Prayshchit - 76 books and stories free download online pdf in Gujarati

પ્રાયશ્ચિત - 76

પ્રાયશ્ચિત પ્રકરણ 76

जिंदगी के सफर में गुजर जाते हैं जो मकाम............ वह फिर नहीं आते
वह फिर नहीं आते

सुबह आती है... रात जाती है
वक्त चलता ही रहता है रुकता नहीं
एक पल में यह आगे निकल जाता है ।

સાવ સાચી વાત કહી છે. એક વર્ષનો સમય ક્યાં વીતી ગયો ખબર પણ ના પડી !!

કેતન ગાડી લઈને શિવાનીને કોલેજ માં મૂકવા જઈ રહ્યો હતો ત્યારે એફ.એમ રેડિયો ઉપર ગુલઝારનું આ ગીત વાગી રહ્યું હતું.

ભવન્સ એ.કે દોશી મહિલા કોલેજમાં છ મહિનાથી શિવાનીનું એડમિશન લઈ લીધું હતું. રોજ સવારે એ શિવાનીને મૂકવા જતો હતો.

શિવાનીને કોલેજ ઉતારીને ગાડી ધીમે ધીમે એણે ઘર તરફ લીધી. રેડિયોમાં સાંભળેલા ગીતે એ થોડો ઈમોશનલ થઈ ગયો.

સમયને પસાર થતાં વાર લાગતી નથી આજે જ..... બરાબર આજે જ ૨૨ મી જાન્યુઆરીએ એક વર્ષ પહેલાં એણે નવા બંગલામાં વાસ્તુ કર્યું હતું. આજે એને એક વર્ષ પૂરું થયું હતું. ઘણું બધું બની ગયું હતું આ એક વર્ષમાં.

" જાનકી તને ખબર છે ? આપણા મકાનના વાસ્તુને આજે એક વર્ષ પૂરું થયું. ગયા વર્ષે બરાબર આ જ તારીખે ઘરમાં કેટલી બધી ધમાલ હતી !! આખું ઘર ભર્યું ભર્યું હતું. પંડિતોના મંત્રોચ્ચાર ચાલતા હતા. વર્ષ ક્યારે પૂરું થઈ ગયું ખબર પણ ના પડી !!" ઘરે આવીને કેતન સોફામાં બેઠો અને જાનકી સાથે વાતો શરૂ કરી.

" તમારી વાત એકદમ સાચી છે કેતન. સમય જોતજોતામાં પસાર થઈ જાય છે. જાણે ગઇ કાલે જ પ્રસંગ બન્યો હોય એટલો આપણા મનમાં એ તાજો છે. " જાનકી બોલી.

" આપણા લગ્નને પણ એક વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો છતાં તું હજુ એવી ને એવી જ ફૂલગુલાબી દેખાય છે." કેતન હસીને બોલ્યો.

" આજે સવાર સવારમાં સાહેબ નો મૂડ કંઇક જુદો લાગે છે. વાતનો વિષય બદલો. દક્ષા માસી કિચનમાં છે અને જશી પણ ઘરમાં છે. વોશિંગ મશીનમાં કપડાં ધોઇ રહી છે. " જાનકી બોલી.

" બીજું ગમે તે હોય પણ માણસો આપણને બધા જ સારા મળ્યા છે. પછી ઓફિસ સ્ટાફની વાત હોય કે ઘરકામની વાત હોય ! " કેતન બોલ્યો.

" એ બાબતમાં તો હું પણ નસીબદાર છું. આશ્રમમાં પણ મને કોઈ કંઈ કરવા દેતું નથી. ત્યાંનો સ્ટાફ પણ ખડે પગે હોય છે. ત્યાં વડીલો પણ મને ખૂબ જ રિસ્પેક્ટ આપે છે. " જાનકી બોલી.

