Vasudha - Vasuma - 23 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ: 23

વસુધા પ્રકરણ :23

વસુધા અને પીતાંબર રાત્રે સુવા માટે ઉપર રૂમમાં આવ્યાં અને વસુધાએ કહ્યું હું આજે ખુબ થાકી છું મારે સુઈ જઉં છે તમે પણ સુઈ જાવ. પીતાંબરે તું સુઈ જા મારે હજી વાર છે હું હજી તો ખેતરે એક આંટો મારવા જઈશ હમણાંથી ભેલાણ થવા માંડ્યું છે સાલું કોઈ જાનવર છે કે માણસ ખબર નથી પડતી ચાર બાજુ ફેન્સીંગ કરાવી એનાં માટે...તોય.. તું શાંતિથી સુઈ જા.

વસુધાએ કહ્યું ઓહ તમારે જવું પણ જરૂરી છે આપણે વાવણીથી શરુ કરી આટલી મહેનત કરીએ અને જાનવર કે કોઈ માણસ એક રાતમાં નુકશાન કરી જાય થોડું ચાલે ? પણ તમે બે માણસોને ત્યાંજ જાગવાનું શોપી દો ને તમારે એક આંટો મારી આવવાનો. કોઈક વ્યવસ્થા તો કરવી પડેને. 

પીતાંબરે કહ્યું અરે ખેતરમાં તો રહે છે આપણાં માણસો પેલો કરસન અને ગામીત સાલાઓ સુઈ જાય છે મેં બંન્નેને સૉંપ્યુજ છે પણ આમ જાણ કર્યા વિના ઓચિંતો જઉં તપાસ કરવા એટલે સાચી ખબર પણ પડી જાય આમ આપણે ચોર પોલીસ રમતાં હોઈએ એવું લાગે કંઈ નહીં તું સુઈ જા હું ખેતરે જઈને આવું છું માં પાપા તથા સરલાબેન બધાં સુઈ ગયા હશે હું વાડાના પાછળનાં રસ્તેથી જઈને આવું છું કોઈને કંઈ ડિસ્ટર્બ નહીં થાય એમ કહી એણે બંડીમાં ફરસાણની પોટલી મૂકી બીજું એણે આગળથી સાથે રાખેલુંજ અને ગળે અંગુંછો નાખ્યો અને મેડીએથી ઉતરી પાછળ વાડામાં આવ્યો વાડામાં લાલીએ પીતાંબરને જોયો અને ભાંભરી...પીતાંબરે કહ્યું તું પણ સુઈ જા તારી વસુધા પણ સુઈ ગઈ એમ કહીને એણે વાડામાંથી બાઈક બહાર લીધી અને સ્ટાર્ટ કરી ખેતર તરફ નીકળી ગયો. 

*****

લગભગ રાત્રીનાં ૩ વાગી ગયાં હતાં અને પીતાંબર વાડામાં પાછો આવ્યો. બાઈક મૂકી અને મોઢું લૂછતો લૂછતો ઘરમાં આવ્યો. સીન્ક પાસે ઉભો રહી હાથ મોં ધોયાં કોગળા કર્યા પછી નેપકીનથી લૂછીને ધીમે પગલે ઉપર મેડીએ આવ્યો. 

એણે જોયું વસુધા પલંગ ઉપર ઘસઘસાટ ઊંઘી રહી છે એ બીલકુલ અવાજ ના થાય એમ વસુધાની બાજુમાં આવીને સુઈ ગયો. એણે વસુધાને બાથમાં લેવા પ્રયત્ન કર્યો પણ વસુધા ખુબ ઘેરી નીંદરમાં હતી.         

વસુધાની ઊંઘમાં ખલેલ થયો એણે કહ્યું સુઈ જાવને તમે મને ખુબ નીંદર... પણ પીતાંબરે એને વધુ ને વધુ ભીંસ આપીને પ્રેમ કરી રહેલો..વસુધા ખુબજ નીંદરમાં હતી છતાં પીતાંબરે કળા કરવા માંડી એણે વસુધાને ખુબ પ્રેમથી સહેલાવા માંડી અને મોરચો માંડી દીધેલો અંતે તૃપ્ત થઈને એ વળગીને ઘસઘસાટ સુઈ ગયો.

સવાર થવા આવી વસુધા ઉઠી એણે અસ્તવ્યસ્ત થયેલાં કપડાં સરખા કર્યા અને પીતાંબર સામે જોઈ રહી થોડી મીઠાં છણકા સાથે બોલી સાવ એવાંજ છો સુવા પણ ના દીધી અને પીતાંબર તો ઘસઘસાટ ઊંઘમાં હતો.

