Connection-Rooh se rooh tak - 14 books and stories free download online pdf in Gujarati

કનેક્શન-રૂહ સે રૂહ તક - 14

૧૪.ખુશીઓનું શહેર-અમદાવાદ


શિવ આરામથી સૂતો હતો. જેવી એને જાણ થઈ, કે કોઈ દરવાજો ખખડાવી રહ્યું છે. એ તરત જ ઉભો થયો, અને દરવાજા સામે આવીને દરવાજો ખોલ્યો. દરવાજો ખુલતાં જ એની નજર સમક્ષ એણે અપર્ણાને ઉભેલી જોઈ. એનાં હમણાં જ ધોયેલાં વાળમાંથી પાણી ટપકી રહ્યું હતું. સવાર સવારમાં અપર્ણાને જોઈને શિવ કંઈ બોલી જ નાં શક્યો. એ બસ અપર્ણાને જ જોઈ રહ્યો.
"ઓ હેલ્લો, આઠ થઈ ગયાં. મુંબઈ જવાં નથી નીકળવું?" અપર્ણાએ પોતાનાં કાંડે બાંધેલી ઘડિયાળ ઉંચી કરીને, શિવને સમય બતાવતાં કહ્યું.
"સોરી સોરી, જવું છે ને!" શિવે વાળમાં હાથ ફેરવીને, માસૂમ ચહેરો બનાવીને કહ્યું, "રાત્રે મોડી ઉંઘ આવી, તો સમયનું ભાન જ નાં રહ્યું."
"ઇટ્સ ઓકે, હવે જલ્દી નીચે આવી જા. ચા નાસ્તો તૈયાર છે. એ કરીને જ નીકળીએ." અપર્ણાએ કહ્યું, અને વાળ સરખાં કરતાં કરતાં જતી રહી.
"શું કમાલ છોકરી છે! સવાર સવારમાં પણ એકદમ સ્ફૂર્તિથી ભરી છે, અને હું?" શિવે અરીસા સામે ઉભાં રહીને, ખુદને જ કહ્યું.
એણે બાથરૂમમાં જઈને બ્રશ કર્યું, મોઢું ધોયું અને બહાર આવીને ફરી અરીસા સામે ઉભો રહીને માથું ઓળવા લાગ્યો. પછી ટેબલ પર પડેલી રિવૉલ્વરને પેન્ટના ગર્ડલમા ખોંસીને તરત જ નીચે આવી ગયો. ડાઇનિંગ ટેબલ પર આખોયે શાહ પરિવાર મોજુદ હતો. શિવને આવેલો જોઈને અપર્ણાએ એને પોતાની પાસેની ખુરશીમાં બેસવા ઈશારો કર્યો. શિવે એક નજર જગદીશભાઈ પર કરી. જેમનું ધ્યાન ચા પીવામાં હતું. શિવ કંઈક વિચારીને ખુરશીમાં ગોઠવાયો. માધવીબેને એને ચા નાસ્તો આપ્યો.
શિવે હજું નાસ્તો કર્યો નાં કર્યો, ત્યાં જ અપર્ણાએ એક બ્રાઉન બ્રેડ અને ચા પીને ઉભાં થતાં કહ્યું, "ચાલ હવે, મોડું થાય છે."
"બેટા! એને નાસ્તો તો કરવાં દે." રોહિણીબેને પહેલાં અપર્ણા અને પછી શિવ તરફ જોઈને કહ્યું.
"ઇટ્સ ઓકે આન્ટી, ચા પી લીધી. મારો નાસ્તો એમાં જ આવી ગયો." એણે નરમ અવાજે કહ્યું, "આમ પણ તમારી દીકરી બહું ફાસ્ટ છે. એને રોકવી શક્ય નથી."
શિવની વાતથી માધવીબેન, રોહિણીબેન અને નિખિલનાં ચહેરાં પર સ્મિત આવી ગયું. જ્યારે જગદીશભાઈએ તરત જ આંખો ઝીણી કરીને શિવ સામે જોયું. જાણે એમને શિવની વાત પસંદ નાં આવી હોય. એમનું એવું રિએક્શન જોઈને શિવે નજર નીચી કરી લીધી. પ્રથમેશભાઈએ પહેલાં જગદીશભાઈ સામે જોયું, અને પછી શિવ સામે જોયું. બંને સામે જોયાં પછી અનાયાસે જ એમનાં ચહેરાં પર પણ સ્મિત આવી ગયું.
