Kshitij - 6 books and stories free download online pdf in Gujarati

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની....- ભાગ 6

"મારા પિતાજીએ એમના મિત્રના દીકરા સાથે મારા લગ્ન નક્કી કરી દીધા છે અનુરાગ. અને કોલેજના છેલ્લા દિવસે મને ત્યાંથી બળજબરીથી અહી ગામ પાછી લઈ આવ્યા. હું તને મળી પણ શકી નહિ."

"તો ચાલ આપણે બંને જઈને એમને આપણા વિશે જણાવી દઈએ."

"તને શું લાગે છે મે આં વાત વિચારી નહિ હોય, પણ હું મારા પિતાજીને જાણું છું તે પોતાની શાખ માટે આપણા બંનેને મારી નાખશે પણ આપણા લગ્ન માટે ક્યારે તૈયાર નહિ થાય."

"તો હવે શું કરીશું આપણે?" અનુરાગ મૂંઝાઈ રહ્યો હતો.

"આપણી પાસે એક જ રસ્તો છે, ભાગી જવાનો. તું કાલે રાત્રે અહીંથી બાજુના ગામના રેલ્વે સ્ટેશને મળજે. ઘરે બધા લોકો સૂઈ જશે એટલે હું છૂપાઈને નીકળી આવીશ. અને હા મને હવે ફોન કરતો નહિ, જો ભૂલથી પણ કોઈને ખબર પડી જશે તો આપણે ભાગી નહિ શકીએ. મારે હવે ઘરે પહોંચવું પડશે નહીતો જો હું ઘરે નહિ દેખાવું તો બધા મને શોધવા નીકળી પડશે અને તારા ઉપર મુસીબત આવી પડશે." એટલું કહી રાશિ અનુરાગને બીજા દિવસે મળવાનું વચન આપી ત્યાંથી નીકળી ગઈ.

અનુરાગ બીજા દિવસ સાંજથીજ એમણે મળવાની જગ્યાએ પહોંચી રાશિની રાહ જોઈ રહ્યો. સાંજની રાત થઈ. હવે અનુરાગ આતુરતાથી આંખોમાં ભાવિ સપનાઓ સજાવી રાશિની રાહ જોઈ રહ્યો.

સમય ધીરે ધીરે વહી રહ્યો હતો, પણ રાશિ હજુ સુધી કેમ નથી આવી, એમ વિચારતો અનુરાગ બેબાકળો બની રહ્યો હતો. તે રાશિને ફોન પણ કરી શકે એમ નહોતો. હવેતો છેલ્લી આવતી ટ્રેઈન પણ જઈ ચૂકી હતી અને રાત અનુરાગના હથોમાંથી સરી રહી હતી પણ રાશિના કોઈજ એંધાણ નહોતા. રાશિની રાહ જોઈ સ્ટેશનના બાંકડે બેઠેલા અનુરાગની આંખોમાં ક્યારે ઊંઘ આવી ગઈ એની તેને ખબરજ ન રહી.

જ્યારે સ્ટેશન ઉપર ચહલ પહલ થતાં અવાજથી અનુરાગની આંખો ખુલી ત્યારે સવાર થઈ ચૂકી હતી.

રાશિ કેમ નહિ આવી હોય, શું એને કોઈ પ્રોબ્લેમ થયો હશે? એમ વિચારતો અનુરાગ રાશિના ઘરે જઈ જાતેજ બધું તપાસ કરવાનું નક્કી કરે છે.

અનુરાગને પોતાના પ્રેમ ઉપર પૂરો ભરોસો હતો, અને તે પ્રેમ એણે રાશિની આંખોમાં પણ જોયો હતો. તે રાશિના ઘરે પહોચ્યો ત્યારે બપોર થવા આવી હતી. રાશિની હવેલી બહારથી જોતાજ તે એનાથી અભિભૂત થઈ ગયો. આટલી ભવ્ય હવેલી એણે અત્યાર સુધી ફક્ત મૂવીમાં જ જોઈ હતી, ક્ષણભાર તો તે હવેલીની ભવ્યતા જોઈ રહ્યો. હવેલીના વિશાળ દરવાજે પગ મૂકતાની સાથે જ એક વયોવૃદ્ધ જેવા લાગતા માણસે એને રોક્યો. તમને ઠાકુર સાહેબ મળવા માંગે છે એમ કહી એને હવેલી આગળ આવેલા આઉટ હાઉસમાં લઇ જવામાં આવ્યો. આઉટ હાઉસમાં પ્રવેશતાજ સામે એક સિંહાસન જેવી ખુરશીમાં એક વૃદ્ધ પણ રુઆબદાર વ્યક્તિત્વ ધરાવતો માણસ બેઠો હતો.

"આવો હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો", પોતાની સામેની ખુરશીમાં બેસવાનો ઈશારો કરતો તે માણસ બોલ્યો. શરીરની સાથે તે માણસનો અવાજ પણ પદછંદ હતો.

"જી હું અહીં..."


"રાશિને મળવા આવ્યો છે, એમ જ કહેવા માંગે છે ને?", અનુરાગને અધવચ્ચેથી જ રોકતા તે માણસ જરા ઊંચે અવાજે બોલ્યો.


"હા, પણ તમને કેવી રીતે ખબર પડી?", આશ્ચર્ય પામતો અનુરાગ પેલા માણસના હાવભાવ સમજવા મથી રહ્યો.


"હું સુમેરસિંહ, રાશિનો પિતા. રાશિએ મને તારા વિષે કહ્યું છે કે તું એનો મિત્ર છે. અને મને એ પણ કહ્યું છે કે તું એને પ્રેમ કરે છે".


"હા તો રાશિ ક્યાં છે? બોલાવો એને. અમે બંને.."


"કાલે રાત્રે ભાગી જવાના હતા એમજ કહેવા માંગે છે ને તું?" સુમેર સિંહનું અટ્ટહાસ્ય પૂરા રૂમમાં ગુંજી ઉઠ્યું.


* ક્રમશ:


- ધ્રુતિ મેહતા (અસમંજસ)