inspector pratap - 4 books and stories free download online pdf in Gujarati

ઇન્સ્પેક્ટર પ્રતાપ - ભાગ 4

ઇન્સ્પેકટર પ્રતાપ

ભાગ-૪

ખૂનનું રહસ્ય ક્રિકેટમાંથી


ઇન્સ્પેક્ટર પ્રતાપે પોલીસ સ્ટેશને પરત આવ્યા બાદ આખા કેસની દરેક દરેક કડીઓને વારા ફરથી કાગળ પર લખવા માંડી અને કેસને પોતાના વ્યુહથી જોવા લાગ્યો હતો.
સબ ઇન્સ્પેક્ટર ગણેશ તલપડે સામેની ખૂરશીમાં આવીને બેસી ગયો હતો અને પ્રતાપના ચહેરા પર બદલાતા હાવભાવને જોઈ રહ્યો હતો.
લગભગ અડધો કલાક આખા કેસ ની વિગતો લખી અને ચકાસ્યા બાદ ઇન્સ્પેક્ટર પ્રતાપે પોતાના દીકરાને ક્રિકેટનું કોચિંગ આપનાર આશુતોષ ગોવારીકર ને ફોન કર્યો અને આશુતોષ જોડે ફોન પર થોડી પૂછપરછ કરી અને પોલીસ સ્ટેશને આવવા માટે કહ્યું હતું. પ્રતાપની પૂરી વાત આશુતોષે સાંભળ્યા પછી પોલીસ સ્ટેશન આવવાની હા પાડી હતી..
"ક્રિકેટ કોચિંગ આપતા આશુતોષને તમે શું કરવા માટે અહી પોલીસ સ્ટેશન બોલાવી રહ્યાં છો અને એને જોડે શું લાવવાનું કહ્યું? " ગણેશ તલપડે એ આશ્ચર્ય સાથે પ્રતાપ ને પૂછ્યું હતું.
"ખૂન કોને કર્યું છે એ તો આપણને ખબર નથી પરંતુ કેવી રીતે થયું છે એનો અંદાઝ લગભગ મને આવી ગયો છે. તું એક કામ કર, અહીં સામે એક ખુરશી ગોઠવી દે અને એની ખુરશી ઉપર એક ઉંચો તકિયો ગોઠવી દે. જો તકિયો પોલીસ સ્ટેશનમાં ના હોય તો તું એને લાવવાની વ્યવસ્થા તરત કર, આશુતોષને આવતા હજી અડધો કલાક થશે અને મારાં માટે ત્યાં સુધી તું ચા અને નાસ્તાનો ઓર્ડર આપી દે." આટલું બોલી ઇન્સ્પેક્ટર પ્રતાપ ઉભા થઇને કોઈને ફોન કરવા માટે ગયા.
ગણેશ તલપડેને નવાઈ લાગી રહી હતી કે જે રીતે આ કેસની તપાસ થવી જોઈએ એનાથી થોડી વિરુદ્ધ દિશામાં તપાસ થઇ રહી હતી. એક ક્ષણ માટે ગણેશના મનમાં એવો પણ વિચાર આવ્યો કે આટલા મોટા બિઝનેસ ટાઈકુનોના પ્રેશરમાં આવીને ઇન્સ્પેક્ટર પ્રતાપ કેસની દિશા બદલવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ ગણેશને અત્યારે કશુ કહેવું યોગ્ય ના લાગતા એણે પ્રતાપની સૂચના પ્રમાણે ખુરશી ગોઠવીને હવાલદારને તકિયો ખરીદવા માટે મોકલી આપ્યો હતો.
લગભગ અડધો કલાક પછી આશુતોષ પોલીસ સ્ટેશને આવી ગયો હતો.
ઇન્સ્પેક્ટર પ્રતાપ ચા-નાસ્તો કરીને આશુતોષ ની રાહ જ જોઈ રહ્યા હતા.
