Angat Diary books and stories free download online pdf in Gujarati

અંગત ડાયરી - ફૅક આઇ.ડી.



શીર્ષક : ફૅક આઇ.ડી.
©લેખક : કમલેશ જોષી

મારા ભાણીયાનો પ્રશ્ન: મામા ફૅક આઇ.ડી. એટલે? મેં કહ્યું: ફૅક એટલે બનાવટી, નકલી અને આઇ.ડી. એટલે આઇડેન્ટિટી એટલે કે ઓળખ, નકલી ઓળખ. સોશીયલ મીડિયાનો ઉપયોગ કરનાર મોટાભાગના લોકો ફૅક આઇ.ડી. શબ્દથી પરિચિત હશે જ.
જીજ્ઞાસુ ભાણીયાનો પ્રશ્ન: મામા, લોકો ફૅક આઇ.ડી. શા માટે બનાવતા હશે?
મેં સાદો જવાબ આપ્યો: જેને પોતાની અસલી, ઓરીજીનલ ઓળખ છુપાવવી હોય એ લોકો ફૅક આઇ.ડી. બનાવે.
નવો પ્રશ્ન: અસલી ઓળખ છુપાવવાની જરૂર શી? મારો જવાબ: અસલી જીવન, અસલી વિચારો, અસલી આચરણ છુપાવવા અસલી ઓળખ છુપાવવાની જરૂર પડતી હશે. ભાણીયાને જવાબ થોડો સિલેબસ બહારનો લાગ્યો એટલે એ તો ચર્ચા મૂકી જતો રહ્યો પણ મારા મનને વિચારવા માટે એક અલગ વિષય આપતો ગયો.

ફૅક કે ખોટી છાપ કે ઓળખ એ કોઈ આજકાલની વાત નથી. જૂના સમયમાં મુરતિયાઓ બાયોડેટામાં ખોટો પગાર, ખોટી નોકરી કે ખોટું પદ દર્શાવી ઘોડે ચડી ગયાની વાતો એક વડીલ પાસેથી બહુ સાંભળી છે. પાંચ હજાર રૂપિયા પગાર હોય અને પંદર હજાર કહે, પ્યૂન હોય અને ક્લાર્કની ઓળખ આપી જે લગ્નજીવનો શરુ થતા હોય એ કેટલું ટકે? જોકે વડીલે કહ્યું: જૂના સમયમાં સ્ત્રીઓ પણ પડ્યુંપાનું નિભાવી લેતી, પણ હવે એ શક્ય નથી. હવે લોકો જાગૃત થયા છે. જો કે આવી ફૅક આઇ.ડી. માત્ર લગ્નો માટે જ વપરાય છે એવું નથી.

રાજકારણીઓમાં એના માટે એક રૂપાળો શબ્દ છે ‘મેકઓવર...’, છાપ બદલવી. કોઈ નેતાની ખરડાઈ ગયેલી ઈમેજ બદલવા માટે જે કસરત કરવામાં આવે તેને મેકઓવર કહે છે. નેતા ગમે તેવો હોય પ્રજામાં એની ‘રૂડી રૂપાળી’ ઈમેજ ઉભી કરી દેવા માટેની રીતસરની દુકાનો ચાલે છે. એમ તો લગ્ન સમયે વર-કન્યા પણ હીરો-હિરોઈનને ટક્કર મારે એવા બ્યુટીફૂલ નથી લાગતા? પાંચ-પંદર દિવસે અસલી ચહેરા સામને આયે... ત્યારે મોહભંગ ચોક્કસ થતો હોય છે. ફિલ્મી હીરો અને હિરોઈનના પણ જો મેકઅપ વગરની ફિલ્મ બનાવવામાં આવે તો થીયેટરોને તાળા મારવાનો સમય આવી જાય એવું નથી લાગતું? ફૅક આઇ.ડી. બડી ચીઝ હૈ.

એક જૂનું ગીત હતું: "ક્યા મિલિયે એસે લોગો સે, જીનકી ફિતરત છુપી રહે, નકલી ચહેરા સામને આયે અસલી સુરત છુપી રહે." ચહેરો છુપાવતા છુપાવતા આજકાલ આપણે ફિતરત એટલે કે સ્વભાવ, પ્રકૃતિ પણ છુપાવતા શીખી ગયા છીએ. શિયાળ જેવી લુચ્ચી પ્રકૃતિના લોકોને સસલા કે હરણાં જેવા ભોળા દેખાવાની મસ્ત એક્ટિંગ ફાવી ગઈ છે. સમાજનો દસ ટકા વર્ગ રાજકારણ કરતો એને બદલે નેવું ટકા વર્ગ રાજકારણ કરવા માંડ્યો છે. જુના સમયમાં રાજમહેલોમાં પોલીટીક્સ થતા આજકાલ ઓફીસોમાં, મંડળોમાં, ઇવન મિત્રોમાં, પરિચિતોમાં, જ્ઞાતિઓમાં પોલીટીક્સ થવા લાગ્યા છે. જે લોકોના વાક્યોની અસર લાખો કરોડો લોકો પર પડતી હોય એ લોકો ‘રાજકારણ’ કરે, ભીતરે શૂળ ભોંકાયું હોય તોયે હસતો ચહેરો રાખે કે ખુબ હસવું આવતું હોવા છતાં રડમસ ચહેરો રાખે, એ એમની ‘રાજકીય’ મજબુરી હોઈ શકે પણ સામાન્ય માણસને આવા ફૅક વર્તનની આટલી બધી ચળ કેમ ઉપડી ગઈ છે એ ચિંતાનો વિષય છે. આપણને આપણી ફિતરત કે ચહેરો છુપાવાની શી જરૂર?

એક મિત્રે મસ્ત તર્ક આપ્યો. તમે ઠોઠને તો હોંશિયાર હોવાનો દેખાડો કરતો જોયો હશે પણ કદી કોઈ હોંશિયારને ઠોઠ હોવાનો દેખાડો કરવાની જરૂર પડે? તમે ગરીબ કે મધ્યમ વર્ગના વ્યક્તિને તો અમીર હોવાનો દેખાડો કરતો જોયો હશે પણ કદી કોઈ પૈસાદારને ગરીબ હોવાનો દેખાડો કરવાની જરૂર પડે છે? તમે ખોટાને તો સાચો હોવાનો દેખાડો કરતો જોયો હશે પણ કદી કોઈ સાચાને ખોટો હોવાનો દેખાડો કરવાની જરૂર પડે છે? ખોટો વ્યક્તિ એટલે જે ખોટું બોલે છે, ખોટું વર્તે છે અને ખોટું વિચારે છે એવું નહિ, જે પોતાના સ્વના, ભીતરે ઉઠતા વાણી, વર્તન અને વિચારોથી જુદું કે ઉલટું વર્તે છે. ફૅક વાણી, વર્તન અને વિચારોથી આપણું ફૅક વ્યક્તિત્વ ઉભું થાય છે. તમે જે છો અને લોકો તમને જે સમજે છે એ બંને વચ્ચે જેટલો તફાવત વધુ એટલું તમારૂ વ્યક્તિત્વ ફૅક, એટલે કે ફૅક આઇ.ડી.!

એક વડીલે મસ્ત કહ્યું : મોડે મોડે સમજાય છે આ આપણું ફૅક આઇ.ડી. જ આપણા જીવનમાં વ્યાપેલા દુઃખનું, આપણા પતનનું અસલી કારણ છે. ફૅક વ્યક્તિની આસપાસ ફૅક લોકોનું ટોળું રચાવા લાગે છે. ફૅક મિત્રો, ફૅક સમાજ અને ફૅક જિંદગી. ફિલ્મ કલાકારોની આખી દુનિયા ફૅક છે. ફૅક પ્રેમી, ફૅક પ્રેમિકા, ફૅક મહેલ અને ફૅક બગીચા.

રાજકારણીઓ પણ બિચારા એવું જ દુઃખ ભોગવે છે. પણ હવે આ રોગ સમાજમાં પ્રવેશી રહ્યો છે, ઘરોમાં પ્રવેશી રહ્યો છે એ વિષય ચિંતાનો છે. પતિ પત્ની વચ્ચેનો પ્રેમ ફૅક નીકળે, દીકરો પૈસા માટે બાપને ફૅક માન આપે, સાસુ ફૅક પરંપરાઓના નામે વહુને દબડાવે, વહુ સાસુને ઉઠા ભણાવે તો ઘર ઘરકી કહાની સીરીયલ તો સુપરહીટ જાય પણ જિંદગીનો તો કચ્ચર ઘાણ નીકળી જાય ને? એ પરિવાર તો સુપર ફ્લોપ પરિવાર કહેવાય ને?
મિત્રો, આપણે ક્યારે, ક્યા દિવસથી ફૅક જિંદગી જીવવાની શરુ કરી એ તો કદાચ આપણને ખબર નહિ હોય પણ ફૅક આઇ.ડી. ડીલીટ કરવાની શરૂઆત આપણા હાથમાં છે. થોડું નુકસાન સહન કરવાની તૈયારી રાખી સત્ય બોલવાની, જીવવાની અને વિચારવાની જો શરૂઆત કરીએ તો ભલે કદાચ થોડો સમય ‘વિષાદ યોગ’ આપણને ઘેરી વળે પણ, આવા વિષાદયોગી અર્જુનોના જીવનનો રથ હંકારવા કાનુડો કે’દિ'નો તૈયાર બેઠો છે. જે દિવસથી હું અને તમે ફૅક જીવન છોડીશું એ જ ક્ષણથી સાચુકલો કાનુડો મારી અને તમારી આસપાસ મોરલી લઈ ઉઘાડે પગે રાસ રમવા આવી ચડશે. પરિત્રાણાય સાધુનામ્... માં સાધુ એટલે સાચુકલા આઇ.ડી. વાળા, સાચા લોકો એવો જ અર્થ થાય છે ને?
આર્ટીકલ વાંચ્યા પછી જે પહેલો વિચાર આવ્યો, મનમાં જે સંકલ્પ થયો એ પહેલું મળે એની પાસે વ્યક્ત કરીને આજના રવિવારની શરૂઆત કરીએ તો કેવું?

- kamlesh_joshi_sir@yahoo.co.in