Chakravyuh - 1 in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 1

ચક્રવ્યુહ... - 1

ભાગ-૧

RUPESH GOKANI

“આજે તેનો ઇન્ટરવ્યુ હતો. ઇન્ટરવ્યુની તેને ચિંતા પણ હતી અને બીજી બાજુ તે એકદમ ખુશ પણ હતો. ખુશી અને ચિંતા વચ્ચે ઝોલા ખાતા તેને રાત્રે ઊંઘ પણ બહુ ઓછી આવી હતી. છેલ્લા એક વર્ષથી જે કંપનીમાં પોસ્ટ મેળવવા માટે તે તૈયારી કરતો હતો તે દિવસ આવી ચુક્યો હતો, હવે બસ એક રાત બાકી હતી.   ખન્ના ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દિલ્હીની ખુબ જ ખ્યાતનામ કંપની હતી. ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ તેની શાખા વિસ્તરેલી હતી. કોઇપણ વ્યક્તિ આ કંપનીમાં નોકરી મળે તેને પોતાનુ સદભાગ્ય સમજતા પરંતુ જેની વિખ્યાતી આટલી મોટી હોય તે કંપનીમાં સરળતાથી નોકરી મળી શકતી નહી.   એ જ કંપનીમાં નોકરી મેળવવા છેલ્લા એક વર્ષથી રોહન ઉપાધ્યાય પર્શનાલીટી ડેવલપમેન્ટ, જનરલ નોલેજ, માઇન્ડ શાર્પનેશ જેવા અનેક ક્લાસ કર્યા હતા. રોહને માત્ર જ્ઞાનને જ એકમાત્ર પરિબળ માન્યુ ન હતુ પરંતુ પોતાની પર્શનાલીટી અસરકારક છાપ છોડી જાય તે માટે તેણે અનેક મલ્ટીનેશનલ કંપની દ્વારા લેવામાં આવતા અનેક ઇન્ટરવ્યુ પર ઘણુ શંશોધન કર્યુ હતુ. “ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન” કહેવત મુજબ તે કોઇપણ ખતરો ઉઠાવવા માંગતો ન હતો.

“ઓહ માય ગોડ, છ વાગી ગયા??? આજના આટલા ઇમ્પોર્ટન્ટ દિવસે પણ મારી ઊંઘ કેમ ન ઉડી?” પોતાના પર જ પોતાનો ગુસ્સો ઠાલવતો તે ફ્રેશ થવા બાથરૂમ તરફ દોડ્યો. ઇન્ટરવ્યુ માટે તૈયાર થવા લગભગ બે કલાક જેવો તેણે સમય લીધો. તૈયાર થઇ પોતાની ફાઇલ લઇ તે ઇન્ટરવ્યુ સ્થળે જવા નીકળી ગયો, આજે કોઇપણ ભોગે તે સમય ચુકવા માંગતો ન હતો. રસ્તામાં જ આવતા મંદિરે દર્શન કરી મનમાં દ્રઢ સંકલ્પ સાથે તે પોતાના ધ્યેયને પાર પાડવા તરફ નીકળી ગયો.   “યેહહહહ...... વેરી ગુડ રોહન, નિયત સમય કરતા તુ પંદર મીનીટ વહેલો છે.” મનોમન પોતાને શાબાશી આપતો તે રીશેપ્શનીશ્ટ પાસે ગયો ત્યાં જ તેને ખબર પડી કે તેનો ક્રમ ૫૬ છે, ત્યારે પોતાને મનોમન થયેલો ગર્વ બધો પાણીમાં બેસી ગયો.   ઇન્ટરવ્યુ સ્થળ પર ધીમે ધીમે ભીડ વધવા લાગી હતી. એક જ પોસ્ટ માટે આટલા ઉમેદવારોને જોઇને રોહન પણ મુંઝાઇ ગયો. આવનાર દરેક ઉમેદવારોને એક ટોકન આપવામાં આવ્યુ હતુ જેમાં તેમનો ઇન્ટરવ્યુનો ક્રમ લખવામાં આવેલો હતો અને તે ક્રમ મુજબ જ ઉમેદવારોએ ઇન્ટરવ્યુ માટે ઓફીસમાં જવાનુ હતુ. ઇન્ટરવ્યુ માટે ઓફીસમાં અંદર જવા અને બહાર નીકળવાના બન્ને રસ્તા અલગ અલગ હતા.

ઇન્ટરવ્યુ હોલમાં ઉમેદવારોનો સ્ટ્રેસ દૂર કરવા માટે જુદી જુદી ભાષાના સમાચારપત્રો, સામયિકો અને અમુક પુસ્તકો રાખવામાં આવ્યા હતા. થોડી થોડી વારે ઉમેદવારોને ઠંડુ પાણી અને કોલ્ડ ડ્રીન્ક્સ આપવામાં આવી રહ્યુ હતુ. હોલમાં ટીવી પણ ચાલુ હતુ છતાય બધાના ચહેરા પર ઇન્ટવ્યુનો ભાર સાફ સાફ તરી આવતો હતો. કૃત્રીમ હાસ્ય મુખ પર સજાવી બધા એકબીજા સામે જોઇ રહ્યા હતા બાકી બધાને મનોમન ખબર જ હતી કે દરેક એકબીજાના પ્રતિસ્પર્ધી છે.   ઇન્ટરવ્યુ માટે આવનાર યુવતીઓ પોતાના સ્વભાવ પ્રમાણે એકબીજા સાથે થોડી વાતો અને મસ્તી કરી લેતી હતી. ઇશ્વરે સ્ત્રીઓને આ એક વિશિષ્ટ શક્તિ આપેલી છે કે ગમે તેવા ગંભીર માહોલમાં પણ તે વાતચીત અને હાસ્યવિનોદ કરી લે છે. સામે ભલેને અજાણી યુવતી હોય પણ બે મીનીટમાં જ તે એકબીજા સાથે ઓળખ સ્થાપી લે છે અને વાતો કરવામાં સરી પડે છે.

રોહને ખન્ના ગૃપના એમ.ડી. મિસ્ટર સુરેશ ખન્ના વિષે ઘણી માહીતી એકઠી કરી હતી. સુરેશ ખન્ના ખુબ જ શિસ્તબધ્ધ અને સ્વભાવે એકદમ કડક હતા. અનુશાસનના તેઓ ખુબ જ આગ્રહી હતા. તેની કંપનીમાં કામ કરનાર દરેક કર્મચારીઓને હંમેશા સાવધ અને કાર્યશીલ રહેવુ પડતુ. નાની અમથી ચુક પણ તેઓ સહન કરી શકતા નહી અને તરત જ ભૂલ કરનાર કર્મચારીને પાણીચુ પકડાવી દેતા છતા પણ આ કંપનીમાં જોબ માટે આવનારનો હંમેશા ધસારો રહેતો. તેનુ મુખ્ય કારણ બીજી કંપનીઓની સરખામણીમાં ઊંચો પગાર અને બીજી અનેક સગવડો હતી. દરેક કર્મચારીને તેની કાર્યક્ષમતા મુજબ જ પગાર ચુકવાતો. આજે માત્ર ત્રણ પોસ્ટ માટે ઉમેદવારોની નિમણૂક માટે યુવાન યુવતીઓ દૂર દૂરના શહેરોમાંથી આવ્યા હતા.

આજના ઇન્ટરવ્યુની બીજી એક વિશિષ્ટ બાબત એ હતી કે આજનો ઇન્ટરવ્યુ સુરેશ ખન્નાની એકની એક દિકરી કાશ્મીરા ખન્ના લેવાની હતી. હાલમાં જ વિદેશમાં બીઝનેશ મેનેજમેન્ટનો કોર્ષ પુરો કરી તે તેના પિતાજી સાથે બીઝનેશમાં જોડાઇ હતી. કાશ્મીરા પણ તેના પિતાજીની જેમ જ શિસ્તબધ્ધ અને અનુશાસનમાં માનનારી હતી. આ ઇન્ટરવ્યુ તે પ્રથમ વખત લઇ રહી હતી.

