From the window of the shaman - 24 - last part in Gujarati Fiction Stories by Ketan Vyas books and stories PDF | શમણાંના ઝરૂખેથી - ૨૪. - છેલ્લો ભાગ

શમણાંના ઝરૂખેથી - ૨૪. - છેલ્લો ભાગ

૨૪. છેલ્લી સવારી, શમણાંનાં ઝરૂખેથી..


... ક્રોધની અગ્નિમાં ઉઠેલી જવાળાઓ અને પછી શોકનાં માહોલમાં જાણે ભડભડ થઈને સાવ ચૂપ થયેલી એ ઘરની દીવાલો; બેબાકળા, વિહવળ, ચિંતાતુર અને સુખની લાલસાથી તડપતા બિચારા જીવોનો વિલાપ જોતી ઉભી'તી! કુટુંબજીવનનો સ્વાદ માણવા મથી રહેલા નમ્રતાના શમણાં જાણે ચૂરેચૂરા થઈ ભોંય પર પટકાઈને પડ્યાં'તા!

વહુનાં વહેતાં વહેણને અકારણ વાળવામાં પોતીકાના કપાળે પડેલા ઘા જન્મદાત્રીનાં હૃદયમાં શૂળની જેમ ભોંકાઈ રહ્યા હતાં. દિલનાં અરમાનો અને સ્વામાનને નેવે મૂકી કુટુંબના સંગીતને માણવા નમ્રતાએ કરેલી સાત મહિનાની મહેનત પર એક ઘટનાએ પાણી ફેરવી અહમ અને તિરસ્કારની આગનાં તણખા સાસુનાં વ્યવહારમાં ઝરતા કરી દીધાં હતાં. સુહાસના કપાળ પર લાગેલા ઘા અને તૂટેલા કાચને લીધે આવેલા ત્રણ ટાંકાને સમય જતાં રૂઝ આવવા લાગી હતી; પણ અશાંત થયેલા મનની વ્યાકુળતા નમ્રતાના સ્પર્શથી પણ ઓછી થવાનું નામ ન લીધું! એક જ રસોડામાં સાસુમાંએ ચૂલો સળગાવવાનાં પોતાના સમય અને અલગ રસોઈની દીવાલ ચણી લીધી હતી. સમય જતાં બધું સરખું થશે એવી આશા છોડીને પંદર દિવસ પછી સુહાસે અલગ રહેવા જવાનો નિર્ણય જાહેર કરીને મમ્મીના હૃદયને હચમચાવી દીધું.

મહાબળેશ્વરની હરિયાળી સ્મૃતિઓમાં લાગેલી આગ તો એક અઠવાડિયે શાંત પડી'તી, પણ સાસુના સૂકા થયેલા હૃદયની આગ ઓલવાઈ એવું દૂર સુધી નમ્રતાને દેખાતું નહોતું. ગુમસુમ ને ચુપચાપ લટકી રહેલા અને નમ્રતાની વાતો સાંભળવા વલખાં મારતાં અરીસાને ચકલીઓ આવીને ચાંચો મારીને જતી રહેતી હતી. ચકલીઓનું ટકટક ઝરૂખે બેઠેલી નમ્રતાના હૃદયને જાણે ખોતરીને પોલું કરી રહ્યું હતું. નમ્રતાનો દયામણો ચહેરો જોઈને ઉછળ-કૂદ કરતી ખિસકોલીઓ પણ ક્યાંક લપાઈ જતી હતી.

