A garland of heartfelt letters .. books and stories free download online pdf in Gujarati

હ્રદયગમ્ય પત્રોની માળા..


1) સંગીત ભરી રાત....


સંગીતની સૂરાવલિઓ રેલાતી રાત..

ગીતના મુખડાથી દિલ ડોલાવતી રાત..
તારી ને મારી આંખ મિચોલિની રાત..
દિલમાં ઉઠતાં પ્રેમના મોજાની રાત..
એકબીજાના પહેલા મિલનની રાત..

એ હસીન પળોની રાત તારી અને મારી, કેટલી અવનવી યાદો સાથે જોડાયેલી, સાથના સંગાથની રાત, નજરોના જામ છલકાયા હતા, આંખોથી દિલમાં ઉતાર્યા હતા, જામનો નશો છલકે છે આજે પણ દિલમાં અકબંધ.. જિંદગીની મૌસમ પૂરબહારમાં ખીલેલી એટલે જ લાગે છે આજે.

રાતમાં કોઈ બાત હતી, ચૂપકે ચૂપકે નજર ચોરાતી હતી. ગીતોની મહેફિલ જામેલી હતી. ગીતોની ધુનો જાણે આપણી જ હતી. દિલ મચલાવતી, દિલનાં તાર છેડતી હતી, એક સરગમ બનાવી એ રાતે, જાણે જિંદગીભરના સાથની.

તારો સાથ પામી મારું અસ્તિત્વ તારામાં ઓગળ્યું, હું ના રહી મારું નામ જ રહ્યું. મારા શ્વાસમાં પડઘા પડે છે તારા, રોમરોમનો એક તાર ઝણઝણ કરે છે દિલમાં.

સંગીતનો તાર એક કમજોર પડ્યો છે. સૂર પુરાવી રાત તું સાઝ ફરી છેડ, દિલની ધડકનમાં ફરી સ્પંદન જગાડ, પ્રેમની જ્યોત મારી પ્રકાશિત રહે, તું મદદ માટે આવ, દરેક વાક્ય ફરી દોહરાવ અમારી પ્રેમકહાણીનું, કોમામાં સરી પડેલ કાયા નું દોરી સંચાર થાય. ફરી જીવન મારું ધબકતું થાય.

રાત એટલે જ તને વિનવણી કરવા પત્ર લખ્યો છે, યાદ કરાવવાનું છે મારા હમસફરને, વિતાવેલા હસીન અને મસ્તીભર્યા પળોની. ડોકટરે કહ્યું છે ફરી કોઈ એવી યાદ અપાવો જેનાથી દિલનાં તાર છેડાય અને મગજ સુધી અસર થાય તો કાયામા હલનચલન થાય. પહેલા પ્યારની પહેલી મુલાકાત સંગ માણેલા ગીતોની અવાજ દિલને સ્પર્શી જાય અને ચમત્કાર થઈ જાય. સંગીત બધા રોગોની દવા છે તો ચલ આપણે સંગીત ની ધૂનો છેડી વીતેલા દિવસોની યાદ અપાવીએ.

તું અને હું મહેફિલમાં હોવા છતાં એકબીજામાં ખોવાયેલા હતા. ત્યાંજ ગીતની સુરાવલી રાતને રંગીન કરતી, આપણા પ્રેમને જાણે સમજી ગઇ..

ચૂપ ચૂપ ખડે હો જરૂર કોઈ બાત હે, પહેલી મુલાકાત હે..

ચૂરા લિયા હે તમને જો દીલકો, નજર નહી ચૂરાના સનમ..

અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહી...

લગજા ગલે કે ફિર યે હસી રાત હો ના હો...

બસ તું મને સાથ આપતી રહે, આ ઈલાજ જરૂર કામ કરશે,
એક પછી એક ગીતો લલકારિશું, ફરી બીતે લમ્હોની યાદો સાથે રાત ફરી માણીશું.

રાતના સન્નાટામાં મારું મન મક્કમ રાખજે. સેવા કરતા હું ભાંગી ન પડું, નિદ્રાને આધીન ન થવું. તેરા સાથ હે તો મુજે ક્યા ગમ હે... ચાલ તને પણ એક ગીત લલકાર્યું...

તારો સાથ ઝંખતી...
""અમી""

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿


2)...અરમાનો ભરી રાત...આંખોમાં ઉજાગરો રાતનો રાખી,
પ્રિયતમ, લખુ તને દિલમાં રાખી,
મિલનની ઘડિયા, હસ્તમેળાપની,
રાત વિતશે આજ અરમાનો ભરી.

લગ્ન માટે અઢળક સપના સજાવીને અને આપણી જિંદગીના સફર માટે મારા મનમાં ચાલતા મનોમંથનને હું શબ્દો દ્વારા તને કંઇક કહેવા માંગુ છું, રાત પણ ઘણી વિતી ગઇ છે. કાલની હસીન મુલાકાત સીધી આપણી માયરામાં થશે. ભાવિ જીવનનાં સપનાં મારા, તારા સંગ કેવી રીતે સજી રહી છું, અત્યારે હું શું મહેસૂસ કરી રહી છું, આખરી બાબુલનાં ઘરની રાત માણી રહી છું. અતીતના સંસ્મરણો અને ભાવિના સોણલા તે હું પત્ર દ્વારા તને લખી રહી છું. જે આપણી જિંદગીની પહેલી અણમોલ ભેટ હશે તારી.

રાજકુમારીની રાત આજે પિયરમાં વિતશે, લાડકી બની ઘર ગજવતી, આનંદની ચિચિયારી ગુંજતી રહેતી હરદમ, પડ્યો બોલ ઝીલવા હમેંશા તત્પર સૌ, પણ અનુશાસન પહેલો ધર્મ. સંસ્કારનો ધોધ વરસાવેલો માબાપનો, સ્વાવલંબી બનો અને માન પામો. વાણીમાં હમેંશા મીઠાશને પ્રથમ સ્થાન. વડીલોના આશીર્વાદ સૌથી મોટી મુડી.

મારા પપ્પા મારા હીરો. મારા આદર્શ.. હું કદાચ તારામાં પિતાને શોધીશ ક્યારેક, જ્યારે તું મને ઉદાસ કરીશ. હું અહીંયા હતી ત્યારે મારા પપ્પાને કોઈ કપડાં કે ખાવાની ચિંતા જ નહોતી. હું બધું તૈયાર રાખતી. જેમ મારા દાદી બધું કરતાં. ના માને તો હકકથી, કેમ નાં પાડો છો ? એટલે તો મને મારી મા એમ કહે છે. મમ્મી મારી, શું વાત કરું, ગરીબ ગાય જેવી. કેવી રીતે સંસાર ચલાવ્યો, અમને મોટા કેવી રીતે કર્યા, એવું લાગે, પણ ખૂબ સમજદાર, બોલ્યા વિના કામ કરી લે. હવે એનો પક્ષ કોણ લેશે કાયમ ? મને ચિંતા રહે છે. ભાઈ બહેનોના સાથની મસ્તી ગુમાવીશ, મિત્રોની તોફાની ટોળકી છોડવી પડશે ? કેટલા વિચારો આવી રહ્યા છે આજે.. ઘરમાં અત્યાર સુધીની યાદો વિતાવેલી, નજર સમક્ષ તરવરી રહી છે.

એક આંખમાં ઉદાસી છે. થોડું આંસુનું ટીપુ બાજી ગયું છે. જ્યારે બીજી આંખમાં ભાવિ સપનાં છે. તેમાંથી તેજપુંજ વહી રહ્યું છે.

આપણી તો ઓછી મુલાકાતો હતી, સમજદારી વધુ હતી. અલ્પ મુલાકાતમાં તું દિલમાં સમાઈ ગયો. તારું દરેક વર્તન એક મદદગાર સાબિત થતું. કહ્યા વગર તરત સમજવું, અમલમાં મૂકવું, આંખોની ભાષા આવડવી, મૌનની પરિભાષા સમજી જવી. હું તારો જ છું, તને સાચવીશ, રાણીની જેમ રાખીશ. હું તને ખુબજ પ્રેમ કરીશ. તારી લાગણી જોઈ મારું બધું સમજવું. આપણા સફરની શરૂઆતના, જિંદગીના પ્રેમના સોપાન તો છે બધા.

આપણા જીવનમાં પ્રેમનો માલિકભાવ નહી રાખીએ, સમર્પણ ભાવ રાખીશું જેમકે હું હંમેશા એવું જ કહીશ હું તારી પત્ની છું. શબ્દોની રમતોથી જોજનો દૂર રહીશું.

સમર્પણ, સમજૂતી, ત્યાગ જીવનનાં મહત્વના અંગ બનાવીશું. તું અને હું મટી આપણે જ રહીશું. મધુર દામ્પત્ય જીવન માણીશું, સપ્તપદીના વચનો સાથે. પરિવાર માટે પહેલો પ્રેમ રાખીશું, માળો ગૂંથીને રાખશું. એક એક તણખલા પર પ્રેમ વરસાવતા રહીશું.

જીંદગીની મુશ્કેલ ઘડીમાં સાથે મળીને સામનો કરીશું. એકલું કંઈ નહિ હોય, સહુ સહિયારું જ રહેશે. જિંદગીનો રસ્તો હસતા હસતા કપાઈ જશે.

મીઠા મધુરા સોણલા જીવનના, હકારના અભિગમ સાથેના દિલથી લખી મોકલી રહી છું. શરમથી ભરેલી કદાચ કહી ના શકું, પત્ર દિલની વાત કહી રહ્યો છે મારી. રાત અરમાનો ભરી વિતી ગઇ છે. સવારના રવિ કિરણો સ્વાગત કરી રહ્યા છે હું મારી કલમને વિરમું છું. જલ્દી મિલનની આશા સહ.. રાહ નિહાળતી..

દિલનાં દરવાજે ટકોરા પડ્યા,
ભીની ભીની લાગણીના દ્વાર ખુલ્યા.

પ્રેમના રસ્તા પર હમસફર બની,
ખુબસુરત જિંદગીના ભાગીદાર બન્યા.

જિંદગીમાં ગુણાકાર ગણીશું સ્નેહનો,
સુખમય રહે વર્ષોના વર્ષો આ પ્રેમનો..


લિખિતંગ એક..
અરમાનો ભરી કન્યા..

""અમી""