Prayshchit - 69 books and stories free download online pdf in Gujarati

પ્રાયશ્ચિત - 69

પ્રાયશ્ચિત પ્રકરણ 69

ઘરે પહોંચીને કેતને મનસુખને રજા આપી કારણકે સાંજનો બીજો કોઈ પ્રોગ્રામ હતો નહીં.

બીજા દિવસે સવારે ૧૦ વાગે કેતન હોસ્પિટલ પહોંચી ગયો. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઘણી ગાડીઓ અને બાઈક પાર્ક કરેલી હતી. જો કે કેતનની ગાડી માટે એક અલગ જગ્યા સિક્યુરિટી સ્ટાફે ફાળવેલી હતી એટલે પાર્કિંગ કરવામાં કોઈ પ્રોબ્લેમ ન હતો.

કમ્પાઉન્ડમાં હોસ્પિટલની બાજુમાં જ મેડિકલ સ્ટોરનો શો રૂમ બનાવવા માટે પાયા ખોદાઈ રહ્યા હતા.

કેતને સૌથી પહેલાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઓપીડીમાં એક રાઉન્ડ લીધો. કેટલાક વધુ બીમાર દેખાતા દર્દીઓની ખબર પણ પૂછી.

ત્યાંથી એ સીધો રિસેપ્શન ટેબલ ઉપર નીતા મિસ્ત્રી પાસે ગયો. ઘણા સમયથી એની સાથે વાત થઇ નહોતી.

" તને ફાવે છે ને અહીંયા ? કોઈ તકલીફ તો નથી ને ? " કેતને પૂછ્યું.

" તમારી હોસ્પિટલમાં મને તકલીફ કેવી સર ? તમારી સાથે વાત કરવાની ઘણી વાર ઈચ્છા થાય છે પરંતુ ઓફિસમાં મળવું મને યોગ્ય નથી લાગતું એટલે હું મળવા નથી આવતી અને હવે તો તમારાં લગ્ન પણ થઇ ગયાં છે એટલે ઘરે આવવું પણ યોગ્ય નથી લાગતું. "

" એવું કંઈ મનમાં રાખવાની જરૂર નથી. મને હોસ્પિટલમાં પણ મળી શકે છે અને ઘરે પણ ગમે ત્યારે આવી શકે છે. મારા ઉપર જાનકીને પૂરો વિશ્વાસ છે. " કેતન બોલ્યો.

" છતાં પણ તમારી ઈજ્જત આબરૂ મારા માટે ઘણાં મહત્વનાં છે સર. મારા કારણે કોઈ તમારા વિશે કોમેન્ટ કરે એ મારાથી સહન ના થાય અને હવે તો આખું જામનગર તમને ઓળખતું થઈ ગયું છે એટલે બહાર મળવું પણ રિસ્કી છે. " નીતા બોલી.

" તું તો મારી એક સારી મિત્ર છે. આમ જોવા જઈએ તો તેં મને સાવધાન પણ કરેલો છે. તારો ઉપકાર મારી ઉપર છે અને તારા માટે મને લાગણી પણ છે પરંતુ આપણી વચ્ચે નિર્દોષ મૈત્રી રહે એવું હું ઇચ્છુ છું. " કેતન બોલ્યો.

" જી સર. હું પોતે પણ સમજી શકું છું. હું મારી મર્યાદામાં જ રહીશ. " નીતા બોલી.

" સર એક વાત કહેવાની રહી ગઈ. જલ્પાનાં લગ્ન જાન્યુઆરીની ૨૮ તારીખે રાખ્યાં છે. અત્યારથી જ તમને અને ભાભીને મારું આમંત્રણ છે. " નીતા બોલી.

" ચાલો... આ સમાચારથી મને ખરેખર આનંદ થયો છે. ચોક્કસ હાજરી આપીશું." કહીને કેતન ઉપર પોતાની ચેમ્બરમાં ગયો.

એણે જયદીપને રાજેશને બોલાવવાનું કહ્યું. થોડીવારમાં જ રાજેશ હાજર થઈ ગયો.

