Angat Diary books and stories free download online pdf in Gujarati

અંગત ડાયરી - ફેકલ્ટી ઓફ લાઇફ


1. શીર્ષક : ફેકલ્ટી ઓફ લાઇફ
લેખક : કમલેશ જોષી

અમે ભણતા ત્યારે એક વિદ્યાર્થીએ અમારા સાહેબને પ્રશ્ન પૂછેલો : સાહેબ, સાયન્સ લાઇન સારી, કોમર્સ કે આર્ટસ? ત્યારે સાહેબે આપેલો જવાબ તમેય સાંભળો: ત્રણેયનું પોતાનું મહત્વ છે. સાયન્સમાં આગળ જનારો વિદ્યાર્થી વૈજ્ઞાનિક બને. એનું કામ કુદરતનો અભ્યાસ કરી નિયમો શોધવાનું. જેમ ન્યુટને સફરજન પડતું જોઈ, ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો તેમ. બસ અહીં સાયન્ટીસ્ટનું કામ પૂરું. ત્યાર બાદ એન્જીનિયરીંગમાં જનાર વિદ્યાર્થી વૈજ્ઞાનિક નિયમ મુજબ પ્રેક્ટીકલી વર્ક કરતું સાધન બનાવે. જેમ કે વરાળમાં કાર્ય કરવાની ક્ષમતા છે એ સિદ્ધાંત પર રિસર્ચ કરી પ્રેશર કૂકર બનાવવાનું કામ એન્જીનિયર કરે. બસ, પ્રયોગશાળામાં એક વાર કૂકર બની જાય એટલે એન્જીનિયરનું કામ પૂરું. એ કૂકર બજારમાં કેટલા ભાવે અને કેવી રીતે વેચવું એ એન્જીનિયરનું કામ નહિ, એ કામ કોમર્સનો વિદ્યાર્થી કરે. એટલે જ કોમર્સના વિદ્યાર્થીએ સ્થાપેલી મોટી મોટી કમ્પનીઓમાં વૈજ્ઞાનિકો અને એન્જીનીયર્સ કામ કરતા હોય છે ને! કોમર્સ વાળો વેપારી પૈસા કમાય અને ચૂકવે તો જ પ્રયોગો થાય. બટ, કિન્તુ, પરંતુ... કૂકરમાં કઈ ડિલીશીયસ વાનગી બનાવવી એ ઉપરના ત્રણેય માટે ઈલ્લે... કેમ કે કૂકિંગ એ એક કળા છે. જિંદગીને સ્વાદિષ્ટ, રંગીન અને નાચતી-ગાતી રાખવાનું કામ આર્ટસના વિદ્યાર્થી કરે. એટલે ફાઈનલી.. સાયન્સ, કોમર્સ કે આર્ટસ ત્રણેય બેસ્ટ છે. સાહેબના વિચારોએ અમને તો મંત્રમુગ્ધ કરી દીધા હતા.

એક વડીલે મજાકમાં મસ્ત વાત કરી. ગામડાની નિશાળમાં એમનો પહેલો નંબર આવ્યો હતો. બાપુજીને પૂછ્યું કે હવે શહેરમાં ભણવા જવું પડશે. કઈ કોલેજમાં એડમીશન લઉં? બાપુજીએ કહ્યું: એસ.ટી. ડેપોથી જે ઢુકડી હોય એ કોલેજમાં ફોર્મ ભરી દે. સાયન્સ, કોમર્સ કે આર્ટસમાં બાપુજીને કોઈ રસ નહોતો. એવા જ એક હોશિયાર મિત્રે આર્થિક સ્થિતિ નબળી હોવાને લીધે સાયન્સ લાઇન ન લીધી. એમ તો મિત્ર હોંશિયાર અને કૅપેબલ હતો છતાં એણે આર્ટસ લાઇન લીધી કારણકે એને એમાં રસ હતો. એક મિત્રે કૅપેસીટી ન હોવા છતાં સાયન્સ રાખ્યું અને બે-ચાર વાર ફેઇલ થઈ દેખાડ્યું.

જોકે જિંદગીની પાઠશાળામાં આજેય કઈ લાઇન લેવી એ પ્રશ્ન ભલભલાને મૂંઝવી નાખે એવો છે. શેરીમાં, સમાજમાં ઝીણી નજરે જોઈએ તો ખબર પડે કે કેટલાય લોકો ભૂલા પડી ગયા હોય એમ જિંદગી જેમતેમ પૂરી કરી રહ્યા છે. બાળપણ અને યુવાની તો ધસમસતા નીકળે છે પણ એ પછી ઢળતી ઉંમરે જાણે ખોટી લાઇન લેવાઈ ગઈ હોય એમ બેચેની, ચિંતા, નિરાશા અને અફસોસ એમની આંખોમાં, એમના વાણી, વર્તન અને વિચારોમાં ડોકિયું કરવા માંડે છે. એક મિત્રે કહ્યું : માણસના વાણી અને વર્તન, એણે સિલેક્ટ કરેલા, જીવનમાં ઉતારેલા વિચારોના પ્રગટ સ્વરૂપો છે. જેમ ભણતા ત્યારે સાયન્સ કે કોમર્સ સિલેક્ટ કરીએ છીએ એમ જીવનમાં વિચારોનું સિલેકશન આપણે કરતા હોઈએ છીએ. એમ સમજી લો ને કે જેમ વિષયોનું લિસ્ટ હોય એમ વિચારોનું લાંબુ લિસ્ટ હોય છે. ક્યારેક સમજી વિચારીને તો ક્યારેક અજાણતા આપણે વિચારો પર ટીક કરી દેતા હોઈએ છીએ. જીવનમાં કઈ લાઇન લેવી એ આપણા વિચારોના સિલેકશન પર આધાર રાખે છે.