“મિસ્ટર શ્રોફ, ખાસ ધ્યાન રહે કે ઇન્ટરવ્યુમાં કોઇપણ પ્રકારની ભૂલ ન થાય.”   “યસ મેડમ. જે પ્રમાણે આપણુ પ્લાનીંગ છે એ મુજબ જ ઇન્ટરવ્યુ થશે.”   “મિસ્ટર ઐયર, પ્લીઝ યુ બોથ ગાઇડ મી એઝ ધીસ ઇઝ માય ફર્સ્ટ ઇન્ટરવ્યુ.”   “શ્યોર મેડમ.” સુરેશ ખન્નાની પુત્રી કાશ્મીરા ખન્ના અને કંપનીના બીજા બે અનુભવી મેનેજર ગણપત શ્રોફ અને સુબ્રતો ઐયરને રોહને ઓફીસમાં જતા જોયા એટલે તે સમજી ગયો કે હવે થોડી જ વારમાં ઇન્ટરવ્યુ શરૂ થઇ જશે.   ઓફીશીયલ સુચનાઓ અને જરૂરી કાર્યવાહી બાદ ઇન્ટરવ્યુ શરૂ કરવામાં આવ્યુ. ધીમે ધીમે એક પછી એક ઉમેદવારો અંદર જવા લાગ્યા. તેમાનાં અમુક યુવાન યુવતીઓ તો થોડી પળોમાં જ ઉદાસ ચહેરે બહાર નીકળતા હતા જ્યારે અમુક યુવાનોના ચહેરા પર ખુશીના ભાવ અંકિત થતા દેખાઇ રહ્યા હતા, જેના પરથી લાગી રહ્યુ હતુ કે તેમનુ ઇન્ટરવ્યુ ખુબ સારૂ રહ્યુ હશે.   લગભગ એકાદ કલાક બાદ રોહનના નામની અંદરથી જાહેરાત થતા તે સ્વસ્થ થતો અંદર ગયો.   “હેલ્લો મિસ્ટર ઉપાધ્યાય, પ્લીઝ હેવ અ શીટ.” અંદર આવતા જ સુબ્રતો રોયે રોહનને બેસવા માટે જહ્યુ.   “થેન્ક્સ સર.”

“વ્હોટ વુડ યુ લાઇક ટુ હેવ મિસ્ટર ઉપાધ્યાય, ટી ઓર કોફી?” કાશ્મીરાએ પોતાના જ અંદાજમાં બહુ સામાન્ય પ્રશ્ન પુછ્યો.   “થેન્ક્સ મેડમ, પણ હું અહી ઇન્ટરવ્યુ માટે આવ્યો છું, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, આપણે ઇન્ટરવ્યુ તરફ આગળ વધીએ?”   “ગુડ મિસ્ટર રોહન, હું તમારા જવાબથી પ્રભાવીત છું.” કાશ્મીરાએ અભીનંદન આપતા કહ્યુ.   લગભગ વીસ મીનીટ સુધી રોહન સાથે ઇન્ટરવ્યુમાં જુદા જુદા વિષયો પર ચર્ચા કરી અને રોહને પણ બધી બાબતો પર ઉંડાણથી અભ્યાસ કરેલો હોવાથી પુછવામાં આવેલા દરેક પ્રશ્નના તેણે ખુબ જ આત્મવિશ્વાસથી જવાબ આપ્યા. ગણપત શ્રોફ, સુબ્રતો ઐયર અને ખાસ કરીને કાશ્મીરા ખન્ના પણ રોહનના જવાબથી પ્રભાવીત થયા હોય તેવુ રોહનને લાગ્યુ.