" રાજેશ આપણે મેડિકલ સ્ટોર ખોલી રહ્યા છીએ. અને નીચે શો રૂમ પણ એના માટે જ બની રહ્યો છે. એકાદ મહિનામાં એ ગમે ત્યારે ચાલુ થઇ જશે. તારે એક કામ કરવાનું છે. દરેક ડોક્ટરની પાસે બેસીને એ જે જે દવાઓ મોટા ભાગના પેશન્ટોને પ્રિસ્ક્રિપ્શનમાં લખતા હોય એ તમામ દવાઓનું એક લિસ્ટ બનાવ. "

" હોસ્પિટલમાં એડમિટ થયેલા દર્દીઓ માટે પણ જે જે દવાઓ અને ઇન્જેક્શન અપાતાં હોય એનું પણ એક લિસ્ટ બનાવ. એન્ટિબાયોટિક, એન્ટીહિસ્ટામિન પેઈન કિલર્સ ,કફ સિરપ જેવી અમુક દવાઓ તો કોમન જ હોય છે. એ તમામ દવાઓનો મહિનાનો સ્ટોક આપણે મેડિકલ સ્ટોરમાં રાખવો પડશે. " કેતન બોલ્યો.

" એ કામ થઈ જશે સર. બે-ત્રણ દિવસમાં જ હું લિસ્ટ બનાવી દઉં છું. " રાજેશે જવાબ આપ્યો.

" એ ઉપરાંત રોજ અંદાજે કેટલા ગ્લુકોઝ અને સેલાઇન ના બાટલા તેમજ આઇવી સેટ અને નીડલ્સ ની જરૂર પડતી હોય છે એ પણ હેડ નર્સને પૂછી લે. રોજ કેટલા સોક્સ જોઈતા હોય છે એનું પણ એક અલગ લિસ્ટ બનાવી દેજે." કેતને સૂચના આપી.

" ઓકે સર. આપણી હોસ્પિટલની અંદર જેટલી પણ જરૂરિયાત હશે અને ઓપીડીમાં જેટલી પણ દવાઓ લખાતી હશે એ બધાનું એક લિસ્ટ હું તૈયાર કરી દઈશ " રાજેશે કહ્યું.

" ગુડ... અહીંનું કામ કેવુંક ચાલે છે ?" કેતને પૂછ્યું.

" હોસ્પિટલમાં તો તમામ બેડ ફૂલ હોય છે. ઓપરેશન પણ સારા પ્રમાણમાં થાય છે. ઇમેજિંગ સેન્ટર આખો દિવસ ફૂલ જાય છે. સોનોગ્રાફીની પણ લાઈનો લાગે છે. જમવાનું પણ હોસ્પિટલમાં ઘણું સારું મળે છે. જો કે હજુ ગરીબ કહી શકાય એવા દર્દીઓ એડમિટ થતા નથી. બધા જ બિલ ભરી દે છે. " રાજેશે રિપોર્ટ આપ્યો.

" હા... એ બાબતમાં મારે જયેશભાઈ સાથે વાતચીત થઈ ગઈ છે. થોડા દિવસ આપણે પેપરમાં સતત જાહેરાત આપવી પડશે કે ગરીબો અને ઓછી આવકવાળા મધ્યમવર્ગીય દર્દીઓને આપણી હૉસ્પિટલમાં ફ્રી સારવાર મળે છે. લોકોને જેમ જેમ ધ્યાનમાં આવશે તેમ તેમ ગરીબ દર્દીઓ પણ પૂરો લાભ લેશે. " કેતન બોલ્યો.

એ પછી કેતને રાજેશની સાથે તમામ વોર્ડમાં ચક્કર લગાવ્યું. કેન્ટીનની પણ મુલાકાત લીધી. ઇમેજિંગ સેન્ટરની ભીડ પણ જોઈ અને પછી એ નીકળી ગયો.

ઘરે આવ્યો ત્યારે સાડા અગિયાર વાગી ગયા હતા. જાનકી દક્ષામાસીને રસોઈમાં મદદ કરાવી રહી હતી અને એ બહાને થોડું થોડું નવું શીખી રહી હતી.

ઘરે આવીને કેતને કપિલભાઈ શાસ્ત્રીને ફોન કર્યો.

" શાસ્ત્રીજી કેતન બોલું. જાન્યુઆરી મહિનામાં મારા નવા બંગલામાં વાસ્તુ અને ગૃહપ્રવેશ કરવો છે. તો કોઈ ઉત્તમ મુહૂર્ત મને જોઈ આપો અને આ આખો પ્રસંગ તમારે જ કરવાનો છે. " કેતન બોલ્યો.

" હા ચોક્કસ જોઈ આપું છું પરંતુ મને તમે એ કહો કે ઘરનો મુખ્ય દરવાજો કઈ તરફ છે એટલે કે ઘરમાં પ્રવેશ કરતાં સામે કઈ દિશા આવે છે તો એ પ્રમાણે મારે ચંદ્ર જોવો પડશે. " શાસ્ત્રીજીએ પૂછ્યું.

