From the window of the shaman - 22 books and stories free download online pdf in Gujarati

શમણાંના ઝરૂખેથી - ૨૨. શમણાં ઝૂલે કયા હિંડોળે..?

૨૨. શમણાં ઝૂલે કયા હિંડોળે..?


"એટલે.. એમ કે, બધાનાં કામની રીત જુદી, રસોઈનો સમય, ચા-નાસ્તાનો સમય.., ઘરનું કામ-કાજ; બધું જુદું પડે.. નવું લાગે, પણ હવે સેટ થવા લાગ્યું છે. નમ્રતાએ સ્પષ્ટતા કરી, પણ સરયુબહેનનાં મનમાં દીકરીને લઈને થતી ચિંતા ઓછી ન થઈ, પણ તેમણે સાંત્વના આપતા કહ્યું..

"એ તો થઈ જશે. તારા સાસુનો સ્વભાવ સરસ છે, તને સેટ થતાં વાર નહીં લાગે. પણ, તું ખાવા-પીવામાં ધ્યાન નથી રાખતી એવું લાગે છે..,જોને, કેટલી સુકાય ગઈ છો!.. અને, કામનો ભાર અચાનક માથે આવી ગયો, મારી ચકુને!"

પિતાથી પણ બોલ્યા વગર રહેવાયું નહીં, "ચકુ, તારા સાસુએ તને અહીં મોકલી એ ખૂબ સારું કર્યું. હવે જ્યારે પાછી જઈશ તો તારું મન એકદમ ફ્રેશ થઈ ગયું હશે..." આટલું કહી પછી નમ્રતાના મમ્મીને કહ્યું, "ચાલો, હું જાવ છું, કામ પર. તમે માં-દકરી વાતો કરો. ચકુને જે ખાવું હોય તે બનાવીને ખવડાવજે.!"

"તમારી લાડલી આવી છે તો કંઇક લઈ આવજો, સાંજે આવતા" સરયુબહેને કહ્યું.

નમ્રતા હવે તેનાં મમ્મી-પપ્પાના ઘરે હતી, આનંદની લાગણી અનુભવતી; ને સાથે હતી સુહાસ સાથે દરેક સ્મૃતિઓને! બેઉં સ્થિતિમાં ખુશી હતી ને એટલુંજ દર્દ પણ!

"...પોતાની રૂમમાં; જે રૂમ - જેમાં જીવનની યાદો હતી - જે રૂમ માત્ર પોતાની હતી, સંપૂર્ણ એકાંત અને આઝાદી રહેતી; તે રૂમમાં સૂકુંનનો અનુભવ થયો, પણ અરીસો નહોતો. એ અહેસાસ સુહાસની યાદો સામે પાંગળો લાગ્યો. ઝરૂખા વાળી પોતાની અને સુહાસની રૂમ - કે જ્યાં પોતાનાં શમણાંએ સોળ શણગાર સજ્યા, કે જ્યાં સુહાસની આંખમાં પોતાની છબી દુનિયા સામે ઝઝૂમી લેવાનું ઝોમ ભર્યા કરે છે, જ્યાં હવે એકલા હોવાનો ભય નહોતો, જ્યાં કોઈ હાથ ઝાલીને પેલે પાર લઈ જવા બેઠું છે - એ રૂમ કે જ્યાં પોતે એકલી નથી પણ એકાંત છે, પ્રેમ છે, હૂંફ છે..."

બે ઘરના અનુભવની સુગંધને ઊંડા શ્વાસમાં ભરતી, નમ્રતા પોતાની લાગણીઓ અને સંવેદનોને ટટોળતી રહી...

"બસ, જો ફર્ક હોય તો એ છે: માત્ર સો કદમની સફરનો - ઘરનાં ઉંબરાથી પોતાની રૂમ સુધીની સફરનો! એક પથ એવો છે જ્યાં સફર સરળ છે. ઉંબરાથી રૂમ સુધી અને રૂમમાં પહોંચ્યા પછી પણ, ભય કે ડર નો અહેસાસ સુધ્ધાં નથી કે કોઈ ખચકાટ પણ નથી. છેક સુધી હૂંફ છે, મોકળાશ છે, ભીનાશ છે; ને, ઉંબરે પહોંચતા જ એક 'હાસ!' નો ભાવ છે!બીજો પથ થોડો કઠિન ને કાંટાળો છે; ત્યાં ડર તૂટે છે, પણ રૂમમાં પહોંચીને, એ પણ ક્યારેકતો નહીં જ! ને, પછી સામે હોય છે એક આખું વિશ્વ - પ્રેમનું, હુંફનું, લાગણીનું, પોતાનું! જ્યાંથી પોતાની દુનિયા શ્વાસ લેવાનું શરૂ કરે છે. એક સ્ત્રી પોતાના રૂમનાં ઝરૂખેથી શમણાંની દુનિયાને જુએ છે. ઉંબરાથી રૂમ સુધીની એ સફરની તકલીફ, પીડા કે ડર હૃદય પર સહેજ પણ હાવી નથી થતાં, કારણ કે હમસફર સાથે છે, તેનો હાથ છે, હૂંફ છે - એ હોય છે, છેક સુધી!"

મા-બાપની છત્ર છાયામાં હુંફના મીઠા ઓડકાર તેના મનને પ્રફુલ્લિત કરી રહ્યા હતા - સતત, રોજ; ને વળી સુહાસની બે-ત્રણ મુલાકાતોથી જાણે શમણાંના બાગમાં વસંતઋતુ ખીલતી હોય તેમ નમ્રતાનું મન થનગની રહ્યું હતું. તેમાંય અધૂરામાં પૂરું; સુલેખા અને નિતાઆંટી સાથે પસાર કરેલો સમય જાણે પૂર્વ-પશ્ચિમ બેઉની અનુભૂતિ કરાવી સુખ-દુઃખને માપવાના પાઠ શીખવાડી જતો હતો. સુલેખા યુદ્ધનીતિમાં પારંગત હતી તો નિતાઆંટી સુલેહનીતિમાં! ને તેમાંય પાછું, સદાનંદભાઈએ દીકરીનાં લગ્ન સકુશળ પુરા થાય એટલે પોતાને શિરડી દર્શને જવાની ઈચ્છા છે એવું જાહેર કરી. નમ્રતાની સાસરીમાં ફોન કરી, તેને સાથે લઈ જવા પરવાનગી મેળવી લીધી. સુહાસની પણ વાત કરી; જે શક્ય ન બન્યું. અઠવાડિયાની હુંફને બોનસનાં દિવસ મળ્યાં. સાતમા દિવસે નમ્રતા શિરડી પહોંચી- મમ્મી-પપ્પા સાથે!

આમ, હજુ હુંફના હિંડોળે હિંચકતા સાત દિવસ નીકળ્યાતા, ત્યાં તો કોઈએ હિંડોળાને હવામાં એવો ઝુલાવ્યો કે જાણે દુનિયાનું સુખ પોતાની ઝોળીમાં ઠલવાતું હોય એવું લાગ્યું!