" એટલે જ તો આપણા વૃદ્ધાશ્રમની જવાબદારી તને સોંપી છે. ઘરે બેઠા તારો ટાઇમ જાય નહીં. આશ્રમમાં તારો સમય પણ પસાર થઈ જાય અને ઘરડાં માણસોના તને આશીર્વાદ પણ મળે. " કેતન બોલ્યો

" એમ તો ઘરે પણ શિવાનીબેન સાથે મને સમય પસાર થઇ જાય છે. ઘરે હોઉં ત્યારે આનલ પણ મને કંપની આપે છે. આનલ પાછી બહુ વાતોડિયણ છે. " જાનકી બોલી.

કેતને ઘરે ગાર્ડન ખૂબ જ સરસ બનાવી દીધો હતો. મહેંદીની વાડ માળીએ સરસ રીતે કાપીને ડિઝાઇન બનાવી હતી. ગુલાબ મોગરા જાસુદ બારમાસી અને રાતરાણીના છોડ માળીએ રોપેલા હતા અને અત્યારે બધા છોડ સુગંધી ફૂલોથી મઘમઘતા હતા. તુલસીના બે વિશાળ છોડ પણ ખૂબ ખીલ્યા હતા.

રોજ સાંજે કેતન અને જાનકી અથવા શિવાની અને જાનકી હિંચકા ઉપર બેસીને ખુલ્લી હવાનો આનંદ માણતાં હતાં. અત્યારે તો શિયાળો ચાલતો હતો પરંતુ ઉનાળામાં સાંજે ગાર્ડનમાં ખૂબ જ મજા આવતી હતી.

એ સાથે છેલ્લા એક વર્ષમાં કેતન અને જાનકીના જીવનમાં પણ ઘણાં બધાં ઘટનાચક્રો આકાર પામ્યાં હતાં !

સંતાન વગરના એકલવાયા વૃદ્ધો માટે આશ્રમ બનાવવાનું કેતનનું સપનું પણ પૂરું થઈ ગયું હતું. નાઘેડી પાસે જ ૧૦૦૦૦ વારનો મોટો પ્લોટ મળી ગયો હતો અને ત્યાં જ વિશાળ " શેઠ જમનાદાસ આશ્રમ " બનાવવામાં આવ્યો હતો. આશ્રમનું સંચાલન જમનાદાસ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી હતું.

આશ્રમમાં પુરુષોના ૧૦ અને સ્ત્રીઓના ૧૦ અલગ-અલગ ઓરડા બનાવવામાં આવ્યા હતા. દરેક ઓરડામાં ત્રણ-ત્રણ પલંગ હતા. બે ટાઈમ ભોજન માટે એક તરફ રસોડું પણ બનાવવામાં આવ્યું હતું . જમવા માટે મોટો હોલ હતો. પુરુષો અને સ્ત્રીઓ માટે ચાર અલગ બાથરૂમ ટોઇલેટ અલગ અલગ દિશામાં બનાવવામાં આવ્યાં હતાં.

આશ્રમની બાજુમાં જ એક મોટો સત્સંગ હોલ અને એક લાઈબ્રેરી પણ બનાવવામાં આવી હતી. લાઈબ્રેરી નું સંચાલન એક રીટાયર્ડ લાઇબ્રેરિયનને સોંપવામાં આવ્યું હતું.

આશ્રમની બિલકુલ બાજુ માં જ એક મોટો ગાર્ડન પણ બનાવવામાં આવ્યો હતો. બેસવા માટે ૧૦ બાંકડા મૂકવામાં આવ્યા હતા. ગાર્ડનમાં મહેંદી ની વાડ કરેલી હતી અને ચારે કોર્નર ઉપર લીમડાનાં વૃક્ષો પણ રોપવામાં આવ્યાં હતાં. વચ્ચેના ભાગમાં સુંદર ઘાસ ઉગાડવામાં આવ્યું હતું અને એક માળી ગાર્ડનની માવજત કરતો હતો.

આશ્રમમાં અત્યારે ૧૧ પુરુષો અને ૭ સ્ત્રીઓ રહેતી હતી. તેમની દેખરેખ માટે ત્રણ પુરુષ અને બે સ્ત્રી સ્વયંસેવકો ૨૪ કલાક હાજર રહેતા હતા. રસોઈ માટે કાયમી રસોઈયાની વ્યવસ્થા પણ હતી. ત્યાં સવારે રોટલી સાથે રસાવાળું શાક અને ખીચડી છાશનું ભોજન આપવામાં આવતું હતું. સાંજે માત્ર ખીચડી શાક અને છાશ પીરસાતાં હતાં.

