Avaavaru Railway Station - 2 books and stories free download online pdf in Gujarati

અવાવરું રેલ્વે સ્ટેશન - 2

ભાગ - ૨

ઘણી વખત સફેદ ડગલામાં રહેલો માણસ વધારે મેલો હોય તેવું પણ બની શકે, આખું ગામ જેને ઉતાર માનતું હોય તે વ્યક્તિ અંદરથી સ્વચ્છ અને પવિત્ર હોય તેવું પણ બને. બાવળિયાની ઝાડી માં નાનકડી કેડી ઉપર આગળ ભૂમલો અને પાછળ ગૌરી, નાના ઉંઘેલા બાળકને ભૂમલાએ પોતાના ખભે નાખી દીધું છે. ભૂમલો હતો તો ઉતાર માણસ પરંતુ છ ફૂટની ઉંચાઈ અને પડછંદ કાયા ધરાવતો હતો, જો પાંચ જણાને બાથ ભરી લે તો કોઈ તેની બાથમાંથી છૂટી ના શકે તેવો મજબૂત હતો, હાથી ની સૂંઢ ઉપર જો મુક્કો મારે તો હાથી પણ ઘડીભર તો તમ્મર ખાઈ જાય તેવો પહાડી હતો. ભલે ગામનો ઉતાર કહેવાતો પણ આખરે માણસ પણ હતો,સફેદ કપડાં પહેરીને દુષ્ટતા આચરતા લોકો જેવો તે જરાય નહોતો,ખોટી વાત સહન ના થાય એટલે ગામ લોકો જોડે બાથડી પડતો તો, ક્યારેક વળી મારામારી ઉપર ઉતરી જતો,બીજું... ઘરમાં કોઈ બાઈ માણસ નહોતું અને એકલો રહેતો હોવાને કારણે પણ તે ગામના માણસોમાં બહુ ભળતો નહોતો, એક નાનકડું ખેતર હતું જેમાં અનાજ પકવી ને પોતાનું ગુજરાન ચલાવતો હતો..કોઈ ની આગળ ઝુકતો નહોતો.. ઓશિયાળો પણ નહોતો રહેતો,ભૂખ્યો સૂઈ જાય પણ કોઈની સામે હાથ લાંબો ના કરે તેવો સ્વમાની પણ ખરો. જીવન જીવવાના આદર્શ અને મૂલ્યો તેના પોતાના આગવા હતા, સાચી વાતમાં કોઈની સાડાબારી રાખતો નહિ,અમીર અને પૈસાદાર લોકોને લૂંટવામાં કંઇ જ ખરાબ નથી તેવી તેની પાપ-પુણ્ય ની આગવી વ્યાખ્યા હતી.  પૈસાદાર લોકો પાસે માંગવું એના કરતા ઝૂંટવી લેવું વધારે સારું તેમાં આપણા સ્વમાન ને જરાય ઠેસ ના પહોંચે તેવું તેનું આગવું ગણિત હતું અને હમેંશા આકરા પાણીએ રહેતો હતો તેથી ગામ લોકો માં થોડોક અળખામણો પણ હતો. એક અજાણી બાઈ ને પોતાની નાનકડી ઝૂંપડી માં રાખવાથી શું પરિણામ આવશે તે સારી રીતે જાણતો હોવા છતાં પણ કોઈની પરવા કર્યા વગર સામી છાતીએ આ નિરાધાર બાઈ ગૌરી ને મદદ કરવા કટિબદ્ધ થયો હતો. ગામનું પાદર નજીક આવી ગયું હતું. ગૌરી ખૂબ થાકી ગઈ હતી, બાળક ભૂખ્યું થતા રડવા માંડ્યું, ઝૂંપડી આવી ગઈ, અંધારું આખા ગામમાં ફરી વળ્યુ હતું, લોકો વાળું પાણી કરીને સૂવાની તૈયારી કરી રહ્યા હતા, શિયાળા ની કડકડતી ઠંડી પોતાનો રુઆબ જમાવી રહી હતી. ગૌરી ને ઝૂંપડીમાં રાખી  બાળક માટે દૂધ ની વ્યવસ્થા કરવા ગામમાં ગયો, એ જાણતો હતો કે ગામમાં માંગીને તો કોઈ આપશે નહિ એટલે કોઈ બીજાના વાડામાં રહેલી ભેંસ ને પંપાળી થોડું લીલું ઘાંસ નાખી તપેલું ભરી દૂધ કાઢી લીધું. ગામની ભેંસો ને એકસાથે વગડામાં ચરાવવા પોતે જ લઈ જતો અને સાંજે મૂકી જતો એટલે ભેંસો પણ ભુમલા ને ઓળખતી હતી. બહાર ફળિયામાં રહેલા ચૂલા ઉપર બાજરીનો રોટલો ટીપી નાખ્યો અને વાળું કરીને ગૌરી ને ઘરની અંદર સૂવાની વ્યવસ્થા કરી પોતે ફળિયામાં ખાટલા ઉપર લંબાવી દીધું.

ક્રમશ..