બહાર નીકળતા જ રોહન ખુબ ખુશ જણાતો હતો કારણ કે તેને લાગ્યુ કે પોતાનુ ઇન્ટરવ્યુ ખુબ સારૂ ગયુ છે પણ રોહન એ પણ જાણતો હતો કે ખન્ના ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના માપદંડ ખુબ જ ઊંચા છે અને વધુમાં હજુ પાછળ લગભગ ૨૫૦ જેવા ઉમેદવારો બાકી હતા અને એ પણ બની શકે કે એ બસો પચાસમાંથી પોતાનાથી પણ વધુ ચડિયાતુ હોઇ શકે. બેકારીના સમયમાં યુવાનો આટલી સારી જોબ માટે પુષ્કળ તૈયારીઓ કરતા જ હોય છે તે રોહનનો જાત અનુભવ હતો.

ઇન્ટરવ્યુ સ્થળેથી નીકળ્યા બાદ રોહન ભગવાનના દર્શન કરી ઘર તરફ નીકળી ગયો. આખા રસ્તે મનોમન તે મલકાઇ રહ્યો હતો કારણ કે તેની ધારણા હતી તેના કરતા પણ તેનુ ઇન્ટરવ્યુ વધારે સારૂ ગયુ હતુ. એક અઠવાડીયા બાદ સિલેક્ટ થયેલા ઉમેદવારોને કોલ લેટર મળવાના હતા અને કોલ લેટર મળ્યા બાદ એક મહિના સુધી ટ્રેનીંગ લીધા પછી અને એક મહિના સુધી ઓફિસ વર્ક બાદ ફાઇનલ સિલેકશન થવાનુ હતુ.   રોહનનો પરિવાર ગુજરાતના ઉત્તર છેડે કચ્છમાં રહેતો હતો આથી તેણે એક અઠવાડીયા સુધી પોતાના વતન ભુજ જવાનુ નક્કી કરી લીધુ અને તે દિવસે જ રાત્રે તે ભુજ જવા નીકળી ગયો.

“જય શ્રી કૃષ્ણ પપ્પા.” ઘરે પહોંચતા જ રોહને દ્વારેથી જ પપ્પાને અભીવાદન કર્યા.   “અરે બેટા, તુ આવ્યો? ન કાંઇ ફોન કે ન કાંઇ જાણ, આમ અચાનક આવી ગયો તે બધુ ઠીક છે ને?” કર્મકાંડ અને ધાર્મીક વૃતિ ધરાવતા શ્રી પ્રકાશભાઇએ રોહનને જોતા જ તેના હાલચાલ પુછવાનુ શરૂ કરી દીધુ.   “આઇ એમ ઓકે પપ્પા. તમને અને મમ્મીને મળવાનુ મન થયુ તે હું આવી પહોંચ્યો માદરે વતન.” રોહને તેના પપ્પાને પગે લાગતા કહ્યુ.

“રોહનની મા, બહાર તો આવ, તારા પુનમના ચંદ્ર સમાન તારો લાડકવાયો પુત્ર આવ્યો છે, આજે તો લાપસીના આંધણ મુકો.”

“રોહન??? મારા લાલ, તને જોવા તો મારી આંખો તરસી ગઇ હતી. હવે અહીથી જવા નહી દઉ તને. અહી પણ ઘણી સારી નોકરી છે. અહી મારી નજરની સામે રહીને જ તારે નોકરી ધંધો જે કરવો હોય તે કરજે પણ હવે દિલ્હી જવાનું નામ લેવાનુ નથી.” રોહનને લાડ કરતા માતા કૌશલ્યાબેન બોલવા લાગ્યા.   “અરે રોહનની મા, તારો દિકરો હવે જુવાન થઇ ગયો છે અને તું તો એમ વર્તે છે જાણે હજુ પણ એ ઘોડીયે સુતો તારો મુનયો જ છે.”

“મા માટે દિકરો જુવાન થાય કે એક દિકરાનો બાપ થાય તો પણ તે નાનકડો જ રહે છે, સમજ્યા કે કાંઇ? અને તમે મને સલાહ તો આપો છો પણ ઘણી વખત આખી આખી રાત તમને ઊંઘ નથી આવતી તેનુ કારણ મારાથી છાનુ નથી.”

