Dashing Superstar - 59 books and stories free download online pdf in Gujarati

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-59


(શિના અને શ્રીરામ શેખાવત કિઆરા અને એલ્વિસ વિશે લવ શેખાવતને બધું જ જણાવે છે.લવ શેખાવત કિઆરા અને એલ્વિસના પ્રેમને સપોર્ટ કરે છે પણ તે આ વાત પોતે જાણે છે તે કિઆરાને જણાવવા શિનાને ના કહે છે.એક મહિનાના સમયગાળામાં આયાન અલગ અલગ રીતે કિઆરાને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરે છે.તે કિઆરાને ઇમ્પ્રેસ તો કરી શક્યો પણ એલ્વિસનું સ્થાન તેના હ્રદયમાં ના લઇ શક્યો.જાનકીદેવીએ કાયના અને રનબીરને અલગ કર્યા જેના કારણે કિઆરા ખૂબજ ડરેલી હતી.વિન્સેન્ટે તેને લગ્ન કરવાની સલાહ આપી પણ કિઆરા લગ્ન માટે તૈયાર નથી.તેણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ જોઇ જે જોઇને તેને કઇંક આઇડિયા આવ્યો.)

પાર્ટીમા થયેલા અપમાનને અકીરા કોઇપણ કાળે ભુલવા તૈયાર નહતી.કિઆરા એક પછી એક ચાલમાં તેને પરાજય આપતી હતી.તેણે આ બધી વાત તેની મા મધુબાલાને જણાવી.

"અકીરાબેબી,તું એ જોગમાયાની સાથે બદલો લેવાનું માંડી વાળ.તે ખૂબજ ખતરનાક છે અને હવે તો એલ્વિસની પ્રેમિકા છે જો તેણે એલ્વિસને એક ઇશારો કર્યો તો તારું એકટીંગ કેરિયર ખતમ."મધુબાલાએ કહ્યું.

"મા,તેણે મને વારંવાર એવી જગ્યાએ ચોટ પહોંચાડી છે કે હું ઇચ્છવા છતા તેને ભુલી નહીં શકું.જ્યાંસુધી તેને બરબાદ થયેલી નહીં જોઉં.હું તેને તકલીફ આપવાના પ્રયત્ન ચાલું જ રાખીશ.મા,તું તો આ ઇન્ડસ્ટ્રીની રગરગથી વાકેફ છો.કઇંક એવો આઇડિયા આપ કે કિઆરાને અંદર સુધી પીડા પહોંચાડી શકું."અકીરાએ પોતાની મા મધુબાલાના ગળે લાગીને કહ્યું.મધુબાલા એક ખૂબજ ચાલબાઝ સ્ત્રી હતી,તે આ ઇન્ડસ્ટ્રીમાં રમાતી ગંદી રમતોથી જાણકાર હતી.

"બેબી,મને થોડોક સમય આપ.હું આ કિઆરાનો કાયમી ઉપાય શોધું છું."મધુબાલાએ કહ્યું.

અકીરાએ ત્યાંસુધી પોતાના પ્રયત્ન ચાલુ રાખવાનું નક્કી કર્યું.તે સૌપ્રથમ નમિતા ગરેવાલને તેના શોરૂમ પર મળવા ગઇ.તેણે નમિતાને પણ એ જ કહ્યું.

"અકીરા,હું તારી આગળ હાથ જોડું છું કે હવે આ બાબતે મારી સાથે કોઇ વાત ના કરતી.તારી આ ઇન્ડસ્ટ્રીમાં હજી કોઈ પ્રતિષ્ઠા નથી પણ મારી તો છે ને.હું નંબર વન ફેશન ડિઝાઇનર છું અને તે સામાન્ય છોકરી સાથે બદલો લેવા સિવાય મારી પાસે ઘણાબધા કામ છે.આમપણ એલ મારો દોસ્ત છે.હું તેની સાથે ખરાબ ના કરી શકું અને બીજી હકીકત એ છે કે એલ સુપરસ્ટાર છે.ખૂબજ પાવરફુલ સુપરસ્ટાર,તે ઇચ્છેને તો તને અને મને આ ઇન્ડસ્ટ્રીમાંથી ફેંકાવી શકે એમ છે."નમિતાએ અકીરાને ચોખ્ખી ના પાડતા કહ્યું.

"કમ ઓન નમિતા,તને આખી ઇન્ડસ્ટ્રી સામે બેઇજ્જત કરી."અકીરાએ કોશિશ ચાલુ રાખતા કહ્યું.

"અકીરા,તું એક પ્રોમીસીંગ ન્યુ કમર છે.તું આ બધાની જગ્યાએ તારા કેરીયર પર ફોકસ કર તો તું નંબર વન એકટ્રેસ બની શકે એમ છે."નમિતાએ અકીરાને સાચી સલાહ આપતા કહ્યું.

અકીરા કઇંક વિચારમાં પડી ગઇ.થોડીક વાર પછી તે બોલી,"નમિતા,મને લાગે છે કે તું સાચું કહે છે.મારે મારા કેરીયર પર ધ્યાન આપવું જોઇએ.થેંક યુ મને સાચો રસ્તો દેખાડવા માટે.હવે હું એવું જ કરીશ."

તે ત્યાંથી નીકળી ગઇ.તેણે કોઇને ફોન લગાવ્યો અને ફાઇવસ્ટાર હોટેલમા કોઇને મળવા બોલાવ્યું.તેણે વિચાર્યુ,"આ નમિતા તો એલની ખાસ ફ્રેન્ડ છે અને તેની આગળ મે આ નાટક કરીને સારું કર્યું.સોરી નમિતા,હું કિઆરાને જ્ય‍ાંસુધી તબાહ નહીં કરું હું આ જિદ નહીં છોડું."

થોડીક વાર પછી તે ફાઇવસ્ટાર હોટેલના રેસ્ટોરન્ટમાં બેસીને કોઇની રાહ જોઇ રહી હતી.અજયકુમાર ત્યાં આવ્યાં.તેણે પહેલા થોડીક સામાન્ય વાતો કરી અને પછી એલ્વિસ-કિઆરાને બરબાદ કરવામાં તેમનો સાથ માંગ્યો.

"અકીરા,તું શું વિચારીને મારી પાસે આવી?તે જ એલ્વિસની સાથે મળીને મારું જીવન બરબાદ કરી નાખ્યું અને હવે તું જ મારી મદદ માંગે છે એલ્વિસ-કિઆરાનું જીવન બરબાદ કરવા.વાહ,પણ હું મુર્ખો નથી.મને તારું મોઢું જોવું પણ પસંદ નથી.મારે જે કરવું હશે તે હું કરીશ પણ મારી જાતે.

આમપણ કિઆરા ઇઝ સચ અ બ્યુટીફુલ ગર્લ.શી ઇઝ માઇન્ડ બ્લોઇંગ.તેની સાથે કઇ ખરાબ કરતા મારું મન નહીં માને અને બીજી વાત જો તે તેની સાથે કઇ ખરાબ કર્યુંને તો હું તને નહીં છોડું.આફટર ઓલ હું કિઆરાનો ફેન છું." અજયકુમાર આટલું કહીને ત્યાંથી નીકળી ગયો.

તેને બધી જગ્યાએ હતાશા મળી,થાકીને તે ઘરે ગઇ.જ્યા મધુબાલાએ ખૂબજ સરસ ડિનર તૈયાર કરાવ્યું હતું.મધુબાલા ખુશ જણાતી હતી અને તેની પાસે બેસેલો પોતાનો રિપોર્ટર કઝીન હિરેન,જેણે એલ્વિસ ગે છે તે ખોટા સમાચાર ફેલાવ્યા હતાં.