" ઉત્તરાભિમુખ દરવાજો છે એટલે કે બહાર નીકળતાં સામે ઉત્તર દિશા આવે છે. અને અંદર પ્રવેશ કરતાં સામે દક્ષિણ દિશા આવે છે. " કેતને જવાબ આપ્યો.

" ઉત્તમ મકાન પસંદ કર્યું છે. પૂર્વાભિમુખ અને ઉત્તરાભિમુખ મકાન સર્વશ્રેષ્ઠ ગણાય છે. હવે એક મિનીટ ચાલુ રાખજો. હું ગૃહપ્રવેશનો દિવસ જોઈ આપું. " શાસ્ત્રીજી બોલ્યા.

" ૨૨મી જાન્યુઆરી ૨૦૧૩નો દિવસ અતિ ઉત્તમ છે. પોષ સુદ એકાદશી છે. રોહિણી નક્ષત્ર છે. અને ઉચ્ચનો ચંદ્ર વૃષભ રાશિમાં છે જે તમારા બંગલામાં ગૃહપ્રવેશ વખતે સન્મુખ ચંદ્ર થાય. " થોડીવાર પછી શાસ્ત્રીજી બોલ્યા.

" બસ તો પછી આ મુહૂર્ત નક્કી. તમે એ દિવસ ફ્રી રાખજો. મારા તરફથી જે પણ કરવાનું હોય એ મને એ સમયે એડવાન્સમાં કહી દેજો. " કેતન બોલ્યો અને ફોન કટ કર્યો.

" જાનકી ૨૨ જાન્યુઆરીએ આપણે નવા બંગલામાં રહેવા જઈએ છીએ. વાસ્તુ માટેનું બેસ્ટ મુહૂર્ત એ દિવસે છે. આજે મમ્મી-પપ્પાને જાણ કરવી પડશે. અને માટુંગા તારા મમ્મી પપ્પાને પણ કહી દઉં છું. જેથી એ દિવસે વાસ્તુમાં આપણો પરિવાર હાજર રહે. " કેતન બોલ્યો.

" ચાલો સરસ. ફરી પાછું આપણું ફેમિલી અહીં આવશે. આખો પરિવાર સાથે હોય છે તો મને ખૂબ જ સારું લાગે છે." જાનકી બોલી.

" પરિવારની સાથે રહેવાનો તો આનંદ જ અલગ છે પણ આજની પેઢી આ બધું સમજી શકતી નથી. " કેતન બોલ્યો.

" એમ જોવા જઈએ તો તમે પણ અલગ જ થઈ ગયા છો ને ? " જાનકી બોલી. બોલતાં બોલાઈ ગયું પણ પછી એને દુઃખ થયું.

" જાનકી મારા લોહીમાં અલગ થવાના સંસ્કાર નથી. હું સંયુક્ત પરિવારમાં માનનારો છું. અલગ થવું એ મારી મજબૂરી છે. મારાં કેટલાંક અંગત કારણો છે. જે હું કહી ચૂક્યો છું." કેતન થોડો ગુસ્સે થઈ ગયો.

" ઓહ સોરી કેતન.. મેં તમને ઠેસ પહોંચાડી. મારો ઈરાદો એવો ન હતો. હું તમારા વિચારો જાણું છું. બોલ્યા પછી મને પણ લાગ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ. " જાનકી લાગણીવશ થઈને બોલી.

કેતને કંઈ જવાબ આપ્યો નહીં. એનો મૂડ થોડો ઉદાસ થઈ ગયો.

જમતી વખતે પણ કેતને જાનકી સાથે કોઈ વાત ન કરી. જાનકી કંઈ પૂછે તો પણ એણે હા કે ના માં જવાબ આપ્યા.
જાનકીને બહુ પસ્તાવો થયો.

બપોરે આરામ કરવા સુતાં ત્યારે પણ કેતને કોઈ ખાસ વાતચીત કરી નહીં.

ચાર વાગે ચા પીને કેતન એકલો જ ઓફીસ જવા નીકળી ગયો.

કેતન સાથે બહુ સાચવીને વાત કરવી પડશે. ફેમિલીને લઇને એ બહુ જ પઝેસિવ અને ઇમોશનલ છે. ખબર નહીં મારાથી કેમ આવું બોલાઇ ગયું આજે. પરિવારની એ કેટલી બધી કાળજી રાખે છે અને મને પણ કેટલી બધી સાચવે છે ! જાનકી વ્યથિત થઈ ગઈ.

છેવટે રાત્રે એણે કેતનને મનાવી લીધો.