“હવે અહી જ દિકરાને ઉભો રાખવાની ઇચ્છા છે કે પછી તેને આરામ પણ કરવા દઇશ?”

“હા દિકરા, તું તારે આરામ કર. બહુ લાંબી સફરથી આવ્યો છે.”

આજે પ્રકાશભાઇ અને કૌશલ્યાબેન માટે તો જાણે દિવાળીનો તહેવાર હોય તેમ રોહન આવવાની ખુશીમાં જાતજાતના પકવાન બનવા લાગ્યા.

“મા આ શું છે બધુ? તને તો ખબર છે ને કે હું બહુ મિષ્ટાન્ન ખાતો નથી છતા નાહક કેમ હેરાન થાય છે?” ફ્રેશ થઇ નીચે આવતા રોહને કહ્યુ.   “આજે તારી એક વાત નહી માનવામાં આવે. આ ઘારી, ચુરમાના લાડુ, લાપસી એ જ બધુ તને મારા હાથે જમાડીશ. બહુ આવ્યો વળી મિષ્ટાન્ન ન ખાવાવાળો. એમ કાંઇ ક્યારેક મિઠાઇ ખાધે તુ કાંઇ જાડૉ નહી થઇ જા.”

“મા, તુ તો ખોટુ લગાડી બેઠી. તુ કહે છે તો આ જ બધુ જમીશ અને એ પણ તારા હાથે. હવે તારા ચહેરા પર લાખોની સ્માઇલ લઇ આવ.” કહેતા રોહન અને તેની માતા બન્ને હસી પડ્યા.

“મા, હું મિત્રોને મળવા જાઉં છું. બપોરે જમવા સુધીમાં આવી જઇશ.” પોતાની બાઇક પરથી જ મા ને બૂમ પાડતો રોહન પોતાની ટોળકીને મળવા નીકળી ગયો.   “યાર, તારે તો જલસા છે હો રોહન. દિલ્હી જઇને તો તુ એકદમ બદલાઇ ગયો.”

“જીગર, એવુ કાંઇ નથી, હું તમારો જ રોહન છું જે તમારી સાથે દરેક મોજ મસ્તીમાં સૌથી આગળ રહેતો.”

“યાર, અચાનક તુ આવી ગયો. ગયા અઠવાડીયે આપણે વાત થઇ ત્યારે તો તુ ના કહેતો હતો.” મનદીપે પુછ્યુ.   “હા મનદીપ, મારુ આવવાનુ કાંઇ નક્કી ન હતુ, આપણે વાત થઇ એ મુજબ મે ખન્ના ગૃપ ઓફ ઇન્ડ્સ્ટ્રીઝમાં ઇન્ટરવ્યુ આપી દીધુ પણ હવે સિલેક્શન થયુ કે નહી તે એક અઠવાડીયા પછી ખબર પડવાની છે તો વિચાર્યુ કે ચાલો માદરે વતન.”   “યાર સારૂ તુ આવી ગયો, તારા વિના અમને પણ આપણી આ ટોળકી અધુરી જ લાગે છે.” અભયે રોહનનો ખભો દબાવતા કહ્યુ.   “યારો, હું પણ તમને બધાને ખુબ જ યાદ કરું છું. પણ શું થાય, જોબ માટે અને સારા ભવિષ્ય માટે આ બધુ જરૂરી જ છે.”

