From the window of the shaman - 6 in Gujarati Fiction Stories by Ketan Vyas books and stories PDF | શમણાંના ઝરૂખેથી - 6 - શમણાંને ટાઢક વળી..

શમણાંના ઝરૂખેથી - 6 - શમણાંને ટાઢક વળી..

૬. શમણાંને ટાઢક વળી..


"સુહાસ સાથે વાતચીતમાં ધ્યાન રાખવું પડશે... કોઈ પણ ભાવનામાં વહ્યા વગર.., એનાં કુટુંબને, ઘરનાં લોકોને સમજવા પ્રયાસ કરવો જોઈએ..." આવા વિચારોએ નમ્રતાનાં મનમાં સ્થાનતો લીધું, પણ એણે નક્કી કર્યું કે એવું કંઈક કરું કે જેથી સુહાસના ઘરમાં બધાં સાથે પ્રેમભર્યું, સહજ તેમજ હુંફથી ભરેલું માહોલ કાયમ બની રહે.., અને મારા શમણાંઓ ને પણ એક હૂંફ મળે.., એક ખુલ્લું આકાશ મળે.. બસ, એટલું જ.

બપોરે સુહાસનો ફોન હતો. 'રવિવારે સાંજે ફરવા જઈશું?' બસ, એક કલાક.. આઈસ-ક્રીમ ખાઈ, થોડું ફરીને પાછા આવી જવાનું.." એવી તેની ઈચ્છા હતી. સગાઈ થઈ છે, મળવામાં એમ કોઈ બંધનતો નહીં જ. નમ્રતાએ મમ્મીની મંજૂરી મેળવી લીધી. રવિવારને હજું બે દિવસની વાર હતી.

ત્યારબાદ એક-બે વાર ફોન પર વાત પણ થઈ. શનિવારે ફોન આવ્યો અને વાતો એ નવો જ રંગ લીધો. તેણે પૂછ્યું પણ ખરું, "તમને શું ગમે છે ..., એટલે કે આઉટસાઇડ ફુડમાં? નમ્રતાની પસંદગી તેણે જાણવા માટે જ પૂછ્યું હતું. નમ્રતાને બહારની ઘણી વાનગીઓ પસંદ તો ખરી જ, પણ ઘરના ભોજન માટેનું મહત્વ વધારે. માર્કેટ ફૂડમાં આમ જોઈએ તો; ચાઈનીઝમાં મન્ચુરિયન ડ્રાય ને પનીર 65; સાઉથ ઇન્ડિયનમાં મેન્દુવડા ને ચીઝ મૈસુર ઢોસા; બાકી સૌથી પ્રિય તો ગુજરાતી થાળી જ - શાક, કઠોળ, રોટી, દાળ-ભાત ને સલાડ. આ ઉપરાંત, ચોકોલેટ આઈસ-ક્રિમ તો ખૂબ પ્રિય.

સુહાસે ફોન પર જ પોતાની પસંદગી ઉમેરતાં પૂછ્યું, " અમદાવાદમાં તો ઘણી વેરાયટી મળે છે, બીજું કાંઈ ગમે ખરું..? મને તો અમદાવાદનાં-આસ્ટોડીયાના ભજીયા બહુ જ ગમે.. એ તને ગમે?

" ના, રે..! એ ખાસ પસંદગીમાં નહીં. હા, લાલ દરવાજે જવાનું થાય તો ત્યાંની પાણીપુરી તો ખાવાની એટલે ખાવાની જ." નમ્રતાએ પોતાની પસંદગી સ્પષ્ટ કરી અને એણે સુહાસને પૂછ્યું, " ..એટલે તમને પાણીપુરી તો નહીં જ ગમતી હોય, ખરું ને..?

"ના, ના, સાવ એવું નથી. મને દરેક વસ્તુ ખાવાની ગમે. પણ, પિઝા પર પસંદગી વધારે...., એમતો તારા... , સોરી.., એટલેકે તમારા ઘરે...."

'એક મિનિટ..!" વચ્ચેથી રોકી, નમ્રતાએ સુહાસની 'તું' અને 'તમે' વાળી મૂંઝવણ દૂર કરાવી, " તમે' શબ્દના બદલે ..'તું'થી ચાલશે..
ઓકે.. ઓકે..., સારું.., હા, તો હું એમ કહેતો હતો કે તારા ઘરે દાળવડા ખૂબ સરસ હતા...કોણે બનાવેલ..? તે બનાવેલ..?

નમ્રતાના ચંચળ સ્વાભાવને જાણે મસાલો મળ્યો હોય એમ, 'એ તો મમ્મીએ જ બનાવેલ..મેં મદદ કરી ખરી, પણ રસોઈનું અમુક કામ મમ્મી મને નથી કરવા દેતા. એટલે એમ ખાસ કંઈ નહીં, આતો મારાથી રોટલી હોય કે તળવાની આઈટમ, બળી જ જાય દરવખતે એટલે.."