" મને માફ નહીં કરો ? તમે તો વર્ષોથી મને ઓળખો છો ને ? હું ક્યારે પણ તમારા દિલને દુઃખ થાય એવું બોલી છું ? તમારા પરિવારને હું કેટલો બધો પ્રેમ કરું છું એટલે જ મારાથી આવું બોલાઈ ગયું. પરિવાર છોડવા માટે તમારી પાસે ચોક્કસ કારણો હશે જ એ પણ હું જાણું છું. પ્લીઝ મારી સાથે વાત કરો. હું તમારા અબોલા સહન નથી કરી શકતી. તમે ગયા પછી મને રડવું આવી ગયેલું." જાનકી કેતનની છાતી પર માથું નાખીને એને વળગીને કહી રહી હતી.

" ઠીક છે જાનકી. રિલેક્સ. ફેમિલીને લઇને હું થોડો ઈમોશનલ છું. " કેતન બોલ્યો.

બીજા દિવસથી બંને વચ્ચે બધું નોર્મલ થઈ ગયું. સવારે જ કેતને સુરત મમ્મી પપ્પા સાથે ૨૨ જાન્યુઆરીની વાસ્તુની વાત કરી લીધી. એણે એ પણ કહ્યું કે જાનકીના મમ્મી પપ્પાને પણ તમે સાથે લેતા આવજો.

એ જ પ્રમાણે એણે જાનકીની હાજરીમાં જ દેસાઈ સાહેબ સાથે પણ વાત કરી લીધી અને કહ્યું કે તમારે પણ વાસ્તુના પ્રસંગે મારા ફેમિલી સાથે આવવાનું જ છે.

દિવસો પસાર થતા ગયા. કેતનની ઓફિસમાં અદિતિના ટેબલ ઉપર લેન્ડલાઈન ફોન લાગી ગયો અને દરેક સ્ટાફના ટેબલ ઉપર પણ ઇન્ટરકોમ કનેક્શન અપાઈ ગયું.

મેડિકલ સ્ટોર માટેનો શો રૂમ પણ તૈયાર થઈ ગયો. શટર પણ લાગી ગયું. મેડીકલ સ્ટોરમાં કાઉન્ટર ગ્રેનાઇટનું બનાવ્યું હતું. દવાઓ ગોઠવવાનું તમામ ફર્નિચર બની રહ્યું હતું જે ત્રણ-ચાર દિવસમાં જ તૈયાર થઈ જવાનું હતું અસલમનો ફોન આવી જાય એ પછી મેડિકલ સ્ટોર ખુલ્લો મુકવાનો હતો.

જોત જોતામાં ૧૮ જાન્યુઆરી પણ આવી ગઈ. ચાર દિવસ પછી બંગલાનું વાસ્તુ હતું. વાસ્તુના દિવસે એકાદશી હતી એટલે એ દિવસે જ સવારે ૧૦ વાગે સારા ચોઘડિયામાં મેડિકલ સ્ટોર પણ ખુલ્લો મૂકી દેવાનું કેતને નક્કી કર્યું.

તમામ દવાઓ ઇન્વોઇસ સાથે ગઈકાલે જ અસલમે એક મીની ટ્રક માં હોસ્પિટલમાં મોકલી આપી હતી. જે કેતનના સ્ટાફે ભેગા થઈને મેડિકલ સ્ટોરમાં વ્યવસ્થિત રીતે ગોઠવી દીધી હતી.

બે ફાર્માસિસ્ટની નીમણૂક સારો પગાર ઓફર કરીને જયેશે કરી દીધી હતી. અને બે વધારાના છોકરા પણ રાખી લીધા હતા. જેથી મેડિકલ સ્ટોરમાં દર્દીઓને દવા આપવામાં કોઈ તકલીફ ના પડે. એક કોમ્પ્યુટર પણ બીલ બનાવવા માટે મેડિકલ સ્ટોરમાં સેટ કરી દીધું હતું.

કેતનનું ફેમિલી દેસાઈ સાહેબ અને કીર્તિબેનને લઈને ૨૧ તારીખે બપોરે જામનગર આવી જવાનું હતું. તમામની ફ્લાઇટની ટિકિટ કેતને જ કરાવી દીધી હતી.

