. આપસમાં મૌન તો હતું જ, પરંતુ એકબીજાનું ધ્યાન પણ નહોતા રાખી રહ્યા. અમીનાનું માનવું હતું, કે ઘરને બાંધી રાખવું ઘરની બૈરીનું કામ હોય છે. જો એ જ અકડીને બેસી જાય, તો કેમ ચાલે? અમીનાએ એની દીકરી સાથે ચોખીચટ વાત કરવાનું નક્કી કર્યું.

એક સાંજે, અયાન ઑફિસમાં હતો, અને ઘરે બન્ને માં દીકરી ચા પીવા બેઠા. વાત કરવાનો આ ઉત્તમ સમય હતો. અમીનાએ ચાનો કપ ટેબલ પર મુકતા, ધીમેથી કહ્યું,
"અરીઝા, મને કાંઈક જાણવું છે."
"હાં મમ્મી, બોલો, શું છે?"
"જો, હું તારી મા છું, અને મને તારી ચિંતા છે, એટલે પૂછું છું. તારા અને અયાન વચ્ચે શું ચાલી રહ્યું છે?"

અરીઝા ચૂપ થઈ ગઈ અને નજર ફેરવી નાખી. અમીનાએ એના ખબા પર હાથ મુક્યો અને કહ્યું,
"બેટા, મને એટલું તો જણાવ, કે આ અબોલા ક્યારથી ચાલી રહ્યા છે?"
અરીઝાની આંખ ભરાઈ આવી, અને તે ધીમેથી બોલી, "એક મહિના થી."

અમીનાએ રડતી દીકરીને બાથમાં લેતા, હળવેથી કહ્યું, "બેટા, વાત જે પણ હતી, એનો નિવેડો તો લાવવો પડશે ને? નહીંતર તમારા વચ્ચે અંતર આવી જશે."
"અંતર તો આવી ગયું છે મમ્મી."
અરીઝા ફરી રડી પડી. અમીનાએ શાંત રહેતા, એને પોતાને સંભાળવાનો સમય આપ્યો.

જ્યારે અરીઝાએ નિયંત્રિત થઈને બોલવાનું શરૂ કર્યું, ત્યારે અમીનાને બન્ને વચ્ચેના તફાવતનું કારણ ખબર પડી. કંપની તરફથી બોનસ મળ્યા પછી, અરીઝાને સોનુ લેવું હતું, પરંતુ અયાનને શેર બજારમાં પૈસા રોકવા હતા. ઘણા દિવસો સુધી દલીલ અને તકરાર ચાલી, અને આખરે કોઈ પણ સમાધાન વગર બન્ને એકબીજાથી અબોલા થઈ ગયા.

લાબું વિચાર્યા પછી, અરીઝાની પીઠ પર હાથ ફેરવતા, અમીનાએ એને પ્રેમથી સમજાવ્યું,
"બેટા, અહીંયા ઝગડાના વિષયનું મહત્વ નથી. જરૂરી એ છે, કે તમારા વચ્ચે અંતર આવી ગયું, અને એને મટાડવાનો, તે કોઈ પ્રયત્ન નથી કર્યો."
અરીઝા ચિડાઈ ગઈ.
"કેમ મમ્મી? શું આ મારી એકલાની જવાબદારી છે? અયાનને કેમ મારી ફિકર નથી?"
"અરીઝા, શું ખબર, અયાન પણ આ જ બધુ વિચારતો હશે! આમ તો તમારા વચ્ચે કયારેય સમાધાન નહીં થાય."

અરીઝા મુંઝવણમાં પડી ગઈ અને એણે અમીનાને પ્રશ્ન કર્યો,
"તો હું શું કરું મમ્મી?"
"બેટા, તું અયાનને પ્રેમ કરે છે ને?"
અરીઝાએ માથું હલાવતા હામી ભરી.
"બસ તો પછી, પહેલ કરવાથી તું નાની નહીં થઈ જઈશ. રાયનો પહાડ બનાવાના બદલે, અયાન સાથે બેસીને વાત કર, અને એક આપસી સમજૂતી પર આવો."

અમીનાએ દીકરીના વાળ સહેલાવતા એક મોટી શિખામણ આપી,
"અંતર અહીંયા મિલોનું નથી. જો તું હાથ લંબાવે અને અયાન મોઢું ફેરવી લે, તો તકરાર વધી જશે. પણ જો તું હાથ લંબાવે, અને તે એને થામી લે, તો બસ, મટી ગયુ અંતર. આ દૂરી તારી ખચકાટ અને અહમના કારણે ઉભી થઈ છે. જ્યારે તું એમાંથી બહાર આવાનું વિચારીશ, તો તમારા બન્ને વચ્ચેનું અંતર આપોઆપ મટી જશે."

અરીઝાએ એના લગ્ન જીવનને એક નવા દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કર્યો. બે અઠવાડિયા પછી અમીના તો પોતાના ઘરે જતી રહી. પરંતુ અરીઝાને સંબંધોની નાજુકતા સમજાવતી ગઈ. પંદર દિવસ પછી અરીઝાએ અમીનાને ફોન કર્યો.
"મમ્મી, હું તમારી ખૂબ જ આભારી છું, મારા અને અયાન વચ્ચે બધું સારું થઈ ગયું."
આ સાંભળીને અમીનાને રાહત થઈ.
"ખૂબ સરસ, પણ કેવી રીતે?"
"અમે બોનસના પૈસા શેરમાં રોક્યા છે. એમાંથી જે નફો થશે, એનું હું સોનુ બનાવી લઈશ. થેંક યુ મમ્મી. તમારી શિખામણ હું જીવનભર યાદ રાખીશ."

શમીમ મર્ચન્ટ, મુંબઈ
_____________________________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow Me On My Blog

https://shamimscorner.wordpress.com/