શિરડી પહોંચીને નમ્રતાને ખબર પડી કે શિરડીનો આ પ્લાન તો મિલીભગતનું પરિણામ હતું. આમાં, કોઈ એકનો હાથ નહોતો. આ શમણાંને હુંફના હિંડોળે ઝુલાવવા નમ્રતાના બેઉં ઘરના સભ્યો શિરડી મળ્યા ત્યારે નમ્રતાનાં તો હોંશ જ ઉડી ગયા. જિંદગીનું આવડું મોટું સરપ્રાઈઝ મેળવીને, રડવું કે હસવું નક્કી કરવું મુશ્કેલ થઈ ગયું'તું. "આ એમનો જ પ્લાન હશે" એવો એક ક્ષણ માટે વિચાર આવતાં, અવાક થયેલી નમ્રતાને દોડીને સુહાસને બાથ ભરી લેવાની ઈચ્છા થઈ ગઈ. પણ, એ શક્ય નહોતું; કારણ કે સામે હતા મમ્મી-પપ્પા, સાસુ-સસરા, અંકુશ, સુહાસ.., અને ..મેઘા પણ! પણ, નમ્રતાએ પોતાની છલકાતી બધી લાગણીઓ મેઘા પર ઠાલવી દીધી! નમ્રતાને થોડી વાર નક્કી કરવું મુશ્કેલ લાગ્યું કે 'આ પ્લાન કોનો હશે - પપ્પાનો કે પછી સુહાસનો? આ હૂંફના હિંડોળાને કોણે ઝુલાવ્યો?'

પણ, સરપ્રાઈઝ પ્લાનનો ભાંડો ખુલ્યો ત્યારે ખબર પડી કે તે પ્લાનનાં ઘડવૈયાતો મેઘા અને અંકુશ હતાં! એ બન્નેએ હઠ કરીને બધાને રાજી કર્યા અને પોતાનાં ભાઈ-ભાભીને શિરડી લાવ્યા - કુટુંબ સાથે! ને, આશ્ચર્યની વાતતો એ હતી કે બધાએ ભેગા મળીને આવડો મોટો પ્લાન કર્યો, ને નમ્રતાને ગંધ પણ ન આવી? મેઘાબહેનનું તો એક વાર ઠીક છે પણ એ માનવામાં ન આવે કે અંકુશભાઈ કેજે ભાગ્યેજ વાતચીત કરતાં, જેમનાં મનમાં શું ચાલે છે એ ક્યારેય ખ્યાલ નથી આવ્યો; એ પણ મેઘાના સરપ્રાઈઝ પ્લાનમાં ભાગીદાર હતાં. એટલુંય હજું ઓછું હોય તેમ, દર્શન કાર્યક્રમ પછી નમ્રતાના હિંડોળે જે હલેસું લાગ્યું જેમાં નમ્રતા ઊંચે આકાશમાં નહીં, બલ્કે હુંફના મહાસાગરમાં ડૂબકી મારીને આખી ભીંજાઈ ગઈ. એ બીજો રહસ્ય વિસ્ફોટ હતો અંકુશ અને મેઘા તરફથી - ભાઈ-ભાભીને એક ગિફ્ટ - 'પંચગીની-મહાબળેશ્વર સ્ટે પેકેજ, ત્રણ દિવસનું!'

એ દિવસે, સૌ સાથે મળી શિરડીધામનાં ભક્તિરસ પીધાં ને પછી અમદાવાદ પરત ફર્યા; જ્યારે નમ્રતા અને સુહાસ; પંચગીની અને મહાબળેશ્વરની સુંદર પહાડીઓ અને વાદીઓની શીત લહેરોમાં ઓગળી ગયાં - ત્રણ દિવસ સુધી!

* * * * *


ગાઢ નિંદ્રા પુરી થાય એટલે આંખની પાંપણ ઊંચકીને, સ્વપ્નસૃષ્ટિમાંથી બહાર આવી વાસ્તવિક દુનિયાને જોવાની જ હોય છે; પછી ભલે એ નજર સામે નિખરતી પ્રભાત હોય કે ધખઘખતી બપોર હોય કે પછી ઢળતી શીતળ સાંજ હોય!

પ્રકૃતિનાં ખોળે રોમાંચ અને શૃંગાર રસનાં સાગરમાં તરબતર થયેલી નમ્રતાને, ઘરે પરત આવતાં સુધીમાં તો 'મેઘાએ હઠ કરીને કરેલો સરપ્રાઈઝ પ્લાન' એ વાત યાદ આવતાં જ અમદાવાદની ગરમી વર્તાવા મંડી!

સવારે એક્સપ્રેસ-હાઇવેથી નિકળેલી લકઝરી બસ જસોદાનગર વિસ્તારમાંથી પસાર થઈ. ત્યાંથી નમ્રતાનું ઘર બહુ દૂર નહીં. તેથી બન્ને પહેલા નમ્રતાના ઘરે ગયા; ને પછી પહોંચ્યા પોતાનાં ઘરે. ને આખરે એવું જ થયું! નમ્રતાનો અંદાજ સાચો હતો. સાસુમાનું વર્તન વ્યવહાર થોડાં બદલાયેલા હતાં. એમાં નમ્રતાના ઘરે થઈને આવ્યાનું જાણીને વધારાનો તડકો પડ્યો! કોઈ સહજ પ્રશ્ન કે ખુશી નહીં! 'કોઈ તકલીફ તો નથી પડીને?' એવાં કોઈ પ્રશ્ન નહીં. ભલે નમ્રતાને નહીં, પણ પોતાના દીકરાને તો પૂછે એક વાર કે મુસાફરીમાં કાંઈ તકલીફતો નથી પડીને! નમ્રતાને એ ખ્યાલતો આવી ગયો કે મેઘાબહેન અને અંકુશભાઇને મમ્મીજી ઘણું બોલ્યા હશે!

"સીધું ઘરે ન આવાય, બેઉંને? ક્યારેય ના પાડી છે ક્યાંય જવાની?" બસ, બધાને મમ્મી જ નડે!" મંજુલાબહેનનો ઉકળાટ નમ્રતા માટે અસહ્ય હતો. નમ્રતાને લાગ્યું કે 'જિંદગીની બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. હવે, સુહાસ મમ્મીજીને સમજાવે તો સારું!'

ને, સુહાસે પ્રયત્ન પણ કર્યો, "મમ્મી, એટલું બધું શું વિચારો છો. અને આમાં નડવાની વાત ક્યાં આવી?"

" અંકુશને! મેં એને સ્પષ્ટ ના પાડી'તી આવા કોઈ પ્લાન કરવાની! શિરડી સુધીતો બરાબર છે! એ અને મેઘા - બેઉં પાછળ પડ્યા'તાં! પેલીને ત્યાં ભણવા મોકલી એમાં તો સાવ બગડી ગઈ!" મેં એનેય કહ્યું'તું. તો પાછા બેઉં મને સમજાવવા બેઠા."

નમ્રતા અને સુહાસ ચૂપચાપ સાંભળતા રહ્યા. મમ્મીનો ગુસ્સો શાંત થાય તો સમાન ઠેકાણે મૂકીને ફ્રેશ થવાય.
વાત કરતાં કરતાં એમની આંખમાં આંસુ પણ ટપકી પડ્યાં. એ આંસુ લૂછવાની હિમ્મત કોઈને નહોતી..
એમણે બોલવાનું ચાલું રાખ્યું..,

"તમે બધાએ આવડો મોટો પ્લાન કર્યો. અને, મને વાત ક્યારે કરી? બુકીંગ કર્યા પછી! પહેલાં કહ્યું હોત તો હું કંઈ ના થોડી પાડવાની હતી!" સુહાસને ઉદ્દેશીને, "એક મોટાભાઈ તરીકે તારે એને સમજાવવા જોઈએ! ....એવું ક્યાંથી થાય.? તારે પણ ફરવા જવું હોય ને પાછું..?" ને, મેઘાતો પાછું 'મનાલી, સીમલા'નું મને સમજાવે!

"મમ્મી.. એવું કંઈ -" સુહાસ એટલું જ બોલી શક્યો.

"પેલી મેઘા, એ તો ભારે ઉસ્તાદ નીકળી. ત્યાં બરોડા રહી રહીને ફોન પર બધા પ્લાન કરે! બેઉં ભાઈ-બહેને પોતાની બચતના પંદર હજાર રૂપિયા ઉડાડી દીધાં! જીદ કરીને પાવાગઢ ફરવા ગયા ત્યારની મને શંકા હતી કે મારી ભોળી દીકરીના કાન કોઈકતો ભરે છે; નહીંતો એ આવી નહોતી...!"

મમ્મીજીના એકેક શબ્દો જાણે નમ્રતાના કાળજે ચુભી રહ્યા હતાં. એમાંય 'કાન ભરવા'ની વાતે તો તેનું હૃદય જાણે સાવ ચીરી નાંખ્યું. પાણીનો રેલો જાણે પગ નીચે આવી ગયો હતો! 'ફરવા ગયા એ ભૂલ થઈ! ને, સવારે મમ્મીના ઘરે ગયા એ બીજી ભૂલ!' ત્રણ દિવસ અનુભવેલા સુખના સંસ્મરણો, મમ્મીજીનાં શબ્દો અને પહેલી વાર મમ્મીજીની આંખમાં જોયેલા આંસુ -હૃદય પર તીરની જેમ ભોંકાતા હતા. કોઈ સ્થિતિ એવી નહોતી અને હિમ્મત પણ નહોતી કે મમ્મીજીની બાજુમાં બેસી એમનું દુઃખ હળવું કરી શકાય કે પછી સાંત્વના આપી શકાય. ગુન્હેગાર પોતે જ ગુન્હો કરીને 'સોરી' સિવાય બીજું શું કયે? અહીં એ પણ શક્ય નહોતું. વાતાવરણ શાંત પડે તો કંઈ બીજું કામ થાય. આખી રાતની મુસાફરીનો થાક પણ હતો. સુહાસે એક કલાકમાં પાંચ-છ બગાસાય ખાઈ લીધા, ને નમ્રતાએ બગાસાને રૂમાલથી દબાવી નાકમાં છોડી દીધા.

પોતાની બેગ સોફા પરથી ખોળામાં લેતાં, હિંમત ઝુંટાવીને સુહાસે કહ્યું, "મમ્મી, અમે આવી ગયાં છીએ હવે. તમે કો' એમ જ કરીશું. ગુસ્સો છોડો ..!"

મમ્મી માફ કરવાનાં મૂડમાં નહોતાં, "આવી ગયા તો શું? માથે બેસાડું?.. કે આરતી કરું?" સામાન તરફ ધ્યાન જતાં, "બેગો લઈને બેસી ગયાં.., કાંઈ કામ નથી કે શું? ઘણું કામ પડ્યું છે હજું. મારી માં નહીં આવે કામ કરવા?'

ગુન્હેગાર ગણીને હજારોની મેદની વચ્ચે પસાર થતાં નિર્દોષનાં જેવી મનોદશામાં ફસાયેલી નમ્રતા માંડમાંડ કરીને પોતાનાં રૂમમાં પહોંચી. બેગના ભાર સાથેજ ઢગલો થઈ પલંગની ધારે બેસી પડી! લાંબો શ્વાસ લઈ આંખોની પાંપણોને ઊંડી દબાવી જોઈ, કે જેથી હૃદય પર વીતેલી વેદના કદાચ ભૂકો થઈ જાય! મનને હળવું કરવા બારીની બહાર ઝરૂખે નજર કરી જોઈ. પૂર્વનાં આસમાનેથી તપતો સૂર્ય ઝરૂખાને બાળી રહ્યો હતો. આંખો મીંચી દીધી! સુહાસે આવીને માથે હાથ મુક્યો.

"મને નહીં ફાવે!"નાં શબ્દો સાથે નમ્રતાની આંખમાંથી ટપકેલું આંસુ સુહાસના કમરબેલ્ટમાં શોષાય ગયું, ને કદાચ એ શબ્દો પણ!

..ક્રમશ: