Tezaab - 2 books and stories free download online pdf in Gujarati

તેજાબ - 2

૨ હસીનાનું ખૂન

 અત્યારે પણ જેલરની ઓફિસમાં એન્ટી ટેરરિસ્ટના બધા ઓફિસરો મોજુદ હતા.

 ‘અડધો કલાક પૂરો થવાની તૈયારીમાં છે......!’ એક ઓફિસરે વ્યાકુળ અવાજે કહ્યું,  ‘અત્યાર સુધીમાં તો મિસ્ટર દિલીપ આવી જવા જોઈતા હતા...!’

 ‘તેઓ તો હવે એ ત્રાસવાદીનું મોં ઉઘડાવ્યા પછી જ આવશે.’ બીજો ઓફિસર બોલ્યો. એના અવાજમાં રહેલો કટાક્ષનો સૂર સ્પષ્ટ રીતે પરખાઈ આવતો હતો.

 ‘અને ઘડીભર માની લો કે જો એ ત્રાસવાદી મોં નહી ઉઘાડે તો શું થશે...? તો તો મિસ્ટર દિલીપની હાલત જોવા જેવી થશે...’

 ઓફિસરની વાત પૂરી થતાં જ મોજૂદ સૌ કોઈ હસી પડ્યા.

 ‘તમે લોકો મિસ્ટર દિલીપ જેવા માણસની ઠેકડી ઉડાવો છો...?’ જેલર સહેજ કઠોર અવાજે બોલ્યો, ‘તમને લોકોને શરમ આવવી જોઈએ...! મિસ્ટર દિલીપ કોઈ રેંજીપેંજી માણસ નથી. આજે માત્ર ભારતમાં જ નહીં, બલકે આખી દુનિયામાં તેમના નામનો ડંકો વાગે છે. તમારે હસવું જ હોય તો તમારી જાત પર હસો. ઠેકડી ઉડાડવી હોય તો તમારી પોતાની જ ઉડાવો. આટઆટલી યાતનાઓ આપ્યા પછી...જબરદસ્ત ટોર્ચરીંગ કર્યા પછી પણ તમે લોકો એક ત્રાસવાદીનું મોં નથી ઉઘડાવી શક્ય એ વાત તમારે યાદ રાખવી જોઈએ.’

 ઓફિસરોનાં હાસ્ય પર તરત જ બ્રેક વાગી.

 જેલરની વાત સાંભળીને બધાના ચહેરા પર ભોંઠપ ફરી વળી.

 જેલરના કટાક્ષભર્યા શબ્દો આકરાં બાણની માફક તેમનાં દિલોદિમાગ સાથે અથડાયા હતા.

 એ જ વખતે દિલીપે ઓફિસમાં પગ મૂક્યો.

 ‘હલ્લો...એવરીબડી...!’ આવતાંવેંત એણે ઉત્સાહભર્યા અવાજે કહ્યું અને પછી પોતાની કાંડાઘડિયાળમાં નજર કરતાં બોલ્યો, ‘મને ફક્ત બે મિનિટ મોડું થયું છે.’

 ‘ઓહ, મિસ્ટર દિલીપ...!’ જેલરની સાથે સાથે બધા ઓફિસરો પણ પોતપોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા, ‘આવો....આવો...’ 

 દિલીપ અંદર દાખલ થઈ ગયો.

 ‘એ ત્રાસવાદી પાસેથી કંઈ જાણવા મળ્યું, મિસ્ટર દિલીપ...?’

 ‘હા, ઘણું બધું જાણવા મળ્યું છે.’

 ‘શું વાત કરો છો...?’ તમામ ઓફિસરો આશ્ચર્યચકિત થઈ ગયા. દિલીપ પાસેથી આવા જવાબની કદાચ તેમણે આશા નહોતી રાખી, ‘એ ત્રાસવાદીએ મોં ઉઘાડી નાખ્યું..?’

 ‘હા...’

 ‘આટલું જલદી...?’

 મોટા ભાગના ઓફિસરો આશ્ચર્યસાગરમાં ગોથાં મારતા હતા.

 ‘હા...’ દિલીપ ધીમેથી માથું હલાવતાં બોલ્યો, ‘એણે આટલું જલદી કેવી રીતે મોં ઉઘાડી નાખ્યું એની મને પોતાને પણ નવાઈ લાગે છે. પરંતુ હાલતુરત એનો ઇનકાર પણ કરી શકાય તેમ નથી.’

 ‘એનું નામ શું છે?’ એક ઓફિસરે ઉત્સુક અવાજે પૂછ્યું.

 ‘સલીમ રઝા.’

 ‘એ ક્યાંનો વતની છે..?’

 દિલીપે જવાબમાં સલીમનું બારામૂલાનું સરનામું પણ જણાવી દીધું.

 ‘અદભુત...!’ થોડી પળો પહેલાં જે ઓફિસર દિલીપની મજાક ઉડાવતો હતો તે જ ઓફિસર પ્રશંસાભર્યા અવાજે બોલી ઊઠ્યો, ‘ખરેખર તમે અત્યંત બુદ્ધિશાળી છો, મિસ્ટર દિલીપ...! તમારી બુદ્ધિમત્તા વિશે અમે જે કંઈ સાંભળ્યું છે તે બરાબર જ સાંભળ્યું છે. અમે લોકો અઢાર કલાક સુધી તેને યાતનાઓ આપીને નથી કરી શક્યા એ કામ તમે ગણતરીની મિનિટોમાં જ કરી બતાવ્યું છે,’

 ‘એ મીંઢાએ મોં ઉઘાડયું છે તે વાત પર મને તો હજુ પણ ભરોસો નથી બેસતો.’ એક અન્ય ઓફિસરે કહ્યું.

 ‘ખેર, એ બધી વાતો હવે પડતી મૂકો અને તાબડતોબ એક બીજું કામ કરો...!’ દિલીપે કહ્યું.

 ‘શું ?’

 ‘ત્રાસવાદીએ મને જે નામ તથા સરનામું જણાવ્યું છે તે તાબડતોબ મિલિટરી ઈન્ટેલીજન્સને પહોંચાડો. જેથી એણે આપેલી માહિતી સાચી છે કે ખોટી તેની ચકાસણી થઈ જાય.’

 ‘તો શું ત્રાસવાદીએ આપેલી માહિતી પર તમને કંઈ શંકા છે, મિસ્ટર દિલીપ..?’

 ‘હાલતુરત આ બાબતમાં હું ખાતરીપૂર્વક કશુંય કહી શકું તેમ નથી..!’ દિલીપ સહેજ વ્યાકુળ અવાજે બોલ્યો, ‘પરંતુ ત્રાસવાદીએ જે રીતે અચાનક જ બધી માહિતી આપી છે એણે મને પણ થોડી વિમાસણમાં મૂકી દીધો છે. એટલે એની વિરુદ્ધ કોઈ પણ પગલું ભરતાં પહેલાં હું એણે જણાવેલી વાતની ખાતરી કરી લેવા માગું છું.’

 ‘ઓ.કે. મિસ્ટર દિલીપ...!’ જેલરે સન્માનસૂચક અવાજે કહ્યું, ‘અમે હમણાં જ બારામૂલા શહેરના સલીમ રઝાએ જણાવેલ સરનામાની મિલિટરી ઈન્ટેલીજન્સ દ્વારા તપાસ કરાવીએ છીએ.

 ‘ગુડ..’

 એ મિટિંગ ત્યાં જ પૂરી થઈ ગઈ.

 --અને પછી દિલીપને શંકા હતી એમ જ બન્યું.

 પકડાયેલો ત્રાસવાદી જરૂર કરતાં વધુ ચાલાક પુરવાર થયો હતો.

 ત્રણ કલાકમાં જ મિલિટરી ઈન્ટેલીજન્સનો રીપોર્ટ આવી ગયો.

 ત્રાસવાદીએ જે સરનામું જણાવ્યું હતું તે નકલી હતું.

 એ સરનામે સલીમ રઝા નામનો કોઈ માણસ નહોતો રહેતો.

 એ રીપોર્ટ મળતાં જ દિલીપના ક્રોધનો પાર ન રહ્યો.

 એ તરત જ સેન્ટ્રલ જેલમાં જઈને એકલો જ સાત નંબરની બેરેકમાં પહોંચી ગયો.

 અત્યારે કાળઝાળ રોષથી એનો ચહેરો તમતમતો હતો.

 દિલીપને ફરીથી બેરેકમાં આવેલો જોઈને ત્રાસવાદી પગથી માથા સુધી ધ્રૂજી ઊઠ્યો.

 ‘ત..તમે?’ ભયથી કંપતા અવાજે એ માંડ આટલું બોલી શક્યો.

 ‘કેમ..? મને ફરીથી અહીં આવેલો જોઈને તને નવાઈ લાગે છે..?’ દિલીપે હિંસક અવાજે કહ્યું, ‘ખરેખર તું ખૂબ જ ચાલાક નીકળ્યો...મારી ગણતરી કરતાં પણ વધુ ચાલબાજ નીકળ્યો. હું તો એમ માનતો હતો કે તું બુદ્ધિશાળી તથા સમજદાર છો અને મારી વાત તારા ભેજામાં ઉતરી ગઈ હશે. પરંતુ મારી ધારણા ખોટી પડી.તને ઓળખવામાં હું થાપ ખાઈ ગયો.’

 ‘આ...આ.તમે શું કહો છો ?’

 ‘હું સાચું જ કહું છું.!’ 

દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકતાં ગર્જી ઊઠ્યો, ‘મૂરખ માણસ, તેં બારામૂલાનું તારું જે સરનામું મને જણાવ્યું હતું એની ચકાસણી થઈ ગઈ છે. એ સરનામું ખોટું નીકળ્યું છે. ત્યાં સલીમ રઝા નામનો કોઈ માણસ નથી રહેતો...!’

 ‘ખ..ખોટું સરનામું..?

 ‘હા..’

 ત્રાસવાદીની આંખોમાં ભય ડોકિયાં કરવા લાગ્યો.

 એના ચહેરાનો રંગ ઊડી ગયો.

 પોતાનું જુઠ્ઠાણું આટલી જલદી પકડાઈ જશે એવી તો કદાચ એણે કલ્પના પણ નહોતી કરી.

 દિલીપનો હાથ પોતાના ઓવરકોટના ગજવામાં સરક્યો.

 અને એણે હાથ બહાર કાઢ્યો ત્યારે તેમાં રિવોલ્વર જકડાયેલી હતી.

 રિવોલ્વર જોઈને ત્રાસવાદીના મોતિયા મરી ગયા.

 ‘આ...આ શું કરો છો તમે..?’

 ‘તને ગોળી ઝીંકુ છું...!’ દિલીપ ઝેરી સાપના ફૂંફાડા જેવા અવાજે બોલ્યો, ‘તારી જીવનલીલાને હંમેશને માટે સંકેલું છું....!’

 ‘ન..ના.’

 ત્રાસવાદીનાં રોમેરોમ ઉભાં થઈ ગયાં.

 ‘કાં તો હવે તારે ગોળીનો સ્વાદ ચાખવો પડશે અથવા તો પછી સાચી હકીકત જણાવવી પડશે. બે માંથી એક જ કામ થશે.’

 ત્યાર બાદ દિલીપે તેને કોઈ તક ન આપી.

 એણે તરત જ ટ્રીગર દબાવી દીધું.

 બેરેકમાં ગોળી છૂટવાના ધડાકાની સાથે સાથે ત્રાસવાદીના મોંમાંથી નીકળેલી ચીસનો અવાજ પણ ગુંજી ઊઠ્યો.

 દિલીપની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી એના જમણા પગની પિંડીમાં લાગી હતી.

 એની પિંડીમાંથી લોહીના રેગાળા નીકળવા લાગ્યા.

 પરંતુ તેમ છતાંય દિલીપ ન અટકયો.

 એના મગજની કમાન ખરેખર છટકી ગઈ હતી.

 એની રિવોલ્વરમાંથી ભીષણ શોર મચાવતી એક વધુ ગોળી છૂટી.

 બેડીઓથી જકડાયેલો હોવા છતાંય ત્રાસવાદીએ ચીસ નાખતાં આ વખતે ચબૂતરા પરથી જમણી તરફ છલાંગ લગાવી.

 ગોળી એના કાન પાસેથી પસાર થઈ ગઈ.

 પોતાના કાન પર એ હજી પણ ગોળીની આંચ અનુભવતો હતો.

 ત્રાસવાદી ઊભો થાય તે પહેલાં જ દિલીપ એની પાસે જઈ પહોંચ્યો.

 દિલીપનો પગ એની છાતી પર ગોઠવાઈ ગયો અને રિવોલ્વરની નળી એના લમણાને સ્પર્શવા લાગી.

 ‘ન...ના..’ ત્રાસવાદી ભયથી કંપતા અવાજે બોલી ઊઠ્યો, ‘ગ...ગોળી છોડશો નહીં...!’

 દિલીપનું કાળઝાળ રૂપ જોઈને એના હોશ ઊડી ગયા હતા.

 ‘તો પછી જલ્દીથી તારા વિશે જે કંઈ હોય તે સાચેસાચું બકી નાખ..’

 ‘ક...કહું છું....બધું જ કહું છું.....!’ ત્રાસવાદી હાંફતા અવાજે બોલ્યો, ‘મ....મને ઓળખવામાં તમારી ભૂલ થઈ છે.’

 ‘એટલે એમ કે હું ત્રાસવાદી નથી. હું કાશ્મીરનો વતની પણ નથી.!’

 ‘તો પછી કોણ છે તું....?’

 ‘હ...હું.’ ત્રાસવાદી ધીમા અને થોથવાતા અવાજે બોલ્યો ‘હું એક પાકિસ્તાની જાસૂસ છું....’

 ‘પાકિસ્તાની જાસૂસ...!’

 દિલીપના દિમાગમાં વિસ્ફોટ પર વિસ્ફોટ થવા લાગ્યા.

 ઉફ...જે માણસને અત્યાર સુધી તે સાધારણ ત્રાસવાદી માનતો હતો તે વાસ્તવમાં પાકિસ્તાની જાસૂસ નીકળશે એવી તો એણે કલ્પના પણ નહોતી કરી.

 આ એક નવું અને ચમકાવી મૂકનારું રહસ્યોદઘાટન હતું.

 સંજોગો ઝડપથી બદલાતા જતા હતા.

 સમગ્ર બનાવે અણધાર્યો વળાંક લીધો હતો.

 પાકિસ્તાની જાસૂસ પોતાનો ભેદ છતો કર્યા પછી ઊભો થઈને ફરીથી ચબૂતરા પર બેસી ગયો હતો. એનો સમગ્ર દેહ પરસેવાથી ભીંજાયેલો હતો. પગમાં વાગેલી ગોળીને કારણે એને ખૂબ જ પીડા થતી હતી.

 ‘નામ શું છે તારું...?’ દિલીપે તેના ચહેરા સામે રિવોલ્વર લહેરાવતાં પૂછ્યું.

 ‘સલીમ રઝા...’

 ‘ખોટું ન બોલ....!’ દિલીપ જોરથી તાડૂક્યો.

 ‘મારા પર ભરોસો રાખો.’ ત્રાસવાદી ઉર્ફે સલીમ રઝા ઉતાવળા અવાજે બોલી ઊઠ્યો, ‘મારું સાચું નામ એ જ છે....મેં તમને ખોટું નામ નહોતું જણાવ્યું.’

 દિલીપે પોતાની વેધક આંખો એની આંખોમાં પરોવી.

 સલીમે પોતાના સુકાયેલા હોઠ પર જીભ ફેરવી.

 દિલીપની વેધક નજરનો તાપ એનાથી નહોતો જીરવાતો.

 ‘ઠીક છે....! દિલીપ બોલ્યો, ‘સલીમ રઝા તારું સાચું નામ છે એ હું માની લઉં છું.હવે મારા બીજા સવાલનો જવાબ આપ.’

 ‘પૂછો...!’

 ‘શું તું એકલો જ ભારતમાં દાખલ થયો હતો...?’

 ‘ના...’

 ‘તારા બીજા કેટલા સાથીદારો છે ?’

 ‘ચાર..’

 ‘આનો અર્થ એ થયો કે તારા સહિત કુલ પાંચ પાકિસ્તાની જાસૂસો ચોરીછૂપીથી સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશ્યા હતા, ખરું ને...?’

 ‘હા..’

 ‘કેમ...? શા માટે..?’

 સલીમ રઝાના ચહેરા પર ખમચાટના હાવભાવ ઊપસી આવ્યા.

 ‘મારા સવાલનો જલદી જવાબ આપ સલીમ...!’ દિલીપ જોરથી તાડૂક્યો, ‘તમે પાંચેય કયા હેતુસર ભારતમાં દાખલ થયા છો...? શું તમને અહીં ત્રાસવાદી પ્રવૃત્તિઓ ફેલાવવા માટે મોકલવામાં આવ્યા છે ? બોમ્બવિસ્ફોટો કરવા માટે મોકલાયા છે ?’

‘ના...’

‘તો પછી શા માટે મોકલવામાં આવ્યા છે ? જો તને બોમ્બવિસ્ફોટ માટે અહીં નથી મોકલવામાં આવ્યો તો પછી તેં વી.ટી. સ્ટેશનને ભયંકર બોમ્બવિસ્ફોટથી ઉડાવી મૂકવાનો પ્રયાસ શા માટે કર્યો હતો..?’ કોલાબા બસસ્ટોપ પર તેં શા માટે વિસ્ફોટ કર્યો હતો...?’

 ‘એ...એ વિસ્ફોટ મેં માત્ર છેલ્લા થોડા સમયથી ઠંડા પડી ગયેલા કાશ્મીરના મામલાને ગરમ કરવા માટે જ કર્યો હતો.’

 ‘કાશ્મીરનો મામલો...?’

 ‘હા..કાશ્મીરની આઝાદીનો જે જંગ શરૂ થયો હતો તે હજુ પૂરો નથી થયો એવો સંદેશો આખી દુનિયામાં પહોંચાડવા માટે કર્યો હતો.’

 ‘ઓહ...તો દુનિયાને માત્ર આટલો નાનકડો સંદેશો પહોંચાડવા માટે જ તમે અસંખ્ય નિર્દોષ લોકોનું લોહી રેડવા માગતા હતા, એમ ને..?’

 સલીમ ચુપ રહ્યો.

 ‘અને તમારા લોકોનું અસલી મિશન શું છે..?’

 ‘અમારું અસલી મિશન ભારતમાં ત્રાસવાદીઓ માટેના તાલીમકેમ્પો શરૂ કરવાનું છે.’ સલીમે ધડાકો કરતા કહ્યું.

 ‘ભ...ભારતમાં ત્રાસવાદીઓ માટેના તાલીમકેમ્પો...?’ દિલીપની આંખો નર્યા અચરજથી પહોળી થઈ ગઈ.

 ‘હા..’

 ‘માય ગોડ...! પરંતુ અત્યાર સુધી તો આ જાતના તાલીમકેમ્પો પાકિસ્તાનમાં ચાલતા હતા...!’

 ‘જરૂર ચાલતા હતા, પરંતુ એ બધી વાતો હવે ભૂતકાળ બની ચૂકી છે, મિસ્ટર દિલીપ...! બધા જાણે છે કે જ્યારથી ભારતીય લશ્કરે ભારત- પાકિસ્તાનની સરહદ પર કડક જાપ્તો શરૂ કર્યો છે અને બોર્ડરલાઇન પર લોખંડના તારની વાડ લગાવી છે, ત્યારથી જ ત્રાસવાદ સંબંધિત પ્રવૃત્તિઓ પર અંકુશ આવી ગયો છે. હવે પાકિસ્તાન સરકાર પહેલાની જેમ છૂટથી ત્રાસવાદીઓને મદદ નથી કરી શકતી. હથિયારોની સપ્લાયને પણ ઘણી અસર પહોંચી છે. હવે સરહદ પાર કરવાનું પહેલાં જેટલું સરળ નથી એટલે ત્રાસવાદીઓ પણ તાલીમ લેવા માટે પાકિસ્તાન નથી જઈ શકતા.’ કહીને સલીમ પળભર માટે અટક્યો.

 દિલીપ ખૂબ જ ધ્યાનથી એની વાતનો એક એક શબ્દ સાંભળતો હતો.

 થોડી પળો બાદ એક ઊંડો શ્વાસ ખેંચીને સલીમે પોતાની વાત આગળ લંબાવી.

 ‘આ બધી નિષ્ક્રિયતાથી કાશ્મીરનો મામલો ઠંડો પડી ગયો છે અને આખી દુનિયા એમ માનતી થઈ ગઈ છે કે કાશ્મીરની આમજનતાને હવે આઝાદી નથી જોઈતી.પરંતુ વાસ્તવમાં એવું નથી. કાશ્મીરની આમજનતા હજુ પણ આઝાદી ઝંખે છે અને પાકિસ્તાનની સરકાર કાશ્મીરની જનતાની સાથે છે.! તેમનાં સુખ-દુઃખની તરફેણમાં છે. એટલે પાકિસ્તાન કાશ્મીરના આ ઠંડા પડી ગયેલા મામલાને ફરીથી ગરમ કરવા માગે છે.’

 ‘કેવી રીતે ગરમ કરવા માગે છે ?’ દિલીપે રોષથી ભભૂકતા અવાજે પૂછ્યું, ‘ત્રાસવાદીઓ માટેના તાલીમકેમ્પ શરૂ કરીને...?’

 ‘હા....’

 ‘એમ કરવાથી શું થશે..?’

 ‘ઘણું બધું થશે....!’ સલીમે જવાબ આપતા કહ્યું, ‘એમ કરવાથી જ તો મામલો ફરીથી ગરમી પકડશે. ચર્ચાના ચગડોળે ચડશે. આજની તારીખમાં પાકિસ્તાનની સૌથી મોટી મુશ્કેલી એ છે કે કાશ્મીરના જે નવા ત્રાસવાદીઓ સામે આવે છે, તેઓ તાલીમ પામેલા નથી હોતા. લશ્કરનો સામનો કેવી રીતે કરવો એ તેઓ નથી જાણતા. અલબત્ત, ઝનૂન તો તેમનામાં ઠાંસી ઠાંસીને ભરેલું છે. હિંમત અને મરી ફીટવાની ધગશની તેમનામાં કોઈ કમી નથી. કમી છે ફક્ત યોગ્ય તાલીમની...! પરંતુ માત્ર જોશ અને ઝનૂનથી જ કંઈ બધું યોગ્ય નથી થઈ જતું, મિસ્ટર દિલીપ...! માણસની રીતથી જંગ લડવા માટે કાયદેસર તાલીમની પણ જરૂર છે. એક ત્રાસવાદી જો તાલીમ પામેલો હોય તો પોતાનાં જોશ અને ઝનૂનથી વગર હથિયારે પણ દુશ્મનને મારી શકે છે.’

 ‘ઓહ...તો કાશ્મીરી ત્રાસવાદી હવે પહેલાંની જેમ તાલીમ લેવા માટે પાકિસ્તાન નથી જઈ શકતા એટલે તેઓ તાલીમ પામેલા નથી, ખરું ને?’ દિલીપે પૂછ્યું.

 સલીમના કહેવાનો આશય હવે તે સમજી ગયો હતો. 

 ‘હા...’ સલીમે હકારાત્મક ઢબે માથું હલાવ્યું, ‘અને આ કારણસર જ પાકિસ્તાન હવે ત્રાસવાદીઓને તાલીમ આપવા માટે ભારત અધિકૃત કાશ્મીરમાં જ તાલીમકેમ્પો ખોલવા માગે છે. આને માટે પાકિસ્તાન સરકારે ઘણા કમાન્ડોઝ તૈયાર કર્યા છે. આ કમાન્ડોઝ ભારતમાં ઘૂસી તાલીમકેમ્પોમાં જઈને ત્રાસવાદીઓને લશ્કર સાથે લડવાની સ્પેશિયલ તાલીમ આપશે.’

 સલીમની વાત સાંભળીને દિલીપના દિમાગમાં ખળભળાટ મચી ગયો.

 પાકિસ્તાન આટલી મોટી રમત રમતું હતું અને ભારતમાં તેની કોઈને ખબર પણ નહોતી.

 પાકિસ્તાનની આ રમતની હજી સુધી કોઈને ગંધ સુદ્ધાં નહોતી આવી.

 ‘અને તમને પાંચેયને અગાઉથી જ ભારત શા માટે મોકલવામાં આવ્યા છે?’ દિલીપે ઉત્સુક અવાજે પૂછ્યું.

 ‘એની પાછળ પણ એક ખાસ કારણ છે.’

 ‘શું?’

 ‘અમારું કામ કાશ્મીરી ત્રાસવાદીઓ સાથે ભળીને તાલીમ આપવા માટે આવનારા કમાન્ડોઝને કોઈ પણ રીતે ભારતની સરહદ પાર કરાવવાનું છે’

 ‘એ કમાન્ડોઝ કેવી રીતે સરહદ પાર કરશે?’

 ‘એની મને ખબર નથી.’

 ‘તો પછી કોને ખબર છે..?’

 આ વખતે સલીમના ચહેરા પર અનિશ્ચતતા મિશ્રિત ખમચાટના ભાવ ઊપસી આવ્યા.

 ‘મારા સવાલનો જવાબ આપ, સલીમ..!’ દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકતાંક્રૂર અવાજે બોલ્યો, ‘કમાન્ડોઝ કેવી રીતે સરહદ પાર કરશે એ વાતની કોને ખબર છે ?’

 ‘અ..અમારા રીંગલીડરને આ વાતની ખબર છે.’ સલીમે પોતાના સુકાયેલા હોઠ પર જીભ ફેરવતાં કહ્યું.

 ‘રીંગલીડર...?’

 ‘હા..’

 ‘શું નામ છે રીંગલીડરનું..?’

 ‘પ..પરવેઝ સિકંદર..’

 ‘આ પરવેઝ સિકંદર અત્યારે ક્યાં છે..?’

 ‘એ અમારી સાથે જ ભારત આવ્યો છે અને અત્યારે કાશ્મીરમાં રહીને કમાન્ડોઝને સરહદ પાર કરાવવાની યોજનાને અંતિમ રૂપ આપવાની તૈયારી કરે છે.’

 દિલીપના મગજની નસો ફાટવા લાગી.

 ભારતની આઝાદીમાં ખીલા મારવાની તૈયારી પાકિસ્તાન જોરશોરથી કરતુ હતું.

 સલીમે પોતાના કપાળ પર વળેલો પરસેવો લૂછી નાખ્યો હતો.

 દિલીપના હાથમાં જકડાયેલી રિવોલ્વરની નળી હજુ પણ એના લમણા સામે સ્થિર થયેલી હતી.

 તે એકદમ સાવચેત અને સજાગ હતો.

 સલીમ કોઈ પણ જાતની ચાલબાજી રમે કે તરત જ એની ખોપરીના ભુક્કા બોલી જવાના હતા.

 ‘એક વાતનો જવાબ આપ...!’ દિલીપ પૂર્વવત અવાજે બોલ્યો.

 ‘પૂછો...!’

 ‘સરહદ પાર કરીને કુલ કેટલા પાકિસ્તાની કમાન્ડોઝ ભારતમાં ઘૂસવાના છે..?’

 ‘એની પણ મને કંઈ ખબર નહિ. આ બધી વાતોની તો પરવેઝને જ ખબર છે.’

 ‘પરવેઝ..પરવેઝ..’

 દિલીપનો હાથ તરત જ રિવોલ્વરના ટ્રિગર પર પહોંચી ગયો.

 ‘ન...ના..’ સલીમ ભયથી વ્યાકુળ અવાજે બોલી ઊઠ્યો, ‘ગ..ગોળી છોડશો નહીં...મ..મારા પર ભરોસો રાખો. હું સાચું જ કહું છું...ખુદાકસમ.....!’

 વાત પૂરી કર્યા બાદ એણે જમણા હાથની પહેલી આંગળી પોતાના ગળા પર મૂકી 

 મોતના કારમા ભયથી એને કંપારી છૂટી ગઈ હતી.

 સલીમ સાચું કહે છે એવું દિલીપને લાગ્યું.

 દિલીપનું આ રૌદ્ર સ્વરૂપ તથા કાળના દૂત સમી રિવોલ્વરને લમણા પર ગોઠવાયેલી જોયા પછી ખોટું બોલવાની એની હિંમત પણ ચાલે તેમ નહોતી.

 ‘તો જેટલા કમાન્ડોઝ ચોરીછૂપીથી ભારતમાં ઘૂસવાના છે એની તને કંઈ ખબર નથી, એમ ને...?’

 ‘ના...’

 ‘અને તારી સાથે ટાઈમબોમ્બ મુકવા માટે વી.ટી. સ્ટેશનમાં દેખાયેલા તારા બંને સાથીદાર કોણ હતા.?’

 ‘એ બંને કાશ્મીરી ત્રાસવાદી હતા.’

 ‘અર્થાત તેઓ પાકિસ્તાની જાસૂસો નહોતા. ખરું ને..

 ‘ના...’

 દિલીપ માટે આ એક નવા સમાચાર હતા.

 ‘એ બંને ત્રાસવાદીઓ અત્યારે ક્યાં છે?’

 ‘હું નથી જાણતો..’

 વળતી જ પળે દિલીપના વજનદાર બૂટની લાત સલીમના જડબા પર ઝીંકાઈ.

 સલીમના મોંમાંથી કાળજગરી ચીસ નીકળી ગઈ.

 પ્રહાર એટલો જોરદાર હતો કે એનું જડબું હચમચી ઊઠ્યું.

 એ ચબુતરા પરથી પડતાં પડતાં રહી ગયો.

 ‘જલદી મારા સવાલનો જવાબ આપ, હરામખોર...!’ દિલીપ કાળઝાળ રોષથી દાંત કચકચાવતા બોલ્યો, ‘નહી તો હું લગીરે અચકાયા વગર બેધડક રિવોલ્વરનું ટ્રિગર દબાવી દઈશ.’

 ‘ક..કહું છું..’

 ‘જલદી બોલ...’

 ‘એ બંને ત્રાસવાદીઓ અત્યારે કાંદિવલીના એક ગેસ્ટહાઉસમાં ઊતર્યા છે. હું પણ ત્યાં જ ઊતર્યો હતો.’

 ‘ગેસ્ટ હાઉસનું નામ બોલ..’

 ‘શિવાજી ગેસ્ટહાઉસ...’

 દિલીપે પૂરી તાકાતથી વજનદાર બૂટની એક ભીષણ લાત સલીમની છાતી પર ઝીંકી દીધી અને પછી તેને એ જ હાલતમાં પડતો મૂકીને બેરેકમાંથી બહાર નીકળી ગયો.

 એણે બેરેકનો દરવાજો બંધ કરીને તાળું માર્યું.

 એના કાનમાં સિસોટીઓ ગુંજતી હતી.

 પાકિસ્તાન ફરીથી એક વાર ભારત વિરુદ્ધ ખતરનાક ષડયંત્ર રચતું હતું એમાં શંકાને કોઈ સ્થાન નહોતું.

 કાશ્મીરની ધરતી પર જ ઉગ્રવાદીઓને તાલીમ આપવાના કેમ્પો શરૂ કરવાની તૈયારીઓ ચાલતી હતી અને મોટી સંખ્યામાં ઘૂસણખોરો સરહદ પાર કરવાની વેતરણમાં હતા.

 આ કોઈ સાધારણ મામલો નહોતો.

 એક મોટું સંકટ હતું.

 એક મોટા યુદ્ધની તૈયારી હતી.

 દિલીપે તરત જ થોડા પોલીસોને કાંદીવલી લઈ જઈ શિવાજી ગેસ્ટહાઉસ પર દરોડો પાડ્યો.

 તેમના ત્યાં પહોંચતાં જ ગેસ્ટહાઉસમાં ખળભળાટ મચી ગયો.

 કોઈ નાસી ન શકે એટલા માટે પોલીસે અગાઉથી જ ગેસ્ટહાઉસને ચારે તરફથી ઘેરી લીધું હતું.

 ગેસ્ટહાઉસનો માલિક એક તામ્રવર્ણો, ઠીંગણો અને ભરાવદાર બાંધાનો મરાઠી હતો. એની ઉંમર ચાલીસેક વર્ષની હતી.

 ‘શું વાત છે બાપ...?’ દિલીપને જોતાં જ એના હોશ ઊડી ગયા. એ તરત જ તેની પાસે દોડી આવતાં બોલ્યો, ‘શું અપુનથી કોઈ ગલતી થઈ ગયેલી છે બાપ...?’

 ‘ચિંતા ન કર...’ દિલીપ તેને આશ્વાસન આપતાં બોલ્યો, ‘તારાથી કોઈ ભૂલ નથી થઈ. અમે માત્ર આ ગેસ્ટહાઉસના વીસ નંબરના રૂમની તલાશી જ લેવા માગીએ છીએ...!’

‘વીસ નંબરના રૂમની...!’ ઠીંગણાએ ચમકીને પૂછ્યું.

 ‘હા..’

 ‘એમાં તો ત્રણ જણ ઊતર્યા હતા સા’બ...’

 ‘બરાબર છે..અમે એ ત્રણેયને જ ચેક કરવા માગીએ છીએ.’

 ‘ઓહ..’ ઠીંગણાના ચહેરા પર અફસોસના હાવભાવ છવાયા, ‘આપને ઇધર આવતાં જ્યાસ્તી દેર થઈ ગઈ બાપ...હવે એ ત્રણેય આપને ઇધર નહીં મળે.’

 ‘કેમ...? તેઓ ક્યાં ગયા..?’

 ‘તેઓ તો કાલે રાત્રે જ ચેકઆઉટ કરીને અહીંથી જતા રહ્યા છે.’

 ઠીંગણો ક્યારેક ગુજરાતીમાં બોલતો હતો.

 ‘શું...?’ દિલીપે ચમકીને પૂછ્યું.

 ‘દેવાની શપથ બાપ..’ ઠીંગણાએ પોતાના ગળા પર હાથ મૂકતાં કહ્યું, ‘મને ફોકટમાં જુઠું બોલવાથી શું લાભ...?’

 ‘ચેકઆઉટ કરીને ત્રણેય અહીંથી સાથે જ ગયા હતા...?’ દિલીપે પૂછ્યું.

 ‘નઈ....!’ ઠીંગણાએ નકારમાં માથું હલાવ્યું, ‘ત્યારે તેઓ સાથે નહોતા.’

 ‘તો પછી...?’

 ‘ત્યારે તો ફક્ત બે જ જણા હતા બાપ...!’

 ‘બે..?’

 ‘બાકીનો એક જણ ક્યાં હતો..?’

 ‘અપુને એમને પૂછ્યું હતું કે સા’બ કે ત્રીજો જણ ક્યાં છે ? તો તેમણે જવાબ આપ્યો કે અમે ત્રણેય અમારા વતન જઈએ છીએ. એક જણ ટિકિટ બુક કરાવવા માટે રેલ્વેસ્ટેશને ગયો છે. પછી મેં વધુ કંઈ ન પૂછ્યું.બાકીનો એક જણ ક્યાં છે એ જાણવાની મને શું જરૂર ? તેમણે રૂમનું ભાડું સમયસર અને પૂરેપૂરું આપ્યું હતું. મારે બીજું શું જોઈએ?’

 ‘ચહેરે-મહોરે એ લોકો કેવા લાગતા હતા...?’

 ‘સારા ઘરના લગતા હતા. ગોરા –ચિટટા અને તરવરીયા હતા.ત્રણેય જ્યારે સાથે હોય ત્યારે ઇંગ્લીશમાં વાતો કરતા હતા.’

 ‘ઓહ, તો તેઓ ભણેલા હતા, એમ ને...?’

 ‘હા..બિલકુલ..!’ ઠીંગણાએ હકારમાં માથું હલાવ્યું.

 સલીમના બંને સાથીદારો પણ મામૂલી નહોતા, એ વાત દિલીપ તરત જ સમજી ગયો.

 સલીમ તો જોગાનુજોગ જ મુંબઈ પોલીસની હડફેટમાં આવી ગયો હતો.બાકી તો એ ત્રણેય પોતાનું કામ પાર પાડીને છટકી જાત અને પોલીસને તેમનો પડછાયો પણ ન મળત.

 ‘અત્યારે વીસ નંબરના રૂમની શું પોઝીશન છે..?’

 ‘એ તો બંધ જ છે..!’

 ‘ઠીક છે..હું એ રૂમમાં એક નજર કરવા માગું છું.’

 ‘કોઈ વાંધા નઈ બાપ...જરૂર કરો..ચાલો,હું પોતે આપણે એ રૂમ બતાવું છું.’

 ઠીંગણાએ કાઉન્ટર પાછળના કી-બોર્ડમાંથી વીસ નંબરના રૂમની ચાવી કાઢી અને પછી દિલીપને સાથે લઈને આગળ વધ્યો.

 ‘એ ત્રણેય ના ગયા પછી બીજું કોઈ વીસ નંબરમાં ગયું હતું ?’

 ‘ના, કોઈ નથી ગયું..! રૂમ જે હાલતમાં હતો એ જ હાલતમાં પડયો છે.’

 ‘ઠીક છે.’

 પગથિયાં ચડીને તેઓ પહેલાં માળ પર પહોંચ્યા.

 વીસ નંબરનો રૂમ પહેલાં માળ પર જ હતો.

 ઠીંગણાએ આગળ વધીને રૂમનો દરવાજો ઉઘાડ્યો.

 રૂમ નહીં પણ એક આલીશાન ડીલક્સ સ્યુટ હતો. એશો-આરામની બધી ચીજ વસ્તુઓ ત્યાં મોજુદ હતી. અલબત્ત, તેમ છતાંય ત્યાં બધું અસ્તવ્યસ્ત હતું. જેમકે ચાદર પર કરચલીઓ પડી ગઈ હતી. ફૂલદાની પોતાના સ્થાને નહોતી. ઉપરાંત ઘણી બધી વસ્તુઓ વેરવિખેર હાલતમાં પડી હતી.

 સફેદ કલરની એક મોટી સાઈઝની કોથળી પણ ત્યાં હતી.

 દિલીપે કોથળી ઊંચકીને બંને હાથ વચ્ચે મસળી. કોથળી એક ખાસ પ્રકારની અને મુલાયમ હતી. મસળવાથી તેમાંથી અવાજ નહોતો થતો.

 દિલીપે નાક પાસે લઈ જઈને કોથળી સૂંઘીજોઈ.

 એમાંથી તેને આર.ડી.એક્સ.ની ગંધ આવી.

 ચોક્કસ સલીમ અને તેના સાથીદારો એ કોથળીમાં જ ભરીને આર.ડી.એક્સ. લાવ્યા હતા અને આ ડિલક્સ સ્યુટમાં જ તેમણે ટાઈમબોમ્બ બનાવ્યો હતો, એવું અનુમાન દિલીપે કર્યું.

 દિલીપનાં રોમેરોમમાં ઉત્તેજના ફરી વળી.

 સંખ્યામાં એ લોકો માત્ર ત્રણ જણ હતા, પરંતુ તેઓ ખૂબ જ ખતરનાક હેતુ પાર પાડવા માટે મુંબઈમાં દાખલ થયા હતા. તેમનો મુખ્ય ધ્યેય મોટા પાયે ભાંગફોડ કરવાનો હતો.

 ત્યાં જ દિલીપને થોડા નાના નાના વાયરના ટુકડાઓ પણ દેખાયા. બિલકુલ વાયરના આવા જ ટુકડા તે બ્રીફકેસમાં ફીટ કરેલ ટાઈમબોમ્બમાં પણ એકબીજા સાથે જોડાયેલા જોઈ ચૂક્યો હતો.

 દિલીપે કોથળી તથા વાયરના બધા ટુકડા ઊંચકી લીધા.

 ‘મામલો શું છે બાપ...?’ ઠીંગણાએ ગભરાટભર્યા અવાજે પૂછ્યું, ‘શું એ ત્રણેયે ભેગા થઈને કોઈનું ખૂન-બૂન કરી નાખ્યું છે...?’

 ‘તેમણે ખૂનથી પણ વધુ ભયંકર ગુનો કર્યો છે...!’ દિલીપના અવાજમાં સહેજ ઉશ્કેરાટ હતો.

 ‘ક..કેવો ગુનો..?’

 ‘તેમણે બોમ્બથી આખા વી.ટી. સ્ટેશનને ઉડાવી મૂકવાનો પ્રયાસ કર્યો છે....અસંખ્ય લોકોને મોતને ઘાટ ઉતારી દેવાનું ષડયંત્ર રચ્યું છે.’

 ‘હે દેવા....!’

 ઠીંગણો ધ્રૂજી ઊઠ્યો.

 એનું કાળજું કંપી ઊઠ્યું.

 ‘તો...તો..શું એ ત્રણેય ત્રાસવાદીઓ હતા...?’

 ‘હા..’

 ‘હે ગણપતિ બાપા...’ ઠીંગણો કંપતા અવાજે બોલ્યો, ‘આવા હરામખોર અને દુષ્ટ લોકો મારા ગેસ્ટહાઉસમાં ઊતર્યા હતા...?’

 એ ધમ કરતો ત્યાં જ એક ખુરશી પર ફસડાઈ પડ્યો.

 એક એક કરીને ત્રણેયના ચહેરા એની નજર સામે તરવરી ઊઠ્યા.

 જ્યારે દિલીપ હવે સ્યુટના બીજાં રૂમ તરફ આગળ વધી ગયો

હતો.

 એણે એ રૂમની પણ ઝીણવટભરી તલાશી લીધી. બાથરૂમ અને ટોઇલેટ ચેક કર્યાં. પરંતુ બંને ત્રાસવાદીઓ વિશે મહત્વની વાત જાણી શકાય એવી કોઈ ચીજવસ્તુ તેને ત્યાંથી ન મળી.

 નિરાશ થઈને તે અગલા રૂમમાં બેઠેલા ઠીંગણા પાસે પાછો ફર્યો.

 ‘જે લોકો અહીં ઊતર્યા હતા, તેમની હિલચાલ વિશે તું કંઈ જણાવી શકે તેમ છે...?’

 ઠીંગણો કે જે ત્રાસ્વાદીઓના નામથી જ પરસેવે રેબઝેબ બની ગયો હતો, એણે સૌથી પહેલાં તો ગજવામાંથી રૂમાલ કાઢીને ચહેરા પર વળેલો પરસેવો લૂછ્યો.

 ‘તેમની ખાસ તો કોઈ હિલચાલ નહોતી. બસ, સાધારણ ગતિવિધિ જ હતી.’ એણે પોતાના સુકાયેલા હોઠ પર જીભ ફેરવતાં જવાબ આપ્યો.

 ‘કઈ જાતની સાધારણ ગતિવિધિ...?’

 ‘જેમકે એ ત્રણેય મોટા ભાગે ગેસ્ટહાઉસની બહાર અથવા તો અંદર જ રહેતા હતા. અર્થાત વારંવાર આવ-જા નહોતા કરતા. તેઓ જ્યારે ગેસ્ટહાઉસમાં હોય ત્યારે તેમના રૂમમાં કોઈક ને કોઈક છોકરી જરૂર રહેતી હતી.’ અંતિમ વાત ઠીંગણાએ સહેજ ખમચાતા અવાજે ઉચ્ચારી હતી.

 ‘છોકરી..?’

 ‘જી, બાપ...!’

 ‘કઈ છોકરી...?’

 ઠીંગણાના ચહેરા પર ફરીથી એક વાર ખામચાટના ભાવ ઊપસી આવ્યા.

 ‘જે કંઈ હોય તે મને ચોખવટથી જણાવી દે.’

 ‘સા ‘બ.....! મામલો એટલો ગંભીર છે એટલે મને પણ આપનાથી કશુંય છુપાવવાનું યોગ્ય નથી લાગતું..!’ ઠીંગણો ખમચાતા અવાજે બોલ્યો, ‘નહીં જણાવું તો મારા ગેસ્ટહાઉસને તાળાં લાગી જશે.વ..વાત એમ છે કે એ યુવતીઓ મોટે ભાગે કોલગર્લ જ હતી. અને બે-ત્રણ દિવસથી તો તેઓ એક જ કોલગર્લને બુક કરતા હતા..’

 ‘કઈ કોલગર્લને...?’

 ‘હસીનાને..’ ઠીંગણો બોલ્યો, ‘એ ત્રણેય જ્યારે રૂમમાં હોય ત્યારે હસીના અચૂક તેમની સાથે જ રહેતી હતી..’

 ‘પરંતુ એ લોકો તો ત્રણ જણ હતા, તો માત્ર હસીનાથી જ...’

 ‘એ તો હવે ઉપરવાળો જાણે. હસીનાથી જ તેમનું કામ પતી જતું હશે. એટલા માટેજ તો તેઓ બીજી કોઈ કોલગર્લને નહોતા બોલાવતા. અલબત્ત, આ વાતથી આખા ગેસ્ટહાઉસમાં ખૂબ જ ગુસપુસ થતી હતી, પરંતુ આ બાબતમાં કોઈએ તેમણે કંઈ પૂછ્યું નહોતું. 

ફોકટમાંમાં તેમની સાથે દલીલબાજીમાં કોણ ઊતરે...?’

 ‘હસીના અત્યારે ક્યાં છે...?’

 ‘રાતથી તો એ પણ નથી દેખાઈ.’

 ‘એના સરનામાની તો તને ખબર જ હશે ને...?’

 ઠીંગણાના ચહેરા પર મૂંઝવણના હાવભાવ ઊપસી આવ્યા.દિલીપના સવાલનો જવાબ આપવો કે નહીં એની ગડમથલમાં તે પડ્યો હતો.

 દિલીપ એનો ખમચાટ પારખી ગયો.

 ઠીંગણાની મૂંઝવણનું કારણ તે સમજી ગયો હતો.

 આવી બાબતમાં કોઈ પણ ગેસ્ટહાઉસનો માલિક કે મેનેજર જલ્દીથી મોં નથી ઉઘાડતો એની તેને ખબર હતી.

 બધાને ગેસ્ટહાઉસની બદનામીનો ભય લાગતો હોય છે.

 ‘તું સહેજ પણ ગભરાયા વગર બેધડક મારા સવાલનો જવાબ આપ..’ દિલીપે ઠીંગણાના ખભા પર હાથ મૂકીને જાણે તેને આશ્વાસન આપતો હોય એવા અવાજે કહ્યું, ‘આ ગંભીર મામલો છે. ગેસ્ટહાઉસમાં ગોરખધંધા કરાવવામાં અથવા તો કોલગર્લના સરનામાં રાખવાના આરોપસર તને કોઈ સાજા નહીં થાય.તારી વિરુદ્ધ કાયદેસર કોઈ પગલાં ભરવામાં નહીં આવે એનું હું તને વચન આપું છું. મુંબઈનાં નેવું ટકા ગેસ્ટહાઉસોમાં આવા ગોરખધંધા ચાલતા હોય છે એની મને ખબર છે, પરંતુ તારે જરા પણ મુંઝાવાની જરૂર નથી.’

 દિલીપના આશ્વાસનથી ઠીંગણાનો શ્વાસ ઠેકાણે આવ્યો.

 એના ચહેરા પર રાહતના હાવભાવ છવાયા. 

 ‘બોલ,શું કહે છે...?’ દિલીપે પ્રશ્નાર્થ નજરે એની સામે જોતાં પૂછ્યું.

 ‘આપ નીચે ચાલો સા’બ.!’ ઠીંગણાએ જવાબ આપતાં કહ્યું, ‘હું હમણા જ કાઉન્ટરમાં પર્સનલ રજીસ્ટરમાં જોઈને આપણે હસીનાનું સરનામું જણાવી દઉં છું. પણ આમાં મારું કે મારા ગેસ્ટહાઉસનું નામ તો ક્યાંય નહીં આવે ને...?’

 ‘નહીં આવે. આ બાબતમાં તું બિલકુલ બેફીકર રહે.’

 ‘તો ઠીક છે...ચાલો.’

 ‘ચાલ..’

 બંને વીસ નંબરના રૂમમાંથી બહાર નીકળ્યા.

 ઠીંગણાએ રૂમને તાળું માર્યું અને પછી દિલીપ સાથે પગથિયાં ઊતરીને નીચે પહોંચ્યો.

 ત્યાર બાદ એણે પર્સનલ રજીસ્ટરમાં જોઈને દિલીપને ગોરેગાંવનું એક સરનામું જણાવી દીધું.

 હસીના ત્યાં જ રહેતી હતી.

 દિલીપે ઠીંગણાનો આભાર માન્યો.

 ત્યાર બાદ તે એ જ પોલીસ કર્મચારીઓને લઈને ગોરેગાંવ જવા માટે રવાના થઈ ગયો.

 તે સલીમના બંને સાથીદારોને જેમ બને તેમ જલદીથી શોધી કાઢવા માગતો હતો.

 આ બાબતમાં હસીના નામની કોલગર્લ જરૂર પોતાને મદદરૂપ થઈ શકશે એની તેને પૂરી ખાતરી હતી.

 હસીના ગોરેગાંવ સ્થિત ‘સર્જન એપાર્ટમેન્ટ’ ના ચોથા માળ પર આવેલ એક ફ્લેટમાં રહેતી હતી.

 તેઓ ઈમારતમાં પ્રવેશીને લિફ્ટ દ્વારા હસીનાના ફ્લેટ સામે પહોંચ્યા.

 પરંતુ ત્યાં પહોંચતાં જ તેમને નિરાશાનો ધક્કો લાગ્યો.

 ‘અહી તો તાળું છે, મિસ્ટર દિલીપ...’ ઇન્સ્પેક્ટર આશ્ચર્યથી બોલ્યો.

 દિલીપે જોયું તો ખરેખર ફ્લેટના દરવાજા પર પિત્તળનું વજનદાર તાળું લટકતું હતું.

 ‘હવે શું કરીશું...?’

 ‘તાળું તોડી નાખો.’ દિલીપે નિર્ણયાત્મક અવાજે જવાબ આપ્યો.

 આદેશ મળતાં જ એક સિપાહી પાડોશીને ત્યાંથી મોટી હથોડી લઈ આવ્યો.

 હથોડીના બે-ત્રણ પ્રહાર કરતાં જ તાળું તૂટી ગયું.

 ઈન્સ્પેક્ટરે આગળીઓ સરકાવીને દરવાજો ઉઘાડ્યો.

 સૌ સડસડાટ ફ્લેટમાં દાખલ થઈ ગયા.

 પરંતુ અંદર પ્રવેશતાં જ બે-ત્રણ જણનાં મોંમાંથી ચિત્કાર સારી પડ્યો.

 અંદરનું દ્રશ્ય રુંવાડાં ઊભાં કરી દે તેવું હતું.

 ફ્લેટ સામે જ જમીન પર લોહીથી તરબતર હાલતમાં હસીનાનો મૃતદેહ પડ્યો હતો.

 મૃતદેહ બિલકુલ નિર્વસ્ત્ર હાલતમાં હતો.

 એક લાંબો અણીદાર લોખંડનો સળીયો હસીનાની ગરદનની આરપાર નીકળેલો દેખાતો હતો.

 ‘હે ઈશ્વર..!’ આ ભયંકર દૃશ્ય જોઈને ઇન્સ્પેક્ટર જેવા માણસના દેહમાં પણ ધ્રુજારી ફરી વળી, ‘કેટલી ક્રૂરતાથી ખૂન કરવામાં આવ્યું છે...!’

 જે કોઈએ મૃતદેહ જોયો તે સૌ કોઈને ધ્રુજારી છૂટી ગઈ.

 ‘પણ આનું ખૂન કોણે કર્યું હશે, મિસ્ટર દિલીપ..?’

એક સબ-ઈન્સ્પેક્ટરે પૂછ્યું.

 ‘આ કામ ચોક્કસ બંને ત્રાસવાદીઓનું જ હોવું જોઈએ એમ હું માનું છું.’ દિલીપ એકીટશે મૃતદેહ સામે તાકી રહેતાં બોલ્યો.

 ‘ત્રાસવાદીઓએ....?’

 ‘હા..’

 ‘કેમ...? શા માટે..?’

 ‘હસીના છેલ્લા ઘણા દિવસથી તેમની સાથે હતી.’ દિલીપ પોતાનું અનુમાન વ્યક્ત કરતાં બોલ્યો. ‘આ કારણસર એ તેમની વાસ્તવિકતા વિશે જાણી ચૂકી હશે. પરિણામે જો પોલીસ હસીના સુધી પહોંચશે ઓ પોતાનો ભેદ છતો થઈ જશે એવા ભયથી તેમણે હંમેશને માટે એનું મોં બંધ કરી દીધું.’

 ‘ઓહ....’ જાણે દિલીપની વાત સમજ્યો હોય એમ સબ-ઈન્સ્પેક્ટરે માથું હલાવ્યું.

 હસીનાની આંખો ખુલ્લી ફટાક હતી.

 પોતાના અણધાર્યા મોતથી ખૂબ જ ગભરાઈ ગઈ હોય એવા હાવભાવ એના ચહેરા પર સ્પષ્ટ રીતે અંકિત થયેલા જોઈ શકાતા હતા.

 ‘આપણે અહીંની તલાશી પણ લેવી પડશે.’ કશુંક વિચારીને દિલીપ બોલ્યો, ‘શિવાજી ગેસ્ટહાઉસમાંથી ત્રાસવાદીઓ વિશે જે પણ જાણવા નથી મળ્યું તે કદાચ અહીંથી મળી જાય એ બનવાજોગ છે.’

 ત્યાર બાદ દિલીપે હસીનાના ફ્લેટની તલાશી પણ લીધી.

 પરંતુ ત્રાસવાદીઓનો પત્તો લાગે એવો કોઈ મુદ્દો તેને ત્યાંથી ન મળ્યો.

********