Premni Kshitij - 33 books and stories free download online pdf in Gujarati

પ્રેમની ક્ષિતિજ - 33


આથમતી સાંજની સાથે આકાર લઇ રહેલી ઉદાસી.... પરંતુ એ સૂર્યની સાથે વ્યક્તિના હૃદયમાં રહેલી આશા આથમતી નથી, તે તો જાણે પ્રતીક્ષા કરે છે વહેલી સવારની અને પોતાના પ્રકાશની.....

મૌસમ ઘરમાં પ્રવેશે છે તો જાણે આખું ઘર આજે ઉદાસ ભાસે છે. વિલ , ડેડનો પત્ર, શૈલ અને અતુલ અંકલના વિચારો મૌસમને જંપવા દેતા નથી. તે વિચારોમાં જ મુંઝાયેલી મૌસમને આલયનો પણ એટલો જ વિચાર સાથે આવતો હતો. મૌસમે વિચાર્યું હવે જલ્દીથી આલય આવી જાય અને બસ પોતાના મનની દ્વિધા તે જ સમજી શકશે.

મૌસમ આતુરતાથી આલયની રાહ જોતી હતી ત્યાં જ શૈલનો ફોન આવ્યો, " હેલો, તું કંઈ પણ નિર્ણય લે તે પહેલાં મારી વાત સાંભળી લે, આજે તારી સાથે વાત કરીને મને એવું લાગ્યું કે તને પણ મારામાં જરા પણ રસ નથી, કદાચ એવું પણ બની શકે કે તારા જીવનમાં બીજું કોઈ હોય અને તારે ફરજિયાત તારા ડેડીના વિલનાં કારણે મારી સાથે જોડાવું પડે, તારા માટે કદાચ રૂપિયા મહત્વના નહીં હોય પરંતુ મારા માટે રૂપિયા સર્વસ્વ છે, હું ગમે તે રીતે મારો રસ્તો કરી લઈશ, મારા માટે તો બીજા વિકલ્પો છે પરંતુ તારો એક માત્ર વિકલ્પ હું છું."

મૌસમે શાંતિથી જ કહ્યું, " વિકલ્પો પહેલા મારા માટે ડેડ અને અંકલના સબંધો મહત્વ ધરાવે છે. હું જે પણ નિર્ણય લઈશ તે ફક્ત ડેડના કારણે લઈશ, અને આટલો મોટો નિર્ણય લેવામાં હું જરા પણ મારા સુખને આડે આવવા નહીં દઉં."

મૌસમ શૈલ સાથે વાત કરી, અતુલ અંકલને ફોન લગાડે છે," હેલો અંકલ"

અતુલ મૌસમને પૂછે છે," કેમ છે મોસમ હું તને ફોન કરવાનો જ હતો થોડીક ચિંતાની બાબત છે"

આ સાંભળી મૌસમ પોતાની વાત કરતા અટકી ગઈ. અને પહેલા અંકલની વાત સાંભળી લેવાનું નક્કી કર્યું," જલદી કહો અંકલ શું વાત છે?"

અતુલે કહ્યું," મને લાગે છે કે કેટીને બીઝનેસના ટેન્શનને કારણે કદાચ એટેક આવી ગયો."

મૌસમ બોલી," સરખું કહો અંકલ તમને કેમ એવું લાગે છે?"

અતુલે ચિંતાથી ઘેરાયેલા સ્વરે કહ્યું," તું આ વાત બધી સમજવા માટે કદાચ નાની છે પરંતુ હવે તો તારે પણ આ બધું જાણવું જરૂરી છે, કેટીના કેટલાક ખાસ માણસોએ કેટીના બિઝનેસમાં ઘણા મોટા ફેરફાર કરી નાખ્યા છે, તને તો ખબર છે કેટીને પોતાનો બિઝનેસ જીવ કરતાં પણ વહાલો હતો, ભાભીના ગયા પછી તું અને બિઝનેસ જ જાણે તેના પર્યાય."

" આજે હું ઓફિસે ગયો ત્યારે ઘણું બધું મારી સામે આવ્યુ. અને મને લાગે છે કે હવે થોડો ઘણો સમય મારે અહી રહીને બધું હેન્ડલ કરવું પડશે. તું અને શૈલ મારો અમેરિકાનો બીઝનેસ સંભાળી લ્યો અને હું કેટીના બિઝનેસને અહીં થોડો ફરીથી વ્યવસ્થિત કરી દઉં, નહીંતર કેટીનો આત્મા મને ક્યારેય માફ નહીં કરે."

