Khoff - 6 books and stories free download online pdf in Gujarati

ખોફ - 6

મીનુના મુખ ઉપરના હાવભાવ જોઈને જ ડૉક્ટર સાહેબને સમજાઈ ગયું હતું કે, નક્કી આ પુસ્તક સાથે મીનુની એવી કોઈ વાત જોડાયેલી છે જેનાથી મીનુ ડરી રહી છે અને તે વાત તેના મનમાંથી જ્યારે બહાર નીકળશે ત્યારે જ મીનુને આ બીમારીમાંથી મુક્તિ મળશે.

પણ આ વાત તેના મનમાંથી કઢાવવી તે એક પ્રશ્ન હતો છેવટે ડૉ.કોઠીયાએ મીનુને કહ્યું કે, તે જે પુસ્તક વાંચ્યું છે તે મારે પણ વાંચવું છે પણ મને તેમાં થોડી ઓછી ખબર પડે છે તો હું તને જે પ્રશ્નો પૂછું તેનો જવાબ તારે મને આપવાનો રહેશે.

ડૉક્ટર સાહેબે આ પુસ્તક વાંચવાનું શરૂ કર્યું અને એક પછી એક મીનુને પ્રશ્ન પૂછવાના ચાલુ કર્યા અને થોડી વાર પછી મીનુ જે બોલવા લાગી તે સાંભળીને ડૉક્ટર સાહેબ પણ ચોંકી ઉઠ્યા.

અચાનક મીનુના મોંના હાવભાવ બદલાઈ ગયા અને તે એકદમ સંકોચાઈને બેસી ગઈ. તેણે તેના બંને હાથ કાન ઉપર જોરથી દબાવી દીધાં અને તે ચીસો પાડવા લાગી અને બોલવા લાગી કે, "બચાવો બચાવો, મને ના મારશો, મને છોડી દો" અને તે ખૂબજ ગભરાયેલી હતી અને જાણે અત્યારે જ તેને કોઈએ સખત માર માર્યો હોય તેવું દર્દ તે સહન કરી રહી હતી તેવું તેનું વર્તન હતું.

મીનુની મમ્મી એકદમ ઉભા થઈને તેની બાજુમાં ગયા પણ ડૉક્ટર સાહેબે તેમને અત્યારે મીનુ સાથે વાત કરવાની ના પાડી અને ચૂપચાપ બેસી જવા કહ્યું.

ડૉક્ટર સાહેબે મીનુને પૂછ્યું કે, "તને કોણ મારે છે?"

મીનુ: સમીર, સમીર મને મારે છે.

ડૉક્ટર સાહેબ: સમીર? સમીર કોણ છે?

મીનુ: હું તેનું નામ લઈશ તો પણ તે મને ખૂબ મારશે.

ડૉક્ટર સાહેબ: પણ, આ સમીર કોણ છે?

મીનુ: હું તમને તેની વાત કરું તો તમે તે વાત તેને તે વાત કહી તો નહીં દો ને?

ડૉક્ટર સાહેબ: ના, હું કોઈને નહીં કહું વિશ્વાસ રાખ મારી ઉપર.

મીનુ: સમીર મારો પતિ છે. તે રોજ દારૂ પીને આવે છે અને રોજ મને ઢોરની માફક માર મારે છે. પરંતુ હવે મારાથી તેનો માર સહન થતો નથી અને માટે જ મેં પાંચમે માળેથી કૂદીને આપઘાત કર્યો છે.

ડૉક્ટર સાહેબ: તું ક્યાં રહેતી હતી?

મીનુ: સગુન પ્લાઝા બિલ્ડિંગમાં ભાડે રહેતી હતી.

ડૉક્ટર સાહેબ: તો આ વાત તે કોઈને કરી કેમ નહીં?

હું નાની હતી ત્યારે જ મારી માં ગુજરી ચૂકી હતી પિતાજીને દારૂ પીવાની આદત હતી તેથી આખો દિવસ મજૂરી કરીને જે પૈસા લાવતા તેમાંથી થોડા ઘણાં મને ઘર ચલાવવા આપતા અને બીજા તે દારૂ પીવામાં ઉડાડી દેતા. મને પણ તેમણે પૈસા માટે જ સમીરને વેચી દીધી હતી અને મેં ઘણી ના પાડી છતાં સમીર સાથે મારા લગ્ન કરાવી દીધાં.

લગ્નના થોડા વર્ષો બધું બરાબર ચાલ્યું મેં એક સુંદર દીકરીને જન્મ પણ આપ્યો પણ તેને ઓળી અછબડા નીકળ્યા અને અમે તેની દવા ન કરી શક્યા અને તે બે વર્ષની હતી અને મૃત્યુ પામી ત્યારબાદ તેણે દારૂ પીવાનું ચાલુ કરી દીધું અને પછી તો તે ખૂબ દારૂ પીવા લાગ્યો અને મને માર મારવા લાગ્યો હું તેનો માર ખાઈ ખાઈને થાકી ગઈ હતી અને એક દિવસ તો તેણે હદ જ કરી નાંખી મને ખૂબ મારી ખૂબ મારી અને એ દિવસે મેં નક્કી કરી લીધું કે મારે હવે જીવવું નથી મરી જ જવું છે અને હું પાંચમે માળેથી નીચે કૂદી પડી.

અને મીનુ ખૂબજ રડવા લાગી ખૂબજ રડવા લાગી. ડૉક્ટર સાહેબે મીનુને પાણી પીવડાવ્યું અને તેને વર્તમાન તરફ પાછી લાવવા માટે તેને થોડો સમય આપ્યો.

મીનુ તેના પાછલા જન્મની વાતો ભૂલી શકશે અને નોર્મલ થઈ શકશે?
જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
17/11/2021