"હમ..મ.., એટલે રસોઈ નથી આવડતી એમ..? તને જોવા આવ્યા અમે લોકો, ત્યારે તો તારા મમ્મીએ જ કહ્યું તું કે 'અમારી નમ્રતા' બધી રસોઈ કરી જાણે..! સુહાસે એની દ્વિધામાંય શંકા જાગી હોય તેમ પ્રશ્ન કર્યો..

" હાસ્તો, એમાં શું ખોટું કીધું? '..કરી જાણે' એટલે રસોઈ બની તો જાય જ, પણ...કેવી બને એની ખાત્રી નહીં...એમ.."

"તો તો ફરી એક વાર તારા ઘરે આવવું પડશે...!" સુહાસે કાંઈક વિચારે ચડ્યો હોય અને બોલ્યો હોય તેવો તેનો ટોન લાગ્યો..

"કેમ? નાં જવાબમાં ફરી એણે સ્પષ્ટતા કરી, "જમવા માટે. તું રસોઈ બનાવજે ને હું ખાઈને પછી અભિપ્રાય આપીશ.."

"ના રે, એવું ઝોખમ હવે ના લેવાય હો..! અભિપ્રાય આપવો છે કે ખાત્રી કરવી છે...? કે, મને ખરેખર રસોઈ આવડે છે કે નહીં..? પછી મારા હાથની રસોઈ ન ગમી તો...?" નમ્રતાની આ વાતને સુહાસે એકદમ જુદી દિશા આપી દીધી....

" કેમ, નિર્ણય બદલાય જાય તો કાંઈ ફર્ક પડે એમ?

સામે આવે પડેલા પ્રશ્ન પર નમ્રતા લગભગ મૌન જ થઈ ગઈ...બે ક્ષણ...ત્રણ..., મનમાં થોડી વિચલિત થઈ ઉઠી.."મસ્તીમાં ને મસ્તીમાં આ હું શું બોલી ગઈ...? આતો ઉલમાંથી ચુલમાં આવી જવાયું...! શું કહું સુહાસને, હવે? એમ કહું કે હા, બહુ ફર્ક પડે છે. મન અને દિલ બેઉં હવે તારી સાથેનાં કેટકેટલાય શમણાં લઈ ઉડાન ભરવા બેઠા છે.. શું કહું..? બે ક્ષણ...ચાર ક્ષણ..અડધી મિનિટ...

"હેલ્લો... હેલ્લો... ફોન ચાલું છે? હેલ્લો..." ના અવાજથી નમ્રતા ગૂંચવાળામાંથી બહાર આવી " હા.. હા, બોલો બોલો..."

"શું બોલું? પૂછું છું..કે નિર્ણય બદલાય જાય તો શું ફર્ક પડે? તને કાંઈ ફરક પડે એમાં??

નમ્રતાએ બાજી સંભાળવા પ્રયત્ન કર્યો..," સાચું કહું?? આમ જુઓ તો મને ... મને..., એટલે એમાં આપણને..મને, શું ફરક પડવાનો?? જિંદગી છે.. અને હજુતો સગાઈ જ થઈ છે...કોઈને ન ફાવે તો આપણે શું કરીએ..? એટલે જ કહું છું, તમે આવો ને મારી રસોઈ જોઈ પણ લો...! રોટલી થોડી કાચી રયે તો તમને ફાવશે કે નહીં એનો નિર્ણય આવી જાય.

નમ્રતા આગળ કાંઈ બોલે કે સુહાસ બોલે એ પહેલાં જ ઘરનાં દરવાજેથી પપ્પાનો અવાજ કાનેય ચડ્યો ને ફોનેય ચડ્યો, " કેમ બેટા, અમારા જમાઈને હેરાન કરે છે? લાવ ફોન આપ મને..." એમ કહી ફોન લઈ કાને લગાવ્યો..

"કેમ છો સુહાસકુમાર? મઝામાં ને?" 'હા' નો જવાબ મળતા આગળ વધાર્યું, "એક વાર આવી જ જાવ. જમવાનું અહીં રાખો..આ રવિવારે જ આવી જાવ.'

સસરા દ્વારા થયેલ એન્ટ્રીથી સુહાસનો ચહેરો કેવો થતો હશે એની અટકળ નમ્રતાના મનમાં ચાલતી તો હતી જ પણ સાથેસાથે મસ્તીભરી વાતોમાં પડેલી ખલેલથી થોડું દુઃખ પણ થયું. ' પપ્પા થોડા મોડા આવ્યા હોત તો સુહાસને 'ફરક' બતાવી દેત. નિર્ણય બદલવાની એની હિમ્મત કેટલી છે એય ખબર પડત?'

પણ, પપ્પાની વાતો પર એનું ધ્યાન ગયા વગર રહ્યું જ નહીં...."સુહાસકુમાર, એવું નહીં જ ચાલે. આ રવિવારે પાક્કું. જુઓ, નમ્રતા જ બધી રસોઈ બનાવશે. તમે ટેસ્ટ તો કરો. બસ, રોટલીઓ કયારેક કાચી રહી જાય...! એટલા પ્રેમથી બનાવે એટલે અમને ખ્યાલ જ ના રહે કે ભોજન કાચું છે કે બળેલું..! અને તમેય એક અનુભવ કરી જ લો. પછી જેવો તમારો અભિપ્રાય...!"

આમ કરીને નમ્રતાના પપ્પાએ સુહાસને રવિવારનાં ભોજન માટે આમંત્રણ તો આપી દીધું ને સાથોસાથ દીકરીની સુહાસ સાથે ચાલી રહેલી ટીખળભરી મસ્તીને યથાવત રાખી, દીકરીને ગદગદ કરી દીધી.

નમ્રતાને જાણે શેર એક લોહી ચડી ગયું. 'પપ્પા એટલે.., વાત જ ના થાય...! એમ વિચારી ખૂબ હર્ષભેર પપ્પાને ખભ્ભેથી વળગી પડી - એક પણ શબ્દ બોલ્યા વગર..!

"કેમ બેટા, આ શાની ખુશી, મારા દીકરાને?" નમ્રતાના માથે હાથ મુકતાં, " રવિવારનું આયોજન ના ગમ્યું હોય તો 'ના' કહી દઉં? દીકરીની મલકાતી આંખો સામે નજર કરી. " ઓહો..હવે, સમજાયું. રોટલી થોડી કાચી રાખજે, બસ."

"હા, પપ્પા.. સાચું સમજ્યા તમે." નમ્રતાએ ખૂબ સ્વચ્છતા પૂર્વક પોતાનાં ભાવને મળેલી સ્વીકૃતિને વધાવી લીધી.."

નમ્રતાને મનોમન પોતાનાં પપ્પા માટે ખૂબ જ ગર્વની લાગણી થતી રહી. "રવિવાર તો મજાનો બનશે." મન આયોજન કરતું રહ્યું. પપ્પાને પાણીનો ગ્લાસ લાવી આપ્યો. અને પૂછ્યું, "પપ્પા, શું બનાવીશું, રવિવારે?"

"સુહાસ" પપ્પાના સહજ મળેલા એક શબ્દથી નમ્રતા બે ઘડી બઘવાઈ ગઈ.

"શું?...શું? સુહાસ...?" કપાળની ભ્રમર પર થોડી કરચલી પડી.. " અચ્છા.. યસ પપ્પા. સુહાસને.."

બાપ-દીકરીનાં હસવાના અવાજથી આખા ઘરમાં ઉર્જાનું મોજું જ જાણે ફરી વળ્યું. પડોશમાંથી પાછા ફરેલ મમ્મી "શું સુહાસને..? શું -"

"એ પપ્પા સમજાવશે" એમ કહી નમ્રતા પાણીનો ગ્લાસ લઈ રસોડામાં પહોંચી ગઈ - સાથે ચાલતું રહ્યું મસ્તીભર્યું આયોજન. " આ રવિવારે, જોઈએ સુહાસની પ્રતિક્રિયા! થોડી કાચી જેવી રોટી તો ખરી જ, સાથે સબ્જીમાંય..! પોતેય સરસ મજાના માટલાંમાંથી લઈ બે ઘૂંટ ને ફરી બે ઘૂંટ એમ કરી પાણી પીધું. જાણે પેટમાં ઠંડો શેયળો પડ્યો હોય તેમ, "હાસ..!" ટાઢક વળ્યાંનો ભાવ લઈ રવિવારની તૈયારી વિશે વિચારવા લાગી.

"સગાઈ પછી નો પહેલો તો રવિવાર છે - એની સાથે. સાંજનું ભોજન જ સારું પડશે. પછી એની સાથે કલાક માટે વૉક. ના, ના.. બપોરે આવે તો શું વાંધો? અરે, કાલે તો રવિવાર છે. બપોરનું જ ફાઇનલ. યસ. હમણાં જ મેસેજ કરી દઈશ."

રૂમમાં પહોંચી ગઈ ફટાફટ અને મોબાઈલ હાથમાં લઈ પોતાનાં અરીસા સામે જ ઉભી રહી ગઈ.." કાલે.., બપોરે.." , અરીસા તરફ નજર કરી, "મેસેજ સેન્ટ. ઓ.કે.?"

..ક્રમશ:


Rate & Review

Leena Thakkar

Leena Thakkar 10 months ago

neha gosai

neha gosai 10 months ago

Heena Suchak

Heena Suchak 10 months ago

Jagdishbhai Kansagra
Bhakti Bhargav Thanki