દરેક વ્યક્તિની ભીતરે શું કરવું અને શું ન કરવું એ નક્કી કરવા માટે રોજ વૈચારિક યુદ્ધ ચાલતું હોય છે. કેટલાકને તો આખી રાત વિચારોમાં જ નીકળે છે. મહાભારતના યુધ્ધમાં જેમ એક તરફ કૌરવો અને એક તરફ પાંડવો હતા એમ દરેક વ્યક્તિની ભીતરે નેગેટીવ દલીલો અને પોઝીટીવ દલીલો વચ્ચે સતત યુદ્ધ ચાલતું હોય છે. ઈમાનદારીથી જીવીને મધ્યમ વર્ગની હાડમારીઓ સ્વીકારવી કે થોડો ઘણો ભ્રષ્ટાચાર કરી અપર ક્લાસના જલસા માણવા? બોસને ન ગમે એવું સત્ય બોલી નોકરી ગુમાવવી કે સાચા ખોટા કરવામાં સાથ આપી પગાર વધારો મેળવી લેવો? પૈસાના જોરે પ્રતિષ્ઠા મેળવવી કે સ્વભાવના પ્રભાવે સન્માન? અંગતોને મારીને એની ખુરશી કે રાજગાદી મેળવવી કે ચુપચાપ કર્મયોગી બની સંતોષ પ્રાપ્ત કરવો? આ પ્રશ્નોના જવાબો આપણને દિવસ-રાત ઉંઘવા નથી દેતા. વિચારોના ચક્રવ્યૂહ રચાયે જાય છે. આવા જ ચક્રવ્યૂહમાં અર્જુન પણ ફસાયો હતો. એનું ક્ષેત્ર ધર્મક્ષેત્ર-કુરુક્ષેત્ર હતું આપણું ક્ષેત્ર કુટુંબ, પરિવાર, શેરી, સોસાયટી અને ઓફિસ છે.

આપણે યુગે યુગે, રોજે રોજ, ક્ષણે ક્ષણે... નક્કી કરવાનું હોય છે કે આપણે જિંદગીને કૃષ્ણ તરફ લઈ જવી છે કે કૃષ્ણથી વિરુદ્ધ. તમે જો એમ માનતા હો કે દુર્યોધનને બિચારાને ખબર નહોતી, નહિતર એ પણ કૃષ્ણ તરફ જ જીવનની દિશા ફેરવી લેત. મને અને તમને ખબર જ હોય છે કે આપણે સાચું કરી રહ્યા છીએ કે ખોટું. શું લાંચિયાને કે કટકી કરનારને કે હપ્તા ખાનારને ઈમાનદારી કે પ્રમાણિકતાનો અહેસાસ થતો હશે? કદાચ એ જાડી ચામડીનો, રીઢો થઈ ગયો હોય તો એને અફસોસ કે અપરાધભાવ જતો રહ્યો હોય એવું બને પણ ખોટો રૂપિયો ખાતી વખતે કોઈ પુણ્ય કમાતા હોઈએ એવો ભાવ તો નહિ જ આવતો હોય. એનેય પોતે ખોટું કરી રહ્યો હોવાની ગ્લાનિ ચોક્કસ ફીલ થતી હશે. ઇવન દુર્યોધને પણ કહ્યું હતું કે જાનામિ ધર્મમ્ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ્ ન ચ મે નિવૃત્તિ.

દુર્યોધન કે કંસનું જીવન એણે અપનાવેલા વિચારોનું અને કૃષ્ણ કે અર્જુન કે રામનું જીવન એણે અપનાવેલા વિચારોનું માનવ સમાજ સામે આપણા પૂર્વજોએ મૂકેલું ચિત્ર છે. બસમાં કોઈ સીટ ખાલી થાય ત્યારે એ સીટ પર તરાપ મારતા પહેલા એના પર બેસવાનો કોનો અધિકાર છે એ વિચાર જો તમને આવે, મંદિરમાં લાઇનમાં આડેથી ઘૂસતા પહેલા લાઇનમાં છેલ્લે ઉભેલાની ચિંતા જો તમને સતાવે, લાગવગથી નોકરી મેળવતા પહેલા જો તમને લાયકાતવાળા ઉમેદવારની દયા આવે તો તમે કૃષ્ણની દિશામાં એક ડગલું ચાલ્યા સમજજો. કદાચ તમારી મુસાફરી ઉભા ઉભા જ થાય, કદાચ દર્શનની લાઇનમાં તમને તાપ અને થાક વધુ લાગે, કદાચ મોટી નોકરીની બદલે નાની નોકરી મળે એવું બને પણ રાત્રે મસ્ત મીઠી નિંદર આવી જશે એની મારી ગેરંટી. હું તો કહું છું કૃષ્ણં શરણં ગચ્છામિ અને તમે?
- kamlesh_joshi_sir@yahoo.co.in