Carry the gold books and stories free download online pdf in Gujarati

સોનાની કેરી

આજે ઓફિસ જતી વખતે સવારે ટ્રાફિક સિગ્નલ નડ્યું, સામે ટાઇમ લાઈટ જોઈ તો બેતાલીસ સેકન્ડ બાકી હતી એટલે શ્રેયા એક્ટિવા બંધ કરીને ઊભી રહી! ફૂટપાથ પર રેકડી લઈને બેઠેલા એક બા સાવ નિસ્તેજ લાગી રહ્યાં હતાં, એની સાથે એમની રેકડીમાં પડેલાં થોડાં ફળો પણ નિસ્તેજ જાણતા હતા.
બે દિવસથી પડ્યાં હોય એવાં ફળોને કોઈ ખરીદતું નહોતું એવું જણાયું, શ્રેયાને નજર એ માજી પર પડી, એમની નજર પણ શ્રેયા પર પડી, એ એમની નિસ્તેજ આંખોથી શ્રેયાને ઈશારો કરીને કેરી ખરીદી લેવા કહેવા લાગ્યાં! ઓફિસ જવાનું મોડું થતું હોઇ અને સિગ્નલ ખુલવાની તૈયારી હતી માટે એને પહેલાં તો ના ભણી દીધી, પરંતુ ખબર નહિ એનું મન ના માન્યું!
શ્રેયાએ સિગ્નલ ખુલતાની સાથે એક્ટિવા સેલ મારીને સીધા ના જતાં સાઇડ પર પાર્ક કરી દીધી. એ માજી એક્ટિવા પાર્ક કરતાની સાથે જ એની જોડે આવીને કહેવા લાગ્યા, " બેન લઈ લો ને મારી કેરીઓ, તમે લઈ લેશો તો મારાં છોકરાઓ રાતે કંઈ ખાઈ શકશે! આખો દિવસ વેચું છું પણ હમણાં મંદીનાં સમયે સૌ મફતમાં ભાવમાં સોના જેવી કેરીઓ માંગે છે!"
કેરીઓને જોતાં સોના જેવી તો જરાય ના લાગી, ગરમીની પોચી પડી ગયેલી હતી, બે દિવસથી પાકી ગયેલી હતી માટે થોડી ઘરડી લાગતી હતી એ માજીની માફક જ! એની નજર કેરી પર છે એ જાણતાંની સાથે માજી ફરી એ કેરીઓના ગુણગાન ગાવા માંડ્યા, " બેન એ દેખાવમાં ના જતાં, ઉભા રહો જરાં હું તમને કાપીને ચિરી આપુ એકદમ મીઠી મળક છે!"
"ભલે! શું ભાવ છે?"
" પચાસ રૂપિયાની કિલો! એકદમ કેસર છે! લઈ લો ભાવ કરી આપીશ!"
" સારું આપી દો બધી."
શ્રેયાએ ભાવ કરવાનું રહેવા દીધું, માંડ દસેક કિલો જેટલી જ હતી કેરીઓ એ બધી લઈ લેવાનું નક્કી કર્યું! એ માજી તો હરખાઈ ગયા, એકી સાથે બધી કેરીઓ વેચાઈ જશે ખ્યાલ જ નહોતો.
શ્રેયાએ પચાસો રૂપિયાની નોટ કાઢી અને માજીના હાથમાં રાખી અને એક પણ કેરી જોયા વિના આખું કરંડિયું એક્ટિવા આગળના ભાગમાં રાખી દીધું, એને ફરી એનો દુપટ્ટો બાંધ્યો અને એક્ટિવા સજ્જ કરી અને ત્યાંથી જવા માટે તૈયાર થઈ ગઈ, એક્ટિવા સેલ માર્યો, માજીએ તો એને કરીઓની સાથે આશિષ પણ આપ્યાં!
શ્રેયા એ લઈને ત્યાંથી નીકળી ગઈ, જતાં એને ફરી આગળનું એક સિગ્નલ નડ્યું, ત્યાં એને ફૂટપાથ પર રખડતાં ભિખારીના છોકરાઓ દેખાયા. એ બાળકો સૌને કંઇક ભીખ આપવા માટે આજીજી કરતાં હતાં, પણ ભાગદોડ વાળી જગ્યાએ કોઈ એમને જોવે એવું નહોતું.આમ તો રોજ જ એ બાળકો એની નજરે પડતાં હશે પરંતુ ઓફિસ પહોચવાના ચક્કરમાં એને ધ્યાન નહોતું રહેતું, પરંતુ આજે અન્યાસે એને બાળકો જોઈને દયા આવી ગઈ, એને ફરી એક્ટિવા સાઇડ પર ઊભું રાખ્યું એને બધી કેરીઓ એ છોકરાઓને આપી દીધી, છોકરાઓ બહુ જ ખુશ થઈ ગયા, અમૃત મળ્યું હોય એવાં ખુશ થઈને એની સામે જ ખાવા મળ્યાં.
એ બાળકોને એકેય કેરી ના નિસ્તેજ લાગી ના ઘરડી! સ્વાદથી ભરપૂર એમાં અમીનો છંટકાવ ભરપૂર હતો, એ બાળકોને તો એના છોતરા અને ગોટલા પણ જાણે એક મીઠા ફળથી ઓછા નહોતા લાગતા, એમને ચુસ્વામાં પણ તેઓ તલ્લીન થઈ ગયા, બધી કેરીઓ આજે ખરેખર સોનાની બની ગઈ! શ્રેયા એ બાળકોના ચહેરા પર જે આનંદ નિહાળી રહી હતી એ જોતાં એને આજે એણે પચસો રૂપિયામાં દસ કિલો કેરી નહિ પરંતુ દસ તોલા સોનું લીધું હોય એવી અનુભૂતિ થવા લાગી!