"મા,મારો મુડ ખૂબજ ખરાબ છે."અકીરા પોતાના રૂમમાં જતાં જતાં બોલી.

"તારો મુડ ઠીક થઇ જાય તેવી વાત અને તેવું જ ડિનર રેડી છે."મધુબાલા બોલી.જે સાંભળીને અકીરા ઊભી રહી ગઇ.તેની સામે હિરેન આવ્યો.

"દીદી,મધુઆંટીએ તારી પરેશાની વિશે મને જણાવ્યું.કોઇ તારો સાથ આપે કે ના આપે હું આપીશ અને આ વખતે આપણે પડદા પાછળ રહીને કિઆરા-એલ્વિસની લાઇફનો ખરાબ સમય ડાયરેક્ટ કરીશું."હિરેને કહ્યું.

"પણ કરીશું શું?"અકીરા કંટાળીને બોલી.

"આને ગમે ત્યાંથી શોધીને પાછી લાવવાની છે."હિરેને કહ્યું.

"કોણ છે આ?"અકીરાએ પૂછ્યું.

"સિમા."હિરેને કહ્યું.અકીરાના ચહેરા પર પ્રશ્નાર્થના ભાવ હતાં.

*******

કિઆરાને પોતાની તકલીફનું સમાધાન સોશિયલ મીડિયાની એક પોસ્ટ દ્રારા મળી ગયું.તેણે ખૂબજ વિચાર્યું અને પોતાના માટે તે રસ્તો જ યોગ્ય લાગ્યો પણ તેણે જે રસ્તો પસંદ કર્યો હતો તે ખૂબજ મુશ્કેલીભર્યો હતો.

તેની સામે કાયનાનો કરમાઇ ગયેલો ચહેરો આવતા જ તેને પોતાના મુશ્કેલ રસ્તા પર ચાલવાની હિંમત મળી ગઇ.

"સૌથી પહેલા મારે પપ્પાને આ વાત કહેવી પડશે અને તેમને મારા તથા એલ્વિસના પ્રેમ વિશે જણાવવું પડશે."તેણે ડરતા ડરતા શિનાને ફોન લગાવ્યો.

"મોમ,મને ખૂબજ બીક લાગે છે.દાદી મને પણ એલ્વિસથી અલગ કરી દેશે તો હું શું કરી જઇશ તેની મને જ ખબર નથી."કિઆરાએ કહ્યું.

"તું ચિંતા ના કર.દાદુએ તને વિશ્વાસ અપાવ્યો છેને કે તે તને અને એલ્વિસને અલગ નહી થવા દે."શિનાએ કિઆરાને આશ્વાસન તો આપ્યું પણ તેને ખબર હતી કે જાનકીદેવી પોતાની જિદ આગળ કોઇનું નથી ચલાવતાં.

"મોમ,દાદુએ આ પ્રોમિસ કાયનાદી અને રનબીરને પણ આપ્યું હતું.દાદી સામે તેમનું કશુંજ ના ચાલ્યું.મોમ,હું વિચારું છું કે હું પપ્પાને વાત કરું.પપ્પા હવે સુધરી ગયા છે.તે પહેલા જેવા નથી મને વિશ્વાસ છે કે તે મારી વાત સમજશે અને મને સાથ આપશે કેમકે તેમને સાચા પ્રેમની કિંમત સમજાઇ ગઇ છે."કિઆરાએ કહ્યું.

"અને જો હું કહું કે તારા પિતાને આ વાતની જાણ છે તથાં તે તમારા સંબંધ માટે રાજી છે તો?"શિનાની વાત સાંભળીને કિઆરા આશ્ચર્યચકિત થઇ ગઇ.

"શું?સાચે!મોમ મારે પપ્પા સાથે વાત કરવી છે.તે પણ અત્યારે."કિઆરાએ ખુશીથી કહ્યું.શિનાએ ફોન લવ શેખાવતને આપ્યો.

"મોમ,મારે પપ્પા સાથે એકલામાં વાત કરવી છે.તું પ્લીઝ રૂમની બહાર જતાં જતાં દરવાજો બંધ કરતી જજે."કિઆરાએ કહ્યું.

લગભગ એક કલાક કિઆરાએ લવ શેખાવત સાથે વાત કરી.તેણે પોતે લીધેલા નિર્ણય વિશે તેને જણાવ્યું.તે વિષય પર ચર્ચા કરી.અંતે લાંબી ચર્ચા,સલાહ,સુચન અને એક મક્કમ નિર્ણય બાદ કિઆરાએ વાત પૂર્ણ કરી.

"આઈ લવ યુ પપ્પા."કિઆરાએ કહ્યું.

કિઅારાના મોઢેથી આ વાત સાંભળી લવ શેખાવત પોતાના આંસુ રોકી ના શક્યો.

"આઇ લવ યુ માય પ્રિન્સેસ.તું દુનિયાની બધી જ ખુશીઓ મેળવવાની હકદાર છે અને તે તને જરૂર મળશે.તારો આ બાપ તારી ઢાલ છે.તારા સુધી પહોંચવા મારી સાથે લડવું પડશે.તું અાજે સાંજે જ બધાને ડિનર માટે બોલાવી લે." લવ શેખાવતે કહ્યું.

"ઓ.કે પપ્પા.હમણાં મોમને આ વાત ના કહેતા.મને વિશ્વાસ છે કે મારો નિર્ણય પર મોમને વાંધો નહીં હોય પણ હમણાં આ વાત હું બીજા કોઇને નથી જણાવવા માંગતી."કિઆરાએ કહ્યું.

કિઅારાએ આજે સ્પેશિયલ ડિનર એરેન્જ કર્યું હતું.તેણે એલ્વિસ,વિન્સેન્ટ,આયાન,અહાના,અર્ચિતને આમંત્રિત કર્યા હતાં.તે સિવાય શિવાની,કુશ,કાયના,કિયા,કિઆન,અદ્વિકા,દાદુ,દાદી અને નાનીને આ ડિનરમાં હાજર રહેવા કહ્યું હતું.

એક એક કરીને બધાં આવી રહ્યા હતાં.કિઆરાએ આમ અચાનક બધાંને બોલાવ્યાં તે વાત સૌની માટે આશ્ચર્ય પમાડનાર હતી.આયાન કિઆરાને મળવા કે તેની સાથે સમય પસાર કરવાની તક જ શોધતો હતો.

લગભગ સાત વાગી ગયા હતાં.બધાં આવી ગયા હતાં.આયાન,અહાના,અર્ચિત,અને ઘરના તમામ સભ્યો જાનકીવીલાના ડ્રોઇંગરૂમમાં હાજર હતાં.

"કિઆરા,વાત શું છે?તે બધાને ભેગા કેમ કર્યા છે?"જાનકીદેવીએ પૂછ્યું.

"દાદી,એલ્વિસ અને વિન્સેન્ટ રસ્તામ‍ાં જ છે.બસ આવતા જ હશે."કિઆરાએ કહ્યું.

બરાબર તે જ સમયે એલ્વિસની ગાડીનો અવાજ આવ્યો.કિઆરા દોડીને બહાર જતી રહી.એલ્વિસ ગાડીમાંથી ઉતર્યો.તેણે ડાર્ક બ્લુ કલરનો શુટ પહેર્યો હતો.તે ખૂબજ હેન્ડસમ લાગી રહ્યો હતો.

એલ્વિસ અને કિઆરાની નજર મળી.કિઆરા દોડીને એલ્વિસના ગળે લાગી ગઇ.

"ઓહ મે તમને કેટલા યાદ કર્યા.કેટલી વાર લગાડી દીધી."કિઆરાએ મીઠી ફરિયાદ કરતા કહ્યું.

એલ્વિસ કિઆરાની સુંદરતામાં ખોવાયેલો હતો.બ્લુ કલરનો ગામઠી વર્કનો યોગવાળો લાંબો ડ્રેસ,વ્હાઇટ કલરનો પાયજામો અને તેના મેચીંગનો દુપટ્ટો.તેના વાળ ખુલ્લા હતા જેમાંથી શેમ્પૂની મનમોહક સુગંધ આવી રહી હતી.કાનમાં મોટા ગોળ ઝુમખા,કપાળ પર નાનકડી બિંદી,આંખોમાં કાજલ અને વગર મેકઅપના કુદરતી ગુલાબી ગાલ તથા હોઠ.

"તારી કપાળ પરની બિંદી અને આંખોનું કાજલ,
કરી રહ્યું છે તારા આ પ્રેમીને પાગલ."એલ્વિસ કિઆરાને જોતા કહ્યું.

કિઆરા થોડીક શરમાઇ ગઇ અને બોલી,"અરે વાહ,મારા પ્રાણનાથને તો શાયરી પર આવડે છે.સાંભળો એલ્વિસ,મે ખૂબજ અગત્યની વાત માટે બધાંને એકત્રિત કર્યા છે.મારે તમને કઇંક પૂછવું છે.શું તમને મારા પર વિશ્વાસ છે?મારા લીધેલા નિર્ણય પર વિશ્વાસ છે?"
"અફકોર્ષ,મારી જાત જેટલોજ વિશ્વાસ મને તારા પર છે."

"તો મને વચન આપો કે હું જે પણ નિર્ણય લઇશ તેમા તમે મને કોઇપણ પ્રશ્ન પૂછ્યાં વગર મારો સાથ આપશો અને તેને સહર્ષ સ્વીકારશો."કિઆરાએ એલ્વિસ સામે હાથ લાંબો કર્યો.

એલ્વિસ અને વિન્સેન્ટ અંદર અાવ્યા.જાનકીદેવીનો અણગમો સાફ દેખાતો હતો.બધાં ડિનર કરવા ડાઇનીંગ ટેબલ પર ગયાં.કિઆરાએ બધા માટે ખૂબજ પ્રેમથી ગુજરાતી ભોજન બનાવ્યું હતું.દુધપાક,બે શાક,ભજીયા,પુરી,દાળ-ભાત,ખમણ અને મગદાળનો શીરો.કિઆરાએ ખૂબજ પ્રેમથી અને ભાવથી બધાને જમાડ્યાં.

જમીને બધાં ડ્રોઇંગ રૂમમાં બેસેલા હતાં.કિઆરાએ મોટા ટીવી સ્ક્રિન પર પોતાના પિતા લવ શેખાવતને વીડિયો કોલ લગાવ્યો.લવ શેખાવત અને શિના વીડિયો કોલમાં ત્યાં હાજર હતાં.અહીં બધાના મનમાં ઘણાબધા પ્રશ્ન હતાં.

"નમસ્તે,મારા આમંત્રણ પર અહીં હાજર રહેવા બદલ આપ સૌનો આભાર.આશા રાખુ છું કે આપને મારા હાથે બનાવેલું ભોજન પસંદ આવ્યું હશે.આજે મે મારા પિતાની સલાહ,સુચન અને તેમના આશિર્વાદથી મારા અને એલ્વિસ વિશે કઇંક નિર્ણય લીધો છે જે હું તમને બધાને જણાવવા માંગુ છું."કિઆરા આ બોલતી હતી.ત્ય‍ાં લગભગ બધાંના મોબાઇલમાં એકસાથે જ મેસેજ આવવાનું મ્યુઝિક વાગ્યું.

શું નિર્ણય લીધો હશે કિઆરાએ?
શું અકીરા સિમાને શોધી શકશે?
બધાનાં મોબાઇલમાં એકસાથે આવેલો મેસેજ કયો હશે?

જાણવા વાંચતા રહો.