From the window of the shaman - 8 books and stories free download online pdf in Gujarati

શમણાંના ઝરૂખેથી - 8 - શમણાં ઝંખે મીઠો અહેસાસ..

૮. શમણાં ઝંખે મીઠો અહેસાસ..


"એક વાર મારા હાથની બનેલી રસોઈ ચેક તો કરે..!'' એવાં વિચારો સાથે, માથાનાં વાળને બાંધતા બાંધતા, નમ્રતા નીકળી પડી જાણે મોટો જંગ લડવાનો હોય! તૈયાર થઈ, પૂજા-પાઠ પતાવ્યા અને રસોડામાં પહોંચી ત્યારે ચા તૈયાર હતી. ચા સાથે નાસ્તો કર્યો.

સાડા નવ વાગ્યે રસોઈની થોડી તૈયારી શરૂ પણ કરી દીધી. સલાડ ને શાકભાજી લઈ બેઠકરૂમમાં આવી ગઈ. સોફા પર મમ્મીની બાજુમાં આવીને બેસી ગઈ.

"ચકુ, આટલી ઉતાવળ કરવાની જરૂર નથી. હજું આરામથી બનાવીએ તો ચાલશે." મમ્મીએ નમ્રતાને ટકોરી.

"એ તો ઊંધીયા માટે થોડી તૈયારી તો કરવી પડશે ને? દાળ તો પલાળવા મૂકી દીધી છે. અને, આ મસાલા કાપીને તૈયાર કરી દઈશ. સલાડ ને સૌથી છેલ્લે બનાવીશ." એમ બોલીને ધાણા સમારવાનું શરૂ કર્યું. "લીલા ધાણાંની સુગંધ કાંઈ અલગ જ હોય, નહીં મમ્મી?

મમ્મીએ હુકારમાં માથું હલાવી દીધું. એમનું ધ્યાન કોઈ ધાર્મિક મેગેઝીનમાં હતું. પપ્પા ઘરે હતા નહીં. એ દર રવિવારે નજીકમાં આવેલ પુસ્તકાલયની મુલાકાતે બે કલાક માટે જતા.

નમ્રતાએ પરચુરણ કામ પતાવ્યું. સાડા દસ વાગ્યે તો એ રસોડામાં પહોંચી ગઈ. કૂકરમાં દાળ-ભાત બાફવા માટે મૂકી દીધા. એક બાજુ કૂકરની સીટી વાગે તો ક્યારેક નમ્રતાના મુખેથી ગુજરાતી ગઝલ નો અવાજ સરી પડે, ને વળી વચ્ચે, ક્યારેક સિસોટીના સૂર સરી પડે. અચાનક કાંઈક વિચાર આવ્યો એટલે એ પોતાનાં રૂમમાં દોડી ગઈ.., ને મોબાઈલ લઈ પાછી આવી ગઈ.

મોબાઈલનાં મેસેજબોક્સમાં કોઈ મેસેજ નહોતો, કે કોઈ બ્લેન્ક કોલ પણ નહોતો. "આવતા પહેલાં ફોન કરશે કે મેસેજ કરશે? મેસેજ તો કરશે જ ને..?" એમ વિચારી ફોન બે-ત્રણ વાર ચેક કરી લીધો અને પછી ફોનમાં ગઝલો ચાલતી થઈ ગઈ..

કૂકરની સિટીઓ પુરી થઈ ત્યાં તો મમ્મી પણ રસોડામાં આવી પહોંચ્યા. "લાવ ચકુ, શું બનાવું?"

"ના, મમ્મી.., બધું બનાવી દઈશ. તમે ખાલી સલાડ ની સામગ્રી તૈયાર કરી દો. પછી મસાલો તો હું જ કરી લઇશ." નમ્રતાની વાતનો વિરોધ કર્યા વગર મમ્મીએ ગાજર, કોબીજ, બીટ, ને ટામેટાં એક થાળીમાં લઈ લીધા. "હું બહાર બેસીને આટલું પતાવી દઉં. તારા પપ્પા પણ આવી ગયા છે" કહી એ તો બેઠકરૂમમાં ટીવીની સામે જતા રહ્યા.

નમ્રતાએ લગભગ સાડા અગિયાર સુધીમાં, દાળ-ભાત અને કઠોળમાં સૂકી ચોળી બનાવી દીધા. ઊંધીયાની સામગ્રી ભેગી કરી દીધી ને વઘાર કરી દીધો.."છમમ..છમમ...", ને પપ્પાનો અવાજ સંભળાયો. "ચકુ, વઘાર બળ્યાં જેવું કાંઈ લાગ્યું નહીં..!"

"હા પપ્પા, એ હજુ બાકી છે. અલગ રાખેલ છે એ વિભાગ." નમ્રતાનો જવાબ સાંભળી સરયુબેન ઉભા થઇ રસોડામાં તરફ આવ્યા.

"રેવા દે ચકુ, એ બધું અલગ રાખવાનું. સીધે સીધું જે બનાવતી હોય એ બનાવ. આ બધા ખેલ શું કરવાનાં? તું અને તારા પપ્પા - બેઉં સરખાં!

"મમ્મી, તમારા માટે બેસ્ટ બનાવીશ. ડોન્ટ વરી." મમ્મીની વાતને ટાળવા નમ્રતાએ મમ્મીને સહાનુભૂતિ આપી; અને સાથે સાથે વઘારેલ સામગ્રીમાં મસાલા ઉમેરતી રહી, ને ચમચાથી હલાવતી રહી.

"પાછું એમાં અંગ્રેજી ક્યાંથી આવ્યું? અંગ્રેજીનાં કલાસ અધૂરા રાખ્યા, સંગીતનાં કલાસ એકજ વર્ષ બાકી છે એય પૂરું નથી કર્યું. નૃત્યમાં નમ્બર લાવનારી મારી ચકું રસોડામાંય એક્સપર્ટ છે; ને આજે આવું કરે એ સારું લાગે?..અને-.''

મમ્મી કાંઈક જુદી દિશામાં જતાં હોય એવું લાગતા, નમ્રતાએ વાત કાપી, "મમ્મી, બે અંગ્રેજી શબ્દો બોલી એમાં આટલું બધું..? મમ્મી,..ચિંતા ન કરો. તમારી દીકરીનું નામ નહીં આવે બસ! હું કહી દઈશ કે મમ્મીએ રસોઈ બનાવી છે!" હળવું સ્મિત રેલાવતી નમ્રતાએ કૂકરને એક છીબુ ઢાંકયું, ફ્લેમ થોડી ઓછી કરતાં કરતાં મમ્મીને હગ કરી, પછી હાથ પકડી બેઠકખંડમાં દોરી ગઈ. "બેસો, અહીં.." એમ કહી, સોફા પર બેસાડ્યા. " જુઓ, દરવાજે ધ્યાન આપજો, હોંકે?"

"એ તમારા બેઉંનું, બાપ દીકરીનું કામ, મારુ નહીં! હમણાં આવી જશે, ખબરય નહીં પડે!" સદાનંદભાઈ તરફ હાથ કરી, "આ તારા પપ્પા, અહીં બેઠા બેઠા વઘાર બાળવાની વાતો ચલાવે છે; ને તું પાછી - "

નમ્રતાએ મમ્મીનાં મોં પર હાથ મુક્યો, " બસ, મમ્મી..! તમે તમારી દીકરીને ક્યાં નથી ઓળખાતાં?

"સારું સારું! જા અંદર. જો કંઇક બળે છે." મમ્મીનાં શબ્દોએ તેને રસોડામાં પહોંચાડી દીધી.

"સારું થયું...ટાઈમે પહોંચી ગઈ " એવું બોલી અને છીબુ હટાવી ફરી શાક હલાવ્યું. થોડું પાણી ઉમેર્યું. ચમચાથી શાકનું પાણી થોડું હથેળીમાં લઈ ચરણામૃતની જેમ હોઠે લગાવ્યું ને બીજી બાજુ ડોરબેલ વાગી.., એ બોલી ઉઠી 'વાહ..ક્યાં બાત હૈ!'

"ડોરબેલ વાગી એમાં 'વાહ' જેવું શું છે?'' મમ્મી તો સાંભળી ગયા એનો વાંધો નહીં જે સંજોગ ઉભો થયો એનાં ગભરાટ અને લજ્જાની અસરમાં કૂકરને આંગળી અડી ગઈ.."ઓ મમ્મી..!" હળવા ચિત્કારથી આંગળીને બીજા હાથની હથેળીમાં દબાવી દીધી. સારું થયું કે કૂકરની પહેલી સીટીમાં સિસકારો દબાઈ ગયો.

"બેટા, પાણી લાવજે. સુહાસકુમાર આવી ગયા છે." પપ્પાનાં શબ્દોનાં જવાબમાં નમ્રતાએ 'હા, લાવી' એમ ટૂંકમાં પતાવી દીધું.