‘સર આપે મને જે સૂચના આપી હતી એ પ્રમાણે હું બધી વસ્તુઓ લઈને આવી ગયો છું, હવે શું કરવાનું છે એ મને સમજાવો.’ આશુતોષે પ્રતાપની ખુરશીની સામે બેસતા કહ્યું હતું.
"આશુતોષ આ ખરેખર શું છે? જે દિવસે હું સુર્યાને ક્રિકેટ કોચિંગમાં મુકવા આવ્યો હતો એ દિવસે આ મશીન ઉપર મારી નજર પડી હતી." ઇન્સ્પેક્ટર પ્રતાપે આશુતોષને પૂછ્યું હતું.
‘સર, આ મશીનની અંદર અમે 8-10 બોલ મૂકી રાખીયે છીએ, જેથી કરીને બેટિંગ પ્રેક્ટીસ કરનારને આમાંથી બોલ આવતા રહે અને એ પ્રેકટીસ કર્યા કરે. બેસ્ટમેનને પ્રેક્ટીસ માટે બોલરની જરૂર ના પડે. આ આધુનિક બોલ થ્રો મશીન છે હવે પ્રેક્ટીસ આ મશીનના માધ્યમથી બેસ્ટમેન કરતાં હોય છે. એનો ઉપયોગ અમે ક્રિકેટ કોચિંગમાં કરતા હોઈએ છીએ. તેમજ મોટા-મોટા ક્રિકેટર પણ પોતાની પ્રેકટીસ આ મશીન ના માધ્યમથી કરતા હોય છે.’ આશુતોષે ઇન્સ્પેક્ટર પ્રતાપને મશીન વિશે સમજાવતા કહ્યું હતું.
ઇન્સ્પેક્ટર પ્રતાપે પોતાના ડ્રોવરમાંથી એક ચપ્પૂ કાઢ્યું અને આશુતોષે ગોઠવેલા મશીનમાં આશુતોષને મુકવાનું કહ્યું. એણે ચપ્પૂ હાથમાં લીધું અને મશીનમાં મુક્યું. મશીનને ખુરશી અને તકિયો જ્યાં મુકવામાં આવ્યો હતો તેની સામે ઇન્સ્પેક્ટર પ્રતાપે મુકાવ્યું હતું.
આશુતોષે ઇન્સ્પેક્ટર પ્રતાપની સુચના પ્રમાણે ચપ્પૂ મશીનની અંદર ગોઠવ્યું અને ત્રણ મિનિટનું ટાઈમર સેટ કર્યું અને ઇન્સ્પેક્ટર પ્રતાપને કહ્યું કે, ‘ત્રણ મિનિટ પછી કદાચ આ ચપ્પૂ આમાંથી છૂટે પણ ખરું અને ના પણ છૂટે કારણકે આ બોલ ફેંકવા માટેનું મશીન છે.’
ત્રણેય જણ પોતપોતાની ખુરશી પર બેસી ગયા. ગણેશ તલપડેએ બહાર હવાલદારને કોઈને અંદર ના મોકલવાની સુચના આપી હતી. ત્રણ મિનિટ પછી મશીન માંથી ચપ્પૂ શૂટ થયું અને સીધુ જાડા ગોળ તકિયા ની આરપાર પસાર થઇને ચપ્પૂ બહાર નીકળી ગયું હતું.
ઇન્સ્પેક્ટર પ્રતાપ આ જોઇને ખુશ થઈ ગયો. એણે આશુતોષનો આભાર માન્યો અને આશુતોષને ચા-નાસ્તો કરાવીને વિદાય કર્યો હતો.
ગણેશના મનમાં સવાલોની વણજાર ચાલી રહી હતી. એ આશુતોષના જવાની રાહ જ જોઈ રહ્યો હતો.
‘જોયું ગણેશ, ખૂન કેવીરીતે થયું છે ખબર પડી ગયીને?’ પ્રતાપે ગણેશની સામે જોઈ હસતાં-હસતાં પૂછ્યું હતું.
‘ખૂન આ રીતે થયું છે એ આનાથી કેવી રીતે ખબર પડે? એ વખતે તો કોઈ હાજર હતું જ નહિ અને કોઈને મારવું હોય તો ચપ્પુ સીધુ પેટમાં મારેને? મશીનમાં ચપ્પુ મુકીને ચપ્પુ પછી એમના પેટમાં મારે ત્યાં સુધી મીરા સિંઘાનિયા રાહ જોતા રહે કે ક્યારે ચપ્પુ એમના પેટમાં આવે છે. એવું થોડું બને?’ ગણેશના મનમાં ઉભી થયેલી ગડમથલ વિશે ઇન્સ્પેક્ટર પ્રતાપને પૂછ્યું હતું.
ગણેશ તું કઈ સમજતો નથી. હું તને એટલે જ કહું છું કે તું મૂર્ખો છે.
‘મારી વાત બરાબર સમજ. કોઈએ પહેલા તો મીરા સિંઘાનિયાને બેભાન કરી હશે અથવા તો એવી બેભાન કરવાની એવી દવા આપી હશે કે બ્લડમાં એ દવાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ દરમિયાન એના કોઈપણ પુરાવા મળે નહિ. બીજું લગભગ એક વાગ્યાની આસપાસ એને બેભાન કરી આ ખુરશીમાં બેસાડી દેવામાં આવી હશે. જે સોફાચેરમાં આપડને એની લાશ મળી હતી. એ સોફાચેરની બરાબર સામે બીજી સોફાચેર હતી. એ સોફાચેરને હટાવી આ બોલ થ્રો કરવાનું મશીન મુકવામાં આવ્યું હશે અને એમાં ટાઈમર સેટ કરવામાં આવ્યો હશે. મને વિશાખા જોડે વાતચીત કરતાં ખબર પડી કે મીરાને કોઈ દોરડાથી બાંધવામાં આવી હતી. કારણ કે એ બેહોશ હતી એટલે આડી પડી ના જાય એટલે એને સીધી બેસાવાડવા માટે દોરડાથી બાંધી હશે અને બરાબર ૨ થી ૪ની વચ્ચે સેટ કરેલા કોઈપણ સમય દરમિયાન આ ચપ્પુ ફૂલ સ્પીડમાં મશીન માંથી નીકળી મીરા સિંઘાનિયાના પેટમાં ખુપી ગયું હશે. મીરા સિંઘાનિયા એ વખતે બેભાન હશે ત્યારે જ તેનું આ રીતે ખૂન થયું હશે. ત્યાર બાદ અંદર જ ઘરમાં રહેલા વ્યક્તિએ મીરા સિંઘાનિયાને જે દોરડાં વડે બાંધી હતી એ દોરડું લઈ લીધું હશે અને જે તે અવસ્થામાં લાશને રહેવા દીધી હશે. જયારે ધીરજ સિંઘાનિયા સાંજે મીટીંગ પતાવીને આવ્યા ત્યારે તેમણે પોતાની ચાવીથી ઘરનો દરવાજો ખોલ્યો હશે અને ડ્રોઈંગરૂમમાં જ મીરા સિંઘાનિયાની આ રીતે એમણે લાશ જોઈ હશે. આ રીતે જ મીરા સિંઘાનિયાનું ખૂન થયું હશે એમાં કોઈ શંકા નથી. કારણ કે આ મશીનની સ્પીડથી જ ચપ્પુ પેટમાં ગયું હોય તો એક જ વારમાં ચપ્પુ આખું પેટમાં જતું રહે અને ઘા પણ એટલો મોટો ના થાય પરંતુ ઊંડો થાય. જયારે કોઈએ હાથથી ચપ્પુ માર્યું હોય, તો ઘા પણ મોટો અને પહોળો થાય અને આટલો ઊંડો ના થાય.’ ઇન્સ્પેક્ટર પ્રતાપે પોતાની સુઝબુઝ બતાવતા કહ્યું હતું.
