Ruday Manthan - 23 books and stories free download online pdf in Gujarati

રુદયમંથન - 23

"ક્યાં ગયા હતો બેટા?" - માધવીએ ફળીમાં આવી રહેલાં મહર્ષિએ પૂછ્યું.
" એ તો કામ હતું તો માતૃછાયા ગયેલો મમ્મી." - મહર્ષિએ શાંતિથી જવાબ આપ્યો.
" તો સ્વીટીને લઈ જવી હતી ને ભેગી." - માધવી જોડે ખાટલામાં બેસેલી શિખા બોલી.
"હા પણ એની જરૂર નહોતી એટલે ના લઈ ગયો."
"બધું ઓકે છે ને? કઈ કાળું ધોળું તો નથી ચાલી રહ્યું ને ઋતા ભેગુ?" - શીખીએ એના શાતિર દિમાગને જોર આપતાં કહ્યું.
"શું કાકી તમે પણ? કઈ પણ બોલો છો!" - મહર્ષિ શિખા પર જરા અકળાઇ ગયો.
"આ તો આજકાલના જુવાનિયા કહેવાય અને ઋતા જેવી રૂપાળી છોકરી પર તો કોઈ પણ મોહી પડે!" - શિખાએ એની ટીખળ કરી.
"ના હું માત્ર કામથી જ ગયેલો અને જોડે મુનિમજી અને કેસરીકાકા પણ હતા, સમજ્યા?"- મહર્ષિએ એની વાત રાખતાં કહ્યું.
"ભલે ભલે, આટલો અકળાય શેનો છે?"- શિખા હસતાં હસતાં બોલી.
" તો શું કરવા તમે પણ બિચારાની અણી કાઢો છો ભાભી?"- તૃપ્તિએ મહર્ષિનો પક્ષ લેતા કહ્યું.
"હું તો અમથા પૂછતી હતી આ તો, બાકી મારે શું?"- શિખાએ મોઢું મચકોડ્યું.
" કઈ વાંધો નહિ કાકી! સાંભળો આજે સાંજે આપણે બધાએ માતૃછાયામાં જમવાનું છે."
"કેમ?શું છે આજે?"- માધવીએ કારણ પૂછ્યું.
"તમતમારે શાંતિ રાખોને, એક દી રસોઈની શાંતિ!"- શિખા ખુશ થાય બોલી ઊઠી.
" એવું થોડી હોય, કેમ જવાનું છે દીકરા?"- તૃપ્તિએ પૂછ્યું.
"એ તો મુનિમકાકા અને કેસરીકાકાએ કહ્યું છે, ટાઈમે પહોંચી જજો."
"પાક્કું ફરી કોઈ કોથળામાંથી બિલાડું કાઢશે!"- શિખા બબડી.
"શિખા તને કોઈ દિવસ સારું વિચારતાં આવડે છે કે નહિ?"- માધવીએ એને ઠપકો આપ્યો.
"તો વિલ વાળા કેસમાં એવું જ થયું હતું ને!"- શિખાએ ઉદાહરણ આપ્યું.
"દર વખતે કઈ એવું ન હોય!"- મહર્ષિ બોલ્યો.
"જોઈએ એ તો રાતે!"- શિખા બોલી.
મહર્ષિ ઘરમાં અંદર ગયો, પાણિયારે પડેલું માટલું ખોલી પાણીના બે ઘૂંટ પીધા, એના મનમાં શિખાની વાત રમવા માંડી, ઋતા પ્રત્યે એ ખરેખર આકર્ષાઈ તો નથી રહ્યો ને? એ એની જાતને સવાલ કરવા માંડ્યો, ઋતા પ્રત્યે એના દિલમાં એક સોફ્ટકોર્નર બની ગઈ હતી, પરંતુ એ ઋતાને હજી સરખું ઓળખાતો પણ નહોતો, એના મનમાં મહર્ષિ માટે શું છે એનો પણ ખ્યાલ નહોતો, છતાંય એના નામની સાથે એનું દિલ જોરથી ધડકવા માંડ્યું હતું, એની જુલફો જાણે એની આજુબાજુ લહેરાવા માંડી હતી, એના મનમાં ઋતાના નામની ગલીપચી થવા માંડી, આત્યર સુધી એ મુંજવણમાં હતો, એ માનવા તૈયાર નહોતો કે એને ઋતા માટે કોઈ ફિલિંગ છે પરંતુ આજે શિખાના મજાકે એને અહેસાસ કરાવી દીધો કે એ સાચું જ છે કે એ ઋતાને ચાહવા માંડ્યો છે.
એ મનોમન ખુશ થયો, સાંજે ફરીથી ઋતા એની નજરની સામે હશે એ વાત એના મનમાં થનગનવા માંડી, એ ખુશ થતો ખાટલામાં આડો પડ્યો ને એના વિચાર સાથે એની આંખ મીંચાઈ ગઈ અને એ ઋતાના ખ્યાલોમાં ખોવાઈ ગયો.
......................................................

બધા માતૃછાયા જવા તૈયાર થઈ ગયા હતા, ખેતરથી આવીને બધા પુરુષો ફ્રેશ થઈ ગયા હતા, જાણે બહુ દિવસે કોઈ ખુશાલી આવી હોય એવું જણાતું હતું, તન્મય અને ત્રિશાએ એમની રાત્રિશાળાના ક્લાસ આજે બંધ રાખ્યા હતા, વિધાન અને બીરવા આજે રતનપુરામાં જ હતા તો તેઓ સીધા આવવાના હતાં, મહર્ષિ તો જાણે માત્ર ઋતાને મળવા જતો હોય એમ તૈયાર થઈ રહ્યો હતો, માથાના વાળમાં કોઈ દિવસ કાંસકો ના ફેરવતી વ્યક્તિને આજે સરખી રીતે માથું ઓળતા જોઈ શિખા શકની રીતે એને જોવા માંડી.
"કેમ ભઈલા, લગનમાં જવાનું છે ?"- શિખાની રહેવાયું નહિ અને એને ટિપ્પણી કરી જ દીધી.
"કેમ કાકી ખાઈ પીને પાછળ પડ્યા છો?"- મહર્ષિ હસતાં હસતાં બોલ્યો.
" તો કેમ આજે માથું ઓળે છે?
" તમારો કહેવાનો મતલબ શું છે?"- મહર્ષિને ખ્યાલ આવી ગયો કે કાકી કયા વિષય પર એને ટપકારી રહી છે.
" કઈ નહિ અમથું,ચાલ હવે ઉતાવળ કરજે?"- કહીને શિખા બહાર જતી રહી.
મહર્ષિ પણ ફટાફટ તૈયાર થઈને બધા સાથે જોડાઈ ગયો, એનું મન હવે ઋતાને જોવા તલપાપડ થઈ રહ્યું હતું, ચાલતા દસેક મિનિટમાં સૌ માતૃછાયા પાસે આવી ગયા, ઋતા સરસ સફેદ અને ગુલાબી કોટિવાળી કુર્તિમાં ઝાંપે ઉભી હતી, જોડે કેસરીભાઈ અને મુનિમજી હતા.
"આવો પધારો! માતૃછાયામાં આપનું સ્વાગત છે!" - વકીલસાહેબ બોલ્યાં.
"ભલે ભલે, આ વખતે શું ભેરવવાના છે અમને?"- શિખા જતાં વેત વકીલ સાહેબને વળગી.
"બેન મારી..... દર વખતે ના હોય એવું!"- વકીલ સાહેબ હસતાં હસતાં બોલ્યાં.
" તો ઠેક...બાકી મારે તો નથી આવવાનું થતું!"- શિખાએ એના મરચાં જેવી બોલીએ સ્પષ્ટ કહી દીધું.
"જોયું પવનભાઈ, આ વાવાઝોડાને તો તમે જ ખમી શકો!"- પવનની સામે જોતા કેસરીભાઈ બોલ્યાં.
"હું શું બોલું? કહેવાય નહિ ને સહેવાય નહિ!"- એ દયામણો થઈ બોલી રહ્યો, શિખા એમનાં પર ડોળા કાઢી રહી, જાણે એકદમ રમુજી પ્રસંગ વણાઈ રહ્યો.
જમવામાં સરૂચી ભોજન સાથે વાર્તાલાપ પીરસાઈ રહ્યા હતા, બાજરીના રોટલા, ઓળો, સેવટામેટાનું શાક, ભજિયાં ને વિવિધ અથાણાંની ભરપૂર અસલ કાઠિયાવાડી ભાણું જમીને સૌ ખુશ થઈ ગયા,કાઠિયાવાડી ભોજન સાથે ઋતાનો કાઠિયાવાડી મિજાજ પર બધા એ ચાખ્યો, એની બોલીની મીઠાશ, એની મહેમાનગતિની રીત બધાનું મન મોહી રહી, ખાસ કરીને મહર્ષિના મનને!એની નજર તો જાણે ઋતાની ઉપર અટકી ગઈ, પણ જો આમ એને જોતો રહે તો એની છાનીછૂપાયેલી પોલ ખુલી જાય એટલે ચોર નજરે એ એને નિહાળ્યા કરતો, તો ઘડી આમતેમ જોવાનો ડોળ કરતો પણ એનું મન તો ઋતા રૂપાણીમાં જ હતું.

ક્રમશ: