Me nashe me hu books and stories free download online pdf in Gujarati

અંગત ડાયરી - મૈં નશે મેં હૂં

શીર્ષક : મૈં નશે મેં હૂં..

©લેખક : કમલેશ જોષી

"મામા નશો એટલે?" મારા ભાણિયાએ છાપાની હેડલાઇન વાંચતા મને પ્રશ્ન કર્યો.

મેં કહ્યું, "થોડી બેહોશ અવસ્થા એટલે નશો."

એ બોલ્યો, "મતલબ કે એક્સિડન્ટ થાય ત્યારે માણસ બેહોશ બની જાય એવું?"

મેં કહ્યું, "થોડું થોડું એવું અને થોડું થોડું જુદું." એ મારી સામે પ્રશ્નાર્થ નજરે તાકી રહ્યો.

મેં કહ્યું, "કેટલાક કેમિકલ એવા હોય છે, જેને લીધે આપણું મગજ ડિસ્ટર્બ થઈ જાય, આપણે સીધી રીતે જોઈ-વિચારી ન શકીએ, આપણા વાણી, વર્તન અને વિચાર પરનો આપણો કાબૂ જતો રહે એને નશો કહેવાય." મારા ભાણિયાએ તરત જ કહ્યું, "મારો ભાઈબંધ પિન્ટુ પણ પરીક્ષામાં પહેલો નંબર આવે ત્યારે થોડો બદલાઈ જતો હોય છે, કાબૂ બહાર જતો રહે છે અને અમારા સાહેબ પણ ક્યારેક ઠોઠ છોકરાઓ પર ગુસ્સે ભરાય ત્યારે બરાડા પાડવા માંડે છે, તો શું એ નશો હશે?" બાળમાનસ ભાણિયાએ જે સહજ ઉદાહરણો આપ્યા એ મને વિચારતો કરી ગયા.

શું આખી જિંદગીમાં જેણે દારૂને ચાખ્યો પણ નથી એવા વ્યક્તિને કદી નશો ચઢતો નથી? શું પહેલવહેલી કોઈ રૂપાળી છોકરીએ મોહક સ્મિત આપ્યું હતું તે દિવસે, કે પછી ખિસ્સામાં પાંચ પંદર હજાર રૂપિયા વધારાના પડ્યા હતા તે દિવસે, કે પછી છાપામાં પહેલો આર્ટીકલ-લેખ કે વાર્તા છપાઈ તે દિવસે, કે પછી મંત્રી તરીકે શપથ લીધા તે દિવસે આપણે થોડા નશામાં નહોતા? ફિલ્મ શરાબીના પેલા ગીત ‘લોગ કહેતે હૈ’ની પંક્તિઓ છે ને! ‘કિસી પે હુશ્નકા ગુરુર, જવાની કા નશા, કિસીકે દિલ પે મહોબ્બત કી રવાની કા નશા, બીના પીએ ભી કભી હદસે ગુજરતા હૈ નશા.' હું અને તમે ભલે દારૂડિયા નથી, પણ આપણને ક્યારેય નશો નથી થયો એવું છાતી ઠોકીને આપણે કહી શકીએ ખરાં?

તો શું આપણે કોઈ નશામાં જ જીવી રહ્યા છીએ? મને લેખક હોવાનો નશો છે અને તમને પોલીસ, પ્રોફેસર કે પંડિત હોવાનો. કોઈને કાર ડ્રાઇવ કરવાથી નશો ચઢે છે તો કોઈને મોટા અવાજે ફિલ્મી ગીતો સાંભળવાથી. અમારા એક વડીલને તો ગરબીમાં પચ્ચીસ વર્ષથી મંજીરા વગાડવાનો નશો હતો. એક મિત્રને ટીવીમાં ડિબેટ જોવાનો નશો હતો તો એક મિત્રને કાર્યક્રમમાં એન્કરીંગ કરવાનો. ઘણાને પંચાત કરવાનો નશો હોય છે તો ઘણાને નિંદા-કુથલી કરવાનો, ઘણાને પૈસા ભેગાં જ કરવાનો નશો હોય છે તો ઘણાને પૈસા વાપરવાનો નશો હોય છે. એક મિત્રને વાનગીઓ બનાવવાનો નશો હતો તો એક મિત્રને વાનગીઓ જોતાં જ નશો ચઢી જતો. પેલા ગીતમાં આગળ પૂછ્યું છે: ‘નશે મે કૌન નહીં હૈ, મુજે બતાઓ જરા?’ સાવ સાચું કહેજો, તમને શેનો નશો છે?

એવું સાંભળ્યું છે કે નશામાં માણસ સાચું બોલવા માંડે છે. વિચાર કરો. આપણે નશામાં નથી. મતલબ કે એવી કેટલીયે સાચી વાતો છે જે આપણે આપણા હૃદયમાં ધરબીને બેઠા છીએ. કેટલાક ઘાવ છે, કેટલીક કબૂલાતો છે અને કેટલીક લાગણીઓ છે જે ભીતરે ગૂંગળાઈ રહી છે. આપણને સતત ડર છે કે જો એ બહાર વ્યક્ત થઈ ગઈ તો વિસ્ફોટ થશે. આપણે પરાણે એ સચ્ચાઈને દાબીને જીવીએ છીએ. આપણા વાણી, વર્તન કે વિચારોમાં ક્યાંય એ વ્યક્ત ન થઈ જાય એની કાળજી રાખીએ છીએ. એમ સમજોને કે આપણે થોડું ખોટું, થોડું બનાવટી જીવી રહ્યા છીએ. ખરેખર વિચારીને કહો છેલ્લે તમે સાવ સાચુકલું ક્યારે હસ્યા કે રડ્યા હતા?