‘સર, તમારી થીયરી મારા મગજમાં આમ ઉતરી ગયી છે, પરંતુ સાંભાળવામાં જેટલું સરળ લાગે છે એટલું અમલ કરવામાં સરળ લાગતું નથી અને ચાલો એક વખત માની પણ લઈએ કે આ થીયરી સર તમારી સાચી છે. તો પછી મીરા સિંઘાનિયાનું ખૂન આવી રીતે કરનાર કોણ હોઈ શકે?’ ગણેશ તલપડેએ ઇન્સ્પેક્ટર પ્રતાપને પૂછ્યું હતું.
‘ખૂન કરવા માટે દરેક જણ પાસે પોત પોતાના હેતુ છે જ. જેમકે રહીમ. રહીમે ધીરજના કહેવાથી મીરાને બેભાન કરી હોય અને દોરડેથી બાંધી દીધી હોય. જો રહીમે આ કામ ના કર્યું હોત તો આશા બાઈ પણ કરી શકે છે. પરતું આશા બાઈ આ કામ એકલા હાથે કરે શકે એવી શક્યતા ઓછી દેખાય છે. કારણ કે બેભાન કર્યા પછી સોફાચેરમાં બેસાડવી અને એને ફિટ બાંધવી. આ કામ કોઈ સ્ત્રીનું હોય એવી શક્યતા થોડી ઓછી બને શકે. આ ખૂન ધીરજ સિંઘાનિયાએ પોતે પણ કર્યું હોય, બની શકે છે કે એમણે જ જતા પહેલા મીરા સિંઘાનિયાને બેભાન કરીને સોફા સાથે બાંધી દીધી હોય અને આપડે માની લઈએ રહીમ ઘરમાં છુપાઈ ગયો હોય અને આશા બાઈ તો અગિયાર વાગે જતી રહી હતી. એટલે રહીમે મીરાનું ખૂન ધીરજના કહેવાથી કર્યું હોય. એવું પણ બની શકે કે કોઈ પ્રોફેસનલ કિલરને આ કામ સોંપવામાં આવ્યું હોય અને એણે મીરા સિંઘાનિયાનું ખૂન કર્યું હોય. બધી શક્યતાઓ અહીયા ઉભી થયેલી દેખાય છે. પણ ખૂન આ રીતે જ થયું છે તેમાં મને કોઈ શંકા લાગતી નથી અને ધીરજ રણજીત ટ્રોફી રમેલો છે અને ક્રિકેટનો જાણકાર છે. એટલે બોલ થ્રો કરવાના આ ઉપકરણથી એ પરિચિત ના હોય એવું હું નથી માનતો. માટે આ ખૂન કેસમાં ધીરજ પર શંકાના વાદળો વધારે મજબુત બને છે. પરંતુ કોઈ પુરાવા ના મળે ત્યાં સુધી આટલા મોટા માણસને પકડીને જેલમાં પૂરી ના શકીએ.’ ઇન્સ્પેક્ટર પ્રતાપે પોતાની વાત ગણેશને સમજાવતા કહ્યું હતું.
