Inspector pratap - 2 books and stories free download online pdf in Gujarati

ઇસ્પેક્ટર પ્રતાપ - ભાગ 2

ઇન્સ્પેક્ટર પ્રતાપ

ભાગ-2

આદિવાસીઓની પ્રતિજ્ઞા


ઇન્સ્પેક્ટર પ્રતાપ અને ગણેશ તલપડે ઉદ્યોગપતિ દીપક બીરલાના વેઇટીંગ રૂમમાં બેઠાં હતાં. ગણેશ તલપડેના મોબાઇલ ઉપર રીંગ વાગી હતી. એણે ફોન ઉપાડી વાતચીત કરી અને ફોન મુકી દીધો હતો.

"સર, આદિવાસીઓના સરપંચ મીરા સીંઘાનીયાના કેસ બાબતે તમને મળવા પોલીસ સ્ટેશને આવ્યા છે અને એમની જોડે એમનો વકીલ પણ છે. મેં હવાલદારને એમને બેસાડવાનું અને ચા-નાસ્તો કરાવવાનું કહ્યું છે." ગણેશ તલપડેએ પ્રતાપને કાનમાં કહ્યું હતું.

"આપ લોકોને સર અંદર બોલાવે છે." પટાવાળાએ આવીને ઇન્સ્પેક્ટર પ્રતાપ સામે જોઇ કહ્યું હતું.

વિશાળ વાતાનુકુલિત કેબીનમાં ઉદ્યોગપતિ દીપક બીરલા બેઠાં હતાં. એમની બાજુમાં જ કાળો કોટ પહેરેલો એક બીજો વ્યક્તિ બેઠો હતો. દેખાવ ઉપરથી એ વકીલ લાગતો હતો.

દીપક બીરલાએ પોતાના હાથની વીંટી ગોળ ફેરવતા ફેરવતા ઇન્સ્પેક્ટર પ્રતાપને એમની સામે મુકેલા સોફા પર બેસવા ઇશારાથી કહ્યું હતું.

"ઇન્સ્પેક્ટર, આ અમારી કંપનીના વકીલ અને મિત્ર મી. મીરચંદાની છે. તમે મને મીરા સીંઘાનીયાના ખૂન કેસ બાબતે વાતચીત કરવા માટે ફોન કર્યો એટલે મેં એમને પણ અહીં ઉપસ્થિત રાખ્યા છે. આપને એ બાબતે જે કાંઇ પણ પૂછવું હોય એ પૂછી શકો છો. શક્ય એટલું જલ્દી પતાવજો કારણકે મારે એક મીટીંગમાં જવાનું છે." દીપક બીરલાએ ઇન્સ્પેક્ટર પ્રતાપ સામે જોઇ કહ્યું હતું.

"સર, મીરા સીંઘાનીયાના ખૂન કેસ બાબતે હું આપની પાસે થોડી માહિતી જ લેવા માટે આવ્યો છું. આપ માટે એને પૂછપરછની દૃષ્ટિએ ના જુઓ એવું હું ઇચ્છું છું." ઇન્સ્પેક્ટર પ્રતાપે સ્હેજ નરમ અવાજે કહ્યું હતું.

"કોઇ વાંધો નહિ, આપ પૂછો." દીપક બીરલાએ ટૂંકમાં જવાબ આપ્યો હતો.

"સર, જૂહુ પોલીસ સ્ટેશનમાં મીરા સીંઘાનીયાએ એવી ફરિયાદ લખાવી હતી કે આપ જે જગ્યાએ પાવર પ્રોજેક્ટ નાંખી રહ્યા છો એ પાવર પ્રોજેક્ટનો એ જે વિરોધ કરતા હતાં એ વિરોધ બંધ કરવા કોઇ એમને ધમકી આપી રહ્યું હતું. આ વાત સાચી છે?" ઇન્સ્પેક્ટર પ્રતાપે દીપક બીરલાને પૂછ્યું હતું.

દીપક બીરલા કોઇ જવાબ આપે એ પહેલા વકીલ મીરચંદાનીએ એમને ઇશારો કરી રોક્યા હતાં.