અંકલની વાત સાંભળીને મૌસમને અત્યારે શૈલ વિશે કંઈ કહેવાની ઇચ્છા ન થઈ. અને અંકલને કંઈ ચિંતા ન કરવાનું કહી ફોન મૂકી દીધો.

અને ત્યાં જ તેની આંખો પર જાણે શાંતિનો સ્પર્શ થયો. આલય આવી ગયો, મોસમને બાહુપાશમાં એવી રીતે જકડી લીધી જાણે છોડવાની ઈચ્છા જ ન હોય.....
મૌસમની આંખમાં પાણી આવી ગયા,"આલય તું શા માટે મને એટલી ચાહે છે?"

આલયને લાગ્યું જાણે તેની મોસમ તેના આવવાથી પણ ખીલતી નથી,"શું થયું મોસમ? હું વિચારું એવું તો નથી ને? અંકલનું વિલ તારી ઉદાસીનું કારણ તો નથી ને?"

મૌસમને લાગ્યું કે તે પોતાના મુખે કંઈ નહીં કહી શકે, તે કેટીનો પત્ર લઇ આવી અને આલયને કહ્યું કે ચાલ ક્યાંક બહાર જઈએ.

બંને એક કોફી શોપના કોર્નર ટેબલ પર બેઠા, મૌસમે એના હાથમાં પત્ર આપતા કહ્યું કે," આલય ડેડ એક વીલ કરતા ગયા છે અને તે વીલ મુજબ તેમની બધી જ સંપત્તિ જો હું તેમના મિત્રના દીકરા શૈલ સાથે પરણીશ તો જ મળશે. મારા માટે સંપત્તિનું કોઈ જ મહત્વ નથી કદાચ ન મળે તોપણ મને કંઈ ફેર નહિ પડે. હું તારી અને મારી નાનકડી દુનિયામાં ખુશ રહી શકીશ. પરંતુ આજે અતુલ અંકલ સાથે હમણાં જ વાત થઈ ડેડ કોઈ બિઝનેસ ટેન્શનમાં હતા અને તેમના કારણે જ તેમને એટેક આવી ગયો. હવે અતુલ અંકલ એક જ એવા વિશ્વાસુ વ્યક્તિ છે જે ડેડના બીઝનેસ સંભાળી શકશે. ડેડ મારા માટે આ પત્ર મૂકતા ગયા છે, હવે બધા જ મારા નિર્ણયો તને સોંપું છું તું આ પત્ર વાંચીને કહે મારે શું કરવું જોઈએ?"

આલયને લાગ્યું કે તેના સ્વપ્નની દુનિયા જાણે સ્વપ્ન બનીને જ રહી ગઈ.......

આલય ધ્રુજતા હાથે પત્ર ખોલી અને વાંચવા લાગ્યો, જેમ જેમ પત્ર વાંચતો ગયો તેમ તેની આંખોમાં ઉદાસી ઘેરાતી ગઈ.
તેણે મોસમને પત્ર પાછો આપી તેના હાથ પર હાથ રાખી અને કહ્યું,"તારા ડેડ તો તારા માટે બધું પહેલેથી જ વિચારીને ગયા છે."

મૌસમે કહ્યુ," હવે ડેડ નથી આલય... હવે જે પણ નિર્ણય લેવાના છે એ તારે અને મારે જ લેવાના છે અને જો તું મારી પસંદગી પૂછતો હોય તો ફક્ત તું જ છે આલય...હું શૈલ સાથે કદી પણ ખુશ નહિ રહી શકું કે ન તો શૈલને ખુશ રાખીશ."

આલય પ્રેમથી બોલ્યો," આપણે ઈચ્છેલું જો આપણને મળી જાય તો ઇશ્વર આવા સંજોગો શા માટે ઊભા કરે?
મારા કરતા વધારે પ્રેમ તને તારા ડેડ કરતા હતા મૌસમ એ વાત તારે ન ભૂલવી જોઈએ અંકલના વિલ અને પત્રમાં તેમની છેલ્લી ઈચ્છા વ્યક્ત થાય છે. અને તેમની દુનિયામાં દૂર દૂર સુધી મારું નામોનિશાન નથી. ખાલી આપણા બંનેનો જ વિચાર કરું તો આપણે બંને તો એકબીજાને ખુશ રાખવા માટે પૂરતા છીએ પરંતુ આ દુનિયા ત્યાંથી અટકી જતી નથી. અને મારો પ્રેમ એટલો સ્વાર્થી પણ નથી કે તને કંઈ પણ નિર્ણય લેવા મજબૂર કરે....."

