Wrap the loop books and stories free download online pdf in Gujarati

લૂપ લપેટા

લૂપ લપેટા-

રાકેશ ઠક્કર

તાપસી પન્નૂએ નેટફ્લિક્સ પર રજૂ થયેલી 'લૂપ લપેટા' માં પ્રયોગ કર્યો છે પણ બહુ ઓછા દર્શકો એ જોવા તૈયાર હોય છે. તાપસીને એના મિજાજની ફિલ્મો મળતી હોવાથી વધારે મહેનત કરવી પડતી નથી. દર્શકોએ એની ફિલ્મ જોવાનું જોખમ લેવું કે નહીં એ એમના પર આધાર રાખે છે. સમીક્ષકોએ 'લૂપ લપેટા' ને ત્રણથી વધારે સ્ટાર આપવાનું ટાળ્યું છે. કેમકે તેની 'રશ્મિ રૉકેટ' ના દોડવીરના પાત્રનું જ 'લૂપ લપેટા' માં અનુસંધાન થતું લાગે છે. એ વાત સૌ કોઇ માનશે કે તાપસીનો અભિનય દરેક ફિલ્મમાં નવી ઊંચાઇ પ્રાપ્ત કરે છે. તે પોતાની ભૂમિકાને સમર્પિત થઇને કામ કરે છે. ફિલ્મના ટાઇટલમાં 'લૂપ' ની જોડણીમાં અંગ્રેજીના ત્રણ 'ઓ' લખવાનું કારણ એ છે કે એમાં એક સરખી ઘટના ત્રણ વખત બને છે. છતાં તાપસી દરેક વખતે એકસરખા ઉત્સાહથી કામ કરતી દેખાય છે. જ્યારે તાહિર રાજ ભસીનના અભિનયમાં આગળ જતાં મર્યાદા આવી જતી હોય એમ લાગે છે. તાપસી જેટલી ઉર્જા એનામાં દેખાતી નથી. તાહિરે ધ્યાન ખેંચે એવો અભિનય જરૂર કર્યો છે. ફિલ્મમાં તાપસીની બેક સ્ટોરી છે પણ તાહિરની નથી. તાહિરને 'લૂપ લપેટા' થી લાભ જરૂર થશે. એક સમયે ટૂંકી ફિલ્મોમાં કામ કરતા તાહિરનું છેલ્લા થોડા સમયથી નામ થઇ રહ્યું છે. રણવીર સિંહની ફિલ્મ '૮૩' માં સુનીલ ગાવસ્કરની ભૂમિકામાં દેખાયા પછી તેની બે મોટી વેબસીરિઝ આવી. ઉપરાંત ગયા મહિને 'યે કાલી કાલી આંખેં' અને 'રંજીશ હી સહી' જેવી નાની ફિલ્મો આવી છે. રાનીની 'મર્દાની' માં મુખ્ય વિલનની ભૂમિકા પછી તાહિરને મોટી ભૂમિકાઓ મેળવવામાં સમય લાગી ગયો.