"જો ઇન્સ્પેક્ટર પ્રતાપ, મારા અસીલની કંપની ભારતમાં નહિ પરંતુ દુનિયામાં ખૂબ જ જાણીતી છે. આ પાવર પ્રોજેક્ટ એમના વિશાળ એમ્પાયરમાં એક નાનકડી ઇંટ સમાન છે. અમે આ પાવર પ્રોજેક્ટથી આદિવાસીઓના જીવનમાં પરિવર્તન આવે, એમના સંતાનો ત્યાં અમે જે સ્કૂલ અને કોલેજ બનાવીએ એમાં ભણે અને આજની આધુનિક જીવનશૈલીમાં એ લોકો જીવે એવું એ ઇચ્છે છે. માત્ર એમની કંપનીનો પ્રોફીટ જોતાં નથી અને આ બધું અમે એમને સાથે લઇને કરી રહ્યા છીએ. થોડાં લોકોનો આમાં વિરોધ ચોક્કસ છે પરંતુ એ વિરોધ પાછળ દરેકનો પોતપોતાનો સ્વાર્થ છે. મીરા સીંઘાનીયાની વાત ઉપર હવે આવું તો એમના પતિ ધીરજ સીંઘાનીયા અમારા પાવર પ્રોજેક્ટમાં ભાગીદાર બનવા માંગતા હતાં અને જ્યારથી અમે આ પાવર પ્રોજેક્ટમાં એમને ભાગીદાર બનાવ્યા ત્યારથી મીરા સીંઘાનીયાને ધમકીભર્યા ફોન આવતા બંધ થઇ ગયા અને મીરા સીંઘાનીયાનો વિરોધ પણ ધીમો પડી ગયો હતો. પર્યાવરણના નામે પોતાની રોટલી શેકવાનો સીધો આશય એ લોકોનો હતો. મને લાગે છે કે આટલી માહિતી તમને આ કેસ માટે પૂરતી થઇ રહેશે." વકીલ મીરચંદાનીએ ઇન્સ્પેક્ટર પ્રતાપને જાણતા અજાણતા એકસાથે ઘણી માહિતી આપી દીધી હતી.

"મી. મીરચંદાની, હું આપની આખી વાત સમજી ગયો છું અને તમે અને દીપક બીરલાએ પોલીસને જે સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. આ કેસના બહાને આપ જેવા મહાનુભાવોને મળવાનો મોકો મળ્યો એનો પણ મને આનંદ છે." બંન્ને જોડે હાથ મીલાવી ઇન્સ્પેક્ટર પ્રતાપ અને ગણેશ કેબીનમાંથી બહાર નીકળી ગયા હતાં અને પોલીસ જીપમાં જઇ બેઠાં હતાં.

સબ ઇન્સ્પેક્ટર ગણેશે જીપ જૂહુ પોલીસ સ્ટેશન તરફ લઇ લીધી હતી.

"સાલા બંન્ને હરામખોર છે. પોતાના પર રેલો ના આવે એના માટે રેલો ધીરજ સીંઘાનીયા તરફ વાળી દીધો. આ પ્રોજેક્ટ દીપક બીરલા, ચાઇનાની કોઇ મોટી પાવર પ્રોજેક્ટ કંપની જોડે જોડાણ કરીને કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ જો અટકી જાય તો દીપક બીરલાની ઇજ્જત ઉપર મોટો ધક્કો વાગે અને ઇજ્જત બચાવવા માટે કોઇપણ ઉદ્યોગપતિ છેલ્લામાં છેલ્લું સ્ટેપ પણ લઇ શકે છે." ઇન્સ્પેક્ટર પ્રતાપ ગણેશને કહી રહ્યો હતો.

ગણેશ ઇન્સ્પેક્ટર પ્રતાપની વાત સાંભળી રહ્યો હતો પરંતુ એના મનમાં એ વિચાર ચાલી રહ્યો હતો કે દીપક બીરલાના વકીલે પૂછ્યા વગર એમના જ પાર્ટનર ધીરજ સીંઘાનીયાને ફસાવવાનો શું કરવા પ્રયત્ન કર્યો કારણકે એમની વાત ઉપરથી લાગતું હતું કે ધીરજ સીંઘાનીયા પ્રોજેક્ટમાં એન્ટ્રી લેવા માટે મીરા સીંઘાનીયા જોડે વિરોધ કરાવતો હતો અને ધમકીભર્યા ફોન પણ પતિ-પત્નીની મીલીભગત હતી.

આ આખી વાત એણે પ્રતાપને કહી એટલામાં પોલીસ સ્ટેશન આવી ગયું હતું.