"શું સુલેખા સાચી હતી? શું સુલેખા એ કહેલા શબ્દો કે, 'ઘેર ઘેર માટીના ચુલ્લા' સાચા હતાં? સુલેખાતો પોતાની ઈચ્છા કે તકલીફ જાહેર કરતા ક્યારેય ખચકાતી નહોતી. મનને મારીને, સહન કરીને કે પછી બાંધછોડ કરીને જીવી લેવાનો એનો સ્વભાવ નહોતો. એને તેની સાસુ સાથે સંઘર્ષ થાય એ પણ માની શકાય એવું હતું! મેં તો કઈ માંગ્યું નથી ને મારે કંઈ જોઈતું નહોતું, રસોઈ કે બીજા કોઈ કામની ક્યારેય આળસ કરી નથી, કોઈની વાત કે વિચારનો અનાદર કર્યો નથી; તો પછી મારો ગુન્હો શું? ઘર, કુટુંબ અને સુહાસના સુખ માટે મારા પોતાનાં વ્યક્તિગત શોખ, ઈચ્છાઓ, પસંદગીઓ, સ્વમાન અને સન્માન છોડવા તૈયાર છું; પરંતુ, ઘર છોડીને કે અલગ થઈને સામાજિક સન્માનનો ભોગ શા માટે આપું? પાંચસો માણસની વચ્ચે વાજતે-ગાજતે પિયરમાં હરખનાં આંસુ છોડીને સુહાસના ઘરનાં ઉંબરે આવી છું; ત્યારે ચોરની જેમ પાછલાં દરવાજેથી જઈ જુદાં ચુલ્લે ચડું'તો માં-બાપનાં કુળ અને આંસુને કલંક નહીં લાગે?" મનોમંથન કરતી નમ્રતાને જોઈને ખિસકોલીનું એક બચ્ચું વારેવારે ડોકિયું કરીને લીલા લાગતાં પાંદડા નીચે છુપાઈ જતું હતું.

"શું નિતાઆંટીની વાત માનવી? ક્યાં સુધી? એજ તો કર્યું આજ શુધી! જોવાનું, સાંભળવાનું, નિરીક્ષણ કરવું, ઘરનાં દરેક વ્યક્તિના સ્વભાવને સમજવાના - એ બધું તો કર્યું! સમજી લીધાં બધાને! બોલો હવે શું કરું?" માથાનાં વાળને કપાળેથી પકડીને ખેંચીને માથું ઝુકાવ્યું.."શું કરું હવે? કોઈતો માર્ગ હશે! મમ્મી...! ઓ માં..!" રસ્તો દેખાય એવી આશાથી પોતાની આંખને ઊંડી ભીંસી જોઈ.

મૂંઝવણ ભરેલા મનને હળવું કરવું મુશ્કેલ હતું.. મોબાઈલમાં પોતાની પસંદગીનું ગીત વગાડીને આંખો મીંચીને સાંભળવા પ્રયત્ન કર્યો..

"અંધારે ઘેરાતાં સુનાં પરોઢિયામાં તરફડતી વેદનાઓ સહેવી!
શમણાંની વાત બધી એવી...
લીલુડા વાંસ કેરા સુવાળા વન અને પડઘાતા બોલ સાવ સુના
સૂકી ખારાશ આખા જીવતરને બાળે અને ....."

અને, ગીત અટકાવી દીધું.. "આ પરોઢયું નથી, સુરજ આથમવાની તૈયારીમાં છે.. આમાં કાંઈ નહીં વળે..!

આંખ ખોલીને તેણે જોયું તો.., "ટક..ટકટક.. ટક..! ચકલી અરીસામાં રહેલી ચકલીને ધોબીપછાડ આપવા મથી રહી હતી ને ફૂલ વગરના ગુલાબના કુંડા પાછળથી એક ખિસકોલી 'ચીંચું ચીંચું' કરીને દાંત દેખાડી ભાગી જતી હતી.

"બસ, બહુ થયું..! સ્વમાન ખોઈને જીવવાનો કોઈ અર્થ નથી. નિર્ણય મારે પોતાને લેવાનો છે.. આમાં બીજાં કોઈ શું કરવાના? સુહાસતો અલગ રહેવા તૈયાર છે, પણ મારા માં-બાપની ભાવનાનું શું? એ તો હસતે મોંએ દીકરીના પરાક્રમની વાતો સાંભળી લેશે! સાસુમાં પોતાનું મમત્વ મારીને રાજીપો રાખશે! પણ, ખિસકોલીનું 'ચીં ચૂં' ને ચકલીનાં 'ટક ટક' જેવી સમાજની દ્રષ્ટિ માત્ર નમ્રતાને નહીં; પણ, સમાજની કોઈ પણ વહુને જ દોષ દેતી રહેશે!" ખુરશી પર જ પોતાની કરોડરજ્જુને સીધી કરી, માથાનાં લાંબા કાળ વાળનો અંબોડો માર્યો, "પરણીને પાલખીમાં આવી છું; આમ, કલંક લઈને કે કોઈને કલંક લગાવીને ચોરીછુપીથી ઘરનો ઉંબરો નહીં લાગું! જેવી રીતે પણ ઘર છોડું, જઈશ તો વાજતે-ગાજતે ને પાંચસો માણસની હાજરીમાં જ!"

