Ruday Manthan - 16 books and stories free download online pdf in Gujarati

રુદયમંથન - 16

દેસાઈ પરિવારે સાંજ થતાં તો ઘણું બધું સારી રીતે પાર પાડ્યું, મુશ્કેલીઓ હતી પરંતુ વિલની શરતો અને અહીંના વાતાવરણે તેમને બધું પાર પડાવ્યું, કબીલાના દરેક જણ એમનાં કામમાં મદદે આવેલા, એમનાં સાથ સહકાર સાથે સાંજના ચારેક વાગી ગયા ત્યાં પાછો વરસાદ નીતરવા માંડ્યો, હવે એમની કસોટી થવા માંડી, થોડા સમયમાં ખેતરેથી બધા પાછા આવી ગયા, નીતરતા નેવા હવે એમનું સાચું રૂપ ઓકવા માંડ્યા, ભીનું થયેલું લીંપણ અને દીવાલમાંથી મંકોડા ખદબદવા લાગ્યા, બધાએ ખાટલામાં પોતાનાં સ્થાન લઈને બેસી ગયા, જૂનું અવાવરૂ ઘર હોવાથી જંતુએ એમનો અડ્ડો અહી લગાવી દીધો હતો, આ વાતની જાણ થતાં ફળીના લોકોએ કોઈ સૂકા પાંદડાની ધૂણી કરી આપી અને લોટ પાથરી આપ્યો તો એમાં ઘણી રાહત થઈ ગઈ, આવી ઘરેલું વ્યવસ્થાથી આપત્તિ દૂર કરી શકાય એ વાતની જાણ શહેરીજનોને આજે ખબર પડી, આ તો અહી રોજનું થઈ ગયું,પથરાળ વિસ્તારમાં સાંજના સમયે વરસી જવું એ વરસાદની ટેવ હતી.
ખેતરે ગયેલાં પુરુષો પલડતાં બધા ઘરે આવ્યા, આવતાની સાથે ગરમાગરમ ચા મળતાં ઉષ્મા રહી, થોડું બેઠાં ત્યાં વરસાદે વિરામ લીધો, માત્ર બધાને હેરાન કરવા એ એની આદત હતી કે પછી ફળીમાં બધાને ભેગા બેસીને ચા પીવડાવવાની ઈચ્છા! હવે સાંજે પાછાં ખેતરે જવું વ્યર્થ હતું એટલે મુનીમજીએ બધાંને ઘરે જ રહેવા કહ્યું.
હવે સમય હતો એવો કે બધા સાવ નવરાં, કોઈની જોડે મોબાઇલ નહિ ના તો ટીવી કે કોઈ આધુનિક સાધનો! બેસીને કંટાળો આવવા લાગ્યો એ સમયે દૂરથી દલાજી આવતાં દેખાયા, સામાન્ય ચપલ અને ધોતીમાં તેઓ વરસાદની મજા માણીને આવતાં હોય એવું લાગી રહ્યું હતું, વરસાદ આવી રીતે રોજ તેઓને સતાવતો છતાંય એમને જરાય વરસાદથી શિકાયત નહોતી.
"આવો દલાબાપા! રામ રામ!બેસો!" - મુનીમજી એ એમને ખાટલે બેસવા કહ્યું.
"ની ભઈલા, બેહી બેહીને બો થૈ ગેયું, પછાડી જતો છે, આવવુ હે નદી પાહે?"- તેઓ નદી પાસે આંટો મારવા જાય છે એમ કહેતાં બધાંને એમની સાથે જવા કહ્યું.
"કેમ? અમથું? વરસાદ આવહે તો?" - મુનીમજીએ એમની લઢણમાં જવાબ આપ્યો
" ની એ તો આ પોઇરાઓને ફેરવી લાવીએ, તાપીના દરહન ઠેઇ જાય ને!" - એમણે દેસાઈ પરિવારના બાળકોની વાત કરી.
"આવવુ છે? તાપી નદીના ઓવારે?"- મુનીમજીએ ઊભા થતા કહ્યું.
"હા, ચાલો કાકા, આમ પણ નવરા બેસીને શું કરવાનું?" - વિધાન બોલ્યો, બધા માની ગયા, દલાજી કેડીની આગળ રસ્તો દોરતા સૌને લઈ ગયા, માધવી અને શિખા સાંજના વાળુની તૈયારીમાં લાગ્યા, તૃપ્તિ ગાયોને દોહવા બેઠી, અંધારું થાય તે પહેલા રસોઈ કરીને બેસી જવાની ગણતરીથી તેઓએ સૂચકતા દાખવી, રાતે પછી ડિમ લાઇટમાં બધાને સેટ થવું ભારે થશે એનો અણસાર આવી ગયો હતો.
તાપી કિનારો દેખાયો, મીઠો પવન વાઈ રહ્યો હતો, એક નાનું ઝરણું વહી રહ્યું હતું, એનો ઘૂંઘવાટ શાંત વાતાવરણમાં મીઠું સંગીત રેલી રહ્યો હતો, પથરાળ કિનારા આગળ રસ્તો લપસણીવાળો બની ગયો હતો, ચીકણાં પથ્થરની શેવાળ જૂની હતી એટલે એની ગંધ પાણીના ભળી રહી હતી, તોય વહેતાં ઝરણાંમાં એ એકદમ ચોખ્ખી લાગી રહી હતી, પાણીનો પ્રવાહ ગામની બહારથી જતો હતો, ગામના ખેતરો એના કીનારે નયનરમ્ય દ્રશ્યો સર્જતા હતા, જાણે એક માટે એના બાળકોને પોષતી હોય એમ તાપીના એ નીર પણ રતનપૂરાને પોષતા આગળ વધી રહ્યાં હતાં, તપોવન ભૂમિના માણસો પણ ઋષિઓ જેવા હોય એનો અહીં આભાસ થઈ રહ્યો હતો.
" જરા આઇ અગાડીથી આવતાં રેજો, ઓલી પાહે હાપ સે!" - દલાજીએ એમની લાકડી ખખડાવતા કહ્યું.
"સાપ? ઓએમજી!મને તો બહુ ડર લાગે! - ત્રિશા ડરીને મહર્ષિ પાછળ સંતાઈ ગઈ.
" દર ની ડિકા! આ તો રોજના આઇવા કરે! એમનો ઇલાકો છે આ તો!" - દલાજીએ એનો ડર ભાગવતા કહ્યું.
"જો ત્રિશા આમથી આવ, મારી બાજુથી." - પવને હાથ લાંબો કર્યો.
નદીકિનારામાં એક મોટો પત્થર હતો ત્યાં આવીને સૌ ઊભા રહ્યા, ઊછળતીકૂદતી જુવાન તાપી સૌના નજરમાં સમાઈ રહી હતી, એના પાણીમાં બુંદ બધાનાં મનને એકાગ્ર ચિત્તે શાંતિ આપી રહ્યા હતા,કોઈ હિલ સ્ટેશનને પણ શરમાવે એવું અહીંનું રમણીય લાલિત્ય અને લીલેરો શણગાર હતો, સૌ આ ધરાના બાળકો છે એ વિચારતા સૌ મંત્રમુગ્ધ બની ગયા.
"જોયું, ધર્મદાદાનું આ રતનપુરા?"- કેસરીભાઇએ બધાને પૂછ્યું.
"રિયલી અમેઝિંગ! ટોટલી સ્પીચલેસ...."- તન્મય બોલી ઉઠ્યો.
"આપ સૌને આનો ભેટો કરાવવાનો બાકી હતો એટલે જ કદાચ દાદા અમને અહી ખેચી લાવ્યા." - મહર્ષિએ દાદાને યાદ કરતાં કહ્યું.
"હા બેટા, આપણે શહેરનાં સિમેન્ટજંગલો તો જોયા પણ સાચી પ્રકૃતિની ઓળખ બાકી હતી." - પવન બોલ્યો.
" આ બધા આગળ તો આપણી કરોડોની કમાણી પણ ઓછી પડે!" - આકાશે મુદ્દાની વાત કહી.
"તો રોકાઈ જ જાઓ અહી જ! "- મુનીમજીએ મુદ્દા પર વિચાર કરવા કહ્યું.
"રોકાવું તો પોસીબલ નથી પરંતુ આ ભૂલાય એવું પણ નથી!" - આકાશે એની વાત રજૂ કરી.
"પપ્પા કઈક એવું કરીએ કે એનાથી આપણે હંમેશ માટે અહીથી જોડાયેલા રહી શકીએ."- મહર્ષિએ સ્મિત સાથે રતનપુરા સાથે આત્મીયતા રાખવાની વાત રજૂ કરી.
"ચાલો, જો બધા સહમત થાય તો કરીએ કઈક! કેસરીકાકા અને મુનીમજી આપ વડીલ છો, આપ સૌને માર્ગદર્શન આપજો"- આકાશે ઉમેર્યું.
"ભલે, રાતે જમીને બેસીએ, બધાંને ફાવે એમ કોઈ સચોટ નિર્ણય લઇએ."- કેસરીભાઇએ ઉત્સાહ સાથે જવાબ આપ્યો, એક જ દિવસમાં આવું રુદયપરિવર્તન એમને પણ નવાઈ પમાડે એવું હતું.
વાતો ચાલતી રહી, સાંજ ઢળવા આવી, સંધ્યાએ રતાશ ઓઢી, હરીયાળી હવે સૂવાની તૈયારીએ ચડી, ઉડતા પક્ષીઓ હવે બખોલમાં પેસવા લાગ્યા, કલરવ કરતાં સૌ ઝાડવાને હલાવીને એમનાં આખા દિવસની વાતો કરતા રહ્યાં, કીનારે ઉભેલા સૌ ઘર ભણી જવા ડગ માંડવા લાગ્યા,તાપીની સુંદરતાને સૌના મનમાં સુંદર વિચારો વ્યાપ્યા, એક નવા વિચારના મૂળ અહી રોપાયાં, રતનપુરાના પોતાના બાળકોમાં!