આશ્રમના સીટીઝન પાર્કમાં શહેરમાંથી ઘણા બધા સીનીયર સીટીઝન આવતા હતા અને સાંજે ગાર્ડનમાં બેસતા હતા. કોઈ કોઈ લાઇબ્રેરીનો લાભ પણ લેતા હતા. સવારે કેટલાક જોગિંગ માટે પણ આવતા હતા.

વિશાળ સત્સંગ હોલમાં રોજ સવારે યોગા અને મેડિટેશન નો પ્રોગ્રામ થતો હતો અને ઘણા લોકો દૂર દૂરથી આવતા હતા. સાંજે અવારનવાર સત્સંગનું આયોજન થતું હતું અને ઘણીવાર બહારથી પણ વક્તાઓને બોલાવવામાં આવતા હતા. થોડા દિવસ પહેલાં ભાગવત સપ્તાહનું આયોજન પણ થયું હતું.

આશ્રમની દેખરેખ દિવસના ભાગમાં જાનકી પોતે કરતી હતી. ત્યાં એક કાયમી નર્સ પણ ગોઠવી હતી. સવાર સાંજ ડોક્ટર પણ વિઝીટ કરી જતો હતો. વૃદ્ધોની સેવા માટે સ્વયંસેવકો ખડે પગે રહેતા. સ્વયંસેવકો રાત્રે વડીલોને માલિશ અને પગ દબાવવાની સેવા પણ કરી આપતા. હજુ ત્રણ મહિના પહેલાં જ આ આશ્રમ ખુલ્લો મુક્યો હતો એટલે ધીમે ધીમે તેનો પ્રચાર અને પ્રસાર થઇ રહયો હતો. બીજા ત્રણ-ચાર મહિનામાં આશ્રમ ફૂલ થઇ જવાની પુરી ગણતરી હતી.

કેતનના બંગલાથી નાઘેડીનો આ આશ્રમ ૧૫ મિનિટના અંતરે હતો. કેતને જાનકીને અલગ ગાડી લઇ આપી હતી એટલે જાનકી સ્વતંત્ર રીતે આવન-જાવન કરી શકતી હતી. વૃદ્ધોની સેવા કરવાનું અને દેખરેખ રાખવાનું આ કામ જાનકીને ખૂબ જ પસંદ હતું. શિવાની પણ ક્યારેક ક્યારેક પોતાનાં પુસ્તકો લઇને આશ્રમમાં જાનકીની સાથે આવતી હતી. અહીં વાતાવરણમાં ઘણી શાંતિ હતી.

શેઠ જમનાદાસ આશ્રમનું ઉદ્ઘાટન દશેરાના દિવસે સાદગીથી કરવામાં આવ્યું હતું પરંતુ ટીવી ન્યૂઝ ચેનલોએ એનો સારો પ્રચાર કર્યો હતો અને કેતનના આ કામને ખૂબ જ બિરદાવ્યું હતું.

હોસ્પિટલ પણ ધમધોકાર ચાલી રહી હતી. ડૉ. મહેન્દ્ર શાહે સફળતાપૂર્વક સુકાન સંભાળી લીધું હતું. હવે એ સાચા અર્થમાં ગરીબોની જ હોસ્પિટલ બની ગઈ હતી. ગરીબો પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવતો ન હતો. હવે હોસ્પિટલમાં ૬૦ % ગરીબ દર્દીઓ આવતા હતા અને ૪૦ % સંપન્ન લોકો દાખલ થતા હતા પરંતુ એમને પણ
૫૦% ના રાહત દરે ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી.

એક વર્ષમાં હોસ્પિટલ તરફથી ચાર વાર મોતિયાનાં મફત ઓપરેશનના કેમ્પ યોજવામાં આવ્યા હતા અને એક પણ કેસ ફેઇલ નહોતો થયો. સમગ્ર જામનગર જિલ્લામાંથી લોકોએ એનો લાભ લીધો હતો. મફત કેમ્પમાં પણ સારામાં સારા લેન્સ મુકવામાં આવતા હતા.

મેડિકલ સ્ટોરમાં સાવ મફત દવાઓનું વિતરણ દિવાળીથી બંધ કરી દેવામાં આવ્યું હતું. ગમે તેટલું ધ્યાન રાખવામાં આવે તો પણ અમુક માણસો ખૂબ જ ચાલાકીથી મફત દવાઓનો ખોટો લાભ લેતા હતા. હોસ્પિટલના જ એક ડૉક્ટર સાથે સાંઠગાંઠ કરી હતી. શાહ સાહેબના ધ્યાનમાં આવતાં જ એ ડૉક્ટરને પણ દૂર કરવામાં આવ્યો હતો.

બે માળનું " શેઠ જમનાદાસ કન્યા છાત્રાલય " જામનગર હાપા રોડ ઉપર ઇસ્કોન મંદિરની બાજુમાં લગભગ ૯૦૦૦ ચો.વાર ના પ્લોટમાં બનાવવામાં આવ્યું હતું. આ પ્લોટ મેળવવામાં આશિષ અંકલનો પણ બહુ મોટો ફાળો હતો. છાત્રાલયમાં ઉપરના ભાગમાં ૨૫ અને નીચેના ભાગમાં ૧૫ રૂમો ઉતારવામાં આવી હતી. દરેક રૂમમાં ત્રણ બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. ૧૨૦ કન્યાઓ રહી શકે એવી આ હોસ્ટેલ હતી.

કન્યા છાત્રાલયમાં નીચેના ભાગે એક તરફ રસોડું અને બાજુમાં જમવા માટે નો હોલ હતો જ્યારે બીજી તરફ ઓફિસ કાર્યાલય હતું. ઉપર અને નીચે એમ બંને સ્થળે ન્હાવા ધોવા માટે ૧૦ બાથરૂમ અને બાજુમાં ૧૦ ટોઇલેટની પણ વ્યવસ્થા હતી. ઉપર અને નીચે ઠંડા પાણી માટે વોટર કુલર પણ આપ્યું હતું.

શેઠ જમનાદાસ છાત્રાલયનો સંપૂર્ણ ચાર્જ અહીંની એક સ્કૂલનાં રીટાયર્ડ પ્રિન્સિપાલ રાગિણી બેનને આપ્યો હતો. એ અનમેરીડ હતાં અને સ્વભાવે ખૂબ જ કડક હતાં. એ ઉપરાંત કન્યાઓની સુરક્ષા માટે મીલેટરી ના બે રિટાયર્ડ સૈનિકોને સશસ્ત્ર સિક્યુરિટી તરીકે રાખ્યા હતા. આ વ્યવસ્થા પણ આશિષ અંકલે કરી આપી હતી. છાત્રાલયમાં મુખ્ય એક જ ગેટ હતો અને રાત્રે આઠ વાગ્યા પછી છાત્રાઓને બહાર જવાની મનાઈ હતી.

૧૨૦ કન્યાઓના આ છાત્રાલયમાં ૭૦ જેટલી કન્યાઓ અત્યારે રહેતી હતી. નવા શૈક્ષણિક સત્રથી એ ફૂલ થઇ જવાની પુરી ગણતરી હતી. છાત્રાલયમાં રહેવાનું જમવાનું એકદમ ફ્રી હતું. અહીંથી કોલેજો પણ બહુ દૂર નહોતી.

દ્વારકામાં સિધ્ધનાથ મહાદેવ રોડ ઉપર સદાવ્રત ચાલુ થઈ ગયું હતું. " શેઠ જમનાદાસ ભોજન સેવા " નામ રાખ્યું હતું. રોજ સવાર-સાંજ ખીચડી શાક અને છાશ પીરસાતાં હતાં. સદાવ્રતનો ખૂબ જ પ્રચાર દ્વારકામાં કરવામાં આવ્યો હતો જેના કારણે તમામ સાધુ-સંતો એનો લાભ લેતા હતા. પૈસાની વ્યવસ્થા ના હોય એવા યાત્રાળુઓ પણ સદાવ્રતમાં જમતા હતા.

એક સાથે પચાસ માણસો જમી શકે એવી વ્યવસ્થા હતી. બે રસોઇયા અને ચાર સ્વયંસેવકો રોક્યા હતા. કેતન બધાને સારો પગાર આપતો હતો એટલે તમામ લોકો દિલથી કામ કરતા હતા.

કન્યા છાત્રાલય અને આશ્રમનું સંપૂર્ણ સંચાલન વિવેક કાનાણી જોતો હતો. જ્યારે પ્રશાંતને હોસ્પિટલની સાથે સાથે દ્વારકાના સદાવ્રતની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.

કેતનના સપનાનું આયુર્વેદ ચિકિત્સાલય પણ ચાલુ થઈ ગયું હતું. જયદેવ સોલંકી એનો સર્વેસર્વા ઇન્ચાર્જ હતો. વેદિકા પણ એક ડૉક્ટર તરીકે ત્યાં સેવાઓ આપતી હતી. જામનગરના જુદા જુદા અનુભવી વૈદ્યો આ ચિકિત્સાલયમાં ઓપીડી માં બેસતા હતા અને તેઓ જે પણ દવાઓ પેશન્ટોને લખે એ તમામ દવાઓ ત્યાં ને ત્યાં જ મેડિકલ સ્ટોરમાંથી ફ્રી માં મળી જતી હતી. અઠવાડિયામાં એકવાર નાડી વૈદ્ય પણ આવતા હતા.

ગુરુપૂર્ણિમાના દિવસે જ આ નવા 'જમનાદાસ આયુર્વેદ ચિકિત્સાલય' નું ઉદ્ઘાટન થયું હતું. આ ચિકિત્સાલય સમગ્ર જામનગર જિલ્લામાં ખ્યાતિ મેળવી રહ્યું હતું. ત્યાં પણ બહારના ભાગે જન સેવા એજ પ્રભુ સેવા નું એક બોર્ડ લગાવ્યુ હતું. પોતાના નામનો ક્યાંય પણ કેતને ઉલ્લેખ કર્યો ન હતો !

લગભગ ૬ મહિના પહેલાં ઓગસ્ટ મહિનામાં જગદીશભાઈને હાર્ટ એટેક આવ્યો હતો. તાત્કાલિક એન્જીઓગ્રાફી કરીને ચેક અપ કરવું પડ્યું હતું. લોહીની નળીઓમાં બલોકેજ હતા એટલે એન્જિયોપ્લાસ્ટી કરવી પડી હતી. હવે તબિયત સારી હતી. છતાં મોટાભાગનું કામ સિદ્ધાર્થે ઉપાડી લીધું હતું.

કેતન જાનકી અને શિવાની એ વખતે તાત્કાલિક સુરત પહોંચી ગયાં હતાં અને અઠવાડિયું રોકાયાં પણ હતાં. કેતને પપ્પાને થોડા દિવસ જામનગર આવીને રેસ્ટ કરવાનું સૂચન કર્યું હતું પરંતુ જગદીશભાઈ માન્યા ન હતા.

સિદ્ધાર્થની પત્ની રેવતી પ્રેગ્નેન્ટ થઈ હતી. દ્વારકાધીશની પ્રાર્થના ફળી હતી અને ઘરમાં સારો દિવસ દેખાયો હતો. જો કે ઘરનાં બધાં જ જાનકીનાં પગલાં શુકનિયાળ ગણતાં હતાં. અત્યારે એને ત્રીજો મહિનો ચાલી રહ્યો હતો.

બીજી એક મોટી ઘટનામાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ આશિષભાઇની ટ્રાન્સફર પ્રમોશન ઉપર રાજકોટના ડીસીપી તરીકે થઈ હતી. એમની જગ્યાએ કોઈ ઓડેદરા સાહેબ આવ્યા હતા.

જામનગર છોડતાં પહેલાં આશિષભાઈ એ કેતનને પોતાની ઓફિસમાં બોલાવીને ઓડેદરા સાહેબ સાથે ઓળખાણ કરાવી હતી. કેતનનાં કાર્યોની પ્રશંસા કરીને કેતનનું ધ્યાન રાખવા રિક્વેસ્ટ પણ કરી હતી.

" કેતન સુરતના હીરા બજારના એક અબજોપતિ બાપનો દીકરો છે પરંતુ બધું છોડીને જામનગરને એણે પોતાની કર્મભૂમિ બનાવી છે. અહીં આવીને એણે ગરીબો માટે ફાઇવ સ્ટાર જેવી હોસ્પિટલ બનાવી છે. કન્યાઓ માટે મોટું કન્યા છાત્રાલય બનાવ્યું છે. ઘરડા માણસો માટે એક સુંદર આશ્રમ બનાવ્યો છે. એ મારા દીકરા જેવો છે. એને કંઈ પણ તકલીફ હોય તો જરા એનું ધ્યાન રાખજો. " આશિષ અંકલ કેતનની હાજરીમાં ઓડેદરા સાહેબને કહી રહ્યા હતા.

" સર એમને મળીને મને પણ આનંદ થયો છે. તમે એમની કોઈ ચિંતા ન કરશો. આવા ઉમદા યુવાનો આપણા દેશનું ગૌરવ છે. " ઓડેદરા સાહેબ બોલ્યા.

કેતને હોસ્પિટલ જવાનું લગભગ બંધ કરી દીધું હતું. મહિનામાં એકાદવાર એ શાહ સાહેબને મળવા જતો હતો પરંતુ
એ ઓફિસે રોજ જતો હતો અને પોતે ઊભી કરેલી તમામ સંસ્થાઓનો રિપોર્ટ લેતો હતો.

પોતાના બનાવેલા યોગા સેન્ટરમાં કેતન અને જાનકી વહેલી સવારે ઘણીવાર હાજરી આપતાં હતાં. સાંજે પણ કેતન આશ્રમમાં રહેતા વડીલોની ખબર પૂછવા ઘણીવાર જતો. અહીં એને સુખનો સાચો અનુભવ થતો !

આજે નવા મકાનમાં ગૃહપ્રવેશને એક વર્ષ થયું હતું એની યાદમાં એણે ૫ કિલો બુંદીના લાડુ પેક કરાવ્યા અને બપોરે જમવાના ટાઈમે જાનકી અને શિવાનીને લઈને આશ્રમ પહોંચી ગયો. જમવા બેઠેલા તમામ વડીલ સ્ત્રી પુરુષોની થાળીમાં પોતાના હાથે એણે બે બે લાડુ પીરસ્યા. બાકી વધ્યા તે ત્યાંના સ્ટાફમાં વહેંચી દીધા.

" તમે બધા આજે મારા તરફથી મીઠાઈ જમો. ધીરુભાઈ તમને લોકોને અહીંયા કોઈ પણ જાતની તકલીફ હોય તો મને જરૂર જણાવજો. આ તમારું પોતાનું ઘર છે. તમને તમામ સગવડ અહીં કરી આપી છે. જીવનના અંતિમ મુકામ ઉપર બને એટલી ઈશ્વર ભક્તિ કરજો." કેતન બોલ્યો.

ધીરુભાઈ તમામ વડીલોમાં બુદ્ધિજીવી હતા અને રીટાયર્ડ સ્ટેશન માસ્તર હતા. સૌથી વધુ ૮૦ વર્ષની ઉંમર એમની હતી. કેતન એમને નામથી ઓળખતો હતો.

" તમે તો અમારા માટે દેવ પુરુષ છો. અમારા આખા જીવતરમાં પણ અમે આટલું સુખ જોયું નથી. ખોબલે ખોબલે તમે અમને સુખ વહેંચ્યું છે સાહેબ." બધા વતી ધીરુભાઈ બોલ્યા.

"મને તમે સાહેબ ના કહેશો વડીલ. હું તો તમારા દીકરા જેવો છું. " કેતને નમ્રતાથી જવાબ આપ્યો.

સ્વામીજીએ જો આજનો આ વાર્તાલાપ સાંભળ્યો હોત તો એમણે આજે પ્રસન્ન થઈને કેતનને આશીર્વાદ જરૂર આપ્યા હોત !!!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)