'લૂપ લપેટા'ને જોઇ શકાય એવા જે ત્રણ કારણો ગણી શકાય એમાં સૌથી પહેલું તાપસીની હાજરી છે. તાપસીએ બિંદાસ બનીને ચુંબન દ્રશ્યો જ નહીં અંતરંગ દ્રશ્યો પણ આપ્યા છે. અલબત્ત તાપસીની બધી મહેનત નબળા લેખનને કારણે સફળ થતી નથી. બીજું કારણ સિનેમેટોગ્રાફી સરસ છે. અને ત્રીજું યુવાનોને જોડવાનો પ્રયત્ન થયો છે. ક્રિકેટ પર આધારિત 'ઇનસાઇડ એજ' વેબસીરિઝના કેટલાક એપિસોડ તૈયાર કરવાનો અનુભવ ધરાવતા નિર્દેશક આકાશ ભાટીયાએ જર્મન ફિલ્મની અંગ્રેજીમાં ઉતરેલી 'રન લોલા રન' નું ભારતીયકરણ કરવા માટે ચાર લેખકોની ટીમ બનાવી હતી. એમ છતાં અપેક્ષિત પરિણામ મળ્યું નથી. બોલિવૂડમાં સ્થિતિ એવી છે કે લેખકો પાસે વાર્તા લખાવવામાં આવતી નથી પરંતુ ઉધાર લીધેલી વાર્તા પર એમની પાસે મહેનત કરાવવામાં આવે છે. લેખકોએ ભારતીય દર્શકોને પાત્ર સાથે જોડવા માટે સત્યવાન- સાવિત્રીની પુરાણી વાર્તાનો આધાર લેવો પડ્યો છે. સત્યા (તાહિર) એક રેસ્ટોરન્ટમાં કામ કરતો હોય છે. જેનો માલિક વિકટર (દિવ્યેન્દુ) ખતરનાક ગુનેગાર હોય છે. એક દિવસ તે સત્યાને એક વ્યક્તિ પાસેથી રૂ.૫૦ લાખ લાવવાની જવાબદારી સોંપે છે. અને એક પિસ્તોલ આપીને કહ્યું હોય છે કે ખાલી હાથ આવવાને બદલે જાતે જ ગોળી મારી લેજે. સત્યાને જુગાર રમવાનો શોખ હોય છે. તે જુગારમાં તો નહીં પણ એક અજીબ ઘટનામાં રૂ.૫૦ લાખ ગુમાવી દે છે. તે પોતાની પ્રેમિકા સાવી (તાપસી) ને ફોન કરીને ઘટના વિશે કહે છે. જો એક કલાકમાં રૂ.૫૦ લાખ ના મળે તો મોત નક્કી છે. સાવી એને કેટલી કેવી રીતે મદદરૂપ થઇ શકે છે એ જોવાનું રહે છે.

જોકે માત્ર શહેરી દર્શકોને ધ્યાનમાં રાખીને જ દ્રશ્યો ફિલ્માવવામાં આવ્યા છે. એક યુવતી પોતાના પ્રેમીને બચાવવા માટે ભાગદોડ કરે છે એ વિષય પરની ૨૪ વર્ષ જૂની ફિલ્મની રીમેક બનાવીને બોલિવૂડે ફરી સાબિત કર્યું કે તેની પાસે વાર્તા જ નથી. બોલિવૂડ રીમેકના ભરોસે ચાલી રહ્યું છે. નિર્દેશક એક કલ્ટ ફિલ્મ ગનાયેલી 'રન લોલા રન' ના સ્તર સુધી પહોંચી શક્યા નથી. હિન્દી ફિલ્મ હોવાથી એમાં ગીત-સંગીત અને અન્ય બાબતો રાખવામાં મૂળ ફિલ્મ કરતાં ૫૦ મિનિટની લંબાઇ વધી ગઇ છે. ૮૦ મિનિટની વિડિયો ગેમ જેવા પ્લોટ સાથેની 'રન લોલા રન' મુખ્ય મુદ્દા પર જ દોડતી હતી. જ્યારે 'લૂપ લપેટા' માં બીજા સબ પ્લોટ ઉમેરવામાં આવ્યા છે અને પાત્રોની ભૂતકાળની વાતો સાથે ગીતો મૂકીને લાંબી બનાવવામાં આવી છે. ફિલ્મ છેક ઇન્ટરવલ પછી શરૂ થતી હોય એવું લાગે છે. સામાન્ય દર્શકોની પસંદને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી ન હોવાથી ઘણાને અડધા કલાક પછી ફિલ્મ છોડી દેવાનું મન થઇ શકે છે. જોકે ક્લાઇમેક્સમાં શું હશે એવી ઉત્સુક્તા છેલ્લે સુધી ફિલ્મ જોવા મજબૂર કરી શકે છે. કેટલીક જગ્યાએ ફિલ્મ હસાવે છે અને મજેદાર લાગે છે. પણ છેલ્લે એવું લાગે છે કે તાપસી અને તાહિરની વાર્તા સિવાય દરેકને મહત્વ મળ્યું છે. તાપસીની આ ફિલ્મમાં રોમાંચ હોવાથી માત્ર એક વખત જોઇ શકાય એમ છે.

('ચિત્રલેખા' મેગેઝીનની વેબસાઇટ (chitralekha.com) પર બૉલિવૂડના કલાકારોના જીવનની ઓછી જાણીતી અને રસપ્રદ વાતો વાંચવા માટે લેખક રાકેશ ઠક્કરની કોલમ 'બૉલિવૂડ કી બાતેં' આપ વાંચી શકો છો.)