ઉભા થઇ ઊંડો શ્વાસ ભર્યો. રૂમમાં જઈ ટકટક કરતી ચકલીને ઉડાડી દીધી. પછી, બાલ્કનીનો દરવાજો ધડાકા સાથે એવી રીતે બંધ કર્યો કે જાણે બહાર સુંદર જેવા દેખાતાં વિશ્વમાં કે ખુલ્લાં આકાશમાં તેને કોઈ રસ ન હોય!

* * * * *
ઘડિયાળમાં છ વાગવાની તૈયારી હતી. નીચે પહોંચી ગઈ - રસોડામાં, રોજની જેમ પણ મૌન તોડ્યું!

"મમ્મી, ચા પીશો?" અલગ રસોડું કરતાં મમ્મીજીનો જવાબ શું હોય? તોય પૂછ્યું. કોઈ જવાબ નહીં. જમવાના સમયે.., "મમ્મી તમારા માટે કંઇક બનાવું? જવાબ નહોતો જ મળવાનો! આવું ત્રણ-ચાર દિવસ ચાલ્યું ને પરિણામ પણ વિચિત્ર હતું!

દીકરા સાથે ભાગ્યેજ વાત કરતાં મમ્મીજીએ મોં મચકોડીને નમ્રતાની ફરિયાદ પણ અને એવી વાત યાદ કરી જે તેમનાં મમત્વને પસંદ નહોતી, "..તું કંઈક ઘરની વાત કરતો'તો, મળ્યું કે નહીં?? અહીં રહેવું હોય તો શાંતિથી ખાઈ-પીને રહો... પણ, મીઠા ઝાડનાં મૂળ ખાવાનું રેવા દે'જો.. કહી દેજે..એને! હું મારી રીતે જીવું છું એમાં ખુશ છું! મારા ઘરમાં મને મારી રીતે જીવવા દો!"

નમ્રતા વિશેની વાત સાંભળી ગુસ્સોય આવ્યો, પણ પરિસ્થિતિને સમજ્યા વગર કંઈ બોલવાનું ઉચિત ન લાગતા, કપાળ પરના રૂઝ આવેલ ભાગ પર હાથ ફેરવતો પોતાની રૂમમાં જતો રહ્યો. રાત્રે, નમ્રતાએ સુહાસને બધી વાત સમજાવી, પડોશીની પણ બધી વાત કરી; ને સાસુ-વહુની વાતમાં વચ્ચે ન પડવાનું વચન લઈ, ઘર છોડવાની વાત ન કરવા માટે ત્રણ-ચાર મહીનાની મુદ્દત પણ લઈ લીધી.

બીજે દિવસે, "મમ્મી, ચા પીશો? નું પૂછીને ઉમેર્યું, "મમ્મી, સુહાસની બહુ ચિંતા થાય છે. એમને એટલું કામ આપે છે કે એમનાથી સહન નથી થતું. કાલે તો નોકરી છોડવાની વાત કરતાં કરતાં સાવ ઢીલાં પડી ગયા.. ! મને એમ થાય છે કે પપ્પાને પણ એમની નોકરીમાં કેવું થતું હશે?" આટલું બોલીને રસોડામાં જતી રહી.

ચાર-પાંચ દિવસ ચાનું પૂછ્યા વગર નમ્રતાએ જવા દીધાં. એટલુંતો નક્કી હતું કે મંજુલાબહેનને વહુ પસંદ નહોતી. પણ બે-ચાર વખત સુહાસની જે વાતો કહી હતી તેનો લાભ થયો'તો. મમ્મીજીએ વહાલસોયા દીકરાની સામે ક્યારેય નમ્રતાની ફરિયાદ ન કરી. તે ફરિયાદો સહન કરવાનો વારો આવ્યો દિનકરભાઈનો. રોજ રાત્રે નમ્રતાની વાતો ચાલે "એ આમ કરે, તેમ કરે! મોંમાં આંગળા નાંખીને બોલાવવા કરે! એનો ઈરાદો બરાબર નથી.. મીઠી મીઠી વાતો કરીને સુહાસને બિચારાને ભરમાવે છે..! સુહાસને તમે કંઈ કે'તા નહીં.., બિચારાને નોકરીની ચિંતા છે! વગેરે વગેરે...!"

એક મહિનાના પ્રયત્ન પછી પણ ક્યારેય મમ્મીજીએ નમ્રતાના હાથની ચા પીવાની તૈયારી ન બતાવી. સુહાસે પણ માથાકૂટ છોડવા નમ્રતાને સમજાવ્યું..

પણ, એક દિવસ સાંજે બધાની હાજરીમાં મમ્મીએ કહ્યું, "જો, સુહાસ.. તારે કામકાજ હોય, તને ચિંતા હોય..! અમારેય કાંઈ દુઃખ ઓછા નથી..! તારા પપ્પાય કેટલી ચિંતા લઈને ફરે? મારા પૂરતું ખાવા-પીવાનું બનાવાય એટલી તાકાત છે.. તારા પપ્પાની રસોઈ પણ બનાવી જ લઉ છું. અમે હજુ ખાટલે નથી પડ્યા કે કોઈની મદદ જોઈએ!"

સુહાસે નમ્રતાની સામે જોઇને પછી મમ્મીને કહ્યું, "મમ્મી, તમારે જે કહેવું હોય એ તમે નમ્રતાને કે'જો. એ અમારી કોઈ એકની જવાબદારી નથી. એણે કીધું એટલે જ હું આજે ઘરમાં છું. એજ કે'તી કે એના માટે મમ્મી પેલાં પછી બીજા!"

"એને આ ઘરની સુખ સાહેબી ગમી ગઈ છે. એટલે મીઠી વાતો કરે!" મંજુલાબહેનની વાત સાંભળીને દિનકરભાઈ થોડા ઉશ્કેરાયા એટલે સુહાસનો ગુસ્સો દબાય ગયો. પણ, નમ્રતાએ બધાની વાત કાપીને મમ્મીજીને કહ્યું,

"મમ્મી, સુખ-સાહેબી તો કોને ન ગમે! હવે આ ઘરમાં તમે જ પોખીને મારો ગૃહ પ્રવેશ કરાવ્યો..! તો મારો હક્ક તો બને જ ને! તમે પોતે આવીને, જેમ લાવ્યા'તા તેમ મૂકી જાવ મારા પિયરમાં તો જવા તૈયાર છું.અને સુહાસને જવું હોય ત્યાં જાય, હુંતો અહીં જ રહીશ!"

ચર્ચા વધી જશે એવા ડરથી સુહાસ પોતાની રૂમમાં જતો રહ્યો.. મમ્મીજી એક મિનીટ સુધી કાંઈ ન બોલ્યા, એટલે નમ્રતાને પણ વધારે ઉભું રહેવાનું યોગ્ય ન લાગ્યું.

* * * * *
નમ્રતાનો રોજીંદો વ્યવહાર ચાલુ રહ્યો. 'મમ્મી ચા પીશો?" જરૂર લાગે ત્યાં સાસુમાંને એકાદ-બે પ્રશ્ન કરી લઈ તેમનું મન વાળવા પ્રયત્ન ચાલુ રાખ્યો. બે-ચાર વાર તો એમના ભાગની રસોઈ પણ બનાવીને તેમને જણાવી દીધું. પણ, એ વધેલું ભોજન સાંજે નમ્રતાના ભાગમાં જ આવતું. જાતજાતના પ્રયોગો નમ્રતાએ બહુ દિવસ ચાલુ રાખ્યા!

એક વાર બગીચામાં મમ્મીજી બેઠાં હતાં. ત્યાં જઈ નમ્રતા તેમની સામે બેસી ગઈ. "મમ્મી, તમે ઇચ્છો છો કે હું મારા ઘરે જતી રાહુ?'' કોઈ જવાબ ન મળતાં તેણે ઉમેર્યું, "સુહાસ મારા માટે અલગ રહેવા જાય, એનાં કરતાં હું મારા મમ્મી-પપ્પા પાસે જતી રહું એ જ સારું છે. કાલે એમણે મને કહ્યું કે 'મમ્મીને દુઃખ થાય એવું ન થવું જોઇએ! એમણે મને કહી દીધું કે હું મારા ઘરે જતી રહું..! એમને તમારી સાથે જ રહેવું છે! એ આખો દિવસ તમારી જ ચિંતા કરે છે!" મંજુલાબહેને નમ્રતાની સામે જોયા વગર સાંભળ્યા કર્યું. એમની આંખ થોડી ભીની થઈ ગઈ હતી.

નમ્રતા આગળ બોલવા જતી હતી ત્યાં બાજુનાં ઘરની દીવાલેથી કોકિલાઆંટીએ કાગવાણી કરી બગીચાની હવાને ડહોળી નાંખી, "શું ઘૂસર પુસર ચાલે છે સાસુ-વહુ વચ્ચે? બધું બરાબરતો છે ને?

એ અવાજથી મમ્મીજી હેબતાઈ ગયા. નમ્રતા પોતાની લાગણીને રોકી ન શકી.., "આંટી..અમે માં-દીકરી તમને જ યાદ કરતાં હતાં." પોતે ઉભી થઈને મમ્મીજીની એકદમ નજીક જતી રહી.., "આંટી.., મમ્મી આખો દિવસ તમારી જ ચિંતા કરતાં હોય છે! મમ્મી કેતા'તા કે ઘરની વહુ જો દીકરી બની જાય તો સાસુને કોઈ ચિંતા જ નહીં!"

મંજુલાબહેને નમ્રતાને ચૂપ કરાવવા પ્રયત્ન કર્યો, તો નમ્રતાએ મમ્મીને કહ્યું, 'મમ્મી.., તમને તમારી આ દીકરી વ્હાલી છે કે નહીં.. બોલવા દો મને!" પણ મમ્મીજીએ થોડો ચહેરો વાંકો કરીને નમ્રતાને ઘરમાં મોકલી દીધી...

નમ્રતાને ઘરમાં ગયેલી જોઈ ને આંટીને મોકળું મેદાન મળી ગયું, "બહુ જબરી છે તમારી વહુ.. જોને ટપર ટપર કેવું બોલે છે! તમે જ એને માથે ચડાવી છે! "

"તે ચડાવવી તો પડે જ ને! વાજતે-ગાજતે પરણાવીને મારા સુહાસ માટે લાવ્યા છીએ. તમે પણ વહુને દીકરીની જેમ રાખોતો તમારું માથું ક્યાંય નમવા નહીં દયે! પણ, કોકિલાબેન., જેને દીકરી હોય -" મંજુલાબહેનનું આગળનું વાક્ય સાંભળવા દીવાલ પર કોઈ નહોતું. ને, નમ્રતાને બાકીના શબ્દો સાંભળવામાં કોઈ રસ નહોતો. એ દોડીને પોતાનાં રૂમમાં પહોંચી ગઈ. આંખમાંથી વહેતાં આંસુઓએ ઓશીકું ભીંજવી દીધું હતું!
* * * * *
નમ્રતા ચૂપચાપ મમ્મીના હાવભાવ વાંચતી રહી. ને મમ્મીજીએ અમુક દિવસ સુધી પોતાના ભાવને વ્યક્ત કર્યા જ નહીં. વહુ સાથે વાત કર્યા વગર જ તેના હાથની રસોઈ અને ચા સ્વીકારી લીધા. ઘરમાં બધાનાં આશ્ચર્યનું સમાધાન કરતાં કહ્યું, "કોણ કળાકુટ કરે? સુહાસની ચિંતામાં જતું કરવું પડે! બિચારી માં બીજું કરેય શું?"