"એક મેસેજ પણ ન કર્યો?" વિચારીને ફોન પર નજર કરી. ધીમે ધીમે સંગીત તો ચાલુ જ હતું એ સ્ટોપ કર્યું. મેસેજ ખરેખર નહોતો. પાણીનાં બે ગ્લાસ ટ્રેમાં લઈ રસોડાની બહાર તરફ નજર કરી. "આજે થોડાં અલગ દેખાય છે." મનમાં વિચારતાં જાણે ઘણું અવલોકન કરી લીધું. હેલ્મેટ ઉતારીને બાજુમાં મૂકેલું. સામાન્ય લંબગોળ ચહેરા પર થોડી ગંભીરતા જેવું લાગતું હતું. હેલ્મેટને લીધે વાળ એક બાજુથી થોડાં વિખરાયેલ અને ચીપકેલ લાગતાં હતા. પગમાં મોજા કથ્થઈ રંગના, આછા વાદળી રંગનું જીન્સ અને મરૂણ રંગનું ને લાંબી સ્લીવનું પ્લેન શર્ટ.

"આવો. કેમ છો?" એમ પૂછી નમ્રતાએ તેમની સામે ટ્રે ને લંબાવી. બેઉંની આંખો બે-ચાર સેકન્ડ જ મળી. સુહાસે ડોક હલાવી 'સારું' કહી ટ્રે તરફ હાથ અને આંખ વાળ્યા. પાણીનો ગ્લાસ મોઢે માંડતા સાસુ-સસરા તરફ ને પછી નમ્રતા તરફ એક હળવી દ્રષ્ટિ ફેરવીને પાણીનાં ગ્લાસ તરફ ઝુકાવી લીધી.

"ચા પીશો ને?" સુહાસકુમાર મૂંઝવણમાં હોય એવું લાગતાં, સરયુબહેને ચર્ચાનો દોર શરૂ કર્યો.

"ના, ના.., અત્યારે ચા નહીં ફાવે." સુહાસે ટૂંકમાં જ પતાવ્યું.

"ચા પીવો થોડી. સારું લાગશે." સદાનંદભાઈના આગ્રહને લઈ, 'હા-નાં'ની મૂંઝવણ સુહાસના ચહેરા પર વર્તાય આવતી હતી.

"થોડી ચા બનાવી જ દઉં છું." નમ્રતા એમ બોલી રસોડા તરફ ચાલી. "એમની નજર મારા પર હશે" એમ વિચારતી નમ્રતાએ ચોથી સીટી વાગતા વધી ગયેલી ચાલને ધીમી પાડી.

કૂકરને ઉતારી, ગેસ પર ચાની તપેલી મૂકી દીધી. ચા બની ત્યાં સુધીમાં રોટલી માટેનો લોટ કૂણવીને ઢાંકી દીધો. તૈયાર થયેલી ચામાંથી એક કપ ભરી, બાકીની ચામાં થોડી ખાંડ ઉમેરીને પછી બીજો કપ પણ ભરી દીધો. "થોડી મીઠાશ તો જોઈએ ને!" મનોમન વિચારી ચા ના કપ પહોંચાડી પાછી આવી ગઈ. રસોડાના દરવાજેથી એક નજર કરી. સુહાસને ગળપણ ફાવ્યું ન હોય તેવો ચહેરો જોઈને અંદર જઇ નમ્રતાએ હળવા સ્મિત સાથે કૂકરની સીટીને જરા ઊંચકી બચેલી વરાળને છૂટી કરી.

મોટાભાગનું કામ પૂરું થવામાં હતું. રોટી બાકી હતી. ખમણ અને શ્રીખંડ બજારમાંથી મંગાવી લીધેલ. નમ્રતાને બહાર ચાલતી વાતો સંભળાતી હતી. સુહાસ નો અવાજ એટલો સ્પષ્ટ રીતે નહોતો આવતો. એ એની વાત ટૂંકમાં પતાવતા હોય તેવું લાગતું હતું. નમ્રતાએ બધી વસ્તુઓ ચેક કરી. કચુંબરમાં મસાલો કરી દીધો. થોડાં મરચાં લોઢી પર શેકયાં. મરચાંની તીખી સુવાસમાં સુહાસની છીંક નમ્રતાએ સાંભળી અને પોતેય બે-ચાર છીંક જવાબ મોકલી દીધી.

