You speak ... and I listen books and stories free download online pdf in Gujarati

તમે બોલશો...અને હું સાંભળીશ


"આવીને બ્રીફકેસ ઠેકાણે નથી મુકતા, પગ ધોયા વગર સોફા પર બેસી જાવ છો, અને કોઈની સાથે કાંઈ વાતચીત કર્યા વગર, બસ, આ ટીવી. મારો સૌથી મોટો દુષમન!"

કિશોરે કપાડેથી પરસેવો લુછ્યો, અને એક લાંબા નિસાસા પછી, ધીરજ રાખતા કહ્યું,
"શ્વાસ લે કલ્યાણી, અને મને પણ પોરો ખાવા દે. હજી હું થાક્યોપાક્યો હાલ્યો આવું છું."
કલ્યાણી રસોડામાંથી રોટલી કરતા કરતા બહાર હોલમાં આવી હતી. એક હાથમાં વેલણ હતું, અને બીજો હાથ કમર પર રાખીને, ફરી તીખા સ્વરે આગળ બડબડાટ કર્યો.
"આ તમારું રોજનું થઈ ગયું છે. ગેસ બુક કર્યો?"
કિશોરે માથે હાથ મુક્યો, "સોરી, ભૂલી ગયો. કાલે કરી નાખીશ."
"પંખો પણ રિપેર કરવા ન લઈ ગયા. કેટલી વાર યાદ કરાવવાનું? હું તો કંટાળી ગઈ છું."

કલ્યાણી પાછી રસોઈઘરમાં જતી રહી, અને કિશોર આંખ બંધ કરીને પોતાની ઉત્તેજના પર નિયંત્રણ રાખવાનો નિષફળ પ્રયાસ કરી રહ્યો હતો. આ દિવસરાતની કટકટથી એ ત્રાસી ગયો હતો. લગ્નના સાત વર્ષ પછી, એને ઘણી વાર આ ચિંતા સતાવતી, "શું બાકીનું જીવન આવા માહોલમાં વિતાવવું પડશે?"

બીજી બધી રીતે કલ્યાણી સોનાની હતી. ઘરકામમાં નિપુણ, સ્વાદિષ્ટ રસોઈ બનાવમાં નિષ્ણાત, બચ્ચાઓની માવજત, માં બાપની સેવા, એમ કહેવાય કે સર્વ ગુણ સંપન્ન. બસ, ફક્ત એની એક જ વાત ત્રાસદાયક હતી. તે પૂર્ણતાવાદી હતી અને બીજા પાસેથી પણ એવી જ અપેક્ષા રાખતી. એને અવ્યવસ્થાને આંખ આડા કાન કરતા આવડતું જ નહોતું. જેના લીધે, દિવસે દિવસે એની સતાવણી વધી ગઈ હતી. તદઉપરાંત, પતિ પત્ની વચ્ચે પણ ઘણો અંતર આવી ગયો હતો.

બે બાળકો પછી છૂટાછેડાનો તો પ્રશ્ન જ નહોતો આવતો. તે છતાં, કિશોર આખી જિંદગી હતાશા સાથે જીવવાની કલ્પના પણ નહોતો કરી શકતો. ઘણું લાબું વિચાર્યા પછી, એને એક ઉપાય સુજી આવ્યો. તેણે તેના શેઠને વિનંતી કરી, કે તેનો તબાદલો કંપનીના બીજા શહેરની શાખામાં કરી નાખે. આ રીતે તેનું લગ્નજીવન કુશળ રહેશે અને તે વધુ શાંતિપૂર્ણ જીવન જીવી શકશે. અલબત્તા તે નિયમિતપણે ઘરે પૈસા મોકલતો રહેશે, અને છ-બાર મહિને એકાદવાર મળવા આવી જશે.

"આખા ઘરની આટલી મોટી જવાબદારી મારા એકલાના માથે મૂકીને તમે બહારગામ કેવી રીતે જઈ શકો?"
કલ્યાણીએ રિસાતા ફરિયાદ કરી. એને શું ખબર, કે આ વ્યવસ્થા કિશોરે સામેથી માંગેલી હતી? કિશોરને પણ એક મિનિટ માટે ખરાબ લાગ્યું. પરંતુ એણે લાગણીઓને વચ્ચે ન આવા દીધી અને કલ્યાણીના ખભે હાથ મુકતા પ્રેમથી કહ્યું,
"કંપનીનો નિર્ણય છે, એમાં હું શું કરી શકું? અને તું તો કેટલી હિંમતવાળી છે. તારા હોવા છતાં, મને શેની ચિંતા? મને વિશ્વાસ છે, કે તું મારા કરતાં વધુ સારી રીતે ઘરને સાંચવીશ."

