Kshitij - 7 books and stories free download online pdf in Gujarati

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની....- ભાગ 7

"જો છોકરા હું તને એક મિત્ર તરીકે સાચી વાત કહેવા માંગુ છું કે હવે મારી દીકરીને ભૂલી જજે. તે નાનપણથી જ મારા જાગીરદાર મિત્રના દીકરાને પસંદ કરતી હતી અને તે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. તે બંનેના લગ્ન પણ અમે લોકોએ ઘણા સમય પહેલા નક્કી કરી લીધા હતા.

મારી દીકરી રાજાશાહીથી ઉછરી છે માટે એણે લગ્ન પણ એની હેસિયતવાળા છોકરા સાથે કરવા હતા. અને મને લાગે છે ત્યાં સુધી તારી પાસે નતો રાજપાટ છે ના કોઈ હેસિયત. માટે રાશિને ભૂલી અહીંથી જ પાછો વળી જા", આટલું બોલી સુમેર સિંહ અનુરાગ સામે જોઈ રહ્યો.

"પણ હું આ વાત રાશિની પાસેથી જાણવા માંગુ છુ. મને નથી લાગતું કે રાશિને ક્યારેય જમીન જાયદાદનો મોહ હોય, એણે મને ક્યારેય નીચાપણું મહેસુસ કરવા દીધું નહોતું. તે પણ મને પ્રેમ કરે છે. એટલે તો તે કોલેજમાં મોટા ભાગનો સમય મારી સાથે પસાર કરતી".

"હા તો એનો મતલબ એ નથી કે રાશિ તને પ્રેમ કરતી હોય. એને એકલું રહેવું પસંદ નથી માટે તે બસ તારી સાથે સમય પસાર કરવા માટે રહેતી. અમીરોના મોજ શોખની તને શું ખબર. રાશિ માટે તું ફક્ત ટાઈમ પાસ કરવા માટેનું એક રમકડું હતો બસ. અને દીકરા મને લાગે છે તે દુનિયા જોઈ નથી, જો એવું જ હોત તો રાશિએ તને એના મંગેતર કે લગ્ન વિષે ક્યારેય કેમ કઈ કહ્યું નહોતું?

"હાથીના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ હોય છે તેમ અમારા અમીરોના શોખ પણ અલગ હોય છે."

એ ફક્ત તારો ઉપયોગ કરી રહી હતી", આટલું બોલી સુમેર સિંહ અટક્યો.

"પણ રાશિ એ ખુદને કાલે રાત્રે બાજુના ગામના રેલ્વે સ્ટેશન બોલાવ્યો હતો. ત્યાંથી અમે બંને અહીંથી દૂર ભાગી જવાના હતા અને અમે લગ્ન પણ કરવાના હતા."

"તું બિલકુલ પાગલ છે છોકરા. રાશિના તો કાલ રાત્રે જ લગ્ન થઈ ગયાં. એના પસંદગીના ખુબજ પૈસા અને મોભાદાર છોકરા સાથે. એ ફક્ત તને ટાળવા માંગતી હતી એટલે તને કાલે આખી રાત સ્ટેશન ઉપર વિતાવવા મજબૂર કર્યો જેથી એના લગ્ન કોઈ રૂકાવટ વગર પૂરા થાય. જો તે ભાગવા માંગતી હોત તો તને મળી ત્યારે જ કેમ ન ભાગી. આ બધું એનું નાટક હતું જે એને આવીને મને ખુદ બધું કહ્યું હતું."

અનુરાગની આંખોમાંથી દળદળ આંસુઓની ધારા વહી રહી હતી.

"જો, તને હજુ ખાતરી ન થતી હોય તો જો આ રાશિના ફોનમાં આ બધા ફોટા", સુમેરસિંહે અનુરાગના હાથમાં રાશિનો જ જૂનો ફોન મૂકી દીધો.

અનુરાગ એક પછી એક ફોટા જોઈ રહ્યો હતો. એમાં રાશિના નાનપણથી લઇ અત્યાર સુધીના કઈ કેટલાય ફોટા હતા એમાં એની સાથે એની જેટલી ઉંમરનો જ ખૂબ સોહામણો છોકરો પણ હતો. બંને એકબીજા સાથે ખૂબ ખુશ હોય એવું લાગતું હતું. ઘણા ફોટામાં બંને એકબીજાને આલિંગન તો ક્યારેક કીસ્સ પણ કરતા દેખાઈ રહેલા હતા.

"હવે તો તને ખ્યાલ આવી ગયો હશે આં બધા ફોટા જોઈને કે તે બંને એકબીજાની કેટલી નજદીક હતા. તે લોકો એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. કોલેજ પૂરી કરીને રાશિ સીધી અહી આવવાના બદલે એની પાસે એના ઘરેજ ગઈ હતી. હવે એનાથી બીજી તારે શું સાબિતી જોઈએ છે. એતો ખૂબ ખુશ છે એની નવી દુનિયામાં. અને અત્યારે એ પોતાના પતિ સાથે હનીમૂન માટે ફરવા જવાની તૈયારી પણ કરતી હશે. આજે સાંજે જ બંને યુરોપ ટૂર પર નીકળી જવાના છે."

અનુરાગને થયું જાણે આ બધું ખોટું છે અને રાશિ એની આસપાસ જ છે અને અબઘડી દોડી જાઉં અને તેનો હાથ પકડી એને જ બધું પૂછી લઉં. પણ ત્યાંજ સુમેરસિંહે કહેલી વાતો એના દિમાગમાં ફરી રહી. રાશિના ફોટો અને લગ્ન તે વાતની સાબિતી હતી કે એણે ફક્ત પોતાની સાથે ખેલ ખેલ્યો હતો, તે વાતથી અનુરાગનું દિલ વલોવાઈ રહ્યું હતું. ધીરે ધીરે એના દિલ ઉપર દિમાગ હાવી થઇ રહ્યું હતું.


"હું જ પાગલ હતો, આટલી સુંદર રાજકુમારી જેવી છોકરી આટલી સુખ સમૃદ્ધિ છોડી પોતાને શું કરવા પસંદ કરે. હુંજ પોતાના મનમાં આગળ વધી ગયો હતો", એમ વિચાર કરતા અનુરાગના અવળા કદમ આઉટ હાઉસની બહાર મંડાયા.


* ક્રમશ:


- ધ્રુતિ મેહતા (અસમંજસ)