Ek hato Raja - 2 books and stories free download online pdf in Gujarati

એક હતો રાજા - 2 - તલાશ

(એક હતો રાજાને વાંચકોએ બહુ સારો પ્રતિસાદ આપ્યો એ માટે તમામ વાંચકોને ધન્યવાદ પાઠવું છું. અને એ પ્રતિસાદ થી પ્રોત્સાહિત થઈને એક હતો રાજાનો બીજો ભાગ લખવા હું પ્રેરિત થયો છુ. આશા છે આ પણ કદાચ ગમશે)

......સિંહરાજ યુવરાજો ના જન્મદિવસ હોવાના કારણે એમના લાડલા ટીંકુની ફરમાઈશ પુરી કરવા ડુક્કરનો શિકાર કરવા નીકળે છે અને પોતે જ સર્કસ વાળા નો શિકાર થઈ જાય છે હવે આગળ........

પૂર્વમાંથી નીકળેલો સુર્ય બરાબર માથા ઉપર આવી ગયો હતો. અને હજુ સુધી સિંહરાજનો કોઈ પત્તો ન હતો. ત્રણે રાજકુમારોને કકડીને ભુખ લાગી હતી. રીંકુએ કહ્યું.
'મમ્મા.બોવ જોરની ભુખ લાગી છે.'
'મને પણ મમ્મા. પેટમાં જોને ભૂખના લીધે ગુડ ગુડ થાય છે.' પિંકુ પણ રીંકુના સુર માં સુર મિલાવતા બોલ્યો.તો ટીંકુ કેમ પાછળ રહી જાય?.
'આટલું મોડુ તો પપ્પા ક્યારેય નથી કરતા.આજે જ કેમ પપ્પાએ મોડુ કર્યું. હે.' ત્રણે યુવરાજોને સમજાવતા સિંહરાણીએ કહ્યું.
'બચ્ચાંવો.રોજતો શુ છે ને કે. જે પ્રાણી સામે મળ્યું એને જ મારીને લાવવાનું હોય. એટલે પપ્પા ફટાક કરતા આવી જતા. અને આજે તો એમને એમના લાડકા કુંવરની ફરમાઈશ પ્રમાણે ડુક્કર જ મારીને લાવવાનું છે ને એટલે વાર તો લાગે ને હવે તો આવતા જ હશે હા.' ત્રણે સિંહકુમારો ગુફાની બાર આવીને સિંહરાજ ની રાહ જોવા લાગ્યા. ટાઈમપાસ કરવા એક બીજા સાથે કુસ્તીના દાવ રમવા લાગ્યા.વચ્ચે વચ્ચે ગીત પણ ગાઈ લેતા.
'ઘનઘોર જંગલમાંથી.
એક જાડું ડુક્કર મારી.
પપ્પા અમારા આવશે
ત્યારે પાર્ટી અમારી થાશે.
મિજબાની અમારી થાશે.
એક બીજાના પુછડા પકડીને ગોળ ગોળ ફરતા ત્રણે રાજકુમારો નાચી રહ્યા હતા. અને સિંહરાણી બચ્ચાંવો ને જોઈને હરખાતા હતા.
સુર્ય ધીરે ધીરે પશ્ચિમ દિશામાં ઢળવા લાગ્યો. ઝાડોના પડછાયા લાંબા થવા લાગ્યા.અને હવે યુવરાજોને પપ્પાની ચિંતા પણ થવા લાગી.એમના ગીતોનો સુર થોડોક બદલાયો.
ઘનઘોર જંગલમાંથી
જાડું પાડુ ડુક્કર મારી
ડુક્કર ભલે તમે ના લાવો
પપ્પા હેમખેમ આવી જાવો
પપ્પા હેમખેમ આવી જાવો.
હવે તો સિંહરાણીને પણ ચિંતા થવા લાગી. કે રીંકુ. પિંકુ અને ટીંકુના પપ્પા સાંજ પડવા આવી તોય કેમ નહીં આવ્યા.?એમણે રાજકુમારોને કહ્યું.
'કુમારો. તમે અહીં ગુફામાં રહો.મને લાગે છે કે તમારા પપ્પાએ ખુબ મોટું ડુક્કર માર્યું હોવું જોઈએ. જેને અહીં સુધી લાવવામાં એમને મુશ્કેલી પડતી હશે.હું જઈને એમને હેલ્પ કરું. ઠીક છે.?'
'નાના. મમ્મી અમે પણ તારી સાથે આવીશું.' ત્રણે સિંહકુમારો એકી સાથે બોલી ઉઠ્યા.