"તારો મુદ્દો વિચારવા જેવો છે, ગણેશ." આટલું બોલી ઇન્સ્પેક્ટર પ્રતાપ જીપમાંથી ઉતરી પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો.

જમીન ઉપર બે આદિવાસીઓ બેઠાં હતાં અને બેન્ચ ઉપર કાળો કોટ પહેરીને છ ફૂટ હાઇટ ધરાવતો એમનો વકીલ બેઠો હતો. એ આદિવાસીઓને જોતાં જ ખબર પડી જાય કે તેઓ એક હજાર વર્ષ આજની દુનિયા કરતા પાછળ છે. માથાના લાંબા વાળ, અજીબ પ્રકારના કપડાં અને એમના વર્તન ઉપરથી તેઓ નવા જમાના સાથે ક્યારેય પણ કદમ ના મીલાવી શકે એવું પ્રતાપને પહેલી નજરમાં જ લાગ્યું હતું.

પ્રતાપ પાંડે ખુરશી લઇ એમની નજીક જઇ બેઠો હતો.

"હા બોલો, શું કહેવા માંગો છો?" ઇન્સ્પેક્ટર પ્રતાપે બંન્ને તરફ જોઇ કહ્યું હતું.

એ વખતે એ બંન્નેની પાછળ કાળા કોટમાં બેઠેલો ત્રીસ-પાંત્રીસ વર્ષની આસપાસનો એમનો વકીલ ઊભો થઇ ઇન્સ્પેક્ટર પ્રતાપ પાસે આવ્યો હતો.

"ઇન્સ્પેક્ટર, મારું નામ ધીમંતા રાગે છે. હું આદિવાસીઓનો વકીલ છું. આ મારા પિતા સુભા રાગે અને આ સહ સરપંચ ધુલા મુલે છે." ધીમંતાએ ઇન્સ્પેક્ટર પ્રતાપને બે જણની ઓળખાણ કરાવતા કહ્યું હતું.

ઇન્સ્પેક્ટર પ્રતાપે હવાલદારને ચપટી વગાડી ધીમંતાને ખુરશી આપવાનું કહ્યું હતું.

ઇન્સ્પેક્ટર પ્રતાપે પોતાના વિચાર જે પાંચ મિનિટ પહેલા વિચાર્યા હતાં એ ધીમંતાને જોઇ મનમાં પાછા ખેંચવા પડ્યા હતાં. સાવ પછાત આદિવાસીનો છોકરો વકીલ બની અને એક નવી આશા બનીને ઊભો રહ્યો છે એ જોઇ પ્રતાપને ખૂબ આનંદ થયો હતો.

"ઇન્સ્પેક્ટર સાહેબ, અમારા સરપંચ અને સહ સરપંચ એવું માને છે કે મીરા સીંઘાનીયા અમારા માટે લડત લડતા હતાં. તેઓ અમારા જેવા આદિવાસીઓ માટે વર્ષોથી ખૂબ જ કામ કરી રહ્યા હતાં. એમના ખૂનની ખબર સાંભળી અમે અમારું એક સ્વજન ગુમાવી દીધું હોય એવી લાગણી અમારો આખો સમાજ અનુભવે છે. આ કેસ બાબતે તમારે કોઇપણ માહિતી કે સહયોગ જોઇતો હોય તો અમે આપવા તૈયાર છીએ." ઇન્સ્પેક્ટર પ્રતાપ ધીમંતાની વાતને અચરજ સાથે સાંભળી રહ્યો હતો.

ઇન્સ્પેક્ટર પ્રતાપે હવાલદારને ચા લાવવાનું કહ્યું હતું.

"મી. ધીમંતા, મીરા સીંઘાનીયાનું ખૂન કોણે કર્યું હોઇ શકે? તમને કોઇના પર શક છે ખરો?" ઇન્સ્પેક્ટર પ્રતાપે ધીમંતાને પૂછ્યું હતું.

