Aa Janamni pele paar - 19 books and stories free download online pdf in Gujarati

આ જનમની પેલે પાર - ૧૯

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૯

મેવાન આંખના પલકારામાં ક્યાં ગાયબ થઇ ગયો હશે? વિચારતી હેવાલી બહાવરી બનીને આખા રૂમમાં નજર ઝીણી કરીને તેને શોધી રહી. પોતે કરેલા પ્રશ્નને કારણે મેવાન જતો રહ્યો હશે? શું તે પોતાના પ્રશ્નથી ગુસ્સે થયો હશે? એ મારા પર કોઇ પગલું તો નહીં ભરે ને? હેવાલી મનમાં જ એક પછી એક સવાલ કરતી ડરથી ધ્રૂજી રહી હતી. તેણે દિયાનને નીચે મળવા જવાનું નક્કી કર્યું. તેને રૂમમાં ભયાનક સન્નાટો વર્તાઇ રહ્યો હતો. મેવાનનું આ વલણ તેને સમજાઇ રહ્યું ન હતું. દિયાનને મળવા જવાનું વિચાર્યા પછી તેને થયું કે જે રીતે મેવાન મારી પાસે આવ્યો છે એ રીતે શિનામિ એની પાસે આવી હશે તો? પોતાનું અત્યારે એની પાસે જવાનું યોગ્ય નથી. તે વિચારમાં ને વિચારમાં દરવાજા સુધી પહોંચી ગઇ હતી. ધૂનમાં જ તેણે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ એ ખૂલ્યો નહીં. હેવાલીના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઇ ગયું. બહાર કૂતરાના રડવાના અવાજ સાથે હવાની લહેરખીથી વૃક્ષોની ડાળીઓ અને પાંદડાનો અવાજ વાતાવરણને વધારે ભયાવહ બનાવી રહ્યો હતો. હેવાલીએ દરવાજો ખોલવા બળ લગાવ્યું. દરવાજો જાણે ચોંટી ગયો હોય એમ જરા પણ હલતો ન હતો. હેવાલી થાકી- હારીને બેડ પર જઇ બેસી ગઇ. તે આંખો બંધ કરી વિચારવા લાગી. દિયાન અને એ કેવી પરિસ્થિતિમાં કેદ થઇ ગયા છે? શિનામિ અને દિયાનની મુલાકાત કેવી રહી હશે? આગળ શું થશે? મેવાન ક્યાં ચાલી ગયો હશે? હેવાલીએ જ્યારે આંખ ખોલી ત્યારે પોતાની સામે બેસીને મંદ મંદ હસતા મેવાનને જોઇ ચમકી ગઇ. સ્વસ્થ થતાં તે બોલી:'મેવાન, તું ક્યાં જતો રહ્યો હતો? હું ડરી ગઇ છું. મારી વાત સાંભળીને તું કયાં ગાયબ થઇ ગયો હતો? મેં જે વાત કરી એ તને ગમી ન હતી કે શું?'

'ના, હેવાલી એવું નથી. મને તારી વાત વિચારવા જેવી લાગી. મને થયું કે આવો જ પ્રશ્ન દિયાન શિનામિને કરી શકે છે. એટલે હું એને જણાવવા ગયો હતો! અમે અંદરોઅંદર તમારા વિચાર વિશે ચર્ચા કરી અને નક્કી કર્યું કે જો તમે ના આવ્યા હોત તો અમે જે કરવાના હતા એ કરીને જ રહ્યા હોત...હજુ પણ જો તમે બંને અમારી વાત નહીં માનો તો અમારી પાસે બીજો કોઇ રસ્તો નથી...' મેવાનના અવાજમાં ગંભીરતા હતી.

'શું...? તમે શું કરવાના હતા?' હેવાલીના અવાજમાં ભયની ધ્રૂજારી હતી.

'અમે તમારા બંનેની હત્યા કરી નાખી હોત...' મેવાન એટલી સરળતાથી બોલ્યો જાણે આ એમના માટે રમત વાત છે.

'હેં? આ હું શું સાંભળી રહી છું? એક તરફ તમે બંને એવું કહો છો કે અમારી સાથે જન્મોજનમનો નાતો છે. અમારી સાથે જ જીવવું છે અને બીજી બાજુ અમારી હત્યા કરવા સુધી જઇ શકો છો? આ કેવો પ્રેમ છે?' હેવાલીને મેવાનની વાત અજીબ લાગી રહી હતી.

'આ પ્રેમ જ છે. તમારી હત્યા કરીને અમે વધુ પ્રેમ મેળવી શકીએ એમ છે...' મેવાન ખુશ થતા બોલ્યો.

'તો પછી તમે અમારી હજુ સુધી હત્યા કેમ કરી નથી?' હેવાલીએ ગુસ્સામાં પૂછી લીધું.

'કેમ? મરવાની ઉતાવળ છે?' મેવાન હસીને બોલ્યો.

'એમ લાગે છે કે અમને મારવાની તમને ઇચ્છા છે.' હેવાલી નારાજ થતાં બોલી.

'જો એવું જ હોત તો તમને ક્યારનાય મારી નાખ્યા હોત...' મેવાન ગંભીર થઇને બોલ્યો.

'અમને કેમ મારી નાખ્યા નહીં એ જણાવીશ?' હેવાલીને એ જાણવાની તાલાવેલી વધી ગઇ કે મેવાન શા કારણે એની સાથે સારી રીતે વાત કરી રહ્યો હતો.

***

દિયાનને લાગ્યું કે તે એક નવી જ દુનિયામાં આવી પહોંચ્યો છે. જ્યાં શિનામિ અને તેના સિવાય કોઇ નથી. તે બીજા કોઇને જાણતો- ઓળખતો નથી. કોમ્યુટરમાંથી કોઇ ફાઇલને હંમેશ માટે ડિલિટ કરી દેવામાં આવી હોય એમ એના મન-મસ્તિષ્કમાંથી હેવાલીનું નામનિશાન નીકળી ગયું હતું. તે શિનામિના રૂપને આંખોથી ઘટઘટ કરીને પીતો હોય એમ બોલ્યો:'શિનામિ, તું રૂપરૂપનો અંબાર છે. તારું યૌવન ગુલાબની કળી જેવું છે. તારા જેવી સુંદર કોઇ નથી. તારા રૂપ સામે બધી પાણી ભરે એમ છે. હું તારા પર મોહિત થઇ ગયો છું. તારા વગર જીવી શકું એમ નથી. આવી જા... મારી બાંહોમાં સમાઇ જા...આજે તું અને હું બે જ છીએ... આપણી વચ્ચે કોઇ અંતરાય નથી. આપણે એકબીજામાં સમાઇ જઇએ... આપણે એકબીજાનો સાથ છોડવાનો નથી...'

દિયાનને ઉત્તેજના સાથે પોતાની નજીક આવતો જોઇ શિનામિ પોતાનો દાવ સફળ થયો હોય એમ ખુશીથી મલકી રહી હતી.

દિયાન પર અનંગનો રંગ વધારે ચઢી રહ્યો હતો:'તું હસે છે તો જાણે ફૂલ ઝરે છે.'

દિયાન શિનામિને બાથમાં ભરવા ગયો. પછી જે થયું એ દિયાનને આંચકો આપનારું હતું.

ક્રમશ:
Share

NEW REALESED