Kshitij - 5 books and stories free download online pdf in Gujarati

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની....- ભાગ 5

આખી રાત પડખું ફરતા બંને બસ એકબીજાના વિચારોમાં ખોવાયેલ રહ્યા. અનુરાગ રાશિની ચુનર લઇ એની ભીની મહેક મેહસૂસ કરતો રહ્યો તો બીજી તરફ રાશિ, અનુરાગથી દૂર થવાના વિચારથી છલકાઈ આવતા આંસુઓ વડે ઓશીકું ભીંજવતી રહી. આખરે અનુરાગે સવારે પહેલા જ જઈને રાશિને પોતાના દિલની વાત કહેવાનું નક્કી કર્યું અને આ વાત તે ત્યાંજ કહેવા માંગતો હતો જે જગ્યાએ તે પહેલીવાર રાશિને મળ્યો હતો.

અનુરાગે પોતાનો મોબાઈલ હાથમાં લઇ રાશિનો નંબર ડાયલ કરવા વિચાર્યો પણ તરત કશું વિચારીને તેણે રાશિને પરિણામ આવ્યા બાદ તરતજ દરિયા કિનારે જ્યાં પહેલી વાર મળ્યા હતા ત્યાં આવવાનનો મેસેજ કરી દીધો, અને રાશિના ફોટાને જોતા જોતા ક્યારે એની આંખો લાગી ગઈ એને ખબર ન રહી. જયારે બીજા દિવસે તેની આંખો ખુલી ત્યારે સૂરજ માથા ઉપર ચડી ગયો હતો. મોબાઈલમાં સમય જોતા ઘણું મોડું થઇ ગયું હતું માટે અનુરાગ જલ્દી જલ્દી તૈયાર થઇ ને કોલેજ ભાગ્યો. પરિણામ ક્યારનું જાહેર થઇ ગયું હતું અને રાશિ અને અનુરાગ બંને કોલેજ માં ટોપ આવ્યા હતા. આજુબાજુ નજર કરતા જોયું પણ રાશિ ક્યાંય દેખાઈ રહી નહોતી.

પોતાને આટલું મોડું થતા રાશિ જરૂર ગુસ્સે થઇ ગઈ હશે, એને કેવી રીતે મનાવવી અને પોતાના દિલની વાત કેવી રીતે રાશિ સમક્ષ રાખવી એ વિચારતો અનુરાગ દરિયા કિનારે પહોંચ્યો. પણ રાશિ ક્યાંય દેખાઈ નહિ. અનુરાગ આખો કિનારો ફરી વળ્યો પણ રાશિ ક્યાંય નહોતી. રાશિનો મોબાઈલ પણ સ્વિચઓફ આવી રહ્યો હતો. અનુરાગે ચેક કરતા જોયું તો એણે મોકલેલો છેલ્લો મેસેજ ડિલિવર થઇને રીડ પણ થઇ ગયો હતો. કોઈ કામમાં રહી ગઈ હશે એમ વિચારતો અનુરાગ કલાકો સુધી દરિયા કિનારે આંટા મારવા લાગ્યો પણ રાશિ ન આવી. આખરે થાકી હારીને તે રાશિની હોસ્ટેલ ગયો. ત્યાં પણ એની આજુબાજુના રૂમમાં રહેતી છોકરીઓને પણ તેના વિશે કંઇજ ખબર નહોતી. હોસ્ટેલની રેક્ટરર પાસે જઇ તપાસ કરતા જે વાત જાણી તેનાથી અનુરાગના પગ નીચેથી જમીન સરી રહી હતી.

"આજે સવારે જ રાશિ એના ઘરે ચાલી ગઈ અને તેના લગ્ન નક્કી થઈ ગયા છે." આગળ રેક્ટરરે શું કહ્યું તે કંઈજ અનુરાગને સંભળાયું નહિ.

ત્યાંથી નીકળીને અનુરાગ સીધો રાશિના ગામ જવા નીકળ્યો. તે રસ્તામાં સતત રાશિને ફોન લગાવી રહ્યો હતો પણ તે સ્વીચઓફ આવી રહ્યો હતો. ઘણા પ્રયત્નો કર્યા બાદ છેવટે રાશિનો ફોન લાગતા અનુરાગની જાનમાં જાન આવી.

"અનુરાગ..." સામે છેડેથી રાશિનો તરડાયેલ અવાજ સંભળાયો.

"રાશિ આ બધું શું છે તું મને મળ્યા વગર તારા ગામ જતી રહી? અને તારા લગ્ન નક્કી થઈ ગયા છે અને તે મને જણાવ્યું પણ નહિ?" અનુરાગ કંપતા આવજે બોલ્યો.

"તને કેવી રીતે સમજાવું અનુરાગ, આ બધું એકદમ નક્કી થઈ ગયું."

"તું ચિંતા ન કર રાશિ, હું તારી પાસે તારા ગામ આવી રહ્યો છું. હું અત્યારે રસ્તામાં જ છું", સામે છેડેથી રાશિનો ગભરાયેલ અવાજ સાંભળીને અનુરાગ એને સમજાવી રહ્યો.

"જો તું મારા ઘરે નહિ આવતો પણ હું તને મારા ગામની બહાર આવેલ એક જગ્યાએ મળવા આવીશ. હું તને ત્યાંનું એડ્રેસ મોકલી દઉં છું."

"પણ રાશિ.."

"જો અત્યારે હું તને સમજાવી શકું એમ નથી. આપણે મળીએ ત્યારે હું તને બધું કહીશ", એટલું કહીને રાશિએ ફોન મૂકી દીધો.

આખરે રાશિએ મોકલાવેલ એડ્રેસ ઉપર અનુરાગ પહોંચ્યો. ગામની બહાર આવેલ એકદમ ખંડેર જેવું નાનકડું ઘર હતું. અનુરાગે ઘરમાં પ્રવેશતા સાથેજ રાશિને જોઇ અને જઈને સીધો એને વળગી પડ્યો.

બંને ઘણા સમય સુધી એકબીજાને વળગી રડી રહ્યા, જાણે વર્ષોથી વિખૂટા પડેલા પ્રેમીઓ મળી રહ્યા હોય એમ બંને એકબીજાને જીભરીને જોઈ રહ્યા, એકબીજાની આંખોમાં પ્રેમ રૂપી છલકાતા આંસુઓ જોઈ બંને વચ્ચે જાણે મૌનથી જ પ્રેમનો ઈઝહાર થઈ ગયો.

"આ બધું શું છે રાશિ? મને જાણ થઈ કે તું લગ્ન કરી રહી છે", અનુરાગ પ્રશ્નાર્થ ભરી નજરે રાશિ સામે જોઈ રહ્યો.


*ક્રમશ:


- ધ્રુતિ મેહતા (અસમંજસ)