"મરચાં બન્યા એટલે જમવાનું તૈયાર છે એમ સમજો" પપ્પાનો અવાજ નમ્રતાને સંભળાયો. "એક વાગવાની તૈયારી છે. આપણે જમી લઈએ. ફ્રેશ થઈ જાવ, ચાલો, સુહાસકુમાર." બહાર જમણવાર માટે તૈયારી શરૂ થઈ ગઈ હતી. નમ્રતાએ ફટાફટ શાક, દાળ ગરમ કરવા મુક્યા. મમ્મી રસોડામાં આવી ગયા. થાળી, વાટકા, ચમચી - બધું જ, મમ્મીએ બહાર લઈ જવા ઊપાડ્યું.

'' મમ્મી, એક મિનીટ. થાળી અહીં જ રાખો. હું તૈયાર કરું છું." નમ્રતાએ આમ કહી થાળીમાં બધું પીરસવાનું ચાલુ કરી દીધું. સુહાસની થાળીમાં થોડું અલગ હતું. ત્રણ નાની તપેલીમાંથી થોડું અમથું ઊંધિયું, ચોળીનું શાક અને દાળ અલગ રાખેલ. થાળી તૈયાર હતી. "મમ્મી, ટેબલ પર પાણીના ગ્લાસ મૂકી દો" એમ કહી પોતે રોટી બનાવવાનું ચાલુ કરી દીધું. રોજ કરતાં થોડી જાડી રોટી બનાવી. દરવાજે જઈ કહી પણ દીધું, 'ટેબલ પર બેસી જાવ. જમવાનું રેડી છે.'

ગેસ ધીમો કર્યો અને જાતે જ જઈને ટેબલ પર થાળી ગોઠવી આવી. એક-એક રોટી તૈયાર હતી એ પણ થાળીમાં પીરસાય ગઈ. સુહાસની રોટી થોડી કડક હતી, પણ ખાસ ખ્યાલ ન આવે. નમ્રતાએ રોટી મુક્તાની સાથે કહ્યું, "જમજો શાંતીથી. અને કહેજો કે કેવું લાગ્યું. તમારો અભિપ્રાય જોઈશે ને?

સુહાસ થોડી ડોક હલાવી ને બોલવાની હિમ્મત કરી, "હા, એ તો છે જ ને. મારા ઘરમાં બધાં લોકો સ્વાદનાં શોખીન છે. મસાલા માપસરના હોય તો જમવાનો આનંદ જ કંઈક જુદો હોય છે!'

નમ્રતાએ વળતો જવાબ આપ્યો, "એટલે તો અહીં જ ઉભી રહી છું. શરૂ કરો તો મનેય ખ્યાલ આવે. મને જેવું આવડે છે તેવું બનાવ્યું. અને મસાલાનું માપ તો મારે ક્યારેય એકસરખું નથી આવતું"

સદાનંદભાઈ પોતાનો બોલવાનો વારો આવે તેની રાહ જોઇને બેઠા હતાં. "બેટા નમ્રતા, સુહાસકુમારની વાટકીમાં સાવ થોડું જ કેમ ભર્યું છે? જા લઈ આવ."

"પપ્પા, મને બીક છે કે એમને મારા હાથના શાક કે દાળ ન ફાવે તો..! એમને જે ગમશે તે વધારે આપીશ." સુહાસકુમાર તરફ નજર કરીને, "શરૂ કરો ત્યારે."

સુહાસે રોટીમાં ઉંધ્યું લઇ ખાધું, પછી ચોળી અને પછી દાળ. ત્રણેયમાં રહેલ અલગ અને વિશિષ્ટ સ્વાદનો અનુભવ નમ્રતાના ચહેરા પર છલકતો હતો. 'કેવું લાગ્યું?" પૂછી જ લીધું.

"મારા ઘર કરતા ઘણું જુદું. સગાઈના દિવસે ખાધુતું એનથી ઘણું જુદું." એમ બોલી ફરી એક કોળિયો, બીજો કોળિયો, ત્રીજો...; પણ, એનાં ચહેરા પર સ્વાદની અસર દેખાઈ આવતી હતી - ઊંધીયાની વધારે પડતી તીખાશ અને ખટાશ; ચોળીમાં નમકની ઓછપ અને દાળમાં મરચીની બે-ચાર બારીક કટકી; ને સાથોસાથ ઊંધીયામાં કાચા લાગતા બટેટાના અને રતાળુના ટુકડા! દાળની ચમચીની અસર જાણે નાકમાં ચડી હોય તેમ એક છીંક પણ આવી ગઈ.

નમ્રતાએ નેપકીન ધર્યો, "શું અભિપ્રાય આપશો?"

સુહાસે અવઢવમાંથી બહાર નીકળી પૂછ્યું, 'સાચો અભિપ્રાય આપું તો ચાલશે? અને નમ્રતાની સહમતી મળતા સ્પષ્ટ કર્યું - જે અનુભવ્યું તે બધું જ - કાચું, ખાટું, તીખું, મોળુ વગેરે વગેરે...

નમ્રતાએ તરત જ કહ્યું, 'તો પછી, શું વિચાર્યું?'"

સુહાસ કંઈ બોલે તે પહેલાં, સદાનંદભાઈએ નમ્રતાને વાળી, "બેટા, બાકીની ચર્ચા પછી. જો થાળી ખાલી થઈ. જા. રોટી લાવ."

નમ્રતા પાતળી ફુલકા રોટી તૈયાર કરીને લાવી, સાથે લઈ આવી બીજા ત્રણ વાટકા - દાળ અને બે શાક. સુહાસની થાળીમાંથી ત્રણ વાટકા બદલાઈ ગયા. થાળીમાં કૂણી માખણ જેવી મખમલી રોટી આવી પડી.

"ચાલો હવે ફરી શરૂ કરો. અભિપ્રાય નહીં આપો તોય ચાલશે!"

નમ્રતાની બનાવેલી ગરમ ગરમ રોટી આવતી ગઈ અને સુહાસને ખબર જ ના રહી કે આઠ-દશ રોટી ખવાય ગઈ. કોળિયો ગળે ઉતરે ને નજર રસોડા તરફ દોડતી જાય. દરેક કોળિયે આંગળી ચાટવાનું મન થાય કે પછી રસોડામાં દોડી જવાનું મન થાય - જેમાંથી એક શક્ય નહોતું. સદાનંદભાઈ અને સરયુબહેન એકબીજા સામેં જોય નમ્રતાની નિખાલસતા અને સંવેદનશીલ સ્વાભાવની માટે હળવું સ્મિત વેરી દીધું.

નમ્રતાએ સુહાસની નજર વાંચી લીધી. સુહાસને ખ્યાલ આવી ગયો હતો કે પેલી ત્રણ વાટકીઓમાં રમત રમાઈ ગઈ હતી. નમ્રતાના હાથની રસોઈનો ખરો સ્વાદતો પછીની વાટકીમાં જાહેર થયો. મરક મરક થતાં મુખેથી ઊંધીયાનો સ્વાદ સુહાસના ગળે એમ ઉતરતો હતો કે હવે કોઈ અભિપ્રાય આપવાનો બાકી જ ના હોય!

આખરે જમી લીધું. સુહાસને આવેલો ઓડકાર નમ્રતાના કાનમાં અથડાઈ, 'માત્ર ચાલશે નહીં, પણ દોડશે, ફાવશે!' એવું કહી જતો હોય એવું લાગતું હતું.

બધાનું જમવાનું પત્યું. નમ્રતા અને તેના મમ્મી જમ્યા ત્યાં સુધી સુહાસ અને સદાનંદભાઈ બેઠકખંડમાં બેસી વાતો કરતા રહ્યાં.

અઢી વાગ્યાની આસપાસ લગભગ બધું જ કામ પતિ ગયું હતું. બધાં શાંતિથી થોડી વાર બેઠાં, પછી સુહાસે જણાવ્યું કે એક મિત્રને ત્યાં એમને જવાનું છે. સદાનંદભાઈએ આરામ કરીને પછી જવા કહ્યું. પણ, સુહાસને જવું પડે તેમ હતું.

"સાંજે પાંચ વાગ્યે પાછો અહીં આવીશ" એમ કહી તેણે રજા લીધી. નમ્રતા દરવાજા સુધી તેમની સાથે ગઈ.

"સાંજે મળીએ" સુહાસે કહ્યું. રસોઈ વિશે કંઈ બોલવું જરૂરી ન લાગ્યું. કોઈ અભિપ્રાયને અવકાશ નહોતો.

"સારું. સાંજે વૉક માટે મળીએ ત્યારે" નમ્રતાને બીજું કાંઈ પૂછવાની જરૂર ન લાગી.

હેલ્મેટ પહેર્યું, બાઇક ચાલુ કર્યું, ને ક્લચ છોડ્યો. બેઉની આંખો મળી, "સાંજે મળીએ"નાં ભાવમાં આંખોની પાંપણે પલકારો માર્યો, ને બાઇક ચાલી નીકળી. નમ્રતા થોડી વાર સુધી જોતી રહી - દૂર સુધી! બાઇક નહોતું દેખાતું, પણ નમ્રતાની આંખોને સાંજનો ઇન્તજાર હતો.