'મારી સાથે આવવાની કોઈ જરુર નથી હું આમ ગઈ ને આમ આવી.' કહીને સિંહરાણી ગુફામાંથી બાહર નીકળી. પણ એમની પાછળ પાછળ રીંકુ. પિંકુ ને ટીંકુ પણ નીકળ્યા.
'અમે પણ સાથે આવીશું.'ત્રણેએ જીદ કરી.
'છાના માનાં અહીં ગુફામાં ગુડાઈ રહો.' સિંહરાણીએ ખિજાઈને કહ્યું.
'અમને એકલા અહીં ડર લાગશે મમ્મી.'રિકુ બોલ્યો.અને પિંકુ ટીંકુએ એના સુર મા સુર પુરાવ્યો
'હા હા મમ્મી અમને ડર લાગશે.' હવેતો સિંહરાણી વધુ ખિજાણી. અને ત્રાડ નાખતા બોલી.
'તમે તો સિંહના બચ્ચા છો કે બિલાડાના?ડર લાગે છે એવું કહેતા શરમ નથી આવતી.?'
'મમ્મી અમે સિંહના બચ્ચા છીએ પણ હજી નાના જ છીએ ને ડર લાગે છે તો લાગે છે.એમાં શરમ કેવી.'
'પણ આ ઘનઘોર જંગલમાં તમે ત્રણ માંથી એકાદું ખોવાઈ ગયું તો.?'સિંહરાણીએ ભય વ્યક્ત કર્યો.
'અમે નહીં ખોવાશું મમ્મી. તારી પૂંછડી પકડીને જ ચાલશું.'ત્રણે એકી સાથે બોલી પડ્યા.
'ઠીક છે ચાલો ત્યારે.' કહીને સિંહરાણી ચાલવા લાગ્યા. અને તેની પૂંછડી પકડીને ત્રણે યુવરાજો એમની પાછળ પાછળ.
થોડેક દુર એ લોકો પોહચ્યા. ત્યાં હરણાઓનું ટોળું એમના ઘર તરફ પાછું ફરી રહ્યું હતું એ સામે મળ્યું. સિંહરાણી અને યુવરાજો ને જોઈને બધા હારબંધ ઉભા રહી ગયા. અને યુવરાજો નું અભિવાદન કર્યું. અને અભિનંદન આપતા બોલ્યા.
'યુવરાજો ને જન્મદિવસ ના હાર્દિક અભિનંદન વનદેવી અમારા યુવરાજો ને લાબું આયુષ્ય બક્ષે.'
'આભાર.' સિંહરાણીએ કહ્યું. અને પછી પુછ્યુ.
'તમે લોકોએ આજે સિંહરાજ ને જોયા હતા?'
'હા હા જોયા હતા.'બધા એક સાથે બોલી પડયા.
'કોઈ પણ એક જ હરણું બોલે.' સિંહરાણીએ આદેશ આપતા કહ્યું. એટલે હરણાનું બચ્ચું આગળ આવ્યું અને બોલ્યું.
'સિંહરાણી.સવારે આજ જગ્યાએ સિંહરાજ અમને મળ્યા હતા.અમે એમને જોઈને ખુબ ડરી ગયા. પણ એમણે અમને અભયવચન આપતા કહ્યું કે આજે તમારે અમારા પરિવારથી ડરવાની જરુર નથી. આજે અમારા યુવરાજોનો જન્મદિવસ છે. આજના દિવસે અમે હરણાઓનું માંસ ન ખાવાનો નિર્ણય લીધો છે.' હરણું શ્વાસ લેવા થંભ્યુ.તો સિંહરાણી ઉતાવળે બોલી.
'આગળ શું થયું?જલ્દી બોલ.'
'સિંહરાજ ના શબ્દો સાંભળીને. અમારો ડર જતો રહ્યો. હુતો સિંહરાજની લગોલગ પોહચી ગયો અને એમની કેશવાળી માં મારુ માથું પણ ઘસ્યું હતું.'
'પછી સિંહરાજ કઈ તરફ ગયા.?'સિંહરાણીએ અધિરાઈથી પુછ્યુ.
'સિંહરાજ આ તરફ સીધેસીધા ગયા હતા.' એક મોટી ઉંમરના હરણાએ ઉત્તર દિશા તરફ ઈશારો કરતા કહ્યું.
'ઠીક છે જાવ તમે.' સિંહરાણીનો આદેશ થતા જ હરણાઓ પોતાના મુકામ તરફ દોડ્યા. દોડતા હરણાઓને જોઈને ટીંકુના મોં માંથી લાળ ટપકી.
' મમ્મી.ભુખ લાગી છે એકાદું હરણું મારને.'