વસુધા પીતાંબરને સુવા દઈને નાહીધોઈ પરવારી ગઈ સેવામાં જઈને ફૂલો ચઢાવ્યા પ્રાર્થના કરી અને ગમાણમાં જઈ ગાય અને ભેંસનું દૂધ કાઢવાની તૈયારી કરી રહી હતી ત્યાં સરલા આવી અને બોલી ભાભી ચાલો આપણે બે જણા થઇ દૂધ કાઢી લઈએ ત્યાં સુધીમાં ભાઈ પણ આવી જશે. પાપા આજે ઉઠીને સીધાં ખેતરે ગયાં છે ખબર નહીં કેમ ? ડેરીએ દૂધ ભરાવવા ભાઇએજ જવું પડશે.

વસુધાએ કહ્યું તો હું એમને ઉઠાડી આવું સરલાએ કહ્યું નાના ભાઈતો ઉઠી ગયો છે એ નીચે પણ આવી ગયો છે મેં ચોકડીમાં એનાં કપડાં ધોવા નાંખ્યા છે પછી એ બોળીને ધોઈ નાખશું. માં સેવામાં છે ત્યાં પીતાંબરે આવીને વસુધાની સામે જોયું વસુધા શરમાઈ ગઈ અને સરલાને કહ્યું ચાલો દૂધ દોહી લઈએ એટલે એ ડેરીએ ભરાઈ આવે.

દૂધ દોવાયાં પછી પીતાંબર બાઈક પર કેન ચઢાવી ડેરીએ ભરાવવા નીકળી ગયો અને કહેતો ગયો હું દૂધ ભરાવીને આવુંજ છું તમે ચા નાસ્તો તૈયાર રાખજો ખુબ ભૂખ લાગી છે.

વસુધાએ ચોકડીમાં રહેલાં પીતાંબરનાં કપડાંના ખીસા તપાસી બોળવા જેવા ડોલમાં નાંખવા ગઈ ત્યાં એને એમાંથી વિચિત્ર વાસ આવી એણે ફરી ફરી સુંઘયું અને ઓ ઓ કરી ગઈ. સરલા દોડી આવી અને પૂછ્યું ભાભી શું થયું ? 

વસુધાએ કહ્યું અરે સરલાબેન આ જુઓને પીતાંબરનાં કપડાંમાંથી આવી તૂરી અને ગંદી શેની વાસ આવે છે? 

સરલા વસુધાની પાસે આવી અને પૂછ્યું ભાભી શેની વાસ ? વસુધાએ પીતાંબરનું પહેરણ ઊંચું કર્યું અને સરલાએ એ હાથમાં લીધું દૂરથી સૂંઘતાંજ એણે પાછું મૂકી દીધું એણે કહ્યું ભાભી આને સાબુના પાણીમાં બોળી દઉં અને ધોઈ નાંખો આપણે પછી વાત કરીશું અને ત્યાંથી ગુસ્સા અને આઘાત સાથે ઉભી થઇ ગઈ.                 

વસુધાને કંઈ ખબર નાં પડી પણ સરલાનો ગુસ્સો નાં સમજાયો એણે પીતાંબરનાં કપડાં સાબુનાં પાણીમાં બોળી ધોઈ નીચોવીને સુકવી દીધાં અને સરલા પાસે ગઈ અને પૂછ્યું દીદી શું થયું? શેની વાસ હતી ? તમે આટલા બધાં ગુસ્સે કેમ છો ? એ કાલે રાત્રે ખેતરે ચોકી માટે જઉં છું એમ કહી ગયેલાં અને અડધી રાત પછી પાછાં આવેલાં હું તો સુઈ ગઈ હતી...પણ દીદી શું થયું છે કહોને.

સરલાએ વસુધાની સામે જોઈને કહ્યું ઓ મારી ભાભી તમે ભોળા છો કે મૂર્ખ મને નથી સમજાતું પણ મારાં ભાઈએ કાલે ગુનો કર્યો છે એણે ડેરીએથી પાછો આવવા દો. પાપા ખેતરે છે માં ને મંદિર જવા દો પછી એની સાથે વાત કરીશું અને કબૂલાત કરાવીશું. 

સરલાની સામે વસુધા આશ્ચર્યથી જોઈ રહી અને બોલી દીદી એવું તો શું કર્યું છે એમણે? તમે કેમ આટલા ગુસ્સામાં છો ? એ તો રાત્રે...પછી શબ્દો ગળી ગઈ. 

ત્યાં ભાનુબેને કહ્યું બેટા હું મહાદેવ મંદિરે જઈને આવું છું. પીતાંબર આવે એટલે તમે બધાં ચા નાસ્તો કરી લેજો એ ખેતરથી પાછા આવે પછી અમે કરી લઈશું. 