મૌસમ ગભરાતા બોલી," તું શું કહેવા માંગે છે આલય?"

આલય બોલ્યો," હું કંઇ કહેવા માંગતો નથી ફક્ત તને સમજવા કહું છું, કદાચ અત્યારે આપણે એકબીજાના પ્રેમને પામી લઈશું તો પણ તારા ડેડની ઈચ્છા અધૂરી રહી જશે જો તું શૈલ સાથે લગ્ન નહીં કરે તો તારા ડેડના બિઝનેસને પણ માઠી અસર થશે. અને જો તું શૈલ સાથે લગ્ન કરી લે તો તારા ડેડ ની અંતિમ ઈચ્છા પણ પૂરી થઈ જશે અતુલ અંકલ ખૂબ સારી રીતે તારા પપ્પાના બિઝનેસને હેન્ડલ કરી લેશે. અને રહી વાત મારી તો આલય કાલે પણ તારો હતો આજે પણ તારો છે અને સદા રહેશે......" લાગણીશીલ બનીને નહીં પરંતુ થોડું વિચારીને નિર્ણય લે મૌસમ, મારો પ્રેમ ક્યારેય તારા ભવિષ્યની બાધા નહીં બને."

મૌસમ લાગણીશીલ બની ને કહે છે," મૌસમ પણ તારી જ રહેશે સદા. હા પરંતુ જેમ તું વિચારે એમ ન થાય એમ પણ બને .ડેડ ની છેલ્લી ઈચ્છા પૂરી થઈ જશે પરંતુ મને નથી લાગતું કે શૈલ મારા માટે યોગ્ય હોય."

આલયે કહ્યું, " મારી મૌસમ ગમે તેવા શૈલને પીગળાવી દે તેવી ક્ષમતા ધરાવે છે, મારી શુભેચ્છા હંમેશા તારી સાથે રહેશે અને કદાચ ભવિષ્યમા અંકલે ઇચ્છેલું સુખ તને ન મળે તો પણ એક મિત્ર તરીકે હું હંમેશા તને મળીશ.... હા એક ભૂલ મારાથી થઈ ગઈ.... જેને માફી હું માંગવા માંગુ છું, "

મૌસમ તેના મુખ પર હાથ રાખી દેતા કહે છે, "તેની માફી માંગવાની ન હોય. તે મને જીવનનું છેલ્લું સુખ પૂર્ણ રૂપે આપ્યું છે .માફી તો મારે તારી માંગવી છે કારણકે, તું મને પ્રથમ પ્રેમનું સંસ્મરણ આપતો હતો અને હું કદાચ જાણી જોઈને છેલ્લું સંસ્મરણ સંચિત કરવા માંગતી હતી. તે સાંજે જ મને ડેડના વીલની થોડી ઘણી ખબર પડી ગઈ હતી અને મારું ભવિષ્ય તો તને ખબર જ છે. હંમેશા અનિશ્ચિત જ રહ્યું છે અને સાથે સાથે તને ખોઇ દેવાનો ડર પણ હતો જ. મને ખબર હતી તારા સ્વભાવની કે કદાચ આ વિલની તને જાણ થશે પછી તું મારો સ્વીકાર નહીં કરી શકીશ, બસ તારા પ્રેમને પામવા માટે જ મેં આ છૂપાવ્યું આલય મને માફ કરી દેજે...."

બંને કેટલીય વાર સુધી એકમેકમાં ખોવાઈ ગયા, અને આલયને લાગ્યું કે હવે વધારે સમય મૌસમ સાથે રહીશ તો મૌસમનો નિર્ણય ડગી જશે. તેણે મૌસમનેને કહ્યું," ચાલ મૌસમ હવે મોડું થઈ ગયું છે, કાલથી તારી જિંદગી એક નવી સફર પર નિકળી જશે, જતાં જતાં એટલું પ્રોમિસ આપજે કે આપણા વચ્ચેની મૈત્રીની વફાદારી આમ જ ટકી રહે."

મૌસમ તેને ભેટી પડી. જાણે મન ભરીને શ્વસી રહી.....

આંખોમાં પ્રેમ
છલકતો આનંદ
મૌન સંવાદ

શું મૌસમને કેટીએ ઈચ્છેલુ સુખ મળી શકશે?

જાણવા માટે વાંચતા રહો પ્રેમની ક્ષિતિજ....

(ક્રમશ)