જયેશભાઈએ વાસ્તુ માટેની જરૂરી તમામ સામગ્રી મંગાવી દીધી હતી. હવનકુંડ માટે ઇંટો તેમ જ હવન માટે ગાયનાં છાણાં અને નાનાં લાકડાં વગેરે બંગલામાં મુકાવી દીધાં હતાં. બેસવાના પાટલાની સાથે સાથે બે કિલો ગાયનું ઘી અને જવ તલ પણ મંગાવી દીધા હતા. તાજાં ફૂલ અને હાર વગેરે તો ૨૨ તારીખે મંગળવારે સવારે જ મળી જવાનાં હતાં.

૨૧ તારીખે કેતન બપોરે ૧૨ વાગ્યે એરપોર્ટ પહોંચી ગયો. સાથે જયેશભાઈ ની ગાડી પણ લઈ લીધી હતી જેથી બંને પરિવારો બેસી શકે. જાનકી ઘરે જ રોકાઇ હતી. દેસાઈ સાહેબ અને કીર્તિબેન પહેલીવાર જ જામનગર આવી રહ્યાં હતાં. રજવાડી શહેરને જોઈને જાનકીનાં મમ્મી પપ્પા ખુશ થઈ ગયાં. કારણકે કલ્પના કરતાં પણ જામનગર શહેર ખૂબ જ વિકસિત થયેલું હતું.

ઘરે પહોંચ્યાં ત્યારે બપોરનો એક વાગી ગયો હતો. જાનકી અને દક્ષામાસી એ સાથે મળીને રસોઈ તૈયાર કરી દીધી હતી એટલે પરિવારના તમામ સભ્યો સીધા ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસી ગયા. જાનકી અને મનસુખ પીરસવામાં રહ્યાં.

તાજી ઉત્તરાયણ ગઈ હતી એટલે જમવામાં ઊંધિયું જલેબી પુરી અને દાળ ભાત બનાવ્યાં હતાં. ઊંધિયું દક્ષામાસી એ જાતે ઘરે જ બનાવ્યું હતું અને જાનકીને પણ શીખવાડ્યું હતું. માત્ર જલેબી બહારથી લાવ્યાં હતાં.

આજની રસોઈ બધાને ખૂબ જ ભાવી. જમીને બધાંએ આરામ કરવાનું પસંદ કર્યું કારણ કે સવારે બધા વહેલા ઉઠ્યા હતા. ૪ વાગે કેતન સાસુ સસરાને હોસ્પિટલ બતાવવા લઇ ગયો. સાથે જાનકી પણ હતી. ગાડી મનસુખ ચલાવતો હતો.

લેટેસ્ટ મોડલની ગ્રેનાઇટ માર્બલની બનેલી કોર્પોરેટ હોસ્પિટલ જોઈને દેસાઈ સાહેબ અને કીર્તિબેન તો દંગ રહી ગયાં. એમની કલ્પના બહારની આ હોસ્પિટલ હતી. એમને પોતાની દીકરીના ભાગ્ય ઉપર ગર્વ થયો.

ત્રણેય માળ ઉપર ફરીને તમામ વોર્ડમાં ચક્કર મારી આવ્યાં. કેતન અને જાનકીએ દર્દીઓની ખબર અંતર પૂછી. કેતને પોતાની ચેમ્બર પણ સાસુ-સસરાને બતાવી. રાજેશે બધાંને માટે મનસુખ પાસે આઈસક્રીમ મંગાવ્યો.

" પપ્પા... આ હોસ્પિટલ જ્યારે ખરીદ કરી ત્યારે સાવ જૂની અને ખખડધજ હતી. દીવાલો ઉપર તિરાડો પડી ગઇ હતી. દર્દીઓની બેડ પણ બધી ગંદી
થઇ ગઇ હતી. બાથરૂમ સંડાસનાં ઠેકાણાં ન હતાં. આખી હોસ્પિટલ ૯ કરોડમાં ખરીદીને બીજો ૪ કરોડનો ખર્ચ કર્યો ત્યારે આવી સરસ હોસ્પિટલ બની." કેતન બોલ્યો.

"અમારી પાસે તો કોઈ શબ્દો જ નથી કેતનકુમાર. તમે અહીં આવીને જાણે સ્વર્ગ ઊભું કરી દીધું છે !! "

" પપ્પા અહીંની ટીવી ન્યૂઝ ચેનલોમાં પણ એમની પ્રશંસા થઈ હતી. હવે લગભગ અડધું જામનગર એમને ઓળખે છે. " જાનકી પોરસાઈ ને બોલી.

દીકરીએ ડાયમંડ માર્કેટમાંથી સાચા હીરાની પસંદગી કરી છે. આવો મુરતિયો તો અમે પણ શોધ્યો ના હોત !! - દેસાઈ સાહેબ મનોમન વિચારી રહ્યા.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)