એમ કહીને ભાનુબેન મંદિર જવા નીકળી ગયાં ત્યાં દૂરથી પીતાંબર બાઈક પર પાછો આવતો દેખાયો. વસુધાએ કહ્યું દીદી એકવાત કહું ? તમારે એમને જે કહેવું હોય કેહજો પહેલાં ચા -દૂધ  નાસ્તો કરી લેવા દેજો નહીંતર એમનો સ્વભાવ તમે જાણોજ છો ને ? 

સરલાએ કહ્યું વસુધા તું ...કંઈ નહીં ચા નાસ્તો કર્યા પછી વાત પણ તું જાણીશ પછી તું પણ હાથમાં નહીં રહે. તારે મજબૂત અને સ્પષ્ટ રેહવું પડશે નહીંતર...

પીતાંબરે ઘરમાં આવતાંજ કહ્યું વસુધા....દીદી ચાલો ચા નાસ્તો કરી લઈએ પછી મારે આણંદ જવું છે.                                

સરલાએ કહ્યું ચાલ બેસીજા તૈયારજ છે અમે પણ સાથે બેસી જઈએ છીએ. બધાં સાથે બેસી ગયાં. વસુધાનાં ચહેરા પાર ઉચાટ હતો એને ખબર નહોતી દીદી પીતાંબર ઉપર કંઈ વાતે ગુસ્સે હતાં. સરલાએ પીતાંબરને પૂછ્યું ગાય-ભેંશ બન્નેનું દૂધ જમા કરાવી દીધું તો આજે ગાયનું અને ભેંશનું અલગ અલગ કેટલું જમા થયું ? ચોપડીમાં નોંધ લીધી છે ને ? 

પીતાંબરે કહ્યું હાં દીદી નોંધ લીધીજ હોયને. બન્નેનું થઈને ૨૮ લીટર દૂધ થયું છે. સારું છે અઠવાડિયા પેહલા ૨૫ લીટરની એવરેજ હતી અત્યારે ૨૮ લીટર મીનીમમ ભરાય છે. વસુધાનાં આવ્યાં પછી ફરક પડી ગયો છે એમ કહીને હસવા લાગ્યો.

સરલાએ એનાંજ શબ્દોને પકડી તક ઝડપી લીધી એણે કહ્યું વસુધાનાં આવ્યાં પછી ચોક્કસ દૂધ ઉત્પાદનમાં ફરક પડી ગયો છે પણ તારામાં હજી ફરક નાં આવ્યો.

પીતાંબર અને વસુધા બંન્ને સરલાની સામે જોઈ રહ્યાં, વસુધાને આષ્ચર્ય હતું કે સરલા દીદી પીતાંબર તરફ ગુસ્સામાં કેમ છે ? અને અત્યારે કયાં ફર્કની વાત કરે છે ? 

સરલાએ કહ્યું પીતાંબર તું રાત્રે ખેતરે ચોકી માટે ગયેલોને બરાબર ? પીતાંબરે કહ્યું હાં દીદી ગયો હતો અને આ ક્યાં પહેલીવારનું છે ? 

સરલાએ કહ્યું હાં મને ખબરજ છે આ પહેલીવારનું નથીજ એટલેજ વસુધાની સામેજ તને ચેતવણી આપું છું કે જો તેં ફરીથી પીધું છે તો મારાં જેવી કોઈ નથી. વસુધા સરલા અને પીતાંબર બંન્ને સામે જોઈ રહીં સરલા દીદી શું અને શેનાં સંદર્ભમાં બોલે છે ખબર જ નાં પડી. એણે પીતાંબરને પૂછ્યું તમે શું પીધેલું ? 

સરલાએ કહ્યું બોલ તારામાં હિંમત હોય તો બોલ વસુધાને કહી દે તેં શું પીધેલું રાત્રે ? અને વસુધા તને ખબર પણ નાં પડી ?

વસુધાએ કહ્યું દીદી સાચેજ મને નથી ખબર પડી એમણે શું પીધેલું ? પ્લીઝ કહોને તમે શું પીધેલું ? દીદી આટલાં બધાં નારાજ કેમ છે ? મારાં સમ છે કહો. 

સરલાએ કહ્યું તારા પીતાંબરે કાલે રાત્રે દારૂ પીધો હતો અને એનાં કપડામાંથી એની તીવ્ર વાસ આવતી હતી. તેં જોયું નથી કદી એટલે તને ખબર નથી પડી પણ હું જાણું છું કારણ કે ....ભાવેશ...વસુધાએ મોઢે હાથ મુક્યો અને .....

 

વધુ આવતા અંકે - પ્રકરણ 24