Less of a ghost ... books and stories free download online pdf in Gujarati

ભૂતનો ઓછાયો...


હું "સુરત" જિલ્લાના "ઉમરપાડા"તાલુકામાં 2001-2005 સુધી તાલુકા પંચાયતની ઓફિસમાં "ખેતીવાડી વિસ્તરણ અધિકારી" તરીકે ફરજ પર હતો.ત્યારે સુરતના "માંડવી" શહેરમાં રેન્ટ પર ત્યાંની એક સોસાયટીમાં ફેમિલી સાથે રહેતો હતો.જે શહેર ગુજરાતની પવિત્ર સૂર્યપુત્રી "તાપી નદી"ના રમણીય કિનારે શોભે છે.સુરતમાં મને આ નગરમાં રહેવાની ખૂબ મજા આવી હતી.નદીને કિનારે પથરાળ ભૂમિમાં મીઠા પાણીમાં નહાવાની ખૂબ મજા આવતી.પાંડવકાલીન રામેશ્વર મહાદેવ મંદિર ખાતે જયારે મનને શાંત કરવું હોય ત્યારે મારું બાઈક લઇ ઉપડી જતો.પાણીનો ખળખળ નાદ સાંભળવો ખૂબ ગમતો.આ નગરની ભવ્યતા,રમણીયતા,નૈસર્ગીક વાતાવરણ, નદીનો ફાટલ પુલ પર લટાર મારવાનું ખૂબ ગમતું.ભલભલા માણસના મનને શાંત કરવાની તાકાત આ નદીને કિનારે પડેલી છે. આરોગ્યની દ્રુષ્ટિથી માંડી દરેક દૃષ્ટિએ આ નગરની તત્કાલીન જાહોજલાલી માણવાની મજા આવી હતી.
આ નગરથી દૂર પહાડોમાં ઊંચા નીચા ડુંગર ઉપર માંડવીથી ઉમરપાડા તરફ આશરે 35 કિલોમીટરનું અડાબીડ જંગલ આવતું અને ત્યાંથી સિંગલ પરંતુ પાકો રોડ જતો.તમામ સુવિધાયુક્ત પરંતુ સો ટકા અનુસૂચિત જનજાતિની વસ્તી ધરાવતો અવિકસિત આ તાલુકો હતો.ખેડૂત અને ખેત મજૂર મજૂરી પર નભતું માત્ર 4000 વસ્તીનું ગામ એટલે ઉમરપાડા. વરસાદ બઉ પડે પરંતુ વહી જાય.તેથી ગુજરાત સરકારે ત્યાંની પ્રજા માટે તાલુકે કામ સરળ થાય તે હેતુસર (મારી ભૂલ ના થતી હોય તો તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી શ્રીશંકરસિંહ વાઘેલાની સરકારે આ અવિકસિત તાલુકાને તાલુકાનો દરજ્જો આપેલો.)તે વખતે ત્યાંના નાનાં મોટાં 63 જેટલાં ગામડાનો વહીવટ ચાલતો હતો.હું પણ આ નવરચિત તાલુકામાં સ્પેશ્યિલ ખેતી અધિકારી તરીકે નિમણુંક કરી.એટલે ત્યાં રહેવા માટે સરકારી મકાન ન હતું તેથી હું માંડવી-ઊંમરપાડા મારી બાઈક વડે રોજ અપડાઉન કરતો.
પહાડ અને જંગલ વચ્ચે નાનાં નાનાં ગામડાં અને ઝરણાં-ખાડી તથા જંગલી પ્રાણીઓથી સાવચેતી રાખી ચાલવાનું ધ્યાન રાખવું પડતું.ખાસ કરી ચોમાસામાં ડુંગરમાં પડતા અતિભારે વરસાદથી ક્યારેક ખાડી,નદી,નાળાં ઉભરાય તો ત્યાંના ફોરેસ્ટ ખાતાના ગેસ્ટ હાઉસમાં રોકાઈ જવું પડતું.ત્યાં કોઈ હોટલ કે રેસીડેન્સી ન હતી કે કોઈ બહારથી ટુરિસ્ટ આવે તો માંડવી યા માંગરોળ જવું પડતું.ત્યાંની સ્થાનિક વસતી ભોળી,નિરક્ષરતા વધુ જોવા મળી.મુખ્યત્વે પહાડની અંદર ખેતી,ગુંદર,ફળ,લાકડું વન પેદાશ વેચી લોકો ગુજરાન કરતા.આ પ્રદેશમાં મોટા ભાગનું જંગલ છે.(હવે તો જંગલ કપાઈ ગયું છે.)આ જંગલમાંઉમરપાડાથી પાંચ કિલોમીટર અંતરે "ખાત્રાદેવી" ગામ છે.જે ગામ થી ઉમરપાડા તરફ 3 કિલોમીટર જેટલો રસ્તો એકદમ ઢાળમાં છે.તે જ જગ્યા ઉપર એક મારા જીવનમાં બની ગયેલી નજરો નજરની સત્ય ઘટના છે.
