Scam - 6 books and stories free download online pdf in Gujarati

સ્કેમ....6

સ્કેમ….6

બસ એ યાદગાર ક્ષણો મારા મનને આજે પણ તરોતાજા કરી દે છે અને એ પછીનો ઝંઝાવાત પણ. એ પછીનો મહિનો અમારા માટે મુશ્કેલ હતો. કોઈપણ વ્યક્તિ માટે પોતાની વાત બીજાને મનાવવા એ અઘરું જ હોય છે. એમાં પણ જયારે સામે માતા પિતા હોય અને એમને પોતાને જીવનસાથી આ જ જોઈએ છે તે સમજાવવાનું વધારે અઘરું. છતાંય મેં અને સીમાએ હિંમત અને ધીરજ રાખીને તેમને સમજાવવાનો પ્રયત્ન કરવાનો હતો.

જયારે મેં મારા મમ્મી પપ્પાને અમારા વિશે કહ્યું તો, મમ્મી તો કંઈ ના બોલી પણ પપ્પા ગુસ્સામાં ને ગુસ્સામાં જ કહ્યું કે,

"નાલાયક એટલા માટે અમે તને પેટે પાટા બાંધીને ભણવા મોકલ્યો હતો. અહીં અમે પરાણે ગુજારો કરીએ છીએ અને તારે ત્યાં પ્રેમમાં પડવું છે. પ્રેમ બ્રેમ ભૂલી જા અને પાછો આવી જો અને જો તું તારી મનમાની કરવાનો હોયને તો આજ પછી મને તારું મોઢું જ ના બતાવતો. તું અમારા માટે મરી ગયો છે એવું સમજી લઈશું. અહીં કોઈ તારા મા બાપ નથી રહેતા તો હવે પછી ફોન ના કરતો."

ગુસ્સામાં ફોન મૂકી દીધો અને મારું કશું સાંભળ્યું પણ નહીં. બીજા દિવસે પપ્પા ઘરે ના હોય તે સમયે ફોન કર્યો અને મમ્મીને કહ્યું કે,

"મમ્મી, હું સીમાને ખૂબ પ્રેમ કરું છું. સીમા સંસ્કારી, સમજદાર અને મારા માટે પરફેક્ટ લાઈફ પાર્ટનર છે. તું એકવાર વાત તો કરી જો, પછી તને ખબર પડશે. જો તને એની વાતો પરથી યોગ્ય ના લાગે તો ના પાડી દેજે, બસ."

મમ્મી પાસે આખરે હતું તો એક માનું જ હ્રદય અને મારી વાત કેમ ટાળી શકે એટલે એને કહ્યું કે,

"કાલે મારી જોડે વાત કરાવજે. પછી તને જે હોય તે કહીશ."

"મમ્મી કાલ પર છોડવાની જરૂર નથી, હાલ જ વાત કરાવું."

મેં સીમાને ફોન પકડાવ્યો અને તેમની વાત ચાલુ થઈ તે છેક અડધો કલાકે પૂરી થઈ. અને છેલ્લે મમ્મી તરફથી અમને ગ્રીન સિગ્નલ મળી ગયું. મમ્મીએ પપ્પાને મનાવવા માટે ઉપાય બતાવતા કહ્યું કે,

"એક કામ કર રામ, તું મારી જેમ પપ્પા સાથે પણ સીમા જોડે વાત કરાવ. તે માની જશે."

"હા મમ્મી, હું જલ્દી કરાવીશ."

"હા પણ, હાલ નહીં. ત્રણ ચાર દિવસ પછી, ત્યાં સુધીમાં હું તારા પપ્પાને સીમા જોડે વાત કરવા માટે તૈયાર કરી દઉં."

મને ખબર જ હતી કે મમ્મી માની જશે તો સીમાની એ ઘરમાં એન્ટ્રી જલ્દી થઈ શકશે, એટલે જ મેં સીમા અને મમ્મીની વાત કરાવી હતી. ત્રણ ચાર દિવસ પછી પપ્પા અને સીમાની વાત કરાવી દીધી. પપ્પા પણ મમ્મીની જેમ સીમા જોડે વાતો કરીને, તેને વહુ તરીકે સ્વીકારવા માટે માની ગયા અને પાછા સીમાને કહે કે,

"પેલા નાલાયકને કહી દેજે કે તું વહુ તરીકે આ ઘરમાં આવી શકે છે, પણ તે નહીં આવી શકે. તે તેની સાસરીમાં જમાઈ તરીકે રહે કે ગમે ત્યાં રહે, મારે શું? મારે એની સાથે વાત જ નથી કરવી, એની સાથે તો મારે કોઈ લેવા દેવા નથી. તું જ મારી વહુ અને દિકરી છે."

આ સાંભળીને સીમા અને મારી સાથે મમ્મીની આંખોમાં ખુશીના આસું આવી ગયા.

હવે સીમાના માતા પિતાને સમજાવવાનું બાકી હતું. તેમને તો સીમાને ઘરમાં થી નીકળવાનું બંધ કરી દીધું. ફોન લઈ લીધો હતો, એટલે કરવું શું એ ખબર નહોતી પડી રહી એટલે મારી મમ્મીએ કહ્યું કે,

"રામ જેમ તે તારા પપ્પાની સીમા જોડે વાત કરાવીને મનાવી લીધા. એમ તું પણ ત્યાં જ જઈને મનાવવા પ્રયત્ન કર."

એમની વાત માનીને હું જોલીને લઈ સીધો જ એના ઘરે. સીમાના પપ્પા ભરતભાઈને જઈને કહ્યું કે,

"હું ડૉ.રામ છું, સાયક્રાટીસ અને તમારી દીકરીને પ્રેમ કરું છું."

પણ ભરતભાઈ ગુસ્સામાં જ કહ્યું કે,

"નીકળ અહિંયાથી, મારે તારી કોઈ વાત નથી સાંભળવી."

મેં ધીરજથી કહ્યું કે,

"એકવાર મારી વાત સાંભળી લો. પછી પણ તમે જો કહેશો તો જતાં રહીશું. પણ મેં મારા મમ્મી પપ્પાને સીમાને તેમની વહુ બનાવવા માટે રાજી કરી લીધા છે. તેમ તમને પણ મનાવવા જ આવ્યો છું. પ્લીઝ એક વાર.. પછી તમે કહેશો તેમ કરીશ"

આ સાંભળીને સીમાની મમ્મી કપિલાબેન મારી વાત સાંભળવા તૈયાર થયા અને સીમાના પપ્પાને પણ તૈયાર કર્યા.

ના છૂટકે સાંભળવા માં ની મમતા આગળ હારી ગયા અને મારી વાત સાંભળવા તૈયાર થઈ ગયા. સીમાના પપ્પા મારી વાતો અને કેરિયર વિશે જાણીને ખુશ થઈ ગયા. તેમને પણ મને જમાઈ તરીકે સ્વીકારી લીધો. સીમાની અને મારી ખુશી બંનેના માતા પિતાના આર્શીવાદ મળતા ડબલ થઈ ગઈ.

તેઓએ મારા મમ્મી પપ્પાને ફોન કરીને વાતો કરી પછી કહ્યું કે,

"નિમેષભાઈ મને આટલો સંસ્કારી, હોનહાર જમાઈ આપવા બદલ આભાર."

તો સામે મારા પપ્પા કહ્યું કે,

"તો પછી મારે તો તમારો ડબલ આભાર માનવો પડે. આવા દીકરા માટે તમારી ગુણી અને સંસ્કારી દિકરી દેવા બદલ."

મારી મમ્મી બોલી કે,

"વેવાણ હાલ ફોન પર જ આપણે એમના સંબંધના મ્હોં મીઠાં કરી લઈએ."

"હા, કેમ નહીં વેવાણ.. નેન્સી જરા ગોળ તો લાવો. જમાઈનું મ્હોં મીઠું કરાવું."

સીમાની મમ્મી ઉવાચ.

ત્યાં જ મારા પપ્પાએ કહ્યું કે,

"ઊભા રહો વેવાણ, વેવાઈ પહેલાં મારે તમારી સાથે વાત કરવી છે. શું તમે ખાસ કરીને સીમા આપણી વાત સાંભળી શકે તેમ કરી શકો ખરા?"

"હા, કેમ નહીં. સ્પીકર પર જ છે."

"સીમા બેટા, વહુ તરીકે તને આવકારવા અમે ખૂબ જ આતુર છીએ. પણ બેટા મારી એક શરત છે, તે તું સ્વીકારી શકીશ?"

સીમા જ શું કામ હું, તેના મમ્મી પપ્પા વિચારમાં પડી ગયા. છતાં સીમાએ પૂછ્યું કે,

"બોલો પપ્પા, શું શરત છે?"

બધાના ચહેરા આતુર કે શું બોલશે. મારા પપ્પાએ કહ્યું કે,

"બેટા લગ્ન પછી તારે અને રામે અહીં સેટ થવું પડશે, બોલ મંજૂર."

અમે બધા સ્તબ્ધ....

(શું સીમા નિમેષભાઈની શરત સ્વીકારશે કે પછી લગ્ન નહીં થાય? જાણવા માટે વાંચો આગળનો ભાગ... સ્કેમ....7)

Share

NEW REALESED