“રાઇટ, હવે બહુ ઇમોશ્નલ થવાનુ છોડી ચાલો રોહનને ભાવતી આઇટમ ખવડાવીએ.” મનદીપે આંખ મીચકરતા કહ્યુ અને બધા મિત્રો હસી પડ્યા.   “એ મન્યા, રહેવા દે’જે. તને તો ખબર છે હું તીખુ વધારે ખાઇ શકતો જ નથી. મારે કચ્છી દાબેલી નથી ખાવી.”   “અરે એ તો ચાલશે જ નહી, તને આપણી દોસ્તીની કસમ. એક તો ખાવી જ રહી તારે.” કહેતા બધા મિત્રો પહોંચી ગયા મસ્તરામ દાબેલીવાળા પાસે.   “કાકા, રોહન આવ્યો છે. તમારી સ્પેશીયલ દાબેલી બનાવી દ્યો અમને બધાને.” જીગરે આંખથી કાંઇક ઇશારો કરતા ઓર્ડર આપી દીધો.   “કાકા મારી પ્લેટમાં તીખી ચટણી નહી પ્લીઝ.” રોહને આજીજીના સ્વરે કહ્યુ.   “હા દિકરા, તુ ક્યાં પહેલીવાર આવ્યો છે અહી તે મને ખબર ન હોય કે તુ મીઠી દાબેલી જ ખાય છે.”

“પણ કાકા, દર વખતે તમે કાંઇ ને કાંઇ બહાનુ કરી મને તીખી દાબેલી જ ખવડાવી દ્યો છો.” રોહન બોલ્યો ત્યાં બધા ખડખડાટ હસી પડ્યા.   “લો બેટા, આ તારી મીઠી પ્લેટ અને આ તમારા બધાની પ્લેટ.”

“પાણી....... પાણી....... કાકા, જલ્દી પાણી આપો.....” રોહને ડરતા ડરતા એક બાઇટ જેવો તે મોઢામાં મુક્યો કે બરાડી ઉઠ્યો અને બધા તેનો લાલ ચટ્ટક ચહેરો જોઇ જોરજોરથી હસી પડ્યા.   “મન્યા, આજે તારી ખેર નથી.” કહેતો રોહન તેની પાછળ દોડ્યો.

“રોહન બેટા પાણી તો પીતો જા.” મસ્તરામકાકાએ  પાછળથી તેને બોલાવ્યો પણ રોહન સાંભળે તો ને.   “શું કામ બીચાળાને હેરાન કરતા હોવ છો??? જ્યારે આવે ત્યારે એકવાર તો તમે આ મજાક કરો જ.” મસ્તરામકાકાએ રોહનના મિત્રોને ટોકતા કહ્યુ.   “કાકા આ તો સાચી મજા છે મિત્રતાની.” જીગરે કહ્યુ અને પૈસા આપી પોતપોતાની બાઇકમાં નીકલ્યા.   “અભય તુ રોહનની બાઇક લઇ લે, ખબર જ છે, બન્ને ક્યાં બેઠા હશે.” કહેતા બધા ત્યાંથી નીકળી ગયા.

******  

“બેટા, એક વાગવા આવ્યો. તુ આવે છે ને જમવા માટે, અમે બન્ને તારી રાહ જોઇએ છીએ.”

“હા પપ્પા, બસ આવુ જ છું. જસ્ટ પાંચ મીનીટમાં પહોંચ્યો.” કહેતા રોહને ફોન કટ કરી દીધો અને મિત્રોની રજા લઇ તે ઘરે જવા નીકળી ગયો.

“બેટા તુ અચાનક આવી ગયો અહી, બધુ ઠીક તો છે ને?” જમતા જમતા પ્રકાશભાઇએ ચિંતીત સ્વરે પુછ્યુ.   “હા પપ્પા, બધુ ઠીક જ છે. ખન્ના ગૃપ નામની એક મલ્ટીનેશનલ કંપનીમાં મે ઇન્ટરવ્યુ આપ્યુ છે અને તેનો જવાબ એક અઠવાડીયા બાદ આવવાનો છે, તો વિચાર્યુ કે આ એક વીક પરિવાર સાથે વિતાવુ એટલે દોડતો આવી ગયો માદરે વતન.”    “સારૂ બેટા. ભગવાન કરે તને ઇન્ટરવ્યુમાં સફળતા મળે.” કહેતા પ્રકાશભાઇએ ભગવાન સામે હાથ જોડ્યા.