'શુ બકે છે ટીંકુ?' રીંકુ ટીંકુનો ઉધડો લેતા બોલ્યો.
'તે સાંભળ્યું ને.? પપ્પાએ એ લોકોને આજે ન મારવાનું વચન આપ્યું છે. આપણાથી પપ્પાએ આપેલું વચન તોડાય?' સિંહરાણી ને રીંકુ પર ગર્વ થયો. રીંકુના કપાળ ઉપર ચુંબન કરતા કહ્યું.
'મારો દિક્કો. કેટલો સમજદાર છે.'
'પણ બોવ ભૂખ લાગી છે.' ટીંકુ ફરીથી બોલ્યો. તો આ વખતે પિંકુએ સરસ જવાબ આપ્યો.
'ભુખથી મરી જશું. પણ પપ્પાના વચનને નિભાવશું. આજે હરણાઓને નહીં મારશું. હરગીઝ નહીં મારશું.'
'ઠીક છે ચાલો ત્યારે.' ટીંકુ રોતલ સ્વરે બોલ્યો. ફરી એકવાર સિંહ પરિવારનો કાફલો આગળ ચાલ્યો. સિંહરાણી આગળ અને એની પુંછડી પકડીને ત્રણે યુવરાજો પાછળ. થોડેક દૂર એ લોકો પોહચ્યા તો ત્યાં ભેંસો પોતાના રહેઠાણ તરફ જાવાની તૈયારીમાં હતી. સિંહરાણી અને યુવરાજો ને જોઈને બધી એક હાર માં ઉભી રહી ગઈ. અને સહુથી પહેલા. યુવરાજોનું એમણે અભિવાદન કર્યું.
'ઘણું જીવો અમારા યુવરાજો. તમને જન્મદિવસ ના ઘણા બધા અભિનંદન.'
'તમારો ખુબ ખુબ આભાર.' સિંહરાણી એ કહ્યું.
'હવે મને એટલું જણાવો કે તમે આજે સિંહરાજ ને જોયેલા?'
'હા હા સિંહરાણી.જોયેલા.' બધી ભેંસો એક સાથે બોલી પડી. તો સિંહરાણીએ ત્રાડ પાડતા કહ્યું.
'કોઈ પણ એકજ જણી બોલે.' સિંહરાણી ની ત્રાડ થી ઘણી બધી ભેંસોના ગોબર નીકળી ગયા.બધી શરમથી સિયાવિયા થઈ ને ચુપચાપ ઉભી રહી ગઈ પેલી ઘરડી બટકેલા શીંગડા વાળી ભેંસ આગળ આવી અને બોલી.
'સિંહરાણી. સવારે અમે અહીંજ ઝાડ નીચે બેસેલી હતી. અને અમે સિંહરાજને તમે આવ્યા એજ રસ્તેથી આવતા જોયા. ને અમે બધી બીક ની મારી ઉભી થઈ ગઈ. અત્યારે જેમ તમારી ત્રાડથી.ઘણી ભેંસુ ના છાણ નીકળી ગયા. એમજ સવારે સિંહરાજ ને જોતાવેંત અમારુ ગોબર નીકળી ગયું હતું. પણ સિંહરાજે અમને અભય વચન આપતા કહ્યું કે આજે અમારા યુવરાજોનો બર્થડે છે. અને આજે અમે ભેંસો ને ન મારવાનો નિર્ણય લીધો છે. સિંહરાજની વાત સાંભળીને હુ તો એમની પાસે દોડી ગઈ હતી. અને મારા બટકેલા શીંગડાથી એમને ગલીપચી પણ કરી....' ઘરડી ભેંસનું લાબું લચક ભાષણ સાંભળીને સિંહરાણી કંટાળી ગયી એને અધવચ્ચે ટોકતા બોલી.
'એ પછી કઈ દિશામાં ગ્યા એ બોલને.?'
'ઉત્તર દિશામાં જે તળાવ છે ને એ તરફ સિંહરાજ ગયા હતા.'
'સારું ત્યારે આવજો' કહી સિંહરાણીએ ભેંસુને જવા માટે ઈશારો કર્યો. અને બધી ભેંસુ પોતાના રહેઠાણ તરફ ચાલી. એ લોકો થોડેક દુર પોહચ્યા હશે કે પિંકુ એ સિંહરાણી ને કહ્યું.
'મમ્મી. એક ભેંસ તો મારવી હતી. સવારથી કાંઈ ખાવા નથી મળ્યું.'
'તે સાંભળ્યુને. પપ્પાએ આ લોકોને પણ અભયદાન આપ્યું છે. હવે તુજ કે દિક્કા. શુ આપણે પપ્પાએ આપેલા વચનને તોડશું?'
'ના હો મમ્મી.ભુખથી મરી જઈશુ પણ પપ્પાના વચનને જરુર નિભાવશું.' આ વખતે છાતી ફુલાવતા ફરી એકવાર પિંકુ બોલ્યો.તો સિંહરાણીએ ખુશ થઈને પિંકુના કપાળને ચુમી લીધું.
'વાહ મારો બચ્ચો બોવ ડાયો.' એ ચારે તળાવ તરફ ચાલ્યા. સિંહરાણી આગળ અને એની પૂંછડી પકડીને યુવરાજો એની પાછળ. એ ચારે તળાવ પાસે પોહચ્યા.તળાવની બાહર ગેંડાઓ પોતાના રહેઠાણ તરફ જાવાની તૈયારી કરી રહ્યા હતા. સિંહ પરીવારને જોઈને બધાએ પહેલાતો જય ઘોષ કર્યો.
'સિંહરાણી નો જય. યુવરાજોનો જય. હેપી બર્થડે યુવરાજો. યુવરાજો ઘણું જીવો.'
'આભાર તમારો. હવે અમને કહો કે તમે આજે સિંહરાજને જોયેલા.' સિંહરાણીએ પુછ્યું. જવાબમાં બધા ગેંડાઓ ઉત્સાહથી એકીસાથે બોલી પડ્યા.
'હા હા. સિંહરાણી અમે જોયા હતા.' સિંહરાણીએ ત્રાડ પાડીને કહ્યું
' કોઈ પણ એક જ ગેંડો બોલે.' એક ગેંડો આગળ આવ્યો અને નમ્રતાપૂર્વક શીશ ઝુકાવીને બોલ્યો. 'સવારે અમે ગેંડાઓ આજ તળાવમાં છબછબિયાં કરતા હતા. ત્યારે સિંહરાજ પાણી પીવા આવેલા એમને જોઈને અમે એટલા બધા ડરી ગયેલા કે ઘણા ગેંડાઓ તો ડુબકી મારીને તળાવને સામે બાજુ ચાલ્યા ગયેલા.'
'પછી. પછી શું થયુ.' સિંહરાણીએ અધિરાઈથી પુછ્યુ.
'સિંહરાજ અમારો ડર પારખી ગયા હતા. અને અમને આશ્વાસન આપતા બોલેલા. કે આજે અમારા યુવરાજો નો જન્મદિવસ છે. અને એટલે આજે અમે ગેંડાઓનું માંસ ન ખાવાનો નિર્ણય કર્યો છે. આજે તમોને અમારા સિંહ પરિવાર તરફથી અભયવચન છે. આજના દિવસે તમતમારે મોજ કરો. હું તો ખુશીનો માર્યો સિંહરાજની લગોલગ પોહચી ગયો. મારુ શીંગડું એમની ગરદનમાં મેં ઘસ્યું છતાં સિંહરાજ કાંઈ ન બોલ્યા.' હવે સિંહરાણી કંટાળી.ચિડાયેલા સ્વરે બોલી.
'એ ગ્યા કઈ બાજુ એ કે ને.'
'પેહલા એમણે ધરાઈને પાણી પીધું. પછી તળાવમાં એક ડુબકી લગાવી અને પછી ઉત્તર દિશા તરફ જતા એમને અમે જોયા.'
'સારું જાવ ત્યારે તમો છુટ્ટા.' સિંહરાણીએ ગેંડાઓ ને જાવાની રજા આપતા જ બધા ગેંડોઓએ પોતાના રહેઠાણ તરફ દોટ મુકી.
'મમ્મી. હવે શું કરીશું.' રીંકુએ ચિંતાતુર અવાજે પુછ્યુ.
'બેટા. ચિંતા ન કર. પપ્પા મળી જાશે અને સાથે મસ્ત મજાનું ડુક્કર પણ.' રીંકુને સમજાવતા સિંહરાણીએ કહ્યું.
'ચાલો આપણે ઉત્તર દિશામાં આગળ જઈએ' કહેતા ટીંકુએ ઉત્તર દિશાની વાટ પકડી.તો સિંહરાણી થી રાડ પડાઈ ગઈ.
'ચાલ્યો ક્યાં?ઉભો રે. આમ મારી પાછળ આવ અને મારુ પૂંછડું પકડ.' ફરી એકવાર ત્રણે યુવરાજોએ સિંહરાણી નું પુછડું પકડ્યું અને એ ચારેય સિંહરાજ ને શોધવા આગળ વધ્યા.
હજુ તો થોડાક ડગલાં ચાલ્યા ત્યાં સામેથી એક ઘરડુ શિયાળ દોડતું દોડતું આવતું હતું.એનું નામ શકરો શિયાળ હતું.સિંહ પરિવારને જોઈને એ ઉભું રહ્યું. દોડીને આવતા એને શ્વાસ ચડી ગયો હતો. એટલે એ હાંફવા લાગ્યો હતો. સિંહરાણી પ્રશ્નાર્થ નજરે એને જોઈ રહી.શકરાનો શ્વાસ જરા હેઠો બેઠો કે તરત એ બોલ્યો.
'ગઝબ થઈ ગયો સિંહરાણી. હું સીધો તમારી ગુફા પર જ આવી રહ્યો હતો.' શકરાની વાણી સાંભળીને સિંહરાણીને ફાળ પડી. ચિંતાતુર સ્વરે એણે પુછ્યુ.
'શુ થયું શકરા કાકા?'
'કહેતા મારી જીભ નથી ઉપડતી સિંહરાણી.કેમ કરીને કવ.'
'કીધા વગર છૂટકો છે કાકા?કહેશો નહિ તો કેમ ખબર પડશે કે શુ થયું છે?' સિંહરાણી અવાજમાં ગરમી લાવતા બોલ્યા.શકરો જમીન પર બેસી પડતા બોલ્યો.
'સિંહરાજને સર્કસ વાળા પકડી ગયા.'
'હેં. એ વળી શુ?' સર્કસ વાળા એટલે શું હશે?સિંહરાણી ને એમા ગતાગમ ના પડી.
'એ શહેરના બે પગાળા પ્રાણીઓ છે. જે મનુષ્યો તરીકે ઓળખાય છે. એ આપણા સિંહરાજને પકડી ગયા.' સિંહરાણી ને હજુ માન્યામાં નોતું આવતું કે કોઈ સિંહરાજને પકડી પણ શકે.
'એ કેમ બને?સિંહરાજને કોઈ કેવી રીતે પકડી શકે?'સિંહરાણી ના સવાલના જવાબમાં શકરાએ કહ્યું.
'મારી સાથે ચાલો હું તમને સમજાવું.' આગળ શકરો અને પાછળ સિંહ પરિવાર જ્યાં સિંહરાજને પાંજરા માં પકડવામા હતા ત્યાં આવ્યા.
'જુવો આ નિશાન દેખાય છે.'પાંજરાના પૈડા ના નિશાન દેખાડતા શકરો બોલ્યો.
'હા તો એનું શું?' સિંહરાણીએ પુછ્યુ.
'અહીં એક મોટું પાંજરું હતું એની અંદર એક જાડુ સફેદ ડુક્કર બાંધ્યું હતું. સિંહરાજે એ ડુક્કર જોયું અને એનો શિકાર કરવા પાંજરામાં દાખલ થયા અને એમાં સપડાય ગયા.' શકરાની વાત સાંભળીને સિંહરાણીને હવે પરિસ્થિતિ સમજાઈ. અને એમની આંખોમાંથી ડબ ડબ આંસુઓ ટપકવા લાગ્યા. રીંકુ પિંકુ અને ટીંકુ પણ મમ્મીને રડતા જોઈને રડવા લાગ્યા.
'હવે આપણે શું કરીશું મમ્મી?' રીંકુએ રડતા રડતા પુછ્યુ.
'શકરા કાકા. શુ મનુષ્યો સિંહરાજ કરતા પણ વધુ તાકતવર હશે.' સિંહરાણીએ શકરાને પુછ્યુ.
'મનુષ્યોમાં તાકાત નહિ પણ બુદ્ધિ વધારે હોય છે. અને મનુષ્યોમાં એક કહેવત પણ છે કે બુદ્ધિ આગળ બળ પાણી ભરે.તમે વાંદરાઓને ક્યારેય તમારા હિસાબે ગુલાંટ મરાવી શકો?એમને પણ મનુષ્યો પોતાના ઈશારે જ ગુલાંટો મરાવે. અને ગજરાજો તો તમારા કરતા પણ વધુ તાકતવર હોય છે.પણ મનુષ્યો એમની પાસે પણ ધાર્યા કામ કરાવે છે.'
'ઠીક ત્યારે જેવા અમારા અને સિંહરાજના નસીબ.' સિંહરાણીએ હથિયાર નાખી દીધા. અશ્રુભીની આંખે બોલ્યા
'ચાલો યુવરાજો આપણે આપણી ગુફાએ.'
'પણ પપ્પા?' રીંકુએ રડતા રડતા પુછ્યુ પિંકુએ પણ એમાં ટાપસી પુરી.
'શુ પપ્પા હવે ક્યારેય નહીં આવે?.'
'મને તો પપ્પા વગર જરાયે નહિ ગમે.'કહીને ટીંકુ તો પોક મુકીને રડવા લાગ્યો.
'તું તો ચુપ જ રહે. આ જે કંઈ થયું એ તારા જ કારણે થયું છે.' રીંકુ ટીંકુને તતડાવતા ગુસ્સાથી બોલ્યો.
'મે. મે શુ કર્યું.'ટીંકુએ રડતા રડતા જ પુછ્યુ.
'તેજ જીદ કરીતીને ડુક્કર ખાવાની?' પિંકુએ રીંકુના સુર મા સુર મિલાવ્યો. આ સાંભળીને ટીંકુ વધુ જોરથી રડવા લાગ્યો.
'રીંકુ. પિંકુ આમા ટીંકુનો કોઈ દોષ નથી. માટે ટીંકુને દોષ દેવા નું બંધ કરો.' સિંહરાણી ટીંકુનો પક્ષ લેતા બોલી. પછી રડતા ટીંકુને સમજાવતા કહ્યું.
'ચૂપ થઈ જા દિક્કા. આપણા નસીબમાં પપ્પાનો આટલો જ સાથ લખાયો હશે. ચાલો હવે.'
સિંહરાજ થી જુદા પડીને દસ દિવસ થઈ ગયા હતા.સિંહરાણી ઉપર હવે માં અને બાપ બન્ને ની જવાબદારી હતી. અને એ એને બખૂબી નિભાવી રહી હતી. નાનું મોટું જે શિકાર મળે એ લઈ આવતી. અને પછી ચારે ભેગા મળીને પેટ ભરતા.રીંકુ પિંકુ તો પેટ ભરીને ખાતા. પણ ટીંકુ બરાબર ખાઈ ન શકતો. પપ્પાની યાદમાં એ ઉદાસ જ રહેતો. સિંહરાણી એને પ્રેમથી પૂછતી.
'દિક્કા. કેટલા દિવસ આમ ઉદાસ રહીશ.'
'પપ્પા વગર મને ગમતું નથી.'
'પણ શું કરશું બેટા.?પપ્પા વગર રહેતા શીખવું તો પડશેને.'
'હું ક્યારેય મારી જાતને માફ નહિ કરી શકું.' કહેતા ટીંકુની આંખમાથી ડબ ડબ આંસુ પડવા લાગ્યા.
'મારા પ્યારા રાજકુમાર. આમાં તારો કોઈ કસુર નથી તું તારી જાતને દોષિ ના સમજ.' ટીંકુને સમજાવતા સિંહરાણી બોલ્યા.સાંજે ટીંકુ શકરાને મળ્યો.
'દાદા. સર્કસવાળા આપણને ક્યાં મળે.?'
'શહેરમાં' શકરાએ જવાબતો આપી દીધો. પણ પછી તરત ચોંકી પડતા પુછ્યુ.
'તારે શુ કામ છે.?'
'મારે પપ્પાને છોડાવા જાવું છે.'
'ગાંડો થઈ ગ્યો છે કે શું.' શકરો ગભરાહટ ભર્યા સ્વરે બોલ્યો.
'હા.દાદા એવુંજ સમજો.હું મારા પરિવારનો ગુનેહગાર છુ. મારે લીધે જ પપ્પા સર્કસવાળાઓ ના પાંજરે પુરાયા. હવે યા તો હું પપ્પાને છોડાવીને લાવીશ.અથવા હું પણ એ લોકોના પાંજરે પુરાઈશ. બસ તમે મને શહેરમાં જવાનો રસ્તો ચીંધો.'
'ખમ સિંહરાણીને કહેવા દે.'
'મમ્મી ને કંઈ ન કહેતા દાદા. નહીતો એ મને નહિ જવાદે.'
'અને તારા ગયા પછી એનું શું થાશે એ તે વિચાર્યું છે'
'દાદા.જો હું સફળ થયો. તો મમ્મી કેટલી ખુશ થશે.
'તારી સફળતા મુશ્કેલ છે.'
'તો એમની પાસે રીંકુ અને પિંકુ છેજ ને.?
' હવે તમે મને કયોને દાદા. શહેર તરફ કઈ રીતે જવાય.'
'ઠીક છે.ધ્યાનથી સાંભળ. સિંહરાજને ક્યાંથી લઈ ગયા હતા એ યાદ છે.?'શકરાએ પુછ્યુ.
'હા તળાવથી થોડેક દુર થી.' ટીંકુ ઉત્સાહ પૂર્વક બોલ્યો.
'બસ. એ માર્ગે સીધેસીધો ચાલતો જજે. આખી રાત તું ચાલીશ ત્યારે સવારે માનવ વસ્તીમાં પોહચીસ. અને આ માનવો થી ખુબ ચેતીને રહેજે. અને તારું ધ્યાન રાખજે. વનદેવી તારા સાહસમાં તને સાથ આપે.' શકરાની આંખો ભીની થઈ ગઈ.
'તમારો આભાર દાદા.' પિંકુ ગળગળા સ્વરે બોલ્યો.
'સિંહરાણીને મારે શું કહેવું.'
'કહેજો કે પિંકુ સિંહરાજને લઈને આવશે. યા હવે કદી નહીં આવે.'
'મને પુછશે કે મેં તને કેમ ના રોક્યો તો શુ જવાબ આપું.?'
'કહેજો કે મને પિંકુએ સોગન આપ્યા તા.'
પિંકુ ચાલી નીકળ્યો પપ્પાની તલાશમાં.શકરાએ કહ્યું એમ એ આખી રાત ચાલતો રહ્યો. સવારે એ શહેરની માનવ વસ્તીમાં પોહચ્યો. ત્યાં એક ઠેકાણે એણે મોટું મસ સર્કસનું હોર્ડિંગ જોયું. એ હોર્ડિંગની નજદીક ગયો તો એમાં એણે સાયકલ ચલાવતા વાંદરા. સ્ટુલ ઉપર હાથી અને સળગતી રીંગમાંથી છલાંગ લગાવતા પોતાના પપ્પાને જોયા.એનું હ્ર્દય એ ફોટો જોઈને કકળી ઉઠ્યું. મારા લીધે જ આજે પપ્પાને રાજા માંથી ગુલામ બનવું પડ્યું. એની આંખો પ્રશ્ચાતાપના આંસુ સારવા લાગી.
પિંકુ જ્યારે સર્કસનું પોસ્ટર જોઈ રહ્યો હતો એ દરમિયાન. કોઈ મનુષ્યે એને ત્યાં જોઈ લીધો. અને એણે. સર્કસવાળા ને ફોન લગાડ્યો.
'હલ્લો.હલ્લો. હું નવજીવનના બસ સ્ટેન્ડ પાસેથી બોલું છું.' સવાર સવારમાં ફોન ની ઘંટડી વાગવવાથી સર્કસનો મેનેજર ચિડાયો.
'શુ છે સવાર સવારમાં.'
'અહીં સર્કસનું જે હોર્ડિંગ લગાવ્યું છે ત્યાં તમારા સર્કસ ના કોઈ સિંહનું બચ્ચું ઉભું ઉભું રડે છે.'
'હેં એ. શુ કીધું.? સિંહનું બચ્ચું.?ક્યાં કઈ જગ્યાએ.'
'નવજીવનના બસ સ્ટેન્ડ પાસે.'
'અચ્છા અચ્છા અમે આવીએ છીએ. ત્યાં સુધી એ બચ્ચાને પકડી રાખજે.'
'શુ પકડી રાખજે. એ સિંહનું બચ્ચું છે. ગલુડિયું નથી. મેં મારી ફરજ બજાવી હવે તમે જાણો ને તમારું કામ.' ફોન કરવા વાળાએ ફોન મુકી દીધો. મેનેજરે તરત માણસોને હુકમ કર્યો
'ચાલો જલ્દી નવજીવનના બસ સ્ટેન્ડ પાસે સિંહનું બચ્ચું આવ્યું છે.' એ લોકો એક મોટી ગાડી લઈને જ્યાં પિંકુ ઉભો હતો ત્યાં આવ્યા. બંદૂકથી બેશુદ્ધિ નું ઇન્જેક્શન મારીને પિંકુને બેશુદ્ધ કરી નાખ્યો. અને સર્કસના તબું માં લાવીને એક નાનકડા પિંજરામાં એને પણ કેદ કરી દીધો.
જોગાનુજોગ સિંહરાજ ના પિંજરાની પાસે જ ટીંકુનું પિંજરું રાખવામાં આવ્યું હતું. સિંહરાજે જ્યારે બેહોશ ટીંકુને પિંજરામાં જોયો. તો એમનું હ્ર્દય દ્રવી ગયું. એમણે એમના પીવા માટે રાખેલા પાણીને પોતાના મો માં ભર્યું.અને એમણે ટીંકુ ઉપર જોરથી પિચકારી મારી. ઠંડુ ઠંડુ પાણી શરીર પર પડવાથી. ટીંકુની આંખ ખુલી ગઈ. આંખ ખુલતા જ એની દ્રષ્ટિ સીધી સિંહરાજ ઉપર જ પડી.
'તું અહીં કેવી રીતે આવ્યો.?' સિંહરાજે ચિંતિત સ્વરે પુછ્યુ.
'પેહલા તો તમે મને ક્ષમા આપો. મારે લીધે તમે આ સર્કસવાળા ના પાંજરે પુરાયા.'
'એવું કંઈ નથી દિક્કા. કદાચ આવું મારા ભાગ્યમાં લખેલું હશે.' સિંહરાજ ટીંકુને આશ્વાસન આપતા બોલ્યા. અને પછી ફરીથી પુછ્યુ.
'હવે કે જોઈ કે તું અહીં ક્યાંથી?'
'તમારા વગર મને બિલકુલ ગમતું નોતું. અને મારું મન મને સતત ડંખ્યાં કરતુતું કે મારી ડુક્કર ખાવાની જીદના કારણે તમે મુસીબત માં પડ્યા છો. તો તમને મુસીબત માંથી મારે જ બાહર કાઢવા જોઈએ માટે હું શહેર માં આવ્યો અને તમારી જેમ હું પણ પાંજરે પુરાયો.' ટીંકુએ પોતાની દાસ્તાન સંભળાવી ટીંકુની વાત સાંભળીને સિંહરાજ બોલ્યા.
'ડુક્કર ખાવાની તે જીદ નોતી કરી દિક્કા. મેં તને પુછ્યુ તું કે શું ખાવું છે. તો તે તારી ઈચ્છા બતાવીતી. અને તારા જન્મદિવસે તારી ઇચ્છા પુરી કરવી એ તો પપ્પાની ફરજ હતીને.'
'હવે આપણે શું કરીશું પપ્પા.'
'હું તો આને મારુ કમભાગ્ય માની બેઠો હતો. પણ હવે તારા આવવાથી અહીંથી છૂટવાની આશા જાગૃત થઈ છે. રાત પડવા દે આપણે કંઈક કરીશું.'
રાત પડતા સુધીમાં સિંહરાજે પોતાની યાદ શક્તિ પર જોર લગાવ્યું કે આ લોકો પાંજરાના દરવાજાનો આગળો કેવી રીતે ખોલે છે. અને કેવી રીતે બંધ કરે છે. હું કોશિષ કરીશ તો મારાથી આગળો ખુલશે? આમ વિચારતા ને વિચારતા રાત પડી. મધરાત થવા આવી. ચારેતરફ સન્નાટો છવાયેલો હતો. સિંહરાજે પાંજરા માંથી પંજો બાર કાઢીને આગળો ખોલવાની કોશિષ કરી અને થોડીક માથાકૂટ પછી એમાં એમને સફળતા પણ મળી. જરાય અવાજ ન થાય એનું ધ્યાન રાખીને એ પિંજરામાંથી બાહર આવ્યા અને પછી એમણે ટીંકુનું પાંજરું પણ ખોલી નાખ્યું. ટીંકુ પણ પાંજરા માંથી કૂદીને બાહર આવ્યો. એટલે સિંહરાજે ટીંકુને કહ્યું.
'ટીંકુ દિક્કા. ચાલ મારી પીઠ ઉપર બેસીજા'
'પીઠ ઉપર શુ કામ પપ્પા.?હું ચાલી શકીશ.' ટીંકુ પપ્પાને વધુ તકલીફ આપવા માંગતો ન હતો .
'બેટા. આપણે અત્યારે ચાલવાની નહીં પણ દોડવાની જરૂર છે. અને તું મારાથી તેજ દોડી શકવાનો નથી. બરાબર છે.?'
'બરાબર છે પપ્પા.' કહીને ટીંકુ પપ્પાની પીઠ ઉપર ચઢી ગયો.અને સિંહરાજે જંગલ તરફ દોટ મુકી.
વહેલી પરોઢે સિંહરાજ અને ટીંકુ ગુફાએ પોહચ્યા ત્યારે સિંહરાણી ટીંકુ ની ફિકરમાં રડી રડીને અડધી થઈ ગઈ હતી. ટીંકુ અને સિંહરાજ ને પાછા આવેલા જોઈને. એતો ખુશીથી બેબાકળી થઈ ગઈ. શુ કરવું એ એને સમજાતું નહોતું. એ દોડીને ટીંકુને વળગી ગઈ.
'ક્યાં વયો ગ્યો તો. મમ્મા ને મુકીને દિક્કા.' ખુશીથી એની આંખોમાંથી ઝાર ઝાર પાણી પડવા લાગ્યા. રીંકુ અને પિંકુ સિંહરાજ ને વીંટળાઈ વળ્યાં. અને પછી. સિંહરાણી અને ત્રણે રાજકુમારો સાથે સિંહરાજે ખાધુ પીધુ ને રાજ કર્યું.'