અપર્ણાએ સાચે જ શિવને નાસ્તો કરવા નાં દીધો. એ તરત જ બધાંને મળીને મુખ્ય દરવાજેથી બહાર નીકળી ગઈ. જગદીશભાઈએ કંઈપણ બોલ્યાં વગર અપર્ણાને ફરી એકવાર મુંબઈ જવાં દીધી. એમને કહેવું તો ઘણું હતું. પણ, અપર્ણાની જીદ્દ આગળ એ આજેય કંઈ કહી નાં શક્યાં. શિવ નાછૂટકે અપર્ણા પાછળ દોરવાયો. બહાર આવીને એણે જીપને પાર્કિંગમાંથી બહાર કાઢી.‌ અપર્ણા એની બાજુની સીટમાં ગોઠવાઈ. શિવે જીપને અમદાવાદની સડક પર હાંકી મૂકી.
અમદાવાદની સવાર ખૂબ સુંદર હતી. રાત્રે શિવ વિચારોમાં ખોવાયેલો હોવાથી અમદાવાદને જોઈ શક્યો ન હતો. અત્યારે એ જીપ ચલાવતો ચલાવતો અમદાવાદને માણી પણ રહ્યો હતો. પાછળ છૂટી રહેલી અમદાવાદની સડક, દુકાનો, માણસો અને અમુક મનમોહક દ્રશ્યોના કારણે શિવનાં ચહેરાં પર અચાનક જ સ્મિત આવી ગયું. જાણે એને મુંબઈની ભાગદોડ ભરેલી જીંદગી કરતાં અહીં શાંતિ મળી હોય. એમ એનો ચહેરો તાજાં ખીલેલા ગુલાબની જેમ ખીલી ઉઠ્યો હતો.
"તો કેવું લાગ્યું અમદાવાદ?" શિવનાં ચહેરાં પર સ્મિત જોઈને અચાનક જ અપર્ણાએ પૂછ્યું.
"બ્યૂટીફુલ! ઓછાં શબ્દોમાં વધું વખાણ કરું, તો અમદાવાદ જેવી શાંતિ અને ખુશી મુંબઈમાં રહીને નાં મેળવી શકાય." એણે સામેની તરફ નજર રાખીને કહ્યું, "મુંબઈ માયાનગરી છે. માણસ ઇચ્છે તો પણ એનો મોહ નાં મૂકી શકે. જ્યારે અમદાવાદ ખુશીઓનું શહેર છે. મોહમાયા સાથે એને કોઈ સંબંધ નથી. અહીં માણસ ફક્ત જીંદગીને ખુલીને જીવવામાં માનતો હોય, એવું અહીંના લોકોનાં ચહેરાં જ કહી દે છે."
"વાહ! તું તો અમદાવાદને બહું સારી રીતે જાણી ગયો." અપર્ણાએ ખુશ થઈને કહ્યું, "બાય ધ વે, તારી સ્માઈલ બહું સુંદર છે. આમ જ ખુશ રહે. ખુશી તારાં ચહેરાં પર સારી લાગે છે."
અપર્ણાની વાત સાંભળીને અચાનક જ શિવથી એની સામે જોવાઈ ગયું. પણ, એનું ધ્યાન તો બીજે જ હતું. એનાં ચહેરાં પર છ મહિના બાદ અમદાવાદને મળ્યાની ખુશી સાફ નજર આવતી હતી. માન્યું, અમદાવાદ કોઈ વ્યક્તિ નથી, કે અપર્ણા એને મળવા આવે. પણ, એનાં માટે તો અમદાવાદનો દરજ્જો કંઈક એવો જ હતો. જાણે એક મિત્ર માટે એનો બીજો મિત્ર! અપર્ણાએ જન્મથી માંડીને પચ્ચીસ વર્ષ અમદાવાદમાં ગુજાર્યા હતાં. એનો અમદાવાદ સાથે એક અલગ જ સંબંધ બંધાઈ ગયો હતો.
ખુશ હોય ત્યારે લો ગાર્ડન, દુઃખી હોય ત્યારે કાંકરિયા તળાવ, ખાવાની ઈચ્છા થાય તો દિવાન ભેળ પકોડી સેન્ટરની પાણીપુરી, શોપિંગ માટે તો કોઈ જગ્યા જ છોડી ન હતી. એક રીતે કહીએ તો અમદાવાદનાં દરેક રસ્તાઓ અપર્ણાને સારી રીતે ઓળખતાં અને અપર્ણા માટે અમદાવાદની બધી સડકો અને જગ્યાઓ એની મોજમસ્તી માટે જાણીતાં હતાં.
શિવ ક્યારેક સડક પર તો ક્યારેક અપર્ણા તરફ જોઈને હરખાતો હતો. સવારે મોડાં સુધી સુવાની આદતથી ટેવાયેલી અપર્ણાને એક કલાક પછી તો ઉંઘ આવી ગઈ. હવે એ ક્યારે જાગશે? એનું કંઈ નક્કી ન હતું. હજું આઠ કલાકનું સફર બાકી હતું. જે શિવે આમ તો અપર્ણાની સાથે પણ આમ અપર્ણા વગર જ ખેડવાનું હતું.

જગજીતસિંહ હોલમાં બેસીને કોઈ ઉંડા વિચારોમાં ખોવાયેલાં હતાં. એ સમયે રાધાબા કિચનમાં હતાં. એમનો ચહેરો જોતાં એમનું મન બેચેન હોય એવું જણાતું હતું. હવે રાધાબાથી વધું સહન થાય એમ ન હતું. શિવ રાત્રે પણ ઘરે આવ્યો ન હતો. અત્યારે સવારનાં નવ વાગી રહ્યાં હતાં. છતાં પણ એનો કોઈ અતોપતો ન હતો. હવે રાધાબા શિવ વિશે પૂરી જાણકારી મેળવી લેવાનાં મૂડમાં હતાં. એ તરત જ કિચનમાંથી બહાર આવીને જગજીતસિંહની સામે ઉભાં રહી ગયાં.
"શિવ ક્યાં છે, તમે મને જણાવશો?" એમણે માંડ કરીને પોતાની ચિંતા છુપાવતા પૂછ્યું. છતાંય એમનાં અવાજમાં એમની ચિંતા વર્તાતી હતી, "એ કાલ રાતનો ઘરે નથી આવ્યો. એ હેમખેમ તો છે ને? મને એની ચિંતા થાય છે. તમે કંઈ જણાવશો?"
"શાંતિ જાળવો." જગજીતસિંહે એકદમ સ્વસ્થ અવાજે કહ્યું. જ્યારે એ ખુદ અંદરથી પરેશાન હતાં, "એ કોઈ કામથી અમદાવાદ ગયો છે. બસ આવતો જ હશે." કહીને જગજીતસિંહ ઉભાં થઈને બહાર જતાં રહ્યાં. એમનાં જતાં જ રાધાબા સોફા પર પછડાઈ પડ્યાં.
જગજીતસિંહ બરાબર જાણતાં હતાં, કે સવારે નીકળેલો શિવ એટલી જલ્દી મુંબઈ નાં પહોંચી શકે. નવ કલાકની સફરનાં આઠ કલાક કરી શકાય. પણ, આઠ મિનિટ તો નાં જ થઈ શકે. છતાંય એ ઊંચાનીચા થતાં હતાં. એમનું મન ક્યાંય શાંત ન હતું. એ જલ્દીથી શિવને પોતાની નજર સમક્ષ જોવાં માંગતા હતાં. બહાર આવીને એ ગાર્ડનમાં આમથી તેમ આંટા મારવા લાગ્યાં. ક્યારેક ખુરશી પર બેસતાં, તો વળી પાછાં ઉભાં થઈ જતાં. એમનું મન બેચેન હતું.
"માલિક! પરેશાન નાં થાવ. શિવભાઈ આવતાં જ હશે." સવાર સવારમાં જગજીતસિંહને પરેશાન જોઈને, રઘુએ આવીને કહ્યું.
"તો શું કરું?" જગજીતસિંહ માથું પકડીને ખુરશી પર બેસી ગયાં, "એ છોકરાએ કેટલું મોટું કાંડ કરી નાખ્યું છે? એ એને ખુદને ખબર નહીં હોય. મુના બાપુ એની સાથે શું કરશે? એ મને ખુદને ખબર નથી. એમાં પરેશાન કેમ નાં થાવ? મુના બાપુએ એને મારી...." કહેતાં કહેતાં જગજીતસિંહનું શરીર ધ્રુજી ઉઠ્યું. એ આગળ કંઈ નાં બોલી શક્યાં. એમની આંખો સામે અંધારાં આવી ગયાં.
ઘરનાં દરવાજે ઉભેલાં રાધાબાએ આ બધું સાંભળ્યું, તો એમની આંખો પણ ભરાઈ આવી. એ ત્યાં ફર્શ પર જ પછડાઈ પડ્યાં. એમની આંખો સામે શિવનો હસતો ચહેરો તરવરવા લાગ્યો. એ સાથે જ આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી. ઘરનાં નોકરે એમને એ હાલતમાં જોયાં, તો તરત જ એ બાજું દોડી આવ્યો.
"માલિક! બા...." એણે ઉંચા અવાજે બૂમ પાડી. એની બૂમ સાંભળીને જગજીતસિંહ અને રઘુ બંને અંદર દોડી આવ્યાં. રાધાબાની એવી હાલત જોઈને જગજીતસિંહને સમજતાં જરાં પણ વાર નાં લાગી, કે એમણે જગજીતસિંહ અને રઘુની વાતો સાંભળી લીધી છે.
જગજીતસિંહે તરત જ રાધાબાને સહારો આપીને ઉભાં કર્યાં, અને સોફા પર બેસાડ્યાં. નોકર એમનાં માટે પાણી લઈ આવ્યો. જગજીતસિંહે એમને પાણી પીવડાવીને શાંત કર્યા. પણ, આજે રાધાબા શાંત નાં થયાં. એ ચોધાર આંસુએ રડી પડ્યાં. આખરે સવાલ એમનાં એકનાં એક દીકરા શિવનો હતો.

(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"