******  

“રોહન તૈયાર છે ને તુ?” સાંજે પાંચ વાગ્યે મનદીપે ફોન પર પુછ્યુ?   “અરે તૈયાર? કઇ બાજુ જવાનો વિચાર છે?”   “યોર એન્ડ માય અલ્સો ફેવરીટ પ્લેસ, માંડવી બીચ.” નીરજ કાર લઇને આવે છે. તુ રેડ્ડી રહેજે, અમે આવીએ છીએ તને પીક અપ કરવા.”   “ઓ.કે. , જ્સ્ટ વેઇટ હાલ્ફ એન અવર.”

“ઓ.કે. ડન.”

“રોહન....... જલ્દી આવ. પ્લીઝ.” કારનું હોર્ન મારતા નીરજે બૂમ મારી.   “આઇ એમ રેડ્ડી, લેટ્સ ગો.” સ્લીમ ફીટ વ્હાઇટ શર્ટ અને બ્લ્યુ જીન્સમાં આવ્તો રોહન બોલ્યો.

“અરે યાર, અમારો પણ વારો આવવા દે’જે હો ભાઇ. અમે પણ હજુ કાચા કુંવારા જ છીએ.” મનદીપે મજાક કરતા કહ્યુ.

“અરે મારા કાચા કુંવારા મિત્ર, તારો વારો આવે એટલે જ તો હું સીમ્પલ કપડામાં આવ્યો છું, બાકી ધારુ તો કોઇ પણ છોકરીને મારી પાછળ પાગલ બનાવી શકું, સમજ્યો?” મનદીપનો કાન પકડતા રોહને આંખ મીચકારી અને બધા મિત્રો ખડખડાટ હસી પડ્યા.   “કેમ ભાઇ, હવે મોડુ થતુ નથી? લેટ્સ ગો યાર.”

ગાડી વાયુવેગે માંડવી તરફ દોડવા લાગી. ગાડીમાં ઊંચા અવાજે ગીત વાગી રહ્યા હતા અને બધા મિત્રો એકબીજાની મજાક મસ્તી કરતા જઇ રહ્યા હતા. ખાસ કરીને રોહન જ બધાની મસ્તીનું કેન્દ્ર બની ગયો હતો. રોહનના આવવાથી બધા ખુબ ખુશ હતા.   “વાઉ........... વ્હોટ અ શીન!!!” અભયે માંડવી બીચનો નજારો જોતા બોલી ઉઠ્યો.   “અભય, ક્યા શીનની વાત કરે છે તુ, બીચના સાંજના નજારાનો કે પછી સામે વીહાર કરતી બ્યુટી ક્વિન્સનો નજારો????” રોહને પુછ્યુ.   “રોહન યાર, મરાવીશ તુ પણ, આવતાવેંત જ તે આકર્ષણ જમાવવાનુ શરૂ કરી દીધુ.”   “યાર હું સુંદરતાનો પુજારી છું, યાદ છે ને?”

“સુંદરતાનો કે સુંદર સુંદર યુવતીઓનો?”   “બસ કર યાર, લેટ્સ એન્જોય અવરસેલ્વસ.”

બધા મિત્રોએ માંડવી બીચ પર ખુબ મોજ મસ્તી કરી. હાઇ વે પર રાત્રી ભોજન લઇ બધા ભુજ જવા રવાના થયા.

“પ્લીઝ સ્ટોપ ધ કાર મનદીપ.” અચાનક રોહને બૂમ પાડી, એ સાંભળી બધા ચોંકી ગયા અને મનદીપે જોરથી કારને બ્રેક લગાવી દીધી. 

વધુ આવતા અંકે

Rate & Review

Nalini

Nalini 1 day ago

Ruchi

Ruchi 3 weeks ago

Dilip Thakker

Dilip Thakker 4 weeks ago

Hemal nisar

Hemal nisar 4 weeks ago

Kalpesh Godhani

Kalpesh Godhani 4 weeks ago