Aa Janamni pele paar - 41 books and stories free download online pdf in Gujarati

આ જનમની પેલે પાર - ૪૧

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૪૧

મેવાને દિયાનના ગળાનું દોરડું ઢીલું કરી દીધું. દિયાનના પ્રશ્નએ એને વિચારતો કરી મૂક્યો હતો. તે શાંત સ્વરે બોલ્યો:'દિયાન, તારો પ્રશ્ન યોગ્ય છે કે તારો જીવ લેવા ખુદ શિનામી કેમ આવી નથી? અને સાચું કહું તો હું પણ હેવાલીનો જીવ લેવા જઇ શક્યો નથી. અમે જ્યારે નક્કી કર્યું કે હવે તું દિયાન સાથે અને હું હેવાલી સાથે આવા જ રૂપમાં જન્મ વીતાવીશું ત્યારે તમારા બંનેનો માનવ જન્મ પૂરો થવો જરૂરી હતો. શરીર મૃત્યુ પામે અને એમાંથી આત્મા નીકળે એની સાથે ભૂત્-પ્રેત યોનિનો જન્મ જીવી શકાય એમ હતો. અમે બંનેએ તમારો જીવ લેવાનું નક્કી કર્યું પણ શિનામીએ કહ્યું કે મેવાનનો પ્રાણ હરી લેતાં તેના હાથ ધ્રૂજશે. તે તારો જીવ લઇ શકશે કે કેમ એ વિશે શંકિત હતી. મેં એને કહ્યું કે આપણે તો ભૂત-પ્રેતના સ્વરૂપમાં છીએ. આપણા માટે કોઇનો જીવ લેવાનું કામ ડાબા હાથનું છે. આપણો કોઇ પ્રતિકાર કરી શકવાનું નથી. આપણી શક્તિ સામે માનવ શરીર લાચાર બની જશે. બહુ આસાનીથી આપણે જીવ લઇ શકીએ એમ છીએ. ત્યારે શિનામીએ મને કહ્યું કે તે દિયાનને બહુ પ્રેમ કરતી હોવાથી તેનો જીવ લેવાનું કામ સરળ નથી. આપણે બીજાની જેમ બદલાની ભાવના સાથે જીવતા ભૂત-પ્રેત નથી. આપણે તો પ્રેમ કરવાવાળા છે. આપણે જેને પોતાના ગણ્યા છે એને પ્રેમ કરી શકીએ છીએ. માનવીઓ માટે કોઇનો જીવ લેવો એ પાપ ગણાય છે. આપણા માટે એવું કંઇ જ નથી. પરંતુ દિયાનનો જીવ હું લઇ શકીશ નહીં... મને પણ એના જેવા જ વિચાર આવતા હતા. ગયા જન્મમાં ગુમાવેલી હેવાલીને મેળવી શક્યો છું. પરંતુ એનો જીવ લેતાં જીવ ચાલશે કે કેમ એની મને પણ શંકા થવા લાગી હતી. એટલે અમે વિચાર્યું કે આપણે આપણા પ્રિય પાત્રોનો જીવ લેવાને બદલે એકબીજાના પ્રિય પાત્રોને ગળે ટૂંપો આપીને આપણા બનાવીશું. તેથી શિનામી હેવાલીનો જીવ લેવા ગઇ અને હું તારો જીવ લેવા આવ્યો છું. મને લાગે છે કે હવે તારા મનમાં કોઇ શંકા રહેવી જોઇએ નહીં. તું શિનામીનો આદેશ સમજીને પણ મોતને ગળે વળગાડવા તૈયાર થઇ જા. હું એક જ ક્ષણમાં તારો જીવ લઇ લઇશ અને તું કોઇ પીડા વગર આ માનવદેહમાંથી મુક્ત થઇ જશે...'

'ઓહ! તો આ વાત છે.' કહીને દિયાન ખુશીથી બોલ્યો:'હું શિનામી માટે તો જીવ આપવા હંમેશા તૈયાર રહ્યો છું. એની સાથે જન્મોજનમનો નાતો છે. નવા જન્મ માટે હું તરસી રહ્યો છું. હવે મારે કોઇ ખુલાસાની જરૂર નથી. શિનામીનો આદેશ તું પૂરો કર...' દિયાન બે હાથ ફેલાવીને એને ગળે ફાંસો આપવા માટે આવકારી રહ્યો.

મેવાન ખુશ થઇને એને ગળે ફાંસો લગાવવા લાગ્યો. તેણે ધીમે ધીમે દોરડું ગળામાં ભીંસવાનું શરૂ કર્યું. મેવાન દોરડાની ભીંસ અનુભવવા લાગ્યો. તેના શ્વાસ રુંધાવા લાગ્યા. દિયાનનું શરીર તરફડવા લાગ્યું. તેના ગળામાંથી અવાજ નીકળી શકતો ન હતો. અને મેવાને એક જ ઝાટકા સાથે દોરડાથી દિયાનનું ગળું ભીંસી દીધું. મેવાનના ગળામાંથી છેલ્લી ચીસ નીકળી ગઇ.

***

શિનામીના અચાનક મોટા થયેલા નખથી હેવાલી આભી બની ગઇ હતી. તેણે સુંદર દેખાતી શિનામીનું આ રૂપ પહેલી વખત જોયું. તેને અંદાજ આવી ગયો કે શિનામી તેનો જીવ લેવા જઇ રહી છે. હેવાલીએ નવાઇ પામી પૂછ્યું:'શિનામી, તું આ શું કરી રહી છે?'

'હા...હા...હા...' જોરથી હસીને શિનામીએ ડરાવતી હોય એમ કહ્યું:'તારો જીવ લઇ રહી છું...'

'એમ કહી દે ને. હું મેવાન માટે મારો જીવ આપવા તૈયાર છું.' હેવાલીએ બિંદાસ બનીને કહ્યું.

'એમ?' શિનામી એની વાતથી ચમકી ગઇ. એણે કલ્પના કરી ન હતી કે હેવાલી સરળતાથી તૈયાર થઇ જશે. તે હેવાલીને ડરાવીને એનો જીવ લેવાનું વિચારતી હતી. તે શાંત થઇ ગઇ અને એના નખ પાછા હતા એવા નાના થઇ ગયા.

'કેમ? શું થયું? અટકી કેમ ગઇ? જલદી કર. મારે મેવાન પાસે જવું છે. એ જ આવ્યો હોત તો હું એને હમણાં પણ મળી શકી હોત.' હેવાલીએ એને જીવ લેવા ઉત્તેજીત કરવા કહ્યું.

'મને ખ્યાલ ન હતો કે તું મારી જેમ જ તારા ગયા જન્મના સાથીને ચાહે છે. તું એને ભૂત સ્વરૂપમાં પામવા ઉતાવળી થઇ છે. મેવાન અને મેં તમને બંનેને ભૂત સ્વરૂપમાં લાવવા તમારો જીવ લેવાનું નક્કી કર્યું છે. હું દિયાનનો જીવ લઇ શકું એમ નથી એટલે ત્યાં મેવાનને મોકલ્યો છે અને હું તારો જીવ લેવા આવી છું. તારી જીવ આપી દેવાની તત્પરતાએ મને તારા પ્રત્યેનું માન વધારી દીધું છે. હું ખુશ છું કે મેવાનને એની અસલ સાથી મળી રહી છે.' શિનામી હેવાલીથી અભિભૂત થઇને બોલી રહી હતી.

'શિનામી, હવે મોડું શા માટે કરે છે? ગયા જનમના તડપતા પ્રેમીઓને મેળવી દે. લે, મારું ગળું દબાવી દે...' હેવાલીએ ખુશીથી કહ્યું.

'હા, હવે વધારે વિલંબ કરવો નથી. ભૂત સ્વરૂપમાં આપણો એક થવાનો સમય આવી ગયો છે. તું રાજીખુશીથી તારા પ્રેમ માટે તારો જીવ આપી રહી છે. હું પણ દિયાનને પામવા બેબાકળી બની છું. કદાચ દિયાન અને મેવાન ભૂત સ્વરૂપમાં અહીં આવતા જ હશે...' કહી શિનામીએ પોતાના હાથની શક્તિથી જ હેવાલીનું ગળું દબાવવાનું શરૂ કર્યું.

ગળા પર દબાણ આવતાં હેવાલીએ માનવ સહજ દરદ અનુભવ્યું અને એના ગળામાંથી વિચિત્ર અવાજ આવ્યો. શિનામીએ પોતાની બધી જ શક્તિ લગાવીને હેવાલીનું ગળું દબાવી દીધું.

ક્રમશ: