kandh books and stories free download online pdf in Gujarati

કાંધ




શેરીમાં ભીડ જામી હતી, લોકોમાં વાતોની ગસપસ થઈ રહી હતી, કોઈ અફસોસ કરી રહ્યું હતું કે એમનાં વગર હવે અનાથ બાળકો નિરાધાર નાની જશે તો... કોઈ એમનાં જીવનની ગાથા ગાઈ રહ્યા હતા ને ક્યાંક વાતો એવી પણ ચાલી રહી હતી કે એમનો વારસદાર નથી તો અગ્નિદાહ કોણ દેશે? જામેલી ભીડમાં કોઈ પોક મૂકીને રોવાવાળું નહોતું પરંતુ દિલથી હિબકે ચડેલું સૌ કોઈ હતું, પ્રહલાદકાકા આમ રાતમાં બધાને મૂકીને હંમેશ માટે સૂઈ ગયા એ સૌને માટે એક અચંબિત વાત હતી, હજી કાલ રાતે તો બધાય ભેગા મળીને ચા પીધી હતી ને! ને આમ અચાનક યમનું તેડું આવી ગયું? આમ તો ઉંમર તો સતાવાન જેટલી થઈ ગઈ હતી પરંતુ એમનાં કામો સાડત્રીસ વર્ષના યુવાનીયાને શરમાવે દમદાર એવા હતા!

પ્રહલાદકાકા એટલે એમની એક ઊંડી છાપ, સફેદ શર્ટ અને સફેદ લેંઘો અને થોડા વર્ષોથી એમને મેચિંગ થાય એવા એમનાં સફેદ વાળ, માથે એક પણ વાળ કાળો બતાવે એને ઈનામ આપીએ તો ઓછું પડે! એટલે આખું ગામ એમને દાદા કહીને જ બોલાવતું, નાનું બાળક હોય કે મોટા એમની જ ઉંમરના કોઈ વયસ્ક એમનાં માટે પ્રહલાદકાકા એટલે દાદા!

પ્રહલાદદાદા અને એમનાં ધર્મપત્ની ભાનુબા બન્નેનો સ્વભાવ એકદમ નિખાલસ અને ઉમદા! કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે કોઈ મદદની જરૂર હોય એટલે ગામમાં કોઈના ઘરનો દરવાજો ખૂલે એટલે એ ઘર પ્રહલાદકાકાની ડેલી જ હોય! જ્યારે કોઈને મદદ કરવાની વાત આવે એટલે તેઓ એ વ્યક્તિનો ના સ્વભાવ જોવે ના જાત! એક માણસ બનીને સાચી સેવા માટે નિઃસ્વાર્થ ઊભા રહે એ પ્રહલાદ દાદા! જોડે ભાનુબા એમને પૂરી રીતે સાથ આપીને જુસ્સો વધારે અને દરેક મુશ્કેલી પળભરમાં ગાયબ થઈ જાય એવું બની જતું, બધું વાતે એમને સારું હતું પરંતુ શેર માટીની ખોટ એમનાં નસીબમાં લખાઈ હતી.

લગ્ન ના અમુક વર્ષો બાદ બધી જ બધા આખડી એમને રાખી, શહેરમાં જઈને સારા ડોકટરને પણ બતાવ્યું પરંતુ એમનાં બાળકનું સુખ નહોતું, શરૂઆતના દિવસોમાં તેઓ નિરાશા સેવતા પરંતુ ધીરે ધીરે મનને માનવીને તેઓએ જીવતાં શીખી લીધું, એમનો સેવાભાવી સ્વભાવ હોવાથી તેઓ ગામમાં ગરીબોના બાળકોને પોતાના માનીને એમની પાછળ સમય વ્યતીત કરવા માંડ્યા, એવામાં એમનાં નાના ભાઈની પત્ની ત્રણ બાળકોને મૂકીને સ્વર્ગે સિધાવી ગયા, ત્યારબાદ એ ત્રણેય બાળકોને ભાનુબાએ એક સગી મા કરતાંય વધારે સિંચ્યા, દાદાએ તેઓને ભણાવી ગણાવીને વિદેશ સુધી મોકલ્યા, એમનાં સગા માબાપ પણ કદાચ એટલું ના કરી શક્યા હોય!

આ તો સગા ભાઈના બાળકો હતા એમનાં માટે કર્યું, એના સિવાય પડોશના બાળકોને પણ દત્તક લઈને એમની ભવિષ્ય એમને સજાવી દીધું, આમ એમનો સ્વભાવ જાણીને ગામના એવા છોકરાઓ જેમને એમની જરૂર રહેતી તેઓ સામેથી આવીને એમનો આશરો લઈ લેતા અને આ બાજુ આ દંપતી દરેક બાળકને પોતાનું સમજીને પ્રેમ વરસાવતા, પોતાના બાળકને ઉછેરવામાં જેમ જાય ઘસાઈ જાય એના કરતાં પણ વધારે મન મૂકીને ઘસાવામાં બન્નેમાંથી એકય પાછું નહોતું પડતું.

તેઓ ખુશ હતા, થોડા સમય પહેલા ભાનુબા એક બીમારીનો ભોગ બની ગયા, દાદાને એકલા મૂકીને જતાં રહ્યાં, દાદા હવે એમનાં જીવનમાં એકલતા અનુભવવા લાગ્યા, ભાનુબાને કાંધ આપીને આવ્યા બાદ તેઓ ધ્રુસકે ધુસ્કે એવા રડ્યા હતા જેમ એક બાળક એની માથી વિખૂટું પડી કેમ રોતું હોય! પહેલી વાર ગામના લોકોએ એમનાં મુખ પર વેદના જોઈ હતી, બાના ગયા બાદ તેઓએ નવરાશના સમયે ગામમાં ચોરે બેસીને ક્યાંક કોઈ બાળક મળી જાય તો એની જોડે વાતો કરીને સમય વ્યતીત કરી લેતા, પરંતુ જીવનનો સાચો સથવારો હવે નહોતો એ વાત એમને કોરી ખાતી, એમને એમના જીવનમાં પોતાનું બાળક નહોતું એ માટે કોઈ દિવસ અફસોસ નહોતો કર્યો.

એમને ઉછેરેલા બાળકો એમને ઘણી વાર મળવા આવતાં, પોતાનું ઋણ ચૂકવવાની વાતો કરતા અને ભાવુક થઈ જતાં પરંતુ એ વખતે દાદા હસતાં અને એક જ વાત કહેતા કે 'ભલે તમે અમારું લોહી ના હોવ પરંતુ ઈશ્વરે અંજણપાણી તો આપના ભેગા લખ્યા છે ને! મારા પોતાના બાળકો જ છો તમે બધાય, મને સંતાન ના આપીને ઈશ્વરે મને આટલી મોટી સોગાદ આપી છે કે જેમાં હું તમારા બધાનું ભવિષ્ય ઊજળું કરી શક્યો, જો મારું પોતાનું બાળક હોત તો હું તમારો પાલક ના બની શક્યો હોત! માટે હું ઈશ્વરનો ઋણી છું કે એમને મને આવા સેવાયજ્ઞનો લાભ આપ્યો.' એમનાં આ શબ્દો સાથે એમનાં દિલમાં ઉઠેલા ઉમળકાઓ ઉમટી જતાં અને તેઓ ખુશ થઈ જતાં.

આજે દાદા નિદ્રામાં જ પોઢી ગયા, આ વાતની ખબર પંથકમાં બધે પ્રસરી ગઈ, એમને કાંધ કોણ આપશે એ વાતની બધે ચર્ચા થઈ રહી હતી, ત્યાં એમનાં ઘરની ટેલિફોનની રીંગ વાગી, પડોશમાં રહેતા નથુભાઈએ ફોન ઉપાડ્યો અને સામેથી એક જાણીતો હોય એવો અવાજ સંભળાયો, " જય શ્રી કૃષ્ણ!"

નથુભાઈએ અભિવાદન ઝીલતા ઝીણા અવાજે કહ્યું, એમનાં અવાજમાં ગમગીની છવાઈ હતી એ સ્પષ્ટ જણાતું હતું, "જય શ્રી કૃષ્ણ!"

સામેથી અવાજ આવ્યો, "દાદા....ક્યાં ગયા? હું હિરેન બોલું, પાછલી શેરીના એમનાં મિત્ર રમણનો છોકરો!"

"હા બોલ હિરેન, હું એમનો પાડોશી નથુભાઈ બોલું."

"હા કાકા .. ઓળખ્યા તમને.. .નાનો હતો એટલે બહુ આવતો તમારા ઘરે ...."

"હા દીકરા, તું ક્યાં છે?"

"કાકા એ બધી વાત પછી...પહેલાં દાદા જોડે વાત કરાવોને મને જલ્દી....હું એમને મળવા ઓસ્ટ્રેલિયાથી છેક અહી આવ્યો છું!"

"બેટા તું જ્યાં હોય ત્યાં જલ્દી અહી પહોંચ.... દાદાને તારા કાંધની જરૂર છે! તું વારસામાં કાંધ આપીશ એમને?"

"શું?"- હિરેનના મોઢામાંથી ચીસ નીકળી ગઈ, એને ધ્રાસ્કો લાગ્યો.

"બેટા દાદા રાતે નીંદરમાં જ પોઢી ગયા હમેશ માટે...તું જો ઇન્ડિયામાં જ હોય તો આવી જા!"

"કાકા હું એરપોર્ટ પર હમણાં જ ઉતર્યો છું તમે રાહ જુઓ મારી હું પહોંચ્યો બે કલાકમાં!"- હિરેને એની જાતને સંભાળી અને સ્વસ્થ થઈને તે બોલ્યો.

"ભલે દીકરા, તું આવ અમે બધી તૈયારીઓ કરી રાખીએ છીએ!" નથુભાઈએ એક સંતોષ સાથે જવાબ આપ્યો.

"જયશ્રી કૃષ્ણ!- કહીને હિરેને ફોન મુકીને ગામડે આવવાનો રસ્તો પકડી લીધો.

બહાર ભીડ જે ભીડ જામી હતી ત્યાં નથુભાઈએ પોતાના ધીમા સ્વરે ભાવુક થઈને કહ્યું, " દાદાને કાંધ મળી ગઈ છે...એમનો દીકરો છેક ઓસ્ટ્રેલિયાથી આવ્યો છે....હિરેન આવે છે!" બધાયના મોઢાં પર એક સંતોષની લાગણી છવાઈ ગઈ, ભલે વાસુદેવ હોય કે નંદ, કાનો તો બન્નેનો છે ને!