મમ્મીની વાત સાંભળીને, ગેસ પર ઘી બનાવવા માખણને હલાવતાં નમ્રતાના ચહેરા પર સ્મિત ફરી વળ્યું. પણ, કુટુંબના સૌ સભ્યો સાથે બેસીને એ ખુશી માણવા શું કરવું એ સમજાતું નહોતું. પણ, એક દિવસ સવારમાંજ સાસુમાએ બધાને કુટુંબમિટિંગમાં બેસાડી દીધાં.

"મારે એક નિર્ણય લેવાનો છે" સૌ કોઈ કુતૂહલભરી મૂંઝવણમાં મંજુલાબહેનને સાંભળી રહ્યા. તેમણે એક બોક્સ પરથી કપડું હટાવ્યુ. "નમ્રતા, આ ખોલ"
નમ્રતાએ ખોલ્યું. સૌ કોઈની આંખો "આ શું?" ના ભાવથી ચમકી ઉઠી નમ્રતાની આંખ ભરાઈ ગઈ...!
"નમ્રતાને હાર્મોનિયમની ગિફ્ટ - લગ્નની તારીખ છે ને આજે!" બોલતાં બોલતાં ભીની આંખે મંજુલાબહેને વહુનો હાથ દબાવ્યો.
* * * * *
સાંજે ફરવા નીકળ્યા ત્યારે...
મંજુલાબહેને કહ્યું, "આ નમ્રતાની ખાસ જગ્યા છે!"

"આ જગ્યા? આ રીવર-ફ્રન્ટ? દિનકરભાઈ હસ્યાં.

બેઉના પ્રતિબિંબથી નદીનું પાણી ઉછળી રહ્યું હતું.

"લો મમ્મી, આઈસ્ક્રમ" નમ્રતા અને સુહાસ બાજુમાં બેસી ગયા.

સુહાસે નદી તરફ પ્રશ્નાર્થભાવે આંગળી ચીંધી..

નમ્રતાએ તેના કાનમાં ધીમેથી કહ્યું, "બસ એ જ કે હું હવે એકલી નથી. આપણે બે.

મમ્મીની ટપલી પડી, "શું બે..? આપણે સૌ..!"

રિવરફ્રન્ટ આનંદમાં ડૂબી ગયો હતો! અચાનક આવી ગયેલ ભાઈ-બહેન સાથે; છ વ્યક્તિના પ્રતિબિંબ નમ્રતાની ગઝલ સાંભળીને ઝુમી રહ્યા હતા.


🙏સમાપ્ત🙏


પ્રિય વાંચકમિત્રો,
મારી આ પ્રથમ ધારાવાહિકને વાંચીને આપના પ્રતિભાવથી પ્રેરિત કરવા માટે હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આપના પ્રતિભાવ દિશાસૂચક બની ભવિષયમાં પણ ઉપયોગી થશે. આવી જ રીતે આપના અમૂલ્ય પ્રતિભાવ આપતાં રહેજો.

નોંધ: આ વાર્તામાં ઉભી થતી પરિસ્થિતિ કે લેવાયેલા નિર્ણય દરેક વાંચકની અપેક્ષાથી જુદાં હોય એવું બની શકે છે. આ વાર્તાનો હેતુ પ્રેમ અને સહવાસ જીતવા માટેની એક મથામણ છે. સાસુ, વહુ કે દીકરી - દરેકનો અભિપ્રાય, અપેક્ષા કે પસંદગી આ વાર્તાના પાત્રોથી જુદા હોયસ્વાભાવિક હોઈ શકે!

🙏ધન્યવાદ.🙏


Rate & Review

Ranjan Rathod

Ranjan Rathod 8 months ago

Nikki Patel

Nikki Patel 10 months ago

Preeti Shah

Preeti Shah 10 months ago

Jagruti Oza

Jagruti Oza 10 months ago

Kajal Donga

Kajal Donga 10 months ago