Tenth books and stories free download online pdf in Gujarati

દસવીં

દસવીં

- રાકેશ ઠક્કર

અભિષેક બચ્ચનના અભિનયનો એ કમાલ જ કહેવાય કે મોટા પડદાને બદલે તેની ફિલ્મો OTT પર આવી રહી હોવા છતાં તેની નોંધ બરાબર લેવી પડે છે. ફિલ્મ 'દસવીં' (૨૦૨૨) થી અભિષેકે અભિનયમાં ટોપ કર્યું હોવાનું અવશ્ય કહી શકાય એમ છે. કેમકે સમીક્ષકોએ સ્ક્રીપ્ટમાં અનેક ખામીઓ કાઢીને પાંચમાંથી અઢી સુધી સ્ટાર આપ્યા હોવા છતાં અભિષેકના ભારોભાર વખાણ જ કર્યા છે. અભિષેક પોતાના પાત્રને પડદા પર જીવંત કરવા મહેનત કરતો હોવાથી હવે તેની ફિલ્મ માટે આશા વધુ રહે છે. 'નેટફ્લિક્સ પર ૧૮ દેશોમાં 'દસવીં' TOP 10 માં આવી છે અને ભારતમાં પહેલા સ્થાન પર ટ્રેન્ડીંગ રહી છે. અભિષેકની એક પછી એક ચાર ફિલ્મો ધ બિગબુલ, બૉબ વિશ્વાસ વગેરે OTT પર જ આવી છે. છતાં બોલિવૂડમાં મોટા પડદાના એક સશક્ત અભિનેતા તરીકે તેનું સ્થાન સતત મજબૂત થયું છે. તેણે અનેક વર્ષો સુધી ટીકા સહન કરીને જે રીતે અભિનયમાં પુનરાગમન કર્યું છે એવું આજ સુધી કોઇએ કર્યું નહીં હોય. બીજી ઇનિંગમાં તેના ચાહકો સતત વધી રહ્યા છે. અભિષેક સ્ક્રીપ્ટ સારી પસંદ કરી રહ્યો છે અને પોતાની પ્રતિભા સાબિત કરવાની કોઇ તક વેડફી રહ્યો નથી. 'દસવીં' માં હરિયાણવી ઉચ્ચાર સાંભળીને કોઇ પણ સમજી શકશે કે તેણે પાત્ર માટે કેટલી મહેનત કરી છે. એમ કહી શકાય કે નિર્દેશક તુષાર જલોટાએ 'ગંગારામ ચૌધરી' ના પાત્ર માટે યોગ્ય અભિનેતાની પસંદગી કરી છે. અલબત્ત એમણે સહાયક નિર્દેશક તરીકે રામલીલા, પદમાવત અને 'બર્ફી' જેવી જાણીતી ફિલ્મોના નિર્દેશકોની ફિલ્મોમાં કામ કર્યું છે એવી છાપ પોતાની પહેલી ફિલ્મમાં છોડી શક્યા નથી. વાર્તા ભલે વાસી દાળ જેવી સામાન્ય પસંદ કરી હોય પણ તેમણે તડકો બરાબર લગાવવાની જરૂર હતી.