એક સફળ મિત્રે કહ્યું : "મેં જયારે મારું ધાર્યું, મને યોગ્ય લાગ્યું તે કર્યું છે, તે રીતે કર્યું છે ત્યારે ત્યારે હું સફળ થયો છું." ન ગમ્યું એના માટે ‘વેરી બેડ’ અને ગમ્યું એના માટે સાવ સાચે સાચું ‘વેરી ગુડ’ કહેવા માટે કોઈ કેમિકલની નહિં, એક જુદા જ નશાની જરૂર પડે છે. સફળ માણસો, આત્મવિશ્વાસથી ભરપૂર માણસોની ભીતરે એવો નશો વહેતો હોય છે. એ નશો છે સ્વનો નશો, સેલ્ફ સાથેના કનેક્શનનો નશો. જે દિવસથી આપણે સેલ્ફ સાથે ડીસ-કનેક્ટ થઈ ગયા છીએ તે દિવસથી આપણી દશા બગડી છે. રૂપિયા તો કદાચ ખૂબ આવે છે પણ મજા નથી આવતી, આનંદ નથી આવતો, સંતોષ નથી થતો. મોટું પદ મળ્યા પછી કે સમાજમાં પ્રતિષ્ઠા વધ્યા પછી કે એકાએક લાખો-કરોડોપતિ થયા પછી નોર્મલ રહેવું, સેલ્ફ સાથે કનેકટેડ રહેવું ચેલેન્જ બની જાય છે. પદ, પ્રતિષ્ઠા અને પૈસાનો નશો જાણે આપણી ઓરીજીનાલીટી, નોર્મલપણું, સહજતાથી જ છીનવી લે છે.

બાળપણમાં મહાશિવરાત્રીના દિવસે અમારા દાદા અમને સાચાબોલા હરણાંની વાર્તા કહેતા. બિલીના વૃક્ષ પર બેઠેલો પારધી, પાછા આવવાનું વચન આપીને ગયેલા હરણાંઓનો વિચાર કરતો આખી રાત એક એક બિલીપત્ર જમીન પર ફેંકતો ગયો અને વૃક્ષ નીચે સ્થપાયેલા શિવલિંગની અજાણતા જ ભૂખ્યા પેટે પૂજા થઈ ગઈ. મનમાં સાચા બોલા હરણાંઓના વિચારો ચાલતા રહ્યા એટલે સવારે તો શિવજી પ્રસન્ન થઈ ગયા. જીવનું શિવ સાથે કનેક્શન થઈ ગયું. શિવજીની ભાંગ પણ કદાચ સચ્ચાઈ અને ઈમાનદારીનો નશો ચઢાવવા જ પીવાતી નહિ હોય ને?

ખેર, શું આપણે એકાદ અઠવાડિયું, એકાદ મહિનો પણ નોર્મલ, સહજ, પદ-પ્રતિષ્ઠા અને પૈસાના નશાથી મુક્ત જીવન ન જીવી શકીએ? ટ્રાય કરીએ તો કેવું? કોઈ કેમિકલથી થતો નશો તો ચોવીસ કે અડતાલીસ કલાકમાં ઉતરી પણ જાય. પરંતુ પદ, પ્રતિષ્ઠા કે પૈસાથી ચડેલો નશો તો આખી જિંદગી ઉતરતો નથી. આ શિવરાત્રિએ સાચાબોલા હરણાં બનવાનો પ્રયત્ન કરીએ તો કેવું? જો એ ન થાય તો એનો સતત વિચાર કરતાં પારધી જેવા થઈએ તોય જીવ-શિવની એકાકારી સુલભ થઈ જશે. જિંદગીના છેલ્લા સ્વાસ સુધી ‘મૈં કહેતા રહા, ઔરો કી કહી, મેરી બાતે મેરે મન હી મેં રહી’ કરવાને બદલે ‘મેં ચાહે યે કરું મેં ચાહે વો કરું, મેરી મરજી’ ગાવા માટે થોડી હિમ્મત તો જોઈશે. હકીકત એ છે કે આપણે જે દુનિયામાં રહીએ છીએ, એટલે કે આપણા મિત્રો, પરિચિતો, સ્વજનો, મહિનાઓ-વર્ષોથી આપણા પોતાના ઓરિજીનલ વાણી, વર્તન અને વિચારો જોવા તડપી રહ્યા છે. એનાથીયે મોટી વાત એ છે કે ‘મમૈવાંશો જીવ લોકે’નું વચન આપી બેઠેલો કાનુડો આપણા ડુપ્લિકેટ જીવનથી, દંભથી ગૂંગળામણ અનુભવી રહ્યો હશે. એકવાર એના નામનો નશો કરી સાચુકલી જિંદગી જીવવા માટે ગેટ.. સેટ.. ગો..

- kamlesh_joshi_sir@yahoo.co.in