Yoddha Angad books and stories free download online pdf in Gujarati

યોદ્ધા અંગદ

#શ્રીરામે #અંગદ ને કહ્યું કે અંગદ તમે લંકામાં જાઓ. રાવણને મળો એની સાથે એવી વાત કરજો કે
જેથી આપણું કામ થાય અને શત્રુનું ભલું પણ થાય. શ્રીરામ શત્રુના પણ હિતેષી છે. તેઓ રાવણનું પણ અહિત ઇચ્છતા નથી. તેઓ પોતાને રાવણના શત્રુ માનતા નથી,તેમની શત્રુતા “રાવણત્વ” સાથે છે. રાવણ નું પણ કલ્યાણ કરવાની કામના તેમના મનમાં છે.

અંગદ ને જોતાં રાક્ષસો ના મનમાં ભય થયો. બધા રાક્ષસો કહે છે કે પેલો લંકા બાળીને ગયો હતો તે પાછો આવ્યો. હાય,હવે શું થશે ? ભયભીત બની બધા અંગદને જોઈને નાસવા લાગ્યા કે સંતાવા લાગ્યા. અંગદે એકને પકડ્યો તો તેણે વગર પૂછ્યે જ રાવણના દરબારનો રસ્તો બતાવી દીધો. અંગદ રાવણના દરબારમાં આવ્યો. તેણે જોતાં જ સભાસદો ઉઠીને ઉભા થયા. માન આપવું નહોતું છતાંયે બીકના માર્યા બધા ઉભા થઇ ગયા. બધા એને હનુમાનજી સમજતા હતા અને મનમાં વિચારતાં હતા કે એકવાર આ લંકા બાળી ગયો શી ખબર આ વખતે શું કરશે ?

અંગદે સીધા જ રાવણને કહ્યું કે હે,રાવણ હું રઘુવીરનો દૂત છું. મારા પિતાને અને તમારે મિત્રતા હતી તે સંબંધે હું તને સલાહ આપવા આવ્યો છું કે તું શ્રીરામને શરણે આવ અને સીતાજીને પાછા સોંપી દે તેમાં જ તારું કલ્યાણ છે. રાવણે કહ્યું કે અરે મૂઢ કયા સંબંધે તું મને તારા બાપનો મિત્ર કહે છે?કોણ છે તું? અંગદે કહ્યું કે મારું નામ અંગદ હું કિષ્કિંધા પતિ વાલીનો પુત્ર છું. વાલીનું નામ સાંભળતા જ રાવણના મોં પરથી નુર ઉડી ગયું. તેમ છતાં હિંમત ધરી બોલ્યો કે ઓહ,તું વાલીનો પુત્ર. તું બાપે કાઢી મુકેલા, પેલા વનવાસી ભિખારી રામનો દૂત બનીને આવ્યો છે ? પછી મશ્કરીમાં કહે છે કે તારો બાપ તો કુશળ છે ને ? (રાવણ જાણે છે કે રામે વાલીને માર્યો હતો.એટલે રામની સામે ઉશ્કેરવા અને તેને પોતાના પક્ષે લેવા આમ કહે છે.)

પણ અંગદ પણ ક્યાં કાચો હતો ?એણે સામો એવો જ ઘા કર્યો. “મારા બાપના કુશળ તું મને શું કામ પૂછે છે ? દશ દિવસ પછી તું એમની પાસે જ જવાનો છે. ત્યારે તેમને જ પૂછી લેજે ને. તું મને કુલાંગાર કહે છે પણ તું પોતે કેવો કુલદીપક છે તે હું જાણું છું. રાવણે કહ્યું કે હું નીતિ અને ધર્મ જાણું છું તેથી તને બોલવા દઉં છું નહિ તો હમણાં તારી જીભ ખેંચી નાખું. અંગદ કહે છે કે તારી અધર્મશીલતા તો જગ જાહેર છે તેં પારકી સ્ત્રીને ચોરી આણી છે.

રાવણ હવે ગુસ્સે થઈને બોલ્યો અરે તુચ્છ તું મારું પરાક્રમ જાણતો નથી. મારી આ ભુજાઓએ શંકર સહિત કૈલાસને ઉઠાવ્યો હતો. મારી સામે લડે તેવો તારા સૈન્યમાંથી એક તો મને દેખાડ. રામ તો બૈરીના વિરહમાં બળી લાકડું થઇ ગયો છે. લક્ષ્મણ સાવ રાંક છે. જાંબવાન ડોસલો છે. વિભીષણ બીકણ છે. સુગ્રીવમાં કંઈ દમ નથી. હા,એક વાંદરો જોરાવર ખરો જે લંકા બાળી ગયો હતો.

હવે અંગદનો પ્રકોપ હાથ ના રહ્યો તેણે કહ્યું અરે મૂર્ખ પૃથ્વીને એકવીશ વાર નક્ષત્રિય કરનાર, પરશુરામનો ગર્વ ઉતારનાર શ્રીરામને તું મનુષ્ય કહે છે? તું એવો મોટો શૂરવીર તારી જાતને સમજતો હોય તો છાનોમાનો ચોરની પેઠે સીતાજીને શું કામ હરી લાવ્યો ? તે વખતે રામ સામે લડવામાં તારી શૂરવીરતા ક્યાં ગઈ હતી ? હે દુષ્ટ શ્રીરામને તો વળી કોની બીક ? અરે, મને પણ તારી કોઈ બીક નથી. મને શ્રીરામનો હુકમ નથી. નહીં તો હમણાંજ તને જમીન પર પટકીને આખી લંકાને ઉજ્જડ કરીને સીતાજી ને લઇ જાઉં.

રાવણ કહે છે કે “નાના મોઢે મોટી વાત ના કર. તારામાં કે તારા રામમાં શું બળ્યું છે તે હું જાણું છું. તમને કોઈને પણ હું કોઈ વિસાતમાં ગણતો નથી. તારો રામ તો માનવ-દેહ ધારી મગતરું છે.” અંગદથી હવે શ્રીરામની નિંદા સહન ના થઇ અને તેણે ગુસ્સામાં આવી જોરથી પોતાના બે હાથ પૃથ્વી પર પછાડ્યા. ધરતી ધ્રુજી ઉઠી. રાક્ષસો આસનો પરથી ગબડી પડ્યા. ખુદ રાવણ પણ આસન પરથી પડતાં પડતાં માંડમાંડ બચ્યો પણ એના માથા પરથી દશે મુગટ જમીન પર પડી ગયા.

અંગદ કહે છે કે અરે દુષ્ટ રાવણ તારે શું હજી મારું બળ જોવું છે? આમ કહી અંગદે થાંભલાની પેઠે પોતાનો પગ જમીન પર રોપ્યો.ને હાકલ કરી કે “વાનરને પકડવાની કે મારવાની વાત પછી કરજે પણ પહેલાં મારો પગ અહીંથી હટાવ. જો તું હટાવી શકે તો તું જીત્યો ને રામ હાર્યા” પછી મનમાં શ્રીરામને પ્રાર્થના કરી કે પ્રભુ તું બોલાવે તેમ હું બોલું છું મારી લાજ તમારે હાથ છે. ભક્તનો ભગવાન પર કેટલો અધિકાર છે કે ભક્ત ભગવાનને પણ હોડમાં મૂકી શકે છે અને ત્યારે ભક્તની લાજ એ ભગવાનની લાજ બની જાય છે ને ભગવાને ભક્તની લાજ સાચવવી પડે છે. અહીં ભક્ત અંગદે ભગવાન શ્રીરામની હાર-જીત હોડમાં મૂકી દીધી છે.

રાવણે પોતાના યોદ્ધાઓને હુકમ કર્યો કે આ ઠીક લાગ છે. હટાવો ને ખેસવી નાખો આ વાંદરાના પગને. પછી છો ને એ લંગડો થતો. પણ અંગદનો પગ હટાવવા રાક્ષસોએ એવું જોર કર્યું કે તે જોરમાં પોતે જ ઉછાળીને હેઠે પડ્યા ને લૂલા-લંગડા થયા. સભામાં સૂનકાર થઇ રહ્યો. ત્યારે ઇન્દ્રજીત ઉઠયો પણ અંગદનો પગ એક તસુભાર પણ ખસેડી શક્યો નહિ. બધા થાકીને નીચું મોં કરીને બેઠા. ત્યારે છેવટે રાવણ ઉભો થયો. અને અંગદનો પગ હટાવવા જેવો નીચો નમ્યો કે તરત અંગદ ખડખડાટ હસીને બોલ્યો કે અરે,દશાનન મને શું કામ પગે પડે છે રામજીને પગે પડ તો તારો ઉદ્ધાર થઇ જશે. રાવણ શરમાઈને ત્યાંથી જ પાછો ફર્યો. તેને ખાતરી થઇ ગઈ કે આ રામનો સેવક જેવો બળવાન છે. તેવો બુદ્ધિમાન પણ છે. તેના મોં પરથી નુર ઉડી ગયું ને નીચું મોં કરી સિંહાસન પર બેસી રહ્યો.

Share

NEW REALESED