ફિલ્મની વાર્તા એવી છે કે હરિતપ્રદેશના મુખ્યમંત્રી ગંગારામ ચૌધરી (અભિષેક) આઠમું પાસ છે. શિક્ષણના એક ગોટાળામાં તેણે જેલ જવું પડે છે. સજા થયા પછી તે પોતાની મુખ્યમંત્રીની ખુરશી પત્ની વિમલા (નિમ્રત) ને સોંપે છે. તે મુખ્યમંત્રીનું પદ સંભાળી લે છે. જેલમાં નખરા કરતા ગંગારામની મુલાકાત સખત જેલર જ્યોતિ (યામી) સાથે થાય છે. એના માટે ગંગારામ પૂર્વ મુખ્યમંત્રી નહીં પણ એક કેદી જેવો જ હોય છે. તેનાથી પરેશાન ગંગારામ જેલમાંથી છૂટવાના તુક્કા લડાવે છે. જ્યારે કોઇ તરકીબ કામ આવતી નથી ત્યારે તે ભણતરને ગંભીરતાથી લે છે. ત્યારે જ્યોતિ એને મદદરૂપ થાય છે. બીજી તરફ મુખ્યમંત્રીની ખુરશી વિમલાને ગમી જાય છે. તે હવે ઇચ્છતી નથી કે તેનો પતિ આ ખુરશી છીનવી લે. ગંગારામ જાહેરાત કરે છે કે તે દસમું પાસ કરીને જ મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે. અને ગંગારામ પાસ ન થાય એવા પ્રયત્નોમાં વિમલા લાગી જાય છે. ફિલ્મમાં જોવાનું એ રહે છે કે ગંગારામ દસમું પાસ થઇ શકે છે? અને થાય છે તો પાછો મુખ્યમંત્રીની ખુરશી પર બેસી શકે છે કે નહીં? અને ખુરશીને કારણે તેના વિમલા સાથેના સંબંધ પર શું અસર થાય છે? શિક્ષણના મહત્વને સમજાવતો વિષય યોગ્ય હતો પણ નિર્દેશક તુષાર એની રજૂઆત બરાબર કરી શક્યા નથી. તે નવ જેટલી ફિલ્મોમાં સહાયક નિર્દેશક તરીકે રહી ચૂક્યા છે. પણ 'દસવીં' માં એ અનુભવ દેખાતો નથી. એટલું જ નહીં અગાઉ 'કહાની ૨' અને 'સરદાર ઉધમ સિંહ' ના લેખક રિતેશ શાહ 'દસવીં' માં જોડાયા છે. તે પણ જમાવટ કરી શક્યા નથી. બે કલાકની અવધિમાં તે દર્શકોને જકડી રાખે એવી ફિલ્મ બનાવી શક્યા નથી. પહેલા કરતાં બીજો ભાગ ઠીક બન્યો છે. ફિલ્મને ઘણી જગ્યાએ ખેંચવામાં આવી હોય એવું લાગે છે. મનોરંજન સાથે શિક્ષણ આપવાનું કામ નિર્દેશક માટે મુશ્કેલ રહ્યું છે. આમ તો આખી ફિલ્મની વાર્તાની કલ્પના કરી શકાય એવી શરૂઆત છે. દર્શકોને ચોંકાવી દે એવા કોઇ દ્રશ્યો જ નથી. ફિલ્મના અંતની જ વાત કરીએ તો અભિષેકના ભાષણનું લખાણ એટલું નબળું છે કે તેનો કોઇ પ્રભાવ ઊભો થતો નથી. કેટલાક પાત્રોના હરિયાણવી સંવાદોથી હાસ્યની થોડી ક્ષણો જરૂર પૂરી પાડી છે. ત્યારે કેટલાક દ્રશ્યોને બીનજરૂરી રીતે હાસ્યમાં ખપાવવાથી તેની અસર દેખાતી નથી. સચિન-જીગરનું સંગીત બહુ ધૂમ મચાવતું નથી. મચા મચા રે, ઘની ટ્રીપ અને 'ઠાન લિયા' ઠીક છે. યામી ગૌતમે 'બાલા' અને 'અ થર્સડે' થી આશા જગાવી હતી એ પ્રમાણે જ 'દસવીં' માં પોલીસ અધિકારી તરીકે સારું કામ કર્યું છે. તે દરેક પ્રકારની ભૂમિકાઓમાં પ્રભાવ પાડી રહી છે. નિમ્રત કૌર પોતાની ભૂમિકાને દમદાર રીતે નિભાવી જાય છે. મોટાભાગના સમીક્ષકોએ માન્યું છે કે નિમ્રત મહેફિલ લૂંટી ગઇ છે. એણે પાત્રને એટલું જાનદાર બનાવ્યું છે કે ફિલ્મ જોવાનું મોટું કારણ ગણાયું છે. અભિષેક અને નિમ્રતના અભિનય માટે 'દસવી' એક વખત જરૂર જોવા જેવી છે. ફિલ્મમાં અભિષેક ઘણી વખત કહે છે કે,'ઇતિહાસ સે ના સીખનેવાલે ખુદ ઇતિહાસ બન જાતે હૈ.' પણ એટલું જરૂર કહી શકાય કે ફિલ્મોના ઇતિહાસમાં 'દસવીં' કરતાં અભિષેકનો અભિનય વધારે યાદ કરવામાં આવશે.