Kshitij - 4 in Gujarati Motivational Stories by Dhruti Mehta અસમંજસ books and stories PDF | ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની....- ભાગ 4

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની....- ભાગ 4

સમય જેમ જેમ વીતી રહ્યો હતો એમ બાહરી દુનિયામાં બંને વચ્ચે ધીરે ધીરે દોસ્તી વધી રહી હતી. પણ ભીતર ને ભીતર બંને વચ્ચે અલગ લાગણીની કુંપણ ખીલી રહી હતી જેનાથી બંને થોડા થોડા જાણતા પણ અજાણ બની રહ્યા હતા. રાશિની પેલી ચુનર હજુ પણ અનુરાગ પાસે હતી, ના અનુરાગે તે પાછી આપી ના રાશિએ તે પાછી માંગી.

સમય ની સાથે બંનેની દોસ્તી વધારે મજબૂત બની રહી હતી. બન્નેનો મોટાભાગનો સમય એકબીજા સાથેજ વીતતો, કોલેજ હોય કે પ્રેકટીકલ, બહાર હરવું ફરવું હોય કે પછી ભણવું હોય બંને સાથેજ રહેતા. બસ ખાલી સુવા પૂરતા બંને છુટા પડતા. ભણવામાં બંને અવ્વલ હતા સાથે સાથે કોલેજની નાની મોટી ઇત્તર પ્રવૃત્તિમાં પણ ભાગ લેતા અને જીતતા પણ. આખી કોલેજમાં એમની દોસ્તી પ્રખ્યાત હતી. વધતી દોસ્તી સાથે એમની અંદર પાંગરી રહેલો પ્રેમ છૂપાઈને બેઠો હતો. તે લોકો જ્યારે પણ નવરા હોય ત્યારે દરિયા કિનારે જઈને બેસતા અને ક્યારેક વાતો કરતા, તો ક્યારેક દરિયાના મોજામાં મસ્તી કરતા, પકડા પકડી રમતા તો ક્યારેક મૌન રહી એકબીજા સાથે બેસી કલાકો સુધી ડૂબતો સૂરજ જોઈ રહેતા.

રાશિએ પોતાના ગામ અને પરિવાર વિશે અનુરાગને કહ્યું હતું. બીજી તરફ અનુરાગ એક અનાથ હતો, તે પોતાની આવડત અને હોંશિયારીથી સ્કોલરશીપ મેળવી આટલો આગળ આવ્યો હતો. તે ડોક્ટર બની કોઈ નાનકડા ગામમાં પોતાની હોસ્પિટલ ઊભી કરી ગરીબ લોકોની સેવા કરવા માંગતો હતો. તેની આવી સોચથી રાશિને એના પ્રત્યે વધારે માન થયું હતું.

કોલેજનું છેલ્લું વર્ષ ચાલી રહ્યું હતું, બધા એક્ઝામને લઈને તડામાર તૈયારી કરી રહ્યા હતા. રાશિ અને અનુરાગ પણ પૂરજોશમાં ભણવામાં લાગી ગયા હતા.

એક્ઝામ ખુબ સરસ રીતે ખતમ થઇ ગઈ અને હવે પરિણામ આવવાના આગળના દિવસે રાશિ અને અનુરાગ દરિયા કિનારે છેલ્લા એક કલાકથી એક પણ શબ્દ બોલ્યા વગર બેઠા હતા.
ડોક્ટર બનવાનું એમનું સપનું હવે એકજ કદમ દૂર હતું પણ બંનેમાંથી કોઈને એટલી ખુશી કેમ નહોતી થઇ રહી તે સમજાતું નહોતું.

"તો હવે આગળ", અચાનક બંને એકીસાથે બોલી પડ્યા અને હસી પડ્યા. એમના ચહેરા ઉપર મુસ્કાન હતી પણ અંદર જાણે કંઇક ઝીણું ઝીણું દર્દ મહેસુસ કરી રહ્યા હતા, એમની નજર એક થઇ અને એકબીજાને કઈ કેટલુંય કહેવા માટે મથી રહી હતી.

"કાશ નજરોને જુબાન હોતતો, તે દિલમાં ઉઠેલા પ્રેમના મોજાને એકબીજા સુધી પહોંચાડી શકતી."

દરિયામાં ઉછળતા મોજા કિનારે અથડાઈને શાંત થઇ જાય એમ ખળખળ હસી એમના હોઠો ઉપર આવીને પાછી વળી ગઈ અને ફરી ચીર મૌન છવાઈ ગયું. કેટલીય મિનિટો સુધી બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા અને બહાર આવવા મથતી લાગણીની ભાષા સમજવાનો વ્યર્થ પ્રયત્ન્ન કરી રહ્યા.

આખરે દૂરથી વાગતી મંદિરની ઝાલરના અવાજથી ધ્યાન ભગ્ન થતાં અને મોડું થઇ ગયું હોવાથી તે ઉભા થયા અને હોસ્ટેલ તરફ ચાલવા લાગ્યા. દરિયાની રેતી બંનેના પગ જકડી જાણે કઈ કહેવા માંગતી હોય એમ એમના પગ જાણે મણનો ભાર બાંધ્યો હોય એમ રેતીમાં ખૂંપાઇ રહ્યા હતા. ચાલતા ચાલતા આખરે તે મોડ ઉપર આવીને ઉભા જ્યાંથી એમના રસ્તા ફંટાઈ રહ્યા હતા.

"bye" બંનેના મોંમાંથી એકસાથે શબ્દો સરી પડ્યા. હવામાં હાથ હલાવી એકબીજાને ગુડબાય કરતા છુટા પડી રહ્યા હતા ત્યારે તે ફંટાતા રસ્તાની એકદમ વચ્ચે સૂરજ આથમી રહ્યો હતો.

પહેલી વાર આમ દૂર થવાનો સમય નજીક આવતા એકબીજા પ્રત્યેની લાગણીનો અહેસાહ એમને થઇ રહ્યો હતો, દિલથી જાણે ઈચ્છી રહ્યા હતા કે, ત્યાંથી પાછા વળી જાય અને બીજાને રોકીને પોતાની લાગણી કહી દે. પણ કશુંક હતું જે એમને રોકી રહ્યું હતું.


* ક્રમશ:


- ધ્રુતિ મેહતા (અસમંજસ)

Rate & Review

Saroj Bhagat

Saroj Bhagat 11 months ago

Vijay

Vijay 1 year ago

Usha Patel

Usha Patel 1 year ago

bhavna

bhavna 1 year ago

Lata Patel

Lata Patel 1 year ago

Share