રીમઝીમ વરસાદનો શ્રાવણ માસ હતો.હું બરાબર 06:10 સાંજે ઓફિસ છૂટ્યાના સમય પછી ત્યાંથી પસાર થઇ રહ્યો હતો.રીમઝીમ ધીમે ધીમે વરસાદની મજા માણતો મારા બાઇકમાં હું પોતે એકલો અસવાર માંડવી તરફ જઈ રહ્યો હતો. બરાબર ઢાળ માં આશરે 500 ફૂટ દૂરથી રસ્તે કોઈ સ્ત્રી ઉભી હતી,લગભગ વાળુ ટાણાનો સમય હતો.વરસાદને કારણે મારે માથે હેલ્મેટ હતો.કાચ ઊંચો કરી જોયું ત્યાં લગી હું લાલ કલરનો ડ્રેસ પહેરી ઉભેલી સ્ત્રી નજીક ચંદ ક્ષણોમાં પહોંચવામાં બાકી હતો..મને ડર ન્હોતો.કારણ કે એ રસ્તે મારે કાયમ જવા આવવાનું થતું એટલે વચ્ચે આવતાં ગામડાના લોકો ઘણાંખરાં પરિચિત હતાં.પરંતુ આશ્ચર્ય એ હતું કે આવા એકાંત જંગલ અને મેઘલી સંધ્યા,પહાડોમાં આ એકલી સ્ત્રી કેમ ઉભી હશે? ખૂબ નજીક આવી ગયો.એણે મને હાથ લાંબો કર્યો! "સાયેબ! મને માંડવી લઇ જાઓ" મેં ક્ષણિક બાઈક થોભી,પછી વિચાર આવ્યો કે કોઈ લુટારા આ સ્ત્રીને રસ્તે ઉભી રાખી લૂટનો ઈરાદો હશે એમ સમજી મેં બાઈક મારી મૂક્યું.બાઈકની અંદર લગાડેલા સાઈડ કાચ વડે પાછળ જોયું તો તે સ્ત્રી બૂમ પાડી રહી હતી.મેં ક્ષણ નો વિચાર કર્યાં વગર નજીક ખાત્રાદેવી ગામે રોડ ઉપર દૂધ ડેરી પાસે મારું બાઈક ઉભું રાખી ત્યાંના લોકોને કીધું કે રસ્તે કોઈ લાલ ડ્રેસમાં એક છોકરી ઉભી છે.મને કીધું કે મારે માંડવી આવવું છે.લૂટની બીક લાગી એટલે બાઈક ઉભું નહીં રાખ્યું.
આટલું બોલતાં દૂધ ભરાવતા તમામ પશુપાલકો મારી પાસે આવી કહેવા લાગ્યા કે "સાયેબ તમારે આ રસ્તે મોડું નહીં નીકળવું,તમેં જે કહો છો તે જ જગ્યાએ એક છોકરીનો અકસ્માત થયેલો હતો. અને તેનો જીવ અવગતિઓ છે.એટલે ક્યારેક આવી રીતે દેખાય દે છે."
ત્યાંના લોકોની આ કથની સાંભળી હજુ.પણ વિશ્વાસ નથી થતો કે ખરેખર એ અવગતિઓ જીવ હતો કે પછી કોઈ લૂટ માટે પ્લાન હતો!
હું પછી તે સમય પહેલાં નીકળી જતો.મેં ક્યારેય મોડું નીકળવાનું પસંદ નહીં કર્યું.
(સાવધ રહો,ભૂત હોય કે ના હોય પરંતુ અજાણ્યે રસ્તે સાવચેતી રાખો)
. - સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)