The Kashmir Files books and stories free download online pdf in Gujarati

ધ કાશ્મીર ફાઇલ્સ

ધ કાશ્મીર ફાઇલ્સ

-રાકેશ ઠક્કર

નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ 'ધ તાશ્કંદ ફાઇલ્સ' થી દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેમણે એ ફિલ્મથી પૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીની હત્યાનું સત્ય દુનિયા સમક્ષ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ વખતે કાશ્મીરની ત્રણ દાયકા જૂની ફાઇલો ખોલીને ત્યાંની સૌથી ગંભીર સમસ્યા પરથી પડદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. એક મોટા મુદ્દા પર ફિલ્મ બનાવી છે. ૧૯૯૦ માં આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતોની હત્યા થઇ હતી અને એમને કાશ્મીર છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. અગાઉ કેટલીક ફિલ્મોમાં કાશ્મીરી પંડિતોનો આ મુદ્દો આવ્યો હતો પણ આવી હિંમત અગાઉ કોઇ નિર્દેશક બતાવી શક્યા ન હતા. 'ધ કાશ્મીર ફાઇલ્સ' ને સમીક્ષકોની પ્રશંસા ઉપરાંત બોક્સ ઓફિસ ઉપર પણ મોટી સફળતા મળી છે. ફિલ્મએ બોક્સ ઓફિસ પર અનેક નવા રેકોર્ડ બનાવ્યા છે. એ બાબત 'ધ કાશ્મીર ફાઇલ્સ' દર્શકોને વધારે પસંદ આવી હોવાની સાબિતી છે. કેટલીક ફિલ્મો મોટા સ્ટાર્સને કારણે અથવા જબરદસ્ત પ્રચારને કારણે દર્શકોને ભેગા કરે છે ત્યારે 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોવા દર્શકો જાતે ઉમટી પડ્યા છે એનું કારણ એમાં ફિલ્મી મસાલા કે આઇટમ ગીત નહીં પણ સત્ય કિસ્સાઓ છે. ફિલ્મને IMDB પર ૧૦ માંથી ૧૦ રેટિંગ મળ્યું છે એ તેની લોકપ્રિયતાનો પુરાવો છે.

નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ પીડિતોના સાચા કિસ્સા અને દસ્તાવેજો માટે ભારે સંશોધન કરીને તૈયાર કરેલી વાર્તામાં કાશ્મીરી પંડિતોનું દર્દ વાસ્તવિક લાગે એટલી સહજતાથી બતાવ્યું છે. ફિલ્મ એક ડોક્યુમેન્ટ્રી બની જવાનો ડર હતો. પણ સત્યને બહાર લાવવામાં નિર્દેશક સફળ થયા છે. ફિલ્મની વાર્તા કાશ્મીરના એક શિક્ષક પુષ્કરનાથ પંડિત (અનુપમ ખેર) ના જીવનની આસપાસ ફરે છે. એમનો પૌત્ર કૃષ્ણા (દર્શનકુમાર) દાદાની અંતિમ ઇચ્છા પૂરી કરવા દિલ્હીથી કાશ્મીર આવે છે અને દાદાના મિત્ર બ્રહ્મા દત્ત (મિથુન ચક્રવર્તી) ને ત્યાં રોકાય છે ત્યારે એમના બીજા મિત્રો પણ મળવા આવે છે. ફિલ્મ ફ્લેશબેકમાં જાય છે. જ્યાં ૧૯૯૦ ના કાશ્મીરને બતાવવામાં આવે છે. અને કાશ્મીરી પંડિતોને ધમકાવી જબરદસ્તી કાશ્મીર છોડવા મજબૂર કરવાની પીડાદાયક વાર્તા રજૂ થાય છે. કૃષ્ણાને સત્યની ખબર મળે છે અને તેની આંખ સામેનો પડદો દૂર થાય છે. તે એના પરિવાર ઉપરાંત કાશ્મીરની બરબાદી માટે જવાબદાર આતંકવાદી ફારુક મલિક બિટ્ટા (ચિન્મય માંડલેકર) ને મળે છે. નવી પેઢીની નજરથી પણ સ્થિતિ બતાવાવામાં આવી છે. નિર્દેશકે કાશ્મીરી હિન્દુ પંડિતોની કહાનીને ઉંડાણથી બતાવી છે. એમણે બતાવેલી હિંસા હચમચાવી દે એવી છે.

ફિલ્મનું જમા પાસું કલાકારોનો અભિનય છે. અનુપમ ખેરે રુંવાડા ઊભા કરી દે એવો અભિનય કર્યો છે. બલ્કે પોતાના પાત્રને એવી રીતે જીવી બતાવ્યું છે કે લાંબા સમય સુધી લોકો યાદ કરશે. અગાઉ અનુપમ ખેર અનુપમ અભિનય માટે અનેક વખત પ્રશંસા મેળવી ચૂક્યા છે. પણ તેમનો અભિનય આ ફિલ્મને એક નવી ઊંચાઇ આપે છે. આ ભૂમિકા તેમને રાષ્ટ્રીય એવોર્ડ અપાવી શકે છે. મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શનકુમાર એટલા જ પ્રભાવિત કરે છે. પલ્લવી જોશીને 'ધ તાશ્કંદ ફાઇલ્સ' ના અભિનય માટે એવોર્ડ મળ્યો હતો. આ વખતે બહુ તક મળી નથી. દર્શનકુમારે વાર્તાના ભૂતકાળ અને વર્તમાનને જોડવાનું કામ કર્યું છે. અનેક એવોર્ડસની હકદાર બને એવી આ ફિલ્મની લંબાઇ થોડી વધી ગઇ છે. તેને અડધો કલાક ઓછી રાખવાની જરૂર હતી. વાર્તાની રીતે રજૂ કરવાને બદલે કોણે શું કહ્યું એની વાત વધારે છે. સ્ક્રીનપ્લે પર વધારે મહેનત કરવાની જરૂર હતી. એક દ્રશ્યમાં ૨૫ લોકોને ગોળી મારવામાં આવે છે એ દરેક ગોળીને બતાવવામાં આવી છે. ઘણા દ્રશ્યોનું પુનરાવર્તન થાય છે. વાર્તાને બેકગ્રાઉન્ડ સંગીતની ખાસ મદદ મળતી નથી. કેટલાક દ્રશ્યો નબળા દિલના લોકો જોઇ શકે એમ નથી. ફિલ્મ વારંવાર ફ્લેશબેકમાં જતી રહે છે. ફિલ્મમાં એ વાતનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજકીય કારણોથી કાશ્મીરી પંડિતોની હત્યાને વર્ષો સુધી કેવી રીતે છુપાવવામાં આવી હતી. નિર્દેશકે રુંવાડા ઊભા થઇ જાય એવો એ વખતના ભયનો માહોલ બતાવ્યો છે. ફિલ્મ લોકોને ભાવનાત્મક રીતે જાગૃત કરવાનો પ્રયાસ પણ કરે છે. કાશ્મીરી પંડિતોના પલાયન અને તેમના પરના અત્યાચાર ઉપરાંત ફિલ્મમાં મીડિયા સહિતના બીજા અનેક મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાશ્મીરનું સત્ય જોવું- જાણવું હોય અને દિલ મજબૂત હોય તો એક વખત ફિલ્મ જોવી જોઇએ.