"ઇન્સ્પેક્ટર સાહેબ, પાવર પ્રોજેક્ટ થવાથી અમારા આદિવાસીઓના ઘરો, અમારા કુળદેવતાનું મંદિર અને અમારી સમાજ વ્યવસ્થાનું અસ્તિત્વ નહિ રહે. પાવર પ્રોજેક્ટના કારણે લાખો ઝાડ કપાઇ જશે અને નાના-નાના પર્વતો જે અમારી વસ્તીની આસપાસ ઘેરાયેલા છે એ પણ તોડી નાંખવામાં આવશે. અમારા કુળદેવતાનું મંદિર અને અમારા ઘર જો તોડવામાં આવશે તો અમે આદિવાસીઓએ એવી પ્રતિજ્ઞા લીધી છે કે અમારા કુળદેવતાનું મંદિર તોડનારનું નામોનિશાન અમે આ ધરતી ઉપરથી મીટાવી દઇશું. આ લોકોના કારણે જ અમારે લોકોએ આ જગ્યા છોડી બીજી જગ્યાએ જવું પડશે. સ્કૂલ, કોલેજ, વિકાસ આ બધી કહેવાની વાતો છે. અમારા અસ્તિત્વને જડમૂળથી આ પાવર પ્રોજેક્ટ ઉખેડી નાંખશે. મીરા સીંઘાનીયાના પતિ ધીરજ સીંઘાનીયા પણ આ પ્રોજેક્ટમાં હમણાં જોડાયા છે. આ વાત મીરા સીંઘાનીયાને જરાય પસંદ ન હતી. એમના પતિ આ પ્રોજેક્ટમાં પાર્ટનર હોવા છતાં તેઓ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા હતાં. હવે તમારા સવાલ ઉપર આવું. અમને શંકા છે કે એમનું ખૂન દીપક બીરલા એન્ડ ગ્રુપે જ કરાવ્યું છે. મીરા સીંઘાનીયા ઉપર એકવાર ચપ્પુથી હુમલો કરવાનો પ્રયત્ન કરવામા આવ્યો હતો પરંતુ એ વખતે અમારા સહ સરપંચ ધુલા મુલે એમની સાથે હતાં અને તેઓ વચ્ચે આવી ગયા અને હુમલો કરનારને એમણે પોતાની કટારથી મારી નાંખ્યો હતો. એમને પણ પેલાએ ચપ્પુનો ઘા પેટમાં માર્યો હતો." આટલું બોલી ધીમંતાએ ધુલા મુલે સામે જોયું હતું.

ધુલા મુલેએ ખમીશ ઉપર કરી પોતાનું પેટ બતાવ્યું હતું જેમાં ચપ્પુના ઘાના કારણે પડેલા નિશાનો હતાં. ધીમંતાએ આગળ બોલવાનું શરૂ કર્યું હતું.

"પહેલીવાર એમણે કરેલો પ્રયત્ન નિષ્ફળ જતાં બે મહિના પછી ફરીવાર એમને એમના ઘરમાં જ મારી નાંખવામાં આવ્યા હતાં. માટે આપ આ ગ્રુપ ઉપર કાર્યવાહી કરો એવી મારી નમ્ર અરજ છે. જેથી સાચા ખૂની અને ખૂન કરાવનાર બંન્નેને સજા મળે." ધીમંતાએ પોતાની વાત પૂરી કરી ખિસ્સામાંથી રૂમાલ કાઢી આંખમાં વહેતા આંસુ લૂછ્યા હતાં.

"મી. ધીમંતા, તમે તો કાયદો જાણો છો. દીપક બીરલા જેવા ઉદ્યોગપતિ ઉપર સામાન્ય ચોર કે ખૂનીની જેમ અમે હાથ ના નાંખી શકીએ. અમારી પાસે ઠોસ પુરાવા હોય તો પણ અમારે સો વાર વિચારીને આ કામ કરવું પડે. છતાં પણ હું તમને એટલું ચોક્કસ આશ્વાસન આપું છું કે હું આ કેસમાં ખૂબ જ ઊંડાણપૂર્વક રસ લઇ અને નિષ્ઠાપૂર્વક કામ કરીશ." ઇન્સ્પેક્ટર પ્રતાપે ઊભો થઇ ધીમંતાના ખભે હાથ મુકતા કહ્યું હતું.

"સારું સાહેબ, પહેલા કાયદાની દૃષ્ટિએ જોઇ લઇએ. જો ગુનેગારોનો સજા કાયદો નહિ અપાવી શકે તો અમે જંગલના કાયદાને અપનાવીશું અને જંગલનો કાયદો તો તમે જાણો જ છો." ધીમંતાએ કહ્યું હતું.

જે આંખમાંથી આંસુ નીકળ્યા હતાં એ આંખમાંથી ઇન્સ્પેક્ટર પ્રતાપને અંગારા નીકળતા દેખાઇ રહ્યા હતાં. ધીમંતા અને એની સાથે આવેલા આદિવાસીઓ પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળ્યા એ જ વખતે વિશાખા પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ હતી.

વિશાખાએ ખુરશીમાં બેસી પોતાના હાથમાં લાવેલી ફાઇલ ટેબલ ઉપર મુકી હતી.

"પોસ્ટમોર્ટમનો રીપોર્ટ શું આવ્યો?" વિશાખાએ પ્રતાપ સામે જોઇ પૂછ્યું હતું.

પ્રતાપે ગણેશ સામે જોયું હતું. ગણેશે પોસ્ટમોર્ટમનો રીપોર્ટ હાથમાં લીધો અને બોલવાનું શરૂ કર્યું હતું.

"પોસ્ટમોર્ટમના રીપોર્ટ પ્રમાણે મીરાના પેટમાં ચપ્પુ ખૂબ તાકાતથી મારવામાં આવ્યું છે. ચપ્પુના હેન્ડલ સિવાયનો બધો જ ભાગ પેટમાં ખૂંપી ગયો છે પણ છતાં મારવાના કારણે ઘા પહોળો નથી પરંતુ ઊંડો બહુ છે એ નવાઇની વાત છે." ગણેશે પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાજુમાં મુકી કહ્યું હતું.

"પહોળો નહિ પરંતુ ઊંડો છે એનો મતલબ શું થયો?" વિશાખાએ પ્રતાપ જોઇ પૂછ્યું હતું.

"કોઇ વ્યક્તિ બીજા માણસને ચપ્પુ મારે તો પહેલો ઘા ઊંડો ના થાય પરંતુ બીજો અને ત્રીજો ઘા જ્યારે શરીર પર પડતો હોય ત્યારે એ ઘા પહોળો પણ થાય એટલે એ વખતે એનું પેટ લગભગ ખુલી જાય અને પહોળું થઇ જાય અને લોહી પુષ્કળ વહેવા લાગે. જ્યારે કોઇ માણસે મીરા સીંઘાનીયાને ચપ્પુ એવી રીતે માર્યું છે કે ચપ્પુના હેન્ડલ સિવાયનો આખો હિસ્સો પેટમાં તો જતો રહ્યો છે અને એક જ ઘામાં આવું બન્યું છે. ચપ્પુ મારનાર સુપરમેન કે હીમેન હોય તો જ આ શક્ય બને. તારો ફોરેન્સીક રીપોર્ટ શું કહે છે?" ઇન્સ્પેક્ટર પ્રતાપે વિશાખાને પૂછ્યું હતું.

ફોરેન્સીક રીપોર્ટ પ્રમાણે કાંસકા ઉપર જે વાળ હતાં એ વાળ મીરા સીંઘાનીયાના હતાં અને કાંસકા ઉપર પણ એમના જ ફીંગરપ્રિન્ટ હતાં. ડાયમંડની વીંટી ઉપરના ફીંગરપ્રિન્ટ અને ઘરમાં અલગ-અલગ જગ્યાએથી મળેલા ફીંગરપ્રિન્ટ ધીરજ સીંઘાનીયાના હશે એવું લાગે છે. સીગરેટ પર પડેલા ફીંગરપ્રિન્ટ અને DNAની જાંચ હજી એ કોના છે એ ખબર પડી શકી નથી કારણકે આવા ફીંગરપ્રિન્ટ અને DNAનો કોઇપણ રેકોર્ડ પોલીસ પાસે નથી." વિશાખાએ ઇન્સ્પેક્ટર પ્રતાપને પોતાનો રીપોર્ટ આપતા કહ્યું હતું.

"ગણેશ, તું મી. ધીરજને ફોન કરીને કહે કે હું એમના નોકર રહીમ અને આશાતાઇને મળવા માંગુ છું માટે બપોરે ત્રણ વાગે એમને એમના ઘરે હાજર રાખે." ઇન્સ્પેક્ટર પ્રતાપે ગણેશની સામે જોઇ કહ્યું હતું.

ક્રમશઃ...

(વાચકમિત્રો, ઇન્સ્પેક્ટર પ્રતાપ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

- ૐ ગુરુ