‘સર તમે મને રીમા કપૂર વિશે તપાસ કરવા કહ્યું હતું. રીમા કપૂર વિશે તપાસ કરતાં ખબર પડી કે ગ્રીન વલ્ડ ફાઉન્ડેશન નામનો એન.જી.ઓ મીરા સિંઘાનિયાએ સ્થાપ્યો હતો. એમાં એ મેનેજીંગ ટ્રસ્ટી હતી અને રીમા કપૂર ટ્રસ્ટી છે. મીરા સિંઘાનિયાના મૃત્યુ બાદ આખા ટ્રસ્ટની બધી જ જવાબદારીઓ રીમા કપૂર પર આવી ગઈ છે અને રીમા કપૂર આ સંસ્થાની હવે કરતા-હરતા બની ગઈ છે. અને તપાસ કરતાં ખબર પડી કે સંસ્થા પાસે કરોડો રૂપિયાની ફિક્સ ડીપોઝીટ પણ છે. તેમ જ આ સંસ્થાને દિપક બિરલાના પાવર પ્રોજેક્ટે આ પ્રોજેક્ટનો વિરોધ ના કરવા માટે બહુ જ મોટી રકમની ઓફર પણ કરી હતી. રીમા કપૂર પોતે વર્ષોથી એકલી રહે છે અને એના મિત્ર વર્તુળમાં મીરા સિંઘાનિયા અને ધીરજ સિંઘાનિયા આ બંને બહુ ખાસ અંગત મિત્રોમાં આવતા હતા. પોતે જુહુના જે ફ્લેટમાં રહે છે એ ફ્લેટ પણ મીરા સિંઘાનિયાનો જ છે. મીરા સિંઘાનિયાએ એને રહેવા માટે આપ્યો છે.’ સબ ઇન્સ્પેકટર ગણેશ તલપડેએ પોતાની તપાસની માહિતી ઇન્સ્પેકટર પ્રતાપને આપતા કહ્યું હતું.
‘ગણેશ, જે દિવસે મીરા સિંઘાનિયાનું ખૂન થયું હતું તે દિવસે રીમા કપૂર ક્યાં હતી? એની તપાસ કરીને તું મને કહે અને ધીરજ સિંઘાનિયા પણ જે હોટલમાં હતો એ હોટલની પૂછપરછ કર અને ધીરજ સિંઘાનિયા ખરેખર એ દિવસે મીટીંગમાં હાજર હતો? અને જો હાજર હોય તો હોટલના સીસીટીવી ફૂટેજમાં તું જોઈ લેજે કે એની એન્ટ્રી અને એકઝીટનો સમય આ ખાસ તું નોંધ કરીને મને કહે. રહીમની તપાસ કરવા મુમરામાં એના ઘરે હતો કે નહિ એ પણ એના આડોશ-પડોશમાં તપાસ કરવા માટે મુમરા પોલીસ સ્ટેશનને માહિતી આપી દે અને રહીમનું એડ્રેસ પણ આપી દે. આશા બાઈને જઈને પૂછપરછ કરીને મને કહે કે એ અગિયાર વાગ્યા પછી ક્યાં ગઈ હતી? અત્યારે તો મોડું થઈ ગયું છે એટલે કાલે સવારે આઠ વાગ્યાથી આ તપાસ તું બધી આરંભ કરી દેજે. અને મને બપોરે બાર વાગ્યા સુધીમાં રીપોર્ટ આપી દેજે.’ ઇન્સ્પેકટર પ્રતાપે ગણેશને સુચના આપતા કહ્યું હતું.
‘ઓકે સર’ કરીને ગણેશ પ્રતાપની કેબીન માંથી બહાર નીકળ્યો હતો.
પ્રતાપના મગજમાં એડવોકેટ ધીમંતા એ કીધેલી વાત કે ‘જો અમને ન્યાય નહિ મળે તો અમે જંગલના કાનુનને અપનાવીશું.’ જંગલના કાનુનનો મતલબ એટલે ‘ખૂનનો બદલો ખૂન.’ એવો જ થાય. ઇન્સ્પેકટર પ્રતાપે પોતે ધીમંતાની આંખમાં જે આગ જોઈ હતી એ આગની પાછળ કંઈક રહસ્ય હતું પણ ઇન્સ્પેકટર પ્રતાપને ખુબ વિચારવા છતાં એ રહસ્ય સમજાતું ન હતું. ધીમંતાની વાત વિચારતા વિચારતા ઇન્સ્પેકટર પ્રતાપે પોતાની સિગરેટ સળગાવી હતી.

ક્રમશઃ...

(વાચકમિત્રો, ઇન્સ્પેક્ટર પ્રતાપ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

- ૐ ગુરુ