અને આવનારા ત્રણ વર્ષ માટે આ જ જીવનશૈલી બની ગઈ. કિશોર એકાંતરે ફોન કરતો, નિયમિત દર મિહિને પૈસા મોકલતો, અને વર્ષમાં બે વાર ઘરની મુલાકાત લેવા આવતો. કિશોર અને કલ્યાણી, બન્ને ને એક બીજાની યાદ આવતી. કલ્યાણી ઘણી વાર ફોનમાં પૂછતી,
"કિશોર, શું આપણે હવે આવી જ રીતે જીવવાનું? તમે ત્યાં અને હું અહીંયા? શું ફરી કાયમ માટે ઘરે નહીં આવો?"
પણ કલ્યાણીની જૂની વાતો યાદ આવતા જ કિશોરને લાગતું, કે ભલે થોડી તકલીફ પડે, પણ આ જ ગોઠવણી શ્રેષ્ટ હતી.

એક દિવસ, બજારમાં, કલ્યાણીને કિશોરની કંપનીનો એક સહ-કાર્યકર મળ્યો.
"અરે ભાભી, કેમ છો? બધું કુશળ મંગળ? કિશોર કેટલો નસીબદાર કહેવાય, એણે તબાદલો માંગ્યો, અને તરત મળી પણ ગયો."
કલ્યાણી ચોંકી તો ગઈ, પણ સાથે સાથે આઘાત પણ લાગ્યો. કિશોરે પોતે તબાદલો માંગ્યો? એ ઘરથી દૂર રહેવા માંગતો હતો? એ મારાથી દૂર રહેવા માંગતો હતો? પણ શા માટે?

દિવસો સુધી તેના મનમાં પ્રશ્નોનું વમળ દોડી રહ્યું. કલ્યાણી સુલજેલી વ્યક્તિ હતી. એણે પતિ સાથેના પોતાના સબંધો પર પુનઃ વિચારણા કરી. જો કિશોર સામેથી તબાદલો માંગીને ગયો હતો, તો એનો અર્થ એ હતો કે તે ઘરે ખુશ નહોતો. કલ્યાણીને પોતાની વર્તણુક યાદ આવતા ડંખવા લાગી. દિલ દુભાયું અને પોતા પર ગુસ્સો આવ્યો. પણ આ વાત એને કિશોરને ફોનમાં નહોતી કહેવી.

એક સાંજે બેસીને પતિને પત્ર લખ્યો. ઘર અને બચ્ચઓના સમાચાર આપ્યા અને પછી પોતાના મનની વ્યથા લખતા,આગળ કલમ વધારી.
"કિશોર, તમે, બચ્ચાઓ અને આ ઘર; આ જ મારો સંસાર, અને આ જ મારી દુનિયા. એનાથી વિશેષ, ન ક્યારે કાંઈ હતું, અને ન ક્યારે કાંઈ હશે. જીવનમાં બધું જ કબૂલ, પરંતુ, તમારી નારાઝગી સહન નહીં કરી શકું. મારી ભૂતકાળની વર્તણુક ને માફ કરો અને કાયમ માટે ઘરે પાછા ફરો. હું તમારી જ અપેક્ષા રાખું છું, તમારી જ રાહ જોઉં છું. મૌન થાઉં છું. હવે તમે બોલશો, અને હું સાંભળીશ."

પત્રના અંત સુધી પોહચતાં પોહચતાં, કિશોરની આંખના ખૂણા ભીના થઈ ગયા, પણ મોઢે સ્મિત નાચવા લાગ્યું. અને આગળનું જીવન કલ્યાણી સાથે સુખમય બનતું નજરે પડી રહ્યું હતું.

શમીમ મર્ચન્ટ, મુંબઈ.
_________________________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow Me On My Blog

https